લોખંડનું પાત્ર નિવારશે લોહતત્ત્વની ઊણપ!

લોખંડના પાત્રમાં ભોજન બનાવીને ખાવાથી આ સમસ્યા નિવારી શકાય છે.
  • આરોગ્ય – નરેશ મકવાણા

જાણીને આઘાત લાગશે કે દેશભરમાં લોહતત્ત્વની ઊણપને કારણે ૫૩ ટકા મહિલાઓ જ્યારે ૫૮.૪ ટકા બાળકો એનીમિયા ઉર્ફે પાંડુરોગનો શિકાર બને છે. ગુજરાતમાં આ આંકડો મહિલાઓમાં ૫૧ ટકા જ્યારે બાળકોમાં ૬૨ ટકા જેટલો ઊંચો છે. આ સ્થિતિ નિવારવા માટેનો એક નવતર પ્રયોગ હાલમાં જ રાજ્ય સરકારે અમલમાં મૂક્યો છે. શું છે આખો મામલો ચાલો જાણીએ…

 ગુજરાતીમાં કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા‘. માણસના સુખી જીવનની ચાવી તેના સ્વસ્થ આરોગ્યમાં રહેલી છે. ગમે તેટલો પૈસાદાર માણસ પણ જો શારીરિક રીતે સક્ષમ ન હોય તો સુખી ગણાતો નથી. આ કહેવતમાં એટલે જ સુખની વ્યાખ્યામાં પહેલા શરીરની સ્વસ્થતાને મૂકવામાં આવી છે. સીધી વાત છે કે, માનવીએ સુખી થવું હોય તો પહેલાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું પડે, શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારવી પડે, પણ આપણે ત્યાં બને છે તેનાથી ઊંધું. લોકો છેલ્લી ઘડી સુધી બીમારીને સતત અવગણ્યા કરે છે. એ ત્યાં સુધી કે ખુદના સ્વાસ્થ્યની ખરી કિંમત તેને જે-તે બીમારી ઊથલો મારીને બહાર આવી જાય એ પછી જ સમજાય છે.

હેલ્થશબ્દ જૂના જર્મન અને એન્ગ્લો સેક્સન શબ્દ હેલપરથી ઊતરી આવેલો છે. જેનો અર્થ હોલનેસઅર્થાત્ સમગ્ર, સ્વસ્થ, પવિત્ર એવો થાય છે. ગ્રીક વૈદ્ય ગેલનના મતે સ્વાસ્થ્ય કે સ્વસ્થતા ત્યારે જ ઉદ્દભવે છે જ્યારે શરીરનાં ગરમ, ઠંડા, સૂકાં, ભીનાં અંગભૂત તત્ત્વો વચ્ચે સમતુલન સધાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ૧૯૬૪માં રજૂ કરેલી સ્વાસ્થ્યની વ્યાખ્યા મુજબ શારીરિક, માનસિક અને સામાજિક, આધ્યાત્મિક સુખાકારીની સંપૂર્ણ અવસ્થા એટલે માત્ર રોગોની ગેરહાજરી નહીં, પણ તમામ પ્રકારનાં તત્ત્વો વચ્ચે સમતુલા સધાય તે. ટૂંકમાં, વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્ત્વનું છે.

ઉપર જણાવી તે વ્યાખ્યા મામલો સમજવા માટે પૂરતી છે. વધુમાં તે જાહેર ભાષણોમાં વિદ્વાન હોવાની છાપ ઊભી કરવા માટે અભ્યાસુને કામમાં લાગી શકે, પણ વાસ્તવિકતાની ભૂમિ પર ઊતરીને તપાસ કરીએ તો હકીકત મોં ફાડીને સામે આવી જાય છે. સ્થિતિ એ છે કે સરેરાશ માણસ પોતાના આરોગ્યને લઈને આપણે ધારીએ છીએ તેટલો જાગૃત નથી. ખાસ કરીને ગામડાંઓમાં આજે પણ અનેક લોકો ગમે તેવી બીમારીમાં પણ દવા ન લેવાની જિદ લઈને જીવતાં જોવા મળે છે. આ અપવાદ હોઈ શકે છતાં સામાન્ય માણસ પોતાના સ્વાસ્થ્યને લઈને એટલો ગંભીર નથી એવું આપણી સ્ટોરી જેના પર આધારિત છે તે એનીમિયા ઉર્ફે પાંડુરોગના આંકડાઓ જોઈને પણ ખ્યાલ આવે છે. આ મામલે ગુજરાત અને ભારતમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય ચિંતા ઉપજાવે તેવું છે. લાંબા સમયથી આ બીમારીએ ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓ અને બાળકો પર કેર વર્તાવ્યો છે ત્યારે હવે જતાં તેનો ઉકેલ મળતો દેખાય છે. એ મૂળ વાત તરફ આગળ વધતાં પહેલાં પાંડુરોગને સમજી લઈએ. કેમ કે, આગળની આખી વાત તેના પર જ આધારિત છે.

દેશમાં પાંડુરોગનું સામ્રાજ્ય
કહેવાય છે કે પાંચ પાંડવોના પિતા પાંડુરાજા ફિક્કા દેખાતા હતા, થોડું કામ કરે અને થાકી જતાં. તેમના નામ પરથી આ રોગનું નામ પાંડુરોગ પડ્યું છે. તેને અંગ્રેજીમાં એનીમિયા કહે છે. આ ખૂબ સામાન્ય રોગ છે અને આપણે ત્યાં ખાસ કરીને સગર્ભા મહિલાઓમાં તેનું પ્રમાણ ઘણુ ઊંચું છે. પાંડુરોગના દરદીના લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તો પ્રાણવાયુ ઓછો મળે છે. ખૂબ અશક્તિ લાગે, એ ત્યાં સુધી કે રોજિંદંુ કામ કરવામાં પણ થાક લાગે. ચાલવાથી હાંફ ચડે. હાથ પગ પાણી પાણી થઈ જાય. આંખે અંધારા આવે, શરીર દુઃખે, સ્વભાવ ચીડિયો થઈ જાય. બાળકોમાં તેના કારણે શારીરિક અને માનસિક વિકાસ પર અસર થાય. શરીર ફિક્કું પડી જાય.

નેશનલ ફેમિલી હેલ્થ સરવેના એક રિપોર્ટમાં દેશમાં ૧૫થી ૪૯ વર્ષની ઉંમરની ૫૩ ટકા મહિલાઓ એનીમિયાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ૬ માસથી લઈને ૬ વર્ષ સુધીનાં ૫૮.૪ ટકા બાળકો તેના ભરડામાં છે. ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, આ મામલે ભારત ઈથોપિયા જેવા આફ્રિકી દેશોથી પણ પાછળ છે. દેશની ૧૮થી ૪૯ વર્ષની ૫૧ ટકા મહિલાઓમાં લોહીની ઊણપ જોવા મળી છે. જેનાથી તેમનાં થનાર બાળકો પણ એ રીતે નબળાં રહી જવાની ભીતિ રહેલી છે. રિપોર્ટ મુજબ પ્રસવ સમયે થતાં ૨૦ ટકા બાળકોનાં મોતમાં લોહીની ઊણપ જવાબદાર હોય છે. આ સિવાય ૫૦ ટકા અન્ય મૃત્યુ પણ એનીમિયાને કારણે થતી બીમારીઓથી થાય છે. નિષ્ણાતોના મતે બાળકનું ઓછું વજન એટલે માતાના એનીમિયાગ્રસ્ત હોવું. લોહીની ઊણપ ખોરાકમાં પૌષ્ટિકતત્ત્વો ખાસ કરીને લોહતત્ત્વની કમીના કારણે હોય છે. અગાઉ ૧૯૭૦માં એનીમિયા સામે કેન્દ્ર સરકારે નેશનલ એનીમિયા પ્રોફ લેક્સિસ પ્રોગ્રામ ચલાવ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૧માં સરકારે યોજનાનું નામ બદલીને નેશનલ ન્યૂટ્રિશનલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ રાખ્યું હતું. ગર્ભવતી અને બાળકોના આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકની વ્યવસ્થા કરાઈ હતી.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ગુજરાતના ડાયરેક્ટર ડૉ. ગૌરવ દહિયા કહે છે, ‘ગુજરાતની વાત કરીએ તો, નેશનલ ફૅમિલી હેલ્થ સરવેના આંકડાઓ મુજબ ૦૬થી ૫૯ માસનાં બાળકોમાં ૬૨.૬ ટકા બાળકોમાં પાંડુરોગ અર્થાત્ એમીનિયા જોવા મળ્યો. જ્યારે અડધાથી વધુ એટલે કે ૫૧.૩ ટકા સગર્ભા મહિલાઓમાં પાંડુરોગની પરિસ્થિતિ જોવા મળી હતી. એનીમિયાથી બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ રૃંધાતો હોઈ બાળકોમાં શૈક્ષણિક વિકાસ અટકે છે, માનસિક બુદ્ધિમત્તામાં ઘટાડો થાય છે. તો તરુણાવસ્થામાં થયેલ એનીમિયા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મુશ્કેલી ઊભી કરે છે. તે માતાના ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ અટકાવે છે. ગંભીર પ્રકારનો પાંડુરોગ માતા-બાળક બંને માટે જોખમી છે. તેની વિપરીત અસરો બહુ મોટી છે. ખાસ તો શારીરિક વિકાસમાં ઘટાડો થાય છે, જાતીય અને પ્રજનન વિકાસને હાનિ પહોંચે છે. મહિલાઓમાં અનિયમિત માસિકસ્ત્રાવ, ઓછાં વજનનાં બાળકો જન્મે છે. બાળકોમાં મગજનો વિકાસ ઓછો થાય છે, જેના કારણે તેનું ભણવામાં ધ્યાન ઓછું લાગે છે, તેની ગ્રહણશક્તિમાં ખલેલ પડે છે, જેના કારણે તેની શીખવાની ક્ષમતા નબળી પડી જાય છે, પણ હવે તેનો ઉપાય અમે શોધી કાઢ્યો છે.

લોઢી ઢેબર ખાય, તે ઘેર વૈદ્ય કદી ના જાય
પહેલી નજરે આ ઉપાય તમને વિચિત્ર લાગી શકે, પણ તે અક્સીર સાબિત થયો છે. નિષ્ણાતોના મતે લોખંડના પાત્રમાં ભોજન બનાવીને ખાવાથી આ સમસ્યા નિવારી શકાય છે. એક અભ્યાસ મુજબ લોખંડની વસ્તુઓના ઉપયોગથી માનવશરીરમાં લોહતત્ત્વની કમીની પૂર્તિ થાય છે અને આ માટે કંબોડિયાનું ઉદાહરણ આપણે સ્વીકારેલું છે. ત્યાં કામ કરતાં કેનેડિયન હેલ્થ કાર્યકરોએ વર્ષ ૨૦૦૮માં માછલીના આકારનો લોખંડનો ટુકડો તૈયાર કરેલો. જે રાંધવાના વાસણમાં ૧ લિટર જેટલા ઊકળતાં પાણીમાં ૨ લીંબુનો રસ મિક્સ કરીને તેમાં ૧૦ મિનિટ માટે રાખવામાં આવતો. તેની પાછળનો તર્ક એવો હતો કે લીંબુનો રસ આંતરડામાં રહેલા આયર્નના શોષણમાં સુધારો કરે. આશરે ૯૨ ટકા ગ્રામવાસીઓ જેમની પાસે લોખંડની વસ્તુ હતી તે નિયમિતપણે તેનો ઉપયોગ કરતા હતા. આ તરકીબ આયર્ન ફિશતરીકે જાણીતી બનેલી. ત્યાં જમવાનું બનાવતી વખતે લોકો માછલીના આકારના લોખંડના ટુકડાને ભોજનમાં ઉમેરી દે છે અને ભોજન તૈયાર થઈ ગયા બાદ તેને કાઢી લઈ, ધોઈને ફરી ઉપયોગમાં લે છે. મહિનાઓ સુધી આ રીતે તૈયાર થયેલું ભોજન લેવાથી કંબોડિયાવાસીઓમાં લોહતત્ત્વની કમી ૫૦ ટકા સુધી ઘટાડી શકાઈ છે. આ તરકીબ

હવે આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને સ્વીકારી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડૉ. પ્રકાશ વાઘેલા આની પાછળનું કારણ સમજાવતાં કહે છે, ‘અન્ય વાસણોની તુલનામાં લોખંડના વાસણમાં બનેલું ભોજન વધારે પૌષ્ટિક હોય છે. તેમજ જેનાથી શરીરને ઘણા લાભ થાય છે. દેખાવમાં અને વજનમાં ભારે, સરળતાથી ન ઘસાતાં લોખંડનાં વાસણોમાં રસોઈ બનાવવી આરોગ્ય માટે ફાયદાકારક છે. લોખંડનાં વાસણોમાં બનાવેલ ભોજનમાં લોહતત્ત્વ(આયર્ન) જેવાં જરૃરી પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. તેમાં રાંધવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેના કારણે લોહતત્ત્વ ભોજનમાં પણ ભળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે નોનસ્ટિકનાં વાસણોની તુલનામાં લોખંડના વાસણમાં બનાવેલા ભોજનમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હતું. આ ભોજન બાળકોને સતત ચાર મહિના સુધી નિયમિત રીતે આપવામાં આવે તો તેના હિમોગ્લોબીનના પ્રમાણને ઊંચું લાવી શકાય છે. તો સર્ગભાઓ માટે પણ તે સલામત છે.

હાલ લોખંડનાં વાસણોનો ઉપયોગ કરવા મામલે સૌથી મોટું ઉદાહરણ ગુજરાત રાજ્યનાં હેલ્થ કમિશનર ડૉ. જયંતી રવિનું છે. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ જનસામાન્ય માટેની યોજનાઓનો અમલ પોતાના પરિવાર પર કરતા હોય તેવા દાખલાઓ આપણે ત્યાં આંગળીના વેઢા પણ વધી પડે એટલા માંડ છે અને તેમાં તેમનું નામ આદર સાથે મૂકવું પડે. કેમ કે તેમણે સૌ પ્રથમ પોતાના ઘરથી જ આ પ્રયોગ શરૃ કર્યો છે. આ માટે તેમણે પોતાના રસોડામાં રહેલા નોનસ્ટિકી વાસણો બદલીને તેની જગ્યાએ ખાસ લોખંડનાં વાસણો વસાવ્યાં છે. હવે સમગ્ર પરિવારની રસોઈ તેઓ લોખંડનાં વાસણોમાં જ તૈયાર કરીને પીરસે છે અને તેના ફાયદા પણ તેમને જોવા મળ્યા છે.

લોખંડના વાસણમાં ખોરાક રાંધવાના ફાયદા
લોખંડના વાસણમાં ભોજન રાંધવાના અનેક ફાયદા છે. જેમાંનો સૌથી મોટો ફાયદો એ કે તેનાથી ખોરાકમાં લોહતત્ત્વનું પ્રમાણ વધે છે. નોનસ્ટિક વાસણો કરતાં લોખંડના વાસણમાં બનેલા ખોરાકમાં તે પ્રમાણ ઊંચું હોવાનું પણ સાબિત થયું છે. આ પ્રકારનું ભોજન એનીમિયામાં ખૂબ ઉપયોગી છે. જો તમે ભોજનમાં આયર્નની માત્રા વધારવા માગો છો તો નવી લોખંડની કઢાઈમાં જમવાનું બનાવવું હિતાવહ છે.

આ તો થઈ તેના ફાયદાની વાત. આ સિવાય કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૃરી છે. જેમ કે, અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વાર જ લોખંડના વાસણમાં જમવાનું બનાવવું જોઈએ. ખાટા તેમજ એસિડવાળા ભોજન લોખંડ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેનાથી ભોજનમાં ધાતુ જેવો અપ્રિય સ્વાદ પેદા થાય છે. માટે કઢી, રસમ, સાંભર અને ટમેટાં વાળી વસ્તુ તેમાં બનાવવાનું ટાળીને સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં બનાવવી જોઈએ. આ ઉપરાંત લોખંડનાં વાસણોમાં બનાવેલું ભોજન તરત જ અન્ય કાચ, ચિનાઈ માટી કે સ્ટીલના વાસણમાં કાઢી લેવું અને ઉપયોગ બાદ તરત ઘસીને સાફ કરી નાખવું. હાલ તો રાજ્ય સરકારે આ મામલે લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ. તથા અન્ય વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને જન આંદોલન તરીકે અભિયાન શરૃ કરવા તથા મહત્તમ લોકો તેનો ઉપયોગ કરતાં થાય તે માટે પ્રયત્નો કરવા ભલામણ કરેલી છે, ત્યારે આગામી દિવસોમાં તેની કેવી અને કેટલી અસર પડે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
——————–

નરેશ મકવાણા
Comments (0)
Add Comment