દાંડી હવે ખરા અર્થમાં દર્શનીય બન્યું છે!

દાંડી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક તૈયાર
  • વારસો – નરેશ મકવાણા

નવસારી જિલ્લાનું નાનકડું ગામ દાંડી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વભરમાં જાણીતું છે. દેશવિદેશથી હજારો લોકો તેની મુલાકાતે આવતાં રહે છે. જોકે અત્યાર સુધી અહીં આવતા લોકો નિરાશ થતા હતા. કેમ કે ઐતિહાસિક આ સ્થળે વારસાના નામે કશું સચવાયું નહોતું, પણ હવે અહીં દાંડી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક તૈયાર છે.

દાંડી વિશે અત્યાર સુધી નામ બડે ઔર દર્શન છોટે જેવી સ્થિતિ પ્રવર્તતી હતી. દેશવિદેશથી ગાંધીપ્રેમીઓ હોંશેહોંશે તેની મુલાકાતે આવતા હતા, પણ ત્યાં પહોંચ્યા બાદ તેમને ભારે આઘાત લાગતો હતો. કેમ કે, ગાંડા બાવળોનાં ઝુંડ વચ્ચે બાપુના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહના અવશેષો પણ શોધ્યા જડતા નહોતા. પરિણામે અનેક સપનાંઓ લઈને દાંડીની મુલાકાતે આવતો ગાંધીપ્રેમી ભારે નિરાશા સાથે પરત ફરતો. સ્વાભાવિક રીતે જ દાંડીની મુલાકાતે આવનારા લોકો તેના ઐતિહાસિક મહત્ત્વ ઉપરાંત મહાત્મા ગાંધીના સત્ય અહિંસાના વિચારોથી પ્રભાવિત હોવાના. વળી, દાંડીયાત્રા વિશે જે પણ સાહિત્ય તેમણે વાંચ્યું હશે તેના આધારે દાંડી વિશે એક ચોક્કસ છબિ તેમના મનમાં અંકાયેલી હોય. જે દાંડીની વાસ્તવિક ભૂમિ પર પગ મૂકતાં જ કડડભૂસ થઈ જતી હતી. કેમ કે, અહીં ન તો કોઈ રહેવાની સુવિધા ઉપલબ્ધ હતી, ન જમવાની. કાચા રસ્તા, અપૂરતો વાહનવ્યવહાર, દુર્ગમ વિસ્તાર વગેરે કારણોસર દાંડીની મુલાકાતે આવતાં દરેક જણે ફરજિયાત નવસારી ઉતરાણ કરવું પડતું. એ પછી પણ દાંડી પહોંચતા કશું જ સારી સ્થિતિમાં જોવા ન મળતાં તે ભારે નિરાશ થઈને પરત ફરતો, પણ હવે લાગે છે એ સ્થિતિ જડમૂળથી બદલાશે. કેમ કે લાંબી રાહ જોયા બાદ આખરે દાંડી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક તૈયાર છે. હાલમાં જ ૩૦મી જાન્યુઆરીના ગાંધી નિર્વાણ દિને વડાપ્રધાને તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું છે.

દોઢ દાયકા જૂનો છે દાંડી સ્મારકનો પ્રોજેક્ટ
વર્ષ ૨૦૦૫માં ગાંંધીજીની દાંડીયાત્રાને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે દાંડી ગામના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને મીઠાના સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગથી લોકો વાકેફ થાય તે હેતુ રૃ. ૮૪ કરોડના દાંડી હેરિટેજ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે જતાં પૂર્ણ થયો છે. અહીં મીઠાના સત્યાગ્રહનું આબેહૂબ દ્રશ્ય ઊભું કરાયું છે. સાથે ૧૫ એકર જમીન પર દાંડી સ્મારક તૈયાર થયું છે. આખા પ્રોજેક્ટને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક ભાગમાં ગાંધીજી અને તેમના ૮૦ સાથીદારોની પ્રતિમાઓ છે, જ્યારે બીજા ભાગમાં દાંડીપથ, કૃત્રિમ તળાવ, સોલર પેનલ તથા અન્ય જરૃરી સાધનો છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન, પૂર્વ તૈયારીઓ તથા આયોજનની જવાબદારી આઈઆઈટી મુંબઈને સોંપવામાં આવી હતી.

સમગ્ર પ્રોજેક્ટના ઇન્ચાર્જ આઈઆઈટી મુંબઈના સેતુ દાસ કહે છે, ‘૨૦૧૩ના નવેમ્બર-ડિસેમ્બરમાં અમે એક વર્કશોપનું પણ આયોજન કરેલું. જેમાં ગાંધીજીના સાથીદારોના શિલ્પ બનાવવા માટે દેશભરમાંથી કળા અને શિલ્પને લગતી વિવિધ શાળા અને કૉલેજોના શ્રેષ્ઠ શિલ્પકારો ઉપરાંત કેટલાક વિદેશી કલાકારોને આમંત્રિત કર્યાં હતાં. કલાકારો ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો તેમજ આઝાદીકાળના વાતાવરણને સારી રીતે સમજી શકે તે માટે વિવિધ ટૉક શૉ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનિંગ પણ યોજેલું. વર્કશોપમાં ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો અને શ્રીલંકા, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, મ્યાનમાર અને તિબેટ સહિતના દેશોના ઉત્કૃષ્ટ કલાકારોએ રસ દાખવ્યો હતો. આ પ્રોજેક્ટમાં ગાંધીજીની પ્રતિમા સૌથી મહત્ત્વની છે. પંચધાતુમાંથી બનેલી બાપુની પ્રતિમા ૧૫ ફૂટ ઊંચી અને ૩૨ ટન વજન ધરાવે છે. જેની અંદાજિત કિંમત રૃ. ૫૦ લાખ થવા જાય છે. પ્રોજેક્ટ મુજબ આખા દાંડી સ્મારકમાં લાઈટના પિરામિડ વચ્ચે ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે તેમના ૮૦ સાથીઓના શિલ્પો મૂક્યાં છે. ગાંંધીજીનું મુખ્ય શિલ્પ સોલર પેનલ નીચે મૂકવામાં આવશે. રાત્રિના સમયે પિરામિડની લાઈટ મીઠાના સ્ફટિકની રચના કરશે. સ્મારક સ્થળ પર આઈઆઈટી મુંબઈ દ્વારા તૈયાર કરાયેલાં ૪૧ સૌર વૃક્ષો મુકાયાં છે, જેમાંથી ૧૪૪ કિલો વૉટ વીજળીનું ઉત્પાદન થશે. જેનો ઉપયોગ સ્મારકમાં કરવામાં આવશે. હાલ અહીં પ્રતિદિન ૮૦ કિલો વૉટ વીજળીની જરૃરિયાત છે. એટલે સોલાર ટ્રીથી ૬૪ કેવીની બચત થશે. જે દાંડી ગામના કામમાં આવશે.’

અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી દાંંડીમાં લોકભાગીદારીથી વિકાસના કામો કરતાં કાળુભાઈ ડાંગર કહે છે, ‘આ પ્રોજેક્ટ છેક ૨૦૦૫માં યુપીએ કાર્યકાળમાં મંજૂર થયેલો, પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેંચતાણ વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી અટવાતો રહ્યો હતો, પણ આખરે તે પુરો થયો તેનો આનંદ છે. ૧૫ એકરમાં ફેલાયેલું આ સ્મારક રાષ્ટ્રપિતાના સત્ય અને અહિંસાના મૂૂલ્યોને સાકાર કરનારું છે. અહીં દાંડી કૂચ, મીઠાના સત્યાગ્રહ ઉપરાંત ગાંધીજીના જીવન સાથે જોડાયેલા અનેક પ્રસંગો અને વિચારો જોવા જાણવા મળશે. આધુનિક સંસાધનો દ્વારા મુલાકાતીઓ જાતે મીઠું તૈયાર કરીને યાદગીરીરૃપે સાથે પણ લઈ જઈ શકશે. સાથે જ ઓડિટોરિયમ, લાઇબ્રેરી, દ્રશ્ય શ્રાવ્ય રૃમ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાબરમતી આશ્રમથી અંગ્રેજોને પત્ર લખવાથી લઈને જે ૨૪ સ્થળો પર ગાંધીજી પોતાના સાથીઓ સાથે રોકાયા હતા તેની સાથે જોડાયેલી યાદોને પણ તાજી કરવામાં આવી છે.’

ટૂંકમાં, લાંબા સમયથી જે પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો હતો તે આખરે તેના અંતિમ મુકામે પહોંચી ગયો છે. ત્યારે હવે ખરા અર્થમાં દાંડી દર્શનીય સ્થળ બની ગયું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
—————————

દાંડી સ્મારકનરેશ મકવાણા
Comments (0)
Add Comment