વિશેષ – દેવેન્દ્ર જાની
ભારત ‘ને પાકિસ્તાનમાં એવાં કેટલાંક ધર્મસ્થાનો છે. પાકિસ્તાનમાં નવી ઇમરાન સરકાર દ્વારા શીખોની આસ્થાના કેન્દ્ર કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરાયો તેને પાકિસ્તાનના નરમ વલણ તરીકે જોવાઈ રહ્યો છે. આવા સમયે કેટલાક ગુજરાતીઓ સાથે ભારતના હિન્દુ યાત્રિકોનો એક મોટો સંઘ પાકિસ્તાનના પ્રવાસે ગયો હતો. ભારતીય દર્શનાર્થીઓનું ત્યાં ગુલદસ્તા આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક હૂંફાળી લાગણી સિવાય અન્યત્ર હિન્દુ મંદિરોની દુર્દશા જ નજરે પડી હતી. ‘અભિયાને‘ આ સંઘમાં પાકિસ્તાન ગયેલા યાત્રિકો સાથે વિશેષ વાતચીત કરીને પાકિસ્તાનમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો અંગે જાણકારી મેળવી છે.
પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે આમ છતાં આજે પણ હિન્દુઓનાં અનેક ઐતિહાસિક મંદિરો પાકિસ્તાનની ધરતી પર મોજૂદ છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં તો સૌથી મોટી હિંગળાજ માતાજીની શક્તિપીઠ આવેલી છે. ભારતથી દર વર્ષે હજારો યાત્રિકો પાકિસ્તાનમાં આવેલાં મંદિરોએ જઈ માથું ટેકવે છે. તાજેતરમાં એક ગ્રૂપ પાકિસ્તાનના ત્રેતાયુગના સ્થાનક કટાસરાજ મંદિરનાં દર્શને ગયું હતું. આ ગ્રૂપમાં અમદાવાદ, રાજકોટ અને દીવના વતનીઓ હતા. તેમની પાસેથી જાણીએ કે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની અને હિન્દુ સહિતના લઘુમતીઓની સ્થિતિ તેમણે કેવી જોઈ.
ભારતના ૧૧ર હિન્દુ યાત્રિકોના મોટા સંઘે વાઘા બોર્ડરથી ગત તા. ૯ ડિસેમ્બરે પાકિસ્તાનની ધરતી પર પગ મુક્યો ત્યારે ગુલાબના ગુલદસ્તા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતંુ. વાઘા બોર્ડરથી જ યાત્રિકોને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. સ્થાનિક વકફ બોર્ડના આગેવાનો મંદિરોની મુલાકાત વખતે પણ સાથે રહ્યા હતા. લાહોરના વિખ્યાત ગુરુદ્વારામાં આ યાત્રિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાકિસ્તાનના ખાસ કરીને પંજાબ પ્રાંતના મંદિરોની મુુલાકાત માટે આ યાત્રિકોને જવાનું હતંુ. આ સંઘ બીજા દિવસે લાહોરથી રપ૦ કિ.મી. દૂર ચક્રવાલ જિલ્લામાં આવેલા પ્રાચીન કટાસરાજ મંદિર જવા રવાના થયો હતો. પૌરાણિક માન્યતા પ્રમાણે, દેવી પાર્વતીજીએ દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવની આંખમાંથી બે આંસુ ટપક્યા હતા. એક આંસુ રાજસ્થાન પાસેના પુષ્કર પાસે પડ્યું હતું ત્યાં પુષ્કરરાજ તીર્થ સરોવરનું નિર્માણ થયું અને બીજંુ આંસુ કટાસ પર્વત પર પડ્યંુ ત્યાં કટાસરાજ તીર્થ સરોવર બન્યંુ. આ ઉપરાંત કટાસરાજ તીર્થની કથા મહાભારતના પાંડવો સાથે પણ જોડાયેલી છે. પાંડવોએ વનવાસ દરમિયાન અહીંના પહાડી પર અજ્ઞાતવાસમાં રહ્યા હતા. આ ક્ષેત્રના કુંડ પર યક્ષનો અધિકાર હતો એટલે કુંડના પાણીના મામલે યક્ષ અને પાંડવો વચ્ચે સંવાદ થયો હોવાની કથા પણ જાણીતી છે.
તમે પાકિસ્તાનના સ્થાનિક કેટલા હિન્દુઓને મળ્યા? એવા પ્રશ્નના જવાબમાં કટાસરાજ યાત્રાસંઘના સહયાત્રી રાજકોટના હરેશભાઈ હરિયાણીનું કહે છે, ‘અમે દર્શનાર્થે ગયા હતા. સ્થાનિકો તો સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. અમારે મળવાનું થાય તો તે પાકિસ્તાન સરકારના અધિકારીઓ સાથે અને તેઓ સમગ્ર ટૂરમાં અમારી સાથે રહ્યા હતા. વાઘા બોર્ડરથી અમને સાથે લીધા અને કટાસરાજ મંદિરનાં દર્શન કરાવી વિવિધ મંદિરોએ દર્શન કરાવી, મૉલમાં ફેરવીને અમને પાંચ દિવસ પછી પાછા વાઘા બોર્ડર મુકી ત્યાં સુધી તેઓ સતત અમારી સાથે હતા. અમારી વાત તેમની સાથે જ થતી હતી, બીજા કોઈને અમે મળ્યા નથી.‘
તમને સ્થાનિકોને મળવાનું કુતૂહલ થયું હતું? જવાબમાં હરેશભાઈ કહે છે, ‘હા, થાય તો ખરા. આપણી જૂની ધાર્મિક ભૂમિ વિશે જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. નસીબજોગે અમને ત્યા મંદિરોમાં દર્શને જવાનો લહાવો મળી ગયો, બધાને વિઝા નથી મળતા. સિક્યુરિટીવાળા સિવાય કોઈને અમારા સંપર્કમાં આવવા દેવામાં નહોતા આવ્યા. સ્વાભાવિક છે કે એ સરકારી મુલાજીમો વાતચીતમાં તેમની સરકારનું ખરાબ દેખાય તેવી કોઈ વાત ન કરે તે પણ સ્વાભાવિક છે. કટાસરાજ યાત્રાસંઘના સંસ્થાપકે અમને પહેલેથી સૂચના આપી દીધી હતી કે તમે ખાનગીમાં કોઈને પણ મળતા નહીં. કોઈની સાથે ફોટા નહીં પડાવવાના. ક્યાંથી આવ્યા છો એમ પૂછે તો કહેવાનું કે ભારતમાંથી. વિશેષ ચોખવટ નહીં કરવાની.‘
તમે ત્યાં શું જોયું અનુભવ્યું? ઉત્તરમાં હરેશભાઈ કહે છે, ‘અમે જોયું કે મંદિરોની દશા બહુ ખરાબ છે. કટાસરાજ મંદિરની સામે આવેલું હનુમાનજી મંદિર અને અન્ય મંદિરોમાં મૂર્તિઓ પણ રહેવા નથી દીધી. મંદિરો છે, પણ અંદર મૂર્તિઓ ગાયબ છે.‘
એવા તમે કેટલા ખંડિત મંદિરો જોયાં? જવાબ મળે છે, ‘કટાસરાજમાં કુંડની આજુબાજુમાં આવેલાં ત્રણ મંદિરો અમે એવા જોયાં જેમાં કોઈ મૂર્તિઓ જ નથી. એક પ્રાચીન ખંડિત બૌદ્ધ મંદિર પણ અમે જોયું. અમારી સાથેના સલામતી અધિકારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, અહીંથી કોઈ યાત્રાસંઘ ત્યાં દર્શને જાય ત્યારે મંદિરોને ખોલાવી અને સાફસૂફ કરાવીને પૂજા-આરતી કરવામાં આવે છે. ભારતીય દર્શનાર્થીઓ જાય એ પછી મંદિરોને તાળાં લાગી જાય છે. મંદિરો બંધ પડ્યા હોય છે. લાહોરમાં આવેલું રાધા-કૃષ્ણનું મંદિર કદાચ એકમાત્ર એવું મંદિર હશે કે જ્યાં નિયમિત પૂજા આરતી થાય છે. હા, ત્યાં અમે મહારાજા રણજિતસિંહનો કિલ્લો, સંગ્રહાલય જોયા ત્યાં બધુ સહીસલામત જોયું.‘
તમે ક્યાંય મંદિરોમાં ત્યાંના હિન્દુઓને દર્શને આવતા જોયા હતા? હરેશભાઈ સ્પષ્ટતા કરતા કહે છે, ‘અમને અમારી યાત્રા દરમિયાન ક્યાંય હિન્દુઓ જોવા નથી મળ્યા. હા, પંજાબી જોવા મળ્યા. અમારે જ્યાં જવાનું થાય ત્યાં દરેક જગ્યાએ આગોતરી ટાઇટ સિક્યૉરિટી ગોઠવાયેલી જોઈ. અરે, અમે શોપિંગ મૉલમાં ગયા ત્યાં પણ બધાને દૂર કરી દેવામાં આવ્યા હતા.‘
તમારી પાકિસ્તાનમાં વસતા હિન્દુ લોકો સાથે શું વાતો થઈ? પ્રશ્નના જવાબમાં પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોનાં દર્શન કરી આવેલા દીવના રમેશભાઈ રાવલ કહે છે, ‘મોટા ભાગે અમને ત્યાંના કોઈ સ્થાનિક હિન્દુઓને મળવા દીધા નથી. અમે ગુરુકુલમાં રોકાયા હતા. સિક્યૉરિટી સાથે અમારી યાત્રા કરાવવામાં આવી હતી.‘ તમે ત્યાં હિન્દુ પરિવારોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી? પ્રશ્નનો ઉત્તર આપતા રમેશભાઈ કહે છે, ‘ના, કેમ કે અમને આયોજકો કહેતા હતા કે તે લોકો તમને ત્યાં હિન્દુઓને મળવાની પરવાનગી નહીં આપે એટલે અમે એવો પ્રયત્ન જ નહોતો કર્યો. આ જ કારણે ત્યાં મારા પરિચિતો રહે છે તેમને પણ મેં જાણ કરી નહોતી. મારી સાથે હતા તે વાતો કરતા હતા કે ત્યાં મંદિરો નિયમિત ખોલવામાં આવતાં નથી. ત્યાં પૂજારી પણ કાયમ મંદિરે જતો હોય એવું લાગ્યું નહીં. કોઈ જવાનું હોય ત્યારે મંદિરે આવતો હશે.‘
પૂજારી સાથે તમે કોઈ વાત કરી હતી? પ્રશ્નના જવાબમાં રમેશભાઈ કહે છે, ‘ના, અમારો હેતુ કટાસરાજ મંંદિરમાં પૂજા કરવાનો અને તેના વિશે થોડી જાણકારી મેળવવાનો હતો.‘ તો તમે જાણકારી કોની પાસેથી મેળવી? પ્રશ્ન સામે પ્રતિપ્રશ્ન કરતા રમેશભાઈ કહે છે, ‘આવી સિક્યૉરિટી જોયા પછી આપણે શું જાણવાનું રહે?’
ભારતીય યાત્રિકોએ કટાસરાજ મંદિરની મુલાકાત લીધી તો દીવાલો જર્જરિત થઈ ગયેલી જોવા મળી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી તેમને સ્થાનિક લોકો તરફથી મળી હતી કે કટાસરાજ મંદિરની નજીક સિમેન્ટ ફેક્ટરીઓ બની રહી છે. તેના કારણે પેટાળમાંથી પાણી ખેંચાઈ જવાના કારણે મંદિર પરિસરના સરોવરમાં પાણી સુકાઈ જાય છે. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ફેક્ટરીઓને દંડ કરાયો હોવાની જાણકારી સ્થાનિક લોકો મારફત મળી હોવાનું યાત્રિકોએ કહ્યું હતું. ભારતીય યાત્રિકો કટાસરાજ મંદિરમાં શિવ પૂજા કરવા માટે પૂજાની સામગ્રી અને પ્રસાદ ભારતથી જ સાથે લઈને ગયા હતા. બીલી પત્ર, સાકરિયા, ડ્રાયફૂટ સહિતની સામગ્રી પ્રસાદમાં ધરવામાં આવી હતી. હરીશભાઈ હરિયાણી કહે છે, ‘અમે સ્થાનિક અધિકારીઓ સમક્ષ એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ મંદિરોમાં નિયમિત પૂજાપાઠ થવા જોઈએ. જેથી મંદિરની પવિત્રતા જળવાઈ રહે અને અત્યારે ભારતીય યાત્રિકોને કટાસરાજ મંદિર કે હિંગળાજ મંદિરનાં દર્શન માટે વિઝા મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે તે દૂર કરવી જોઈએ. આસ્થા સાથે જોડાયેલી આ વાત હોય દર્શન માટે આવનાર યાત્રિકોને સરળતાથી વિઝા મળવા જોઈએ તેવી અમારી પાકિસ્તાન સરકારને પણ રજૂઆત છે. કટાસરાજ મંદિર મંદિર પહાડી વિસ્તારમાં છે. આસપાસ કોઈ ગામ નથી, હાઈ-વે છે. કટાસરાજ મંદિર નજીક હિન્દુ યાત્રિકો રહી શકે તે માટે નજીકમાં ધર્મશાળા બનાવવામાં આવી રહી છે.‘
ગંગારામ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા લાહોર કિલ્લામાં લવની સમાધિ સ્થળની મુલાકાતે આવનાર યાત્રિકોનું બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતંુ. પાકિસ્તાન ઑથોરિટીએ પણ મહંમદ અલી ઝીણા અને વડાપ્રધાન ઈમરાન ખાનના ફોટા સાથેનાં બેનરો લગાવીને આ યાત્રિકોને આવકાર્યા હતા. લાહોર સ્થિત રાધાકૃષ્ણ મંદિરની જાળવણી સારી રીતે કરવામાં આવી રહી છે. આ મંદિરમાં પૂજારી રાખવામાં આવ્યા છે અને નિયમિત પૂજાપાઠ થાય છે. મંદિર પરિસર પાસે ગૌશાળા પણ છે. આ ગાયનું દૂધ વેચવામાં આવતું નથી. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને માવાની પ્રસાદી આપવામાં આવે છે.
પાકિસ્તાનના પ્રવાસે ગયેલા યાત્રિકોને કેટલાક સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યંુ હતું કે પાકિસ્તાનનાં અનેક મંદિરોનાં દ્વાર મોટા ભાગે બંધ હોય છે જ્યારે હિન્દુ યાત્રિકોનો કોઈ મોટો સંઘ આવવાનો હોય અથવા તો વીવીઆઈપી આવવાના હોય તેની ઑથોરિટી જાણ કરે ત્યારે જ પૂજારીને બોલાવવામાં આવે છે અને મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે. મોટા મંદિરોમાં પણ નિયમિત પૂજાપાઠ થતાં નથી. આ યાત્રિકોએ સ્થાનિક અધિકારીઓને એવી રજૂઆત કરી હતી કે મંદિરોમાં નિયમિત પૂજાપાઠ થાય તો મંદિરનું વાતાવરણ પવિત્ર અને જીવંત રહે. ઉપરાંત હિંગળાજ માતાજી, કટાસરાજ જેવા મોટા મંદિરોના દર્શનાર્થે આવવા માગતા ભારતીય યાત્રિકોને સરળતાથી વિઝા મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો બંને દેશો વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બની શકે છે.
પાકિસ્તાનથી મુસ્લિમ બિરાદરો ભારતમાં અજમેર શરીફ કે હાજી અલીની દરગાહે માથંુ ટેકવવા આવે છે ત્યારે આ સ્થળો સામાન્ય રીતે ખુલ્લા જ હોય છે અને તે ધાર્મિક સ્થળોની વ્યવસ્થાઓ નિયત ધોરણે ચાલુ જ હોય છે. મતલબ કે મુલાકાતીઓ આવે ત્યારે જ ખૂલે છે એવું નથી. આવી વ્યવસ્થા પાકિસ્તાનના મંદિરોમાં પણ થવી જોઈએ તેવી લાગણી હિન્દુ યાત્રિકોએ વ્યક્ત કરી હતી.
ભારતીય યાત્રિકોનો સંઘ જે પાકિસ્તાનના પ્રવાસે ગયો હતો તેમના માટે ભોજન અને આવાસની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. લાહોર અને પંજાબ પ્રાંતના મૉલ અને બજારમાં પણ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં આ યાત્રિકોને મહેમાન તરીકે સાચવવાની પાછળ પણ પાકિસ્તાનનો નાપાક ઇરાદો સમાયેલો છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓના અધિકારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી અને પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ સાથેના વ્યવહારના પુરાવા ઢાંકવા માટે પ્રવાસીઓ સાથે તેમનો સંપર્ક કરાવવાનું ટાળવામાં આવે છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ વસ્તી આઝાદી વખતે ૨૦ ટકા કરતાં વધુ હતી તે આજે ૩ ટકા જેટલી જ થઈ ગઈ છે. વળી, અહીંથી ત્યાં દર્શને જતી પોચટ અને ઘેલી પ્રજા અન્ય અવલોકનોને પડતા મુકીને માત્ર દર્શન અને પાકિસ્તાન સરકારની પરોણાગતને જ ધ્યાનમાં લઈને તેમનું સ્તુતિગાન કરવા લાગે છે. આ એક કુટેવ છે.
————.
પાકિસ્તાનમાં ૯૦ ટકા હિન્દુ મંદિરો નષ્ટ થયાં !
ભારત – પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનની ધરતી તરફના ભાગ પર અનેક ઐતિહાસિક હિન્દુ મંદિરો ગયાં હતાં. પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ અને હિન્દુ મંદિરો બંનેની હાલત ખરાબ હોવાના મીડિયા રિપોર્ટ સતત આવતા રહે છે. અહીં મંદિરોની વાત કરીએ તો માનવ અધિકાર સંગઠનોનું માનવું એવું છે કે પાકિસ્તાનમાં છેલ્લાં પ૦ વર્ષોમાં ૯૦ ટકા જેટલાં હિન્દુ મંદિરો નષ્ટ થઈ ગયાં છે. મંદિરોની સલામતી અને જાળવણી એ મોટી સમસ્યા છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનની ધરતી પર ૪ર૮ હિન્દુ મંદિરો હતાં તેમાંથી ૯૦ ટકા કરતાં વધુ મંદિરો નાશ પામ્યાં છે અને ર૦ ટકા જેટલાં મંદિરોમાં જ નિયમિત પૂજા પાઠ થાય છે. કેટલાંક મંદિરો સુધી તો જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે ખરાબ હાલત વચ્ચે પણ બલુચિસ્તાનનું હિંગળાજ મંદિર, કરાચીનું ૧પ૦૦ વર્ષ જૂનંુ પંચમુખી હનુમાનજીનું મંદિર અને સ્વામિનારાયણ મંદિર, સિંધનંુ રામાપીર અને પંજાબ પ્રાંતનંુ કટાસરાજ જેવાં કેટલાંક પ્રમુખ મંદિરો જાળવી શકાયા છે. હિન્દુ સમાજ માટે પાકિસ્તાનનાં મંદિરોનો વિષય હંમેશાં ચર્ચામાં અને ચિંતાજનક રહ્યો છે.
————.
પાકિસ્તાનમાં આવેલાં પ્રમુખ હિન્દુ મંદિરો
ભાગલા પહેલાં અખંડ ભારતના સમયમાં કન્યાકુમારીથી કરાચી અને કાબુલ સુધી હિન્દુ મંદિરો હતાં. સરહદોએ દેશના ભાગલા પાડ્યા, પણ ભાવિકોની આસ્થામાં કોઈ ઓટ નથી આવી. અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે ભારતથી દર વર્ષે હજારો યાત્રિકો પાકિસ્તાનનાં મંદિરોની મુલાકાતે જાય છે. પાકિસ્તાનમાં મુખ્ય મંદિરો કયા વિસ્તારોમાં આવ્યાં તેના પર એક નજર કરીએ તો બલુચિસ્તાનમાં હિંગળાજ માતાજીની પ્રસિદ્ધ શક્તિપીઠ આવેલી છે. આ ઉપરાંત આઝાદ કાશ્મીરમાં શારદાપીઠ આવેલી છે.
પેશાવરમાં કાલીબરી મંદિર, ગોરખનાથ મંદિર અને પીર રતનનાથજી મંદિર મુખ્ય છે. પંજાબ પ્રાંતમાં કટાસરાજ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, લવ સમાધિ મંદિર, આદિત્ય મંદિર, જાગનાથ મંદિર, માલોત મંદિર, પ્રહલાદપુરી મંદિર, વાલ્મીકિ, રોહતાસ મંદિર મુખ્ય છે. મુલતાનમાં સૂર્ય મંદિર આ ઉપરાંત કરાચીમાં સ્વામિનારાયણ મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર, વરુણ દેવ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર મુખ્ય છે. હજારો યાત્રિકો આ મંદિરનાં દર્શન માટે આવે છે.
————.
કચ્છમાંથી હિંગળાજ શક્તિપીઠનો માર્ગ ખોલવા રજૂઆત
બલુચિસ્તાનમાં હિંગળાજ માતાજીની પ્રસિદ્ધ શક્તિપીઠ આવેલી છે. પાકિસ્તાનની ભૂમિમાં આ મંદિર હોવા છતાં તેના દર્શને જવાનો ભારતમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. જોકે વિઝાની મુશ્કેલીઓને કારણે કેટલાક ભાવિકો ઇચ્છતા હોવા છતાં જઈ શકતા નથી તો કેટલાક ભાવિકો પાસે જાણકારીનો અભાવ હોય છે. હિંગળાજ તીર્થસ્થળે જવું થોડું કઠિન છે. બલુચિસ્તાન પ્રાંતમાં પહાડો વચ્ચે આવેલા આ મંદિરના દર્શનાર્થે આવનારાઓમાં સ્થાનિક પાકિસ્તાની લોકોની સંખ્યા પણ વિશેષ હોય છે. આ મંદિર હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતીક છે. દુનિયામાં બાવન શક્તિપીઠો છે. ભારત – પાકિસ્તાન, બાંગ્લાદેશ સતિહના દેશોમાં શક્તિપીઠો આવેલી છે. સતીના કપાળનો ભાગ જ્યાં પડ્યો ત્યાં હિંગળાજ શક્તિપીઠ બની જે હાલ પાકિસ્તાનમાં છે. હિંગોળ એટલે સિંદૂર. સતીના કપાળ પરના સિંદૂરનો ભાગ જ્યાં પડ્યો ત્યાં આ શક્તિપીઠનું નિર્માણ થયું હોવાનું કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. ભારતના ખાસ કરીને ગુજરાત – રાજસ્થાનમાં વસતા સોઢા, રાજપૂત, ગઢવી, ભાવસાર, ભાનુશાળી, કોળી સહિત અનેક સમાજોની કુળદેવી હિંગળાજ માતાજી છે. કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ પૂર્વ વિદેશ પ્રધાન જસવંતસિંહ સાથે પાકિસ્તાન હિંગળાજ માતાજીનાં દર્શન કર્યા હતા. તેમના સહિત અનેક આગેવાનોએ ભારત અને પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ કચ્છના સિંધ સાથે આર્થિક અને સામાજિક વ્યવહાર પુરાણો હોય કચ્છની ખાવડા બોર્ડરથી સિંધનો રોડ રસ્તો ખોલવા ભારત સરકાર સમક્ષ રજૂઆતો છે. બંને પ્રદેશના લોકો વચ્ચે સામાજિક વ્યવહારો પણ થતા હતા. ભાગલા બાદ સરહદ પારના આ વ્યવહારો અટકી ગયા છે. વિઝાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને વાઘા બોર્ડર અને રાજસ્થાનના મુનાબાવની જેમ કચ્છને રોડ રસ્તે પાકિસ્તાન તરફનો માર્ગ ખોલવામાં આવે તો કચ્છને ખૂબ ફાયદો થાય તેમ છે. ખાવડાથી માત્ર ૩૫ કિ.મી. રોડ રસ્તે જવાથી પાકિસ્તાનના સિંધમાં પહોંચી શકાય છે.
——————-