- કવર સ્ટોરી – વિનોદ પંડ્યા
અંતે પ્રિયંકા વાડરા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસે તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચૂંટણી પ્રભાર સોંપ્યો છે. આપણા દેશના જટિલ ગણાતા રાજકારણમાં કરિશ્માઈ વ્યક્તિત્વની નાવ પર સવાર થઈને સફળતાનો દરિયો પાર કરનારા નેતાઓનો ઇતિહાસ રહ્યો છે. કોઈ પણ રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય સત્તાપ્રાપ્તિનું હોય છે અને પક્ષને વિજય અપાવવાની ક્ષમતા હોય તેવા નેતાઓ જ પક્ષમાં અને ચૂંટણીના મેદાનમાં ટકી શક્તા હોય છે. માત્ર ગાંધી પરિવારના વંશજ હોવાના નાતે પ્રિયંકાને કોઈ જ સંઘર્ષ વિના મોટી જવાબદારી મળી છે, ત્યારે અત્યાર સુધી માત્ર અમેઠી અને રાયબરેલીમાં નાની ચૂંટણી સભાઓ દ્વારા સીમિત પ્રચાર કરનારાંં પ્રિયંકાની હવે આગામી સમયમાં રાષ્ટ્રીય ફલક પર ખરી કસોટી થવાની છે.
સૌરાષ્ટ્રમાં લોકો રોજબરોજની વાતચીતમાં બોલતાં હોય છે કે, ‘શું તને રૃપાળો જોઈને નોકરીએ રાખ્યો છે?’, ‘રૃપાળો જોઈને છોકરી આપી!’ વગેરે વગેરે. આમાં અભદ્રતા કે અશાલીનતા જેવું કશું નથી. બીજી લાયકાત ના હોય ત્યારે સ્વરૃપવાન કે અસ્વરૃપવાન દરેકને આવા સવાલો પૂછાતા હોય છે અને ૪૭ વરસની ઉંમર કંઈ નાની નથી. તમે જાહેર જીવનમાં પડેલા કુટુંબમાં જન્મ્યા હો, દુનિયાની તમામ સવલતો હાજર હોય અને પડ્યો બોલ ઝીલનારાઓની કમી ના હોય ત્યારે પણ જાહેર જીવનમાં કશું ઉકાળ્યું ના હોય ત્યારે સ્વાભાવિકપણે આવા સવાલો પૂછાવાના જ છે. ખાસ ત્યારે જ્યારે તમારા ફાયદા માટે અચાનક જાહેર જીવનમાં અચાનક ટપકી પડો છો. પ્રિયંકા ગાંધી તેમાં અપવાદરૃપ શા માટે હોવાં જોઈએ?
પ્રિયંકા ગાંધી દાદી મા ઇન્દિરા ગાંધી જેવાં દેખાય છે… ઇન્દિરાની બીજી છબી તેમાં જોવા મળે છે, વગેરે વાતોનો પ્રચાર કરીને ખુદ કોંગ્રેસીઓ જ દેખાવને મહત્ત્વ આપી રહ્યા છે. પચાસના દાયકામાં અમેરિકામાં ડિઝની વર્લ્ડના ઉદ્ઘાટન પ્રસંગમાં જવાહરલાલ નહેરુ પ્રિયદર્શિની ઇન્દિરા સાથે પહોંચ્યા હતા. એમને ત્યાં ખૂબ માનપાન મળ્યાં હતાં. વૉલ્ટર ડિઝનીએ દુનિયાના તાકાતવર મહાનુભાવોના મોટરકારના કાફલામાં બધાનો છેદ ઉડાડીને ઇન્દિરા જવાહરની કારને સૌપ્રથમ ગોઠવી હતી. એ વખતની દસ્તાવેજી ફિલ્મમાં જોઈ શકાય છે કે ઇન્દિરાજીનો ઠસ્સો અને રૃઆબ તેજસ્વી હતાં. સાડીમાં યુવાન નાની કદકાઠીનાં ઇન્દિરાજી આગળ બીજા બધા વામણા લાગતા હતા. પ્રિયંકા ઇન્દિરાની તોલે આવવાવી વાત બાજુએ રહી. એમનું એક રૃંવાડું પણ પ્રિયંકા નથી અને ઇન્દિરા જેવાં સ્ત્રી જવાહરલાલના પુત્રી હોવાને નાતે પણ દેશનો કારભાર સંભાળે તો આશીર્વાદ ગણાય. એમની સ્પષ્ટ, સ્વચ્છ ભાષા, (હિન્દી અને અંગ્રેજી બંને) રણકારભર્યો ઊંચો અવાજ, નિર્ણય લેવાની સ્ફૂરતા અને સ્ફૂર્તિ, એમનું પરિસ્થિતિનું જ્ઞાન, નાની ઉંમરની મહાન સિદ્ધિઓ, ત્યારની બીબીસી જેવી ચેનલોને આપેલી મુલાકાતો પરથી સ્પષ્ટપણે જોઈ, સમજી શકાય છે. પ્રિયંકા અને ઇન્દિરા વચ્ચે હેરસ્ટાઇલમાં અને થોડા નાકનકશામાં સમાનતા છે. બાકી કોઈ બાબતમાં વિગતેથી સમાનતા જોઈ શકાતી નથી. બહેન પ્રિયંકા ૪૭ વરસનાં થયાં છતાં હવે છેક રાજનીતિમાં સત્તાવાર પ્રવેશ કરી રહ્યાં છે તે બતાવે છે કે એ રાજનીતિથી અળગા રહેવા માગતાં હતાં અથવા આળસુ છે અથવા દેશની કોઈ સમસ્યામાં એમને રસ નથી. જે રીતે પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠાને છે. પ્રિયંકાએ હિમાચલ પ્રદેશમાં ગેરકાનૂનીપણે જંગલ વચ્ચે ભવ્ય પ્રાસાદો અને ફાર્મહાઉસો બાંધવામાં જેટલી ચીવટ લીધી છે એટલી ભારતની કોઈ એક સમસ્યામાં લીધી નથી. ભારતનાં પૂર્વ રાજકુમારો અને રાજકુમારીઓ વધારે સમય વિદેશમાં ગાળતાં હતાં. તેમ પ્રિયંકાની ભારતમાં હાજરી ઓછી જોઈ શકાય છે. ચૂંટણી ટાણે ટપકી પડે છે.
રાહુલ ગાંધીની ભાષામાં જ કહીએ તો હેલિકૉપ્ટર પોલિટિશિયન. એ પણ ત્યારે કે જ્યારે પક્ષમાં બહુ બધંુ બગડી ગયું હોય. ખુદ રાજીવ ગાંધીનાં સંતાનો માનતાં લાગે છે કે પૂર્વજોનાં બલિદાનોની દુહાઈ લઈને સત્તા ભોગવવાના એમના હક્ક અને અધિકારો છે. લોકશાહી તો ગૌણ છે. આ રીતે તૈયાર થયેલાં રાજકુમાર અને રાજકુમારીએ શૈક્ષણિક કે બીજી લાયકાત બાબતમાં કોઈ મીર માર્યો નથી. અન્યથા પ્રિયંકા ગાંધી વાડરા લોકોના જીવનમાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં હોત, જેટલાં ઇન્દિરા ગાંધી હતાં. જેટલાં આજે મેનકા ગાંધી છે, પણ પ્રિયંકા એમના હાથીદાંતના (આઇવરી) પેલેસમાં જ રહ્યાં છે. ભાજપના મહિલા સાધ્વી નેતા પ્રાચીએ બરાબર જ કહ્યું છે કે પ્રિયંકા એક વરસાદી જીવ (દેડકી) છે જે ચૂંટણી ટાણે ફૂટી નીકળે છે. કોંગ્રેસનાં મીરાં કુમારને આવી ભાષા અભદ્ર લાગે છે. કોઈ પણ વર્ણનને અભદ્ર ઠેરવીને નવા પ્રકારની એક સેન્સરશિપ પણ પેદા થઈ રહી છે. નેતાઓના દોષ છાવરવાની આ એક તરકીબ છે. કોંગ્રેસના એક નેતાને પૂછવામાં આવ્યું કે પ્રિયંકાના કોઈ એક બે નોંધપાત્ર લાયકાતો અથવા યોગદાન ગણી બતાવો. તો એ નેતાએ સાચો જવાબ આપ્યો કે હાલમાં કોઈ સિદ્ધિ નથી, પણ હવે પછીનાં પાંચ વરસ બાદ પ્રિયંકાનું કામ બોલશે, કારણ કે હવેથી એમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કામ બોલે તો ખૂબ સારી વાત છે, પરંતુ ૨૦૧૨માં એ ભાઈ વતી અમેઠીમાં ચૂંટણી પ્રચારમાં સ્ટેજ પર દીકરી મિરાયા વાડરા અને પુત્ર રિહાન વાડરા સાથે આવી પહોંચ્યાં હતાં.
ત્યારે રાહુલનું શાસન ડોલી રહ્યું હતું. સ્ટેજ પર બંને બાળકોને રજૂ કરીને પ્રિયંકા બોલ્યાં હતાં કે જુઓ, મારાં બાળકો શ્રેષ્ઠ સ્કૂલમાં ભણવા જાય છે. શ્રેષ્ઠ જીવન જીવી રહ્યાં છે. તમારાં (મતદારોનાં ) બાળકોનું જીવન પણ એવું બને તે માટે અમે (રાહુલ) ચૂંટણી લડી રહ્યાં છીએ. પ્રિયંકાને એ સમજણ ન હતી કે દેશનાં બાળકોને પ્રથમ તો પૂરતું પોષણક્ષમ ખાવા મળતું નથી. પબ્લિક સ્કૂલનું શિક્ષણ વગેરે તો ખૂબ દૂરની વાત છે. મા-બાપો મજૂરી કરે છે તો પણ ઘર ચાલતું નથી. યુરોપની એક રાણી કૅથેરિનને જ્યારે કહેવામાં આવ્યું એ આમજનતા પાસે ખાવા માટે બ્રેડ પણ નથી ત્યારે રાણીએ જવાબમાં કહ્યું કે બ્રેડ ના હોય તો તેઓએ કેક ખાવી જોઈએ. મતલબ કે છાશ ન મળતી હોય તો દૂધ પીવાની સલાહ અપાઈ. એ ચૂંટણી પરિણામમાં તો પણ કોંગ્રેસનો રકાસ થયો. વિધાનસભામાં ૪૦૩ બેઠકોમાંથી ૨૮ બેઠકો મળી હતી. જાદુ તો ત્યારે પણ વરતાયો ન હતો. પ્રજાનાં બાળકોનું ભવિષ્ય સુધારવા પ્રિયંકા ગાંધી પછી ક્યારેય ફરક્યાં પણ નહીં. દેશમાં હાલત આજે એવી છે કે બાળકોને આજે સારું શિક્ષણ આપવું હોય તો મા-બાપે જમીનનાં કૌભાંડો આચરવા પડે અને તે ધંધામાં પણ રાજકીય મા-બાપોનો ઇજારો છે. સામાન્ય લોકોનું કામ નથી. ડાયનેસ્ટી (શાહી ખાનદાન)નાં અને રાજનેતાઓનાં સંતાનો મોંઘીદાટ શાળાઓમાં જ ભણે એટલું જ્ઞાન તો પબ્લિકને છે. તે માટે બાળકોને સ્ટેજ પર લાવવાની શી જરૃર હતી? પાલિકાની સ્કૂલમાં ભણતાં હોત અને રજૂ કર્યાં હોત તો કોઈક સરસ વાત કહી શકાય. આાવાં બ્લન્ડરો સ્ટેજ પરથી માર્યા છતાં એબીપી ન્યૂઝ ચેનલ કહે છે કે પ્રિયંકામાં કસબ, સમજણ અને હુન્નર છે, હશે, પણ હજી ક્યાંય પુરવાર થયું નથી. ટીવી ચેનલો શબ્દોના પ્રયોજનોની પ્રેરણાઓ ક્યાંથી મેળવે છે તે પણ એક સવાલ છે.
પ્રિયંકા બાબતની આ નુક્તેચીની એટલા માટે કરી કે એના માનસને સમજવામાં મદદ મળે અને ખાસ વાત એ કે ભારતના મતદારોને કેટલી હદે બુદ્ધુ માનવામાં આવી રહ્યા છે તે પણ જોઈ શકાય છે. આઇવરી ટાવરમાં વસતાં લોકોને એ પણ ભાન રહ્યું નથી કે પૂર્વજોનાં બલિદાનો, ખાનદાનનાં બાળકો વગેરેની કથાઓ રજૂ કરીને મતદારોને ભરમાવવામાં દિવસો ભૂતકાળ બની ગયા છે. બિહારના એક પ્રધાન વિનોદ નારાણ ઝા બોલ્યા કે રૃપાળો ચહેરો જોઈને લોકો મત આપવાના નથી. મધ્ય પ્રદેશના ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય બોલ્યા કે આજકાલ ચોકલેટી ચહેરા રજૂ કરીને મત મગાય છે. આ બંને ટિપ્પણીઓને અભદ્ર સર્ટિફાય કરવામાં આવી છે. પિતા જગજીવન રામને કારણે રાજનીતિમાં પ્રવેશેલા મીરાં કુમાર પણ આવાં વચનોથી દૂર રહેવાની સલાહ આપે છે. જોકે મીરાં કુમાર પોતે એક શિક્ષિત અને બહુશ્રુત મહિલા છે. એ એમની પ્રતિભાને વિકસાવીને આગળ વધ્યાં છે.
રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે બહેન પ્રિયંકાને કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે અને પૂર્વીય ઉત્તર પ્રદેશ (પૂર્વાંચલ)નો ચૂંટણી પ્રભાર એમને સોંપવામાં આવ્યો છે અને મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપાયો છે ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પ્રતિસાદ આપ્યો કે હવે રોબર્ટ વાડરાના જમીનનાં કૌભાંડો પર વધુ પ્રકાશ ફેંકાશે. એ કૌભાંડોની વાત લાઇમલાઇટમાં રહેશે. વાત સાચી પણ છે. રોબર્ટનાં પત્નીના નાતે પ્રિયંકાએ પણ જવાબ આપવાના રહેશે અથવા મૌન સેવીને પણ મુદ્દાને જીવંત રહેતો અટકાવી શકાશે નહીં. પ્રિયંકા ગાંધી આમ તો પેસિવ રીતે, રાયબરેલી અને અમેઠી પૂરતા મર્યાદિત પ્રમાણમાં રાજનીતિમાં હતાં. હવે એક્ટિવ થયાં છે એટલે રાબર્ટ (એમ જ!) નાં કર્મોનો જાહેરમાં હિસાબ મંડાશે, પણ પ્રિયંકાના આગમનથી અસ્વસ્થ બનેલા સુશીલ મોદીના ભાજપે પણ સવાલોનો સામનો કરવો પડશે કે સાડા ચાર વરસ સુધી વાડરાના કેસમાં કોઈ કામગીરી શા માટે ન થઈ! હરિયાણામાં અને રાજસ્થાનમાં ભાજપની સરકારો જ હતી. જોકે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાના કહેવા પ્રમાણે અદાલતે રાજસ્થાનમાંની રોબર્ટ વાડરાએ કુરીતિથી મેળવેલી ૭૨ એકર જમીન વાડરા પાસેથી છીનવી લઈ રાજ્ય સરકારને પાછી અપાવી છે અને ઇન્કમ ટેક્સ વિભાગે વાડરા પાસેથી રૃપિયા ૨૫ કરોડ જમા કરાવ્યા છે. છતાં વાડરાનું એક અને મુખ્ય પ્રકરણ હરિયાણામાં ભુપેન હુડ્ડાની સરકાર વખતનું છે. ભાજપના મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા પછી વ્હિસલબ્લૉઅર અધિકારી અશોક ખેમકાને કોઈ મહત્ત્વ વગરના હોદ્દા પર ટ્રાન્સફર કરી દીધા. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે નીતિન ગડકરીએ વાડરાનું પ્રકરણ દબાવી દેવાની કોશિશો કરી હતી. કોંગ્રેેસ અને ભાજપ લોકપાલની નિયુક્તિ નહીં કરવા માટે પણ આપસમાં મળી ગયેલા પક્ષો છે.
હવે ચૂંટણી ટાણે વાડરાનાં કૌભાંડો ચગાવવાનો આશય ઈમાનદારીવાળો નહીં ગણાય. પ્રિયંકાને એ કૌભાંડની આંચ નહીં આવે. હા, પોતે ભ્રષ્ટાચાર-મુક્તિની વાતો નહીં કરી શકે એટલું ખરું! કરશે તો પોતાના તરફ જ આંગળી ચીંધશે. જે રીતે રફાલના નામે રાહુલ બોફોર્સ તરફ ચીંધી રહ્યા છે. ભાજપના પ્રવક્તા કહે છે કે પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી અમારા માટે કોઈ મોટી ઘટના નથી. નોન-ઇવેન્ટ છે. છતાં ભાજપના નેતાઓ તરફથી પ્રિયંકા વિરુદ્ધ ઘણા નિવેદનો અપાઈ રહ્યાં છે. ભાજપનો સૌથી મોટો આક્ષેપ એ છે કે કોંગ્રેસ એક ગાંધી કુટુંબનો પક્ષ બનીને રહી ગઈ છે. વડાપ્રધાન મોદી તે બતાવવાની તક છોડતા નથી કે ભાજપ માટે પક્ષ એક પરિવાર છે, જ્યારે કોંગ્રેસ માટે એક પરિવાર જ પક્ષ છે. આ સત્યારોપણથી કોંગ્રેસ દૂર જઈ શકે તેમ પણ નથી. આઝાદી બાદ નહેરુ-ગાંધી પરિવારના પાંચ સભ્યો કોંગ્રેસના પ્રમુખ સ્થાને જુદા-જુદા સમયે રહ્યા છે. પક્ષ પર કુટુંબની પકડ જમાવી રાખી છે. કુટુંબના ત્રણ જણ વડાપ્રધાનપદે રહ્યા છે અને જ્યારે કુટુંબના સભ્ય વડાપ્રધાનપદે ન હતા ત્યારે પક્ષ પ્રમુખ તરીકે પાળીતા વડાપ્રધાનો પર પકડ જમાવી રાખી હતી. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન અને પક્ષ પ્રમુખ બંને હતાં ત્યારે રાજીવ ગાંધીને મહામંત્રી બનાવ્યા હતા. કોલકાતાના એક અખબારના દિલ્હી ખાતેના પત્રકારે એક પત્રકાર પરિષદમાં ઇન્દિરાજીને પૂછ્યું કે તમારા પક્ષના પાંચેય મહામંત્રીઓની કામગીરીથી આપ ખુશ છો? ત્યારે જવાબમાં ઇન્દિરા ગાંધી ભડકી ઊઠ્યાં હતાં. એમણે જવાબમાં કહ્યું હતું કે, ‘તમે શું પૂછવા માગો છો તે હું જાણું છું.’ મતલબ કે સવાલ રાજીવ ગાંધી વિષે હતો. ઇન્દિરાજીએ એ સમયે પુત્રને જ મહામંત્રી બનાવ્યો હતો તે વાતથી શરમાતાં હતાં. હવે એવી શરમ પણ કોઈમાં રહી નથી. ભાજપ ગમે એટલા આક્ષેપ કરે નહેરુ-ગાંધી પરિવાર કોંગ્રેસનો ઉપયોગ પોતાની જાગીર તરીકે જ કરશે. પ્રિયંકા ગાંધી સત્તાસ્થાને બિરાજનારા કુટુંબના બારમા વ્યક્તિ છે. દેશનું લોકશાહીય બંધારણ ઘડાવવાનો કોંગ્રેસ યશ લેતી રહે છે, પણ પક્ષમાં કોઈ લોકશાહી નથી. જવાબમાં કોંગ્રેસની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કહે છે કે, ભાજપમાં પણ તાનાશાહી છે. શ્રી મોદી અને અમિત શાહ ઇચ્છે તે જ ભાજપમાં બને છે.
જોકે આ દલીલ મુદ્દાને આડે પાટે ચડાવવા માટેની છે. અમિત શાહ પછી ભાજપના પ્રમુખ કોણ બનશે તે નક્કી નથી, પરંતુ રાહુલ પછી પણ ખાનદાનમાંથી જ કોઈક પ્રમુખ બનશે. રાહુલ સો વરસ સુધી જીવે ત્યાં સુધી તો એ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. ભાજપમાં થોડી ઘણી લોકશાહી જોવા મળે છે. છતાં વંશવાદથી તે પણ અલિપ્ત નથી. રાજનાથ, પ્રમોદ મહાજન, મુંડે, મહાજન, સિંહા વગેરેનાં સંતાનોને ભાજપની ટિકિટ આસાનીથી મળી ગઈ અને ચૂંટાઈ પણ આવ્યા છે. એટલું ખરું કે તેઓએ કામગીરી બતાવવી પડે છે અને ટોચના હોદ્દાની ખુરશી પર હેલિકૉપ્ટરમાંથી ટપકાવી દેવામાં આવતાં નથી. પ્રિયંકા ગાંધીએ આ મુદ્દાનો પણ સતત સામનો કરવાનો છે અને રહેશે. આજની યુવા પેઢી માત્ર ગ્લેમરથી અંજાઈ જતી નથી. ચેનલોએ સ્થળ પર જઈ લોકોનો અભિપ્રાય લીધો તેમાં પ્રિયંકાની એન્ટ્રીથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અભિભૂત થયા હોય તેવું જોવા મળતું નથી. એવું વધારે લાગે છે કે લોકો કરતાં ટીવી ચેનલો વધુ અને યુવાનો કરતાં બુઝુર્ગો વધુ અભિભૂત થયા છે. ચેનલો તો આ ઘટનાને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક, બ્રહ્માસ્ત્ર અને રાહુલે અચાનક ફોડેલો બોમ્બ ગણાવે છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત આજે છે તેના કરતાં ખૂબ કંગાળ હતી. ત્યારે બ્રહ્માસ્ત્ર કેમ કામે ન લગાડ્યું? ૪૭ વરસની પાકટ ઉંમરે પહોંચી જવાની જરૃર શી હતી? પાંચમી પેઢીના પ્રિયંકા ચાર વરસ પછી વનમાં પ્રવેશશે.
પ્રિયંકાની અચાનક એન્ટ્રી માટે એક કારણ એ અપાય છે કે માયાવતી-અખિલેશ યાદવની જોડીએ રાહુલ અને એની કોંગ્રેસનો ગઠબંધનમાંથી એકડો કાઢી નાખ્યો તેથી રાહુલ હતપ્રભ બની ગયા હતા. એ અને એમના દરબારીઓ અનેક વખત બોલી ગયા કે કોંગ્રેસને અવગણવાની ભૂલ કરશો નહીં. ત્રણ રાજ્યોની વિધાનસભાઓમાં વિજય પ્રાપ્તિ બાદ રાહુલના ઉમંગ અને ઉમ્મીદ ઊંચા ગયાં હતાં. પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ પણ નોંધપાત્ર રીતે ઊંચે ગયો છે, પણ માયા-અખિલેશે તેમાં લંગર નાંખ્યું. માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસને સાથે રાખીને અમને કશો ફાયદો થવાનો નથી. અખિલેશે ગઈ વિધાનસભા ચૂંટણીમાં રાહુલને સાથે લેવાની ભૂલ કરી હતી, તેમાંથી માયાવતીએ બોધપાઠ લીધો છે. રાહુલને તકલીફ પડે એટલે પ્રિયંકાની મદદ માગે. પ્રિયંકા ગાંધી ન્યૂયૉર્કમાં હતાં તો રાહુલ ખાસ ન્યૂયૉર્ક ગયા અને આ નવી ગોઠવણ કરી. ગોઠવણ પાછળ એવું કારણ અપાય છે કે પ્રિયંકાના આવવાથી કોંગ્રેસના ભાવ ઊંચા જશે, મતદારો વધશે અને માયા-અખિલેશને એવું લાગશે કે અમારા ગઠબંધનના મતો ઘટશે. આવા ડરથી પ્રેરાઈને રાહુલ અને કોંગ્રેસને તેઓ મહાશઠબંધન (એમ જ)સમાવી લેશે, પણ શતરંજની આ ચાલ રમવાની રાહુલની ઇચ્છા હોય તો તે ચાલ ખોટી પડી છે. ફોઈ-ભત્રીજાએ આ ચાલ પારખી જઈને આ રવિવારે જાહેર કર્યું કે સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસ માટે હવે કોઈ જગ્યા જ નથી. માયાવતીને વડાપ્રધાન થવું છે અને અખિલેશને પણ. તેઓ શા માટે રાહુલને ઘોડે ચડાવીને છત્રી ઝાલી રાખે?
બીજા નિરર્થક કારણો પણ અપાઈ રહ્યાં છે. નંબર વનનો વારંવાર દાવો કરતી એક ચેનલ (જે ખરેખર નંબર વન નથી) દ્વારા વારંવાર ગાણુ ગવાયું કે પ્રિયંકા સક્રિય થવાને કારણે ભાજપના બ્રાહ્મણો અને સવર્ણોના મતદારો કોંગ્રેસ તરફ સ્થળાંતર કરી જશે. આ તો આસમાનમાં કલ્પેલી સુલતાની થઈ. પ્રિયંકા વાડરા પારસી પિતા અને ઇટાલિયન માતાનું સંતાન છે, જે રીતે રાહુલ ગાંધી છે. પ્રિયંકા રોબર્ટ નામના ખ્રિસ્તીને પરણ્યાં છે, તો બ્રાહ્મણો સાથે એમને સ્નાનસૂતકનો સંબંધ નથી અને જો હોય તો રાહુલ ગાંધીનો પણ ગણાય. રાહુલે તો પોતાનું કાશ્યપ ગોત્ર અને દત્તાત્રેય બ્રાહ્મણ કુળ જનોઈ પહેરીને પુરવાર કરવાનો પ્રયત્ન કરી જોયો છે. બ્રાહ્મણો કે સવર્ણો તેનાથી અંજાયા નથી. કોઈ પણ ધર્મમાં લગ્ન કરવાનો દરેકને અધિકાર છે. તેની ટીકા પણ ન થવી જોઈએ, પણ જો જાતિ પ્રમાણે મતદાન થતું હોય તો બ્રાહ્મણ અને સવર્ણ મતદારો તેની નોંધ લેતાં હશે તેવો પ્રમેય સ્વીકારીને આગળ વધીએ તો ખ્રિસ્તી રોબર્ટને પરણેલાં પ્રિયંકાને બ્રાહ્મણો પોતાના કેવી રીતે ગણે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. એક હવા ઊભી કરવાના ષડ્યંત્રમાં આવી વાતો વહેતી મુકાય છે. અખિલેશ-માયાએ આવા ફેક્ટરને મહત્ત્વનું ગણ્યું નથી. અકળાઈને એમણે પ્રિયંકાને આવકાર્યા નથી. તે હકીકત દર્શાવે છે કે પ્રિયંકાના આગમનથી કોઈ ઊલટફેર થવાનો નથી. હાલમાં યુપીમાં કોંગ્રેસના નવ ટકા મતદારો છે તેમાં કદાચ બે ચાર ટકા વધે તો પણ ગઠબંધનને કે ખુદ કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. માત્ર કાર્યકરો ગુડ હ્યુમર અને મૂડમાં રહેશે. ઊલટાનું એવું બને કે લોકશાહીમાં માનતા મતદારોનો સપોર્ટ ગુમાવવો પડે. તેઓના મનમાં ઠસાઈ જાય કે કોંગ્રેસ હવે ખાનદાની પક્ષ બની ગયો છે.
પ્રિયંકાના અચાનક મોટા પદ પર સીધા આગમનને કારણે દેશભરમાં કોંગ્રેસે જવાબ આપવાનો વ્યાયામ સતત કરવો પડશે. પૂર્વાંચલમાં ભાજપની સ્થિતિ અમુક ભૂતકાળના અપવાદો સિવાય ખાસ મજબૂત રહેતી નથી. પોસ્ટરોમાં ઝાંસીની રાણીની માફક ઘોડે ચડીને આવેલાં પ્રિયંકા ભાજપને થોડું નુકસાન પહોંચાડી શકે તેવું કલ્પનાશીલ બનીને, હાઈપોથેટિકલી કહી શકાય. હાલમાં કંઈ નક્કી ન કહેવાય. પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલ ઉપરાંત અવધ વિસ્તાર તેમ જ રાયબરેલી, અમેઠી મળીને કુલ ૪૩ જિલ્લાઓમાં ચૂંટણીનો કારભાર જોવાનો રહેશે. આ જવાબદારી મોટી છે. તેમાં એ પોતે ચૂંટણી લડશે કે કેમ તે પાકું નથી. સોનિયા ગાંધી બીમાર ચાલે છે તેથી રાયબરેલીની બેઠક પર એમને ઊભાં રખાય તેવી એક અટકળ છે. એ સીટ એમના માટે સલામત છે, પરંતુ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લા કોંગ્રેસ એકમોએ પોતાના જિલ્લામાંથી પ્રિયંકાને ઊભા રાખવાની માગણીઓ શરૃ કરી દીધી છે. તેમાં રસપ્રદ માગણી વારાણસી જિલ્લા કોંગ્રેસની છે. તેણે વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ રાખ્યો છે. અહીં પ્રિયંકા ઊભાં રહે તો એમણે ગુમાવવાનું કશું રહેતું નથી અને જીતી જાય તો મીર માર્યો કહેવાય. ચારે તરફ વાહ વાહ થાય. સલામત જુગાર છે. રમાય તો રસપ્રદ ચૂંટણીઓ અતિશય રસપ્રદ બને. જોકે વડાપ્રધાન મોદી લોકપ્રિયતાના ગ્રાફમાં રાહુલ ગાંધીથી આગળ છે. પ્રિયંકાના આગમનનું એવું અર્થઘટન પણ થઈ રહ્યું છે કે રાહુલ ગાંધી નિષ્ફળ ગયા તેથી પ્રિયંકાને લાવવા પડ્યાં છે. જો પ્રિયંકા વારાણસીમાં ઊભાં રહે તો આક્ષેપો પ્રતિઆક્ષેપોમાં વાડરા, સોનિયા ગાંધી, ઇટાલી વગેરેનો સમાવેશ કરી પ્રચારનું સ્તર ઘણુ નીચું જશે. હમણાથી જ કહેવાઈ રહ્યું છે કે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર હુફીંગટન પોસ્ટના અહેવાલ પ્રમાણે સોનિયા ગાંધી દુનિયાના ચોથા ક્રમનાં ધનવાન મહિલા છે.
સંબિત પાત્રા આ દાવો કરે છે. ભાજપના કહેવા પ્રમાણે રોબર્ટ વાડરા સામેના કેસ તેમ જ નેશનલ હેરાલ્ડ કેસમાં આંશિક હાર મળી છે અને બજી આખરી ચુકાદો આવવાનો છે ત્યારે કોંગ્રેસે જીતવું જરૃરી છે. એ કારણથી પ્રિયંકા મેદાનમાં આવ્યાં છે. તેવી દલીલ પણ થઈ રહી છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકુટુંબમાંથી આવે છે તેથી પરદા પાછળ થોડાં સક્રિય તો રહ્યાં જ છે. ખાસ કરીને અમેઠી અને રાયબરેલીમાં એ કોઈ નાનાં સરખાં આભૂષણો પણ ધારણ કરતાં નથી અને ઘણી વખત પેન્ટ ટીશર્ટમાં બોબ્ડ્ કટ હેરસ્ટાઇલ સાથે જોવા મળે છે. તેથી અમેઠી રાયબરેલીના લોકો એમને ‘ભૈયાજી’ તરીકે પણ ઓળખે છે. એમની શૈલી ટૉમબૉયને મળતી આવે છે. તેર વરસની ઉંમરે એ શાળામાં રોબર્ટ વાડરા સાથે પ્રેમમાં પડ્યાં હતાં અને પુખ્ત ઉંમરે ચર્ચમાં જઈ પરણી ગયાં હતાં. નવ વરસની ઉંમરથી એ પિતા રાજીવ ગાંધી સાથે અમેઠી જતાં હતાં. વીસ વરસ અગાઉ પ્રિયંકાએ બેલ્લારીની એક સભામાં કન્નડમાં એક વાક્ય બોલી માતા સોનિયા ગાંધીનો પરિચય આપ્યો હતો. ત્યાર બાદ અમેઠી અને રાયબરેલીમાં એ પરદા પાછળ પક્ષના વ્યૂહકાર તરીકે કામ કરતાં હતાં. સ્વભાવ મિલનસાર છે. યુવાન કાર્યકરોની એક ફોજ એણે રાયબરેલીમાં તૈયાર કરી હતી. જેને સોનિયા ગાંધી ‘પ્રિયંકાની સેના’ તરીકે ઓળખાવતાં રહે છે. આવી નાની નાની કામગીરીઓ એમના નામે બોલે છે. ભાષણની કળા ઇન્દિરા ગાંધી જેવી પ્રભાવક નથી. હવે બોલશે તેમ ઘડાશે. એમનાં જ્ઞાન અને વિચારોનો પટલ પણ સમજાતો થશે. ત્રિપલ તલ્લાક, નિર્ભયા, સબરીમાલા જેવા અનેક મુદ્દા પર એ નિષ્ક્રિય અને મૂંગા રહ્યાં છે. અલૂફ રહ્યાં છે. એમના પિતા રાજીવ ગાંધી દેશને એકવીસમી સદીમાં લઈ જવાની વાત કરતા હતા અને સમાંતરે શાહબાનુ ચુકાદા વિરોધમાં કાયદો ઘડીને દેશને સીધા સાતમી સદીમાં લઈ ગયા હતા. કોઈના બોલવા પર ના જવાય. આજે તો એકવીસમી સદીના ૧૮ વરસ પુરાં પણ થઈ ગયાં છે ત્યારે એકનો નાકનયનનો નકશો કોઈ પૂર્વજ નેતા સાથે મળે છે માટે ચૂંટણીમાં એ અનુજા ફરક પાડી શકશે એવી ચર્ચા કરીને આપણે આજના યુવાનોની બુદ્ધિને જરૃર લાત મારી રહ્યા છીએ. શું આપણે એકવીસમી સદીને લાયક છીએ?
——————-