ગાલિબની દરેક શાયરીમાં જીવનની સમસ્યાઓનો ઉકેલ મળે છે

'પૂછતે હૈ વહ કી ગાલિબ કૌન હૈ, કોઈ બતલાઓ કી હમ બતલાયેં ક્યા?'

મુકામ મુંબઈ – લતિકા સુમન

ગાલિબની દરેક શાયરીમાં આપણને જીવનની મસ્યાઓનો ઉકેલ મળે છે

પૂછતે હૈ વહ કી ગાલિબ કૌન હૈ, કોઈ બતલાઓ કી હમ બતલાયેં ક્યા?’

મિર્ઝા ગાલિબનું નામ સાંભળતાં જ તે તમામ શાયર આપણી નજર સમક્ષ આવી જાય છે. આ શાયરોની શાયરીમાં દર્દ હતું, જુસ્સો હતો, પ્રેમ હતો અને તેમણે સમાજમાં સમાનતાનો પાયો મૂકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાથે તેમનામાં જુલ્મની સામે અવાજ ઉઠાવવાની તાકાત પણ હતી. આમ છતાં તે તમામ શાયરોમાં ખુદના જોશ સાથે જીવવાનો એક અલગ અંદાજ પણ હતો. આપણે તે તમામ શાયરોની શાયરીમાં પોતાની જાતને શોધવાની કોશિશો કરીએ છીએ. આપણી માટીમાં જેમનાં મૂળ આજે પણ એટલાં જ મજબૂત છે તે મિર્ઝા ગાલિબ જેવા શાયરે ૧૦૦ વર્ષના વહાણા વીતી જવા છતાં દરેક હિન્દુસ્તાનીના દિલમાં તેમણે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. માટે જ તેમની યાદોને જીવંત રાખવાના ભાગરૃપે તેમનું એક ભીંતચિત્ર (મ્યુરલ) તૈયાર કરવામાં આવ્યું છે.

મુંબઈના નાગપાડા જંક્શન પાસે મિર્ઝા ગાલિબ રોડ આવેલો છે. તે રોડની વચ્ચોવચ નાગપાડા પોલીસ સ્ટેશનની પાસે લગભગ ૪૨ બાય ૧૦ ફૂટનું એક એવું ભીંતચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે આપણને મિર્ઝા ગાલિબ જેવા મહાન શાયરની હંમેશાં યાદ અપાવશે. આર્ટિસ્ટ તુષાર શિંદે અને દામોદર આવારેએ ચાર મહિનાની મહેનતના અંતે આ ભીંતચિત્ર તૈયાર કર્યું છે. જ્યારે સમાજવાદી પાર્ટીના કોર્પાેરેટર રઇસ શેખે તેમની સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે પહેલાં તો બંનેને સંશય હતો, પરંતુ જે.જે. સ્કૂલ ઓફ આર્ટના ૨૩ આર્ટિસ્ટો સાથે મળીને જ્યારે તુષાર શિંદેએ ફાઇબરથી બનેલા મ્યુરલને તેમની સમક્ષ રજૂ કર્યું ત્યારે રઇસ શેખે બંને આર્ટિસ્ટોને ગળે લગાડતા કહ્યું કે, મને તો વિશ્વાસ જ નથી થતો કે તમે આટલું સુંદર મ્યુરલ બનાવ્યું છે. આ મ્યુરલમાં મિર્ઝા ગાલિબનું ચિત્ર વચ્ચે છે. જમણી બાજુએ મિર્ઝા ગાલિબને બહાદુર શાહ ઝફરના દરબારમાં ગઝલ રજૂ કરતા દર્શાવ્યા છે તો ડાબી તરફ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ભીંતચિત્ર પર અસલમ કિરતપુરે ઉર્દૂમાં ગાલિબનું કાવ્ય લખ્યું છે. આ ભીંતચિત્રનું અનાવરણ મેયર વિશ્વનાથ મહાડેશ્વરના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાલિબની યાદોને તાજી કરવા માટે ગીતકાર જાવેદ અખ્તર અને સ્ટોરી રાઇટર જાવેદ સિદ્દીકી પણ ઉપસ્થિત રહ્યા હતા. જાવેદ સિદ્દીકીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિને ગાલિબની શાયરી સાથે જોડતાં જણાવ્યું કે, જ્યારે કોઈ નવો ઇતિહાસ લખવામાં આવે છે ત્યારે આપણે જૂનો ઇતિહાસ ભૂલી નથી જતા. મિર્ઝા ગાલિબનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

જાવેદ અખ્તરે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા કહ્યું કે, જ્યારે હું ૧૫ વર્ષનો હતો ત્યારે મેં મારા પિતાને સવાલ કર્યો હતો કે શું ગાલિબ ખરેખર મોટા શાયર હતા? ત્યારે તેમના પિતાએ કહ્યંુ હતું કે, ના દીકરા, તેઓ તો તેમનાથી પણ મોટા શાયર હતા. પોતે એક હિન્દુસ્તાની છે તે વાત પર પોતાને ગર્વની અનુભૂતિ થાય છે તેમ જણાવતાં જાવેદ અખ્તરે જણાવ્યું કે, આ એવો દેશ છે જ્યાં ગાલિબ જ જન્મ લઈ શકે. ગાલિબ અન્ય કોઈ દેશમાં જન્મ ના લઈ શકે.

આપણે હંમેશાં કહીએ છીએ કે ઉર્દૂ ઘણી મીઠી બોલી છે. તેની તોલે કોઈ ન આવે, પરંતુ એવંુ બિલકુલ નથી. ઉર્દૂથી આગળ પણ ઘણુબધંુ છે. તેમણે જણાવ્યું કે, હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં અનેક પ્રકારની બોલી છે, સાહિત્ય છે, જુદી-જુદી સંસ્કૃતિઓના સમન્વયથી બનેલો આ દેશ છે, જ્યાં દરેક બોલી મીઠી લાગે છે. ચાહે પછી તે ગુજરાતી હોય, મરાઠી હોય, કન્નડ હોય, મલયાલમ હોય કે પછી બંગાળી હોય. દરેકે કંઈ ને કંઈ સારું જ આપ્યું છે. મરાઠી લોકો પાસે વિજય તેંડુલકર અને પુ.લ. દેશપાંડે જેવા સાહિત્યકારો છે, તો આપણી પાસે પ્રેમચંદ છે, નિરાલા છે. દરેક ભાષાનું સાહિત્યમાં પોતાનું વિશેષ સ્થાન છે, દરજ્જો છે. જોકે આ સ્થાનને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી છે. જો કોઈ પોતાના બાળકને ધર્મનું જ્ઞાન આપે છે તો તેમની એ જવાબદારી બને છે કે સૌથી પહેલા તે પોતાના બાળકને માતૃભાષાથી પરિચિત કરે, કારણ કે માતૃભાષા જ માટીની જડ છે.

ઉર્દૂ વિશે જાવેદ અખ્તરે જણાવ્યું કે, પહેલા આ ભાષાની સ્થિતિ એવી હતી કે, ૧૭૯૮માં શાહ અબ્દુલ કાદર સાહેબે કુરાનનું ઉર્દૂમાં ભાષાંતર કર્યું ત્યારે બધા મૌલાના તેમની વિરુદ્ધમાં ગયા અને કહ્યું કે, તમે કાફિર છો. ઉર્દૂમાં કુરાને પાકનું ભાષાંતર કરવું તે ગુનો છે. આ ભાષા અમારા માટે હરામ છે, પરંતુ તેના ૭૦૦ વર્ષ પહેલાં સિંધી ભાષામાં કુરાનનું ભાષાંતર થઈ ચૂક્યું હતંુ. પહેલાના સમયમાં ઉર્દૂ ભાષાને હરામ માનવામાં આવતી હતી, જ્યારે આજે આ ભાષા આપણને મીઠી લાગી રહી છે. એ વાતમાં કોઈ બેમત નથી કે મારી ઉર્દૂ ભાષા મીઠી છે. તેના માટે મને ખૂબ જ પ્રેમ છે અને ગર્વ પણ છે, પરંતુ જે લોકો આજે હિન્દુસ્તાનની માટીથી અલગ થઈને ઉર્દૂ ભાષા બોલી રહ્યા છે, તે લોકો અહીંથી જ ગયા છે. તેમની રગોમાં હિન્દુસ્તાનનું લોહી વહી રહ્યું છે. તે આ વાતને બિલકુલ ન ભૂલે કે ઉર્દૂ હિન્દુસ્તાનની બોલી છે. તમે જે આજે બોલી રહ્યા છો તે મારી માટીની બોલી છે.

જાવેદ અખ્તરે તીખા અંદાજમાં પરંતુ હસતાં હસતાં ઘણી વાતો કહી હતી. તેમની વાતો પરથી લાગ્યું કે આજે સમાજમાં ભાષાની જે દીવાલો ઊભી થઈ ગઈ છે તેને હટાવવા દરેક વ્યક્તિએ પોતાના ઘરથી જ શરૃઆત કરવી પડશે. આ સ્થિતિને સ્પષ્ટ કરતા તેમણે કહ્યંુ કે, આજે જે લોકો અંગ્રેજીમાં ભણી રહ્યા છે તેઓ ઉદાર જરૃર બની રહ્યા છે, પણ સાથે-સાથે તે પોતાની જડથી પણ દૂર થઈ રહ્યા છે અને પોતાની જાતને પાવરફુલ સમજવા લાગ્યા છે. બીજી તરફ જેઓ માતૃભાષામાં ભણી રહ્યા છે તે જમીનથી ઉપર ઊઠવા કે આગળ વધવા માટે તૈયાર જ નથી, કારણ કે અંગ્રેજી બોલનારા તેમને સુપિરિયર લાગે છે. આથી અંગ્રેજી બોલનારાને તેઓ પોતાના શત્રુ સમજે છે.

પોતાની આ વાતને સમજાવતાં જાવેદ અખ્તરે ગાલિબની કેટલીક શાયરીઓ સંભળાવી તેનો અર્થ સમજાવતા કહ્યું કે, તેમની દરેક શાયરીમાં આપણા જીવનની મુશ્કેલી અને સમસ્યાઓનો જવાબ મળે છે. ગાલિબને જાણે કે પહેલાથી જ ખબર હતી કે એક સમય એવો આવશે કે દરેક વ્યક્તિ સમસ્યાઓની વચ્ચે ઘેરાયેલો હશે. તેને ખબર નહીં હોય કે મારે આગળ જવાનું છે કે પાછળ જવાનું છે… આવા સમયે ગાલિબની આ શાયરી ઘણુબધું કહી જાય છે…

 ‘ઇમાં મુઝે રોકે હૈ જો ખીંચે હૈ મુજે કુફ્ર,
 કાબા મેરે પિછે હૈ કલીસા મેરે આગે.

આ શાયરીનો અર્થ સમજાવતા જાવેદ અખ્તરે જણાવ્યું કે, હું મારા ઈમાનથી ભટકી ગયો છું. કલીસાનો મતલબ ચર્ચ એટલે કે વેસ્ટર્ન કલ્ચર. જે મને પોતાની તરફ ખેંચી રહ્યંુ છે અને કાબા મારી પાછળ છે. જે મારી જડો છે અને તે પાછળ રહી ગઈ છે, હું વચ્ચે જ અસમંજસમાં અટવાઈ ગયો છું. આપણી સ્થિતિ પણ આવી જ છે, જે આપણે ગાલિબની શાયરીમાં મહેસૂસ કરી શકીએ છીએ.
—————-

મિર્ઝા ગાલિબલતિકા સુમન
Comments (0)
Add Comment