આયાત – નિકાસકારોમાં કચ્છનાં બંદરો તરફનો ઝુકાવ વધશે

ચ્છના આર્થિક વિકાસમાં જો કોઈ ક્ષેત્રનો મહત્ત્વનો હિસ્સો હોય તો તે છે પોર્ટ માલ પરિવહન ક્ષેત્ર.

કચ્છ સ્પેશિયલ – રાજેશ ખંડોલ

કચ્છના આર્થિક વિકાસમાં જો કોઈ ક્ષેત્રનો મહત્ત્વનો હિસ્સો હોય તો તે છે પોર્ટ માલ પરિવહન ક્ષેત્ર. વિશ્વના મોટા વ્યાપારી શહેરો નદી અથવા દરિયા કિનારે વસેલાં છે. ઉદાહરણ તરીકે પેરિસ, લંડન અને ભારતના કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ લઈ શકાય. આજના સમયમાં પણ ૯૫ ટકા કરતાં વધુ માલસામાનની આયાત નિકાસ દરિયાઈ માર્ગે જ થાય છે. કચ્છનો ઇતિહાસ જોતાં માલૂમ પડશે કે એક સમયે માંડવી એ કચ્છની આર્થિક રાજધાની હતી. એક દાયકા પહેલાં ગાંધીધામ અને તે પણ કંડલા બંદરના કારણે અને હાલમાં મુન્દ્રા, અદાણી બંદરના કારણે.

કચ્છ દરિયાકિનારે વસેલો મુલક છે. કચ્છમાં કંડલા, મુન્દ્રા, જખૌ અને માંડવી એમ ચાર મુખ્ય બંદરો આવેલાં છે. જેમાં કંડલા અને મુન્દ્રા કુદરતી બંદરો છે. આ બંદરો પરથી વર્ષના ૩૬૫ દિવસ માલ પરિવહન થઈ શકે છે. આ બંદરો ઉચ્ચ માળખાકીય સુવિધાઓ ધરાવે છે. તેમાં પણ અદાણી ગ્રૂપ હસ્તકના મુન્દ્રા બંદરેથી વર્ષો વર્ષ માળખાકીય સુવિધાઓમાં વધારો થતો હોય છે.

કચ્છનાં બંદરો ભૌગોલિક રીતે અખાતી દેશો જેવા કે દુબઈ સાથે ખૂબ જ ઓછું અંતર ધરાવે છે. તે ઉપરાંત ભારતના જ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા જેવાં વિશાળ રાજ્યોમાં કોઈ જ બંદરો ન હોવાથી અને ભૌગોલિક રીતે કચ્છનાં બંદરો વધુ નજીક હોવાથી કંડલા અને મુન્દ્રા વધુ અનુકૂળ આવે છે. મોટા ભાગના ઉદ્યોગો આયાત-નિકાસ પર આધારિત હોય છે. બંદર નજીકનાં સ્થળો પર ઉદ્યોગો સ્થાપવાથી માલપરિવહન ખર્ચમાં મોટો કાપ મુકી શકાય છે.

વૈશ્વિક કલ્પનાના કારણે બે સ્થળો વચ્ચેનું અંતર દિવસોદિવસ ઘટતું જતું હોય તેવું લાગે છે. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં કચ્છથી મુંબઈ જતી વ્યક્તિ પરદેશ જતી હોય તેવી લાગણી અનુભવતી હતી. જ્યારે આજે વ્યક્તિ પરદેશ પણ બે દિવસમાં જઈને પાછી આવી શકે છે. બદલતા આ સમયમાં સર્વિસ સેક્ટરની માગમાં દિવસે દિવસે વધારો થતો જાય છે અને ફેરફાર પણ ખૂબ ઝડપથી થાય છે. માલ પરિવહન ક્ષેત્ર એ પણ સર્વિસ સેક્ટર કહેવાય એટલે આ ક્ષેત્રનાં સમીકરણો ઝડપથી બદલાઈ જાય છે. આજથી ૨૦ વર્ષ પહેલાં કંડલા બંદર પર એક જેટી ઉપર દિવસના જેટલા મેટ્રિક ટનનું પરિવહન થતું હતું તેના કરતાં આજે આધુનિક સાધનોની મદદથી અનેકગણુ પરિવહન વધી ગયું છે.

ભૌગોલિક રીતે કંડલા અને મુન્દ્રા બંદર પૂર્વ અને પશ્ચિમના દેશોની મધ્યમાં આવેલા હોવાથી વિશ્વની બંને દિશા એટલે કે ગલ્ફના દેશો અને પૂર્વના દેશો માટે એક મધ્યસ્થ બંદર તરીકેની સુવિધા પાર પાડી શકે છે. આ ઉપરાંત મુન્દ્રા બંદર ઉત્તર આફ્રિકાનાં બંદરોથી પણ ભૌગોલિક રીતે સરળતાથી જોડાઈ શકે છે. બંદરો અને માલ પરિવહન ક્ષેત્રનો વિકાસ થતાં તેના આનુષંગિક એવા નાના મોટા ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. જેમાં ક્લીયરિંગ અને ફોર્વડિંગ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ, માલ પરિવહન માટે ઉપયોગમાં આવતી મશીનરી જેવી કે ક્રેન, લોડર વગેરેનો વિકાસ, ગોડાઉન, હોટલ ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે.

આમ એક જ માલપરિવહન ક્ષેત્રનો વધારો થતાં તેની સાથે બીજા અનેક ઉદ્યોગો વિકસતા હોવાના કારણે રોજગારીની નવી તકોનું સર્જન થાય છે અને એ વિસ્તારનું અર્થતંત્ર ધબકતું રહે છે. સમગ્ર વિશ્વ સાથે વ્યાપારમાં જોડાયેલા રહેવાથી એ વિસ્તારના લોકોની જીવનશૈલી, વિચારો અને રહેણીકરણીમાં પણ મોટા ફેરફારો જોવા મળે છે. તેનું જીવંત ઉદાહરણ ગાંધીધામ વિસ્તાર છે. છેલ્લાં ૨૦ વર્ષથી ગાંધીધામના આર્થિક વિકાસનો પાયો કંડલા બંદર જ છે. આજે ગાંધીધામ કોસ્મોપોલિટિયન શહેર તરીકે વિકસી રહ્યું છે જ્યારે તેનાથી માત્ર ૧૫ કિ.મી. દૂર રહેલા અંજાર વિસ્તારની રહેણીકરણી, જીવનશૈલી અને વિચારોમાં જમીન આસમાનનું અંતર છે.

કચ્છમાં ચાર બંદરો છે

કંડલા બંદર
કંડલા બંદર એ મેજર પોર્ટ ટ્રસ્ટ હેઠળ આવતું એક મહત્ત્વનું બંદર છે. જેનું સંચાલન કેન્દ્ર સરકાર હસ્તક કંડલા પોર્ટ ટ્રસ્ટના નેજા હેઠળ થાય છે. સાથે-સાથે વાડીનાર બંદરનું સંચાલન કરાય છે. કંડલાનું નામ બદલીને તાજેતરમાં જ પંડિત દીનદયાળ બંદર કરાયું છે. આ બંદરની શોધ બ્રિટિશ રૉયલ નેવીએ ૧૮૫૧માં કરી હતી. તેનો વિસ્તૃત સરવે ૧૯૨૨માં થયો હતો. બંદરનો વિકાસ બ્રિટિશ સરકાર અને મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના નેજા હેઠળ થયો હતો. કંડલા બંદર ૧૯૩૧માં અસ્તિત્વમાં આવ્યું હતું. ભારત- પાકિસ્તાનના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં જતાં સરકારે કંડલા બંદરને મુખ્ય બંદર તરીકે વિકસાવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી કંડલા પોર્ટનો વિકાસ શરૃ થયો છે. કંડલા બંદરે ન તો માત્ર કચ્છના પરંતુ ભારતના કુલ વિશ્વ સાથેના આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ કુદરતી બંદર છે અને માલ પરિવહન ભરતી- ઓટ પર આધારિત નથી. કંડલા બંદરમાં વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૩,૭૦,૯૫ હજાર મે.ટન અને નિકાસ ૧,૧૩,૪૫ હજાર મે.ટન થઈ હતી. આમ કુલ આયાત નિકાસ ૪,૮૪,૪૦ હજાર મે. ટન માલ પરિવહન થયું હતું.

અદાણી – ખાનગી મુન્દ્રા બંદર
અદાણી ગ્રૂપે મુન્દ્રામાં ૧૯૯૮માં માત્ર બે બર્થથી બંદરની શરૃઆત કરી હતી. જે ઝડપથી વિસ્તરીને આજે ૨૪ બર્થની માળાખાકીય સુવિધા ધરાવતું દેશનું મોટું ખાનગી સેક્ટર બંદર છે. અદાણી બંદર એ દેશનું એક માત્ર એવું બંદર છે જે ક્રૂડ ઓઇલ, ડ્રાય બલ્ક કાર્ગો, કન્ટેનર કાર્ગો, પ્રવાહી કાર્ગો ઓટોમોબાઇલ એ દરેક પ્રકારના માલપરિવહન માટેની અને સ્ટોરેજની માળખાકીય સુવિધાઓ ધરાવે છે. આ બંદર ડ્રાય કાર્ગો માટે ૪ ટર્મિનલમાં ૧૨ બર્થ, પ્રવાહી કાર્ગો માટે ૩ ટર્મિનલમાં ૪ બર્થ, ક્રૂડ માટે ૨ ટર્મિનલમાં ૨ બર્થ, કન્ટેનર માટે ૩ ટર્મિનલમાં ૬ બર્થ એમ કુલ ૧૦ ટર્મિનલ મળીને ૨૪ બર્થની માળખાકીય સુવિધા ધરાવે છે. અદાણી બંદરમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૮૫૦.૬૬ લાખ મેટ્રિક ટનની આયાત અને ૩૦૬.૯૬ લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી.

જખૌ બંદર
જખૌ એ કચ્છનું જૂનું બંદર છે. આ કુદરતી બંદર નથી એટલે મોટા ભાગે ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી, જ્યારે હવામાન સારું હોય ત્યારે જ માલ પરિવહન થાય છે. આ બંદર કોસ્ટગાર્ડ અને બી.એસ.એફ.ના વૉટર ડિપાર્ટમેન્ટની દેખરેખ હેઠળ છે. અહીંથી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કોલસા અને જીપ્સમની કુલ આયાત ૧.૮૧ લાખ મેટ્રિક ટન હતી જ્યારે મીઠું, સિમેન્ટ અને ક્લીંકરની મળીને કુલ નિકાસ ૨૫.૩૯ લાખ મે. ટન નિકાસ થઈ હતી.

માંડવી બંદર
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ હસ્તકનું માંડવી બંદર એક હજારથી પણ વધારે વર્ષોનો વારસો ધરાવતું બંદર છે. આ એક સમયે કચ્છની આર્થિક રાજધાની હતી, પરંતુ કુદરતી બંદર ન હોવાથી હાલમાં કોઈ જ માલ-પરિવહન થતું નથી. આ ઉપરાંત જૂનું મુન્દ્રા બંદર પણ છે, પરંતુ તેમાં પણ વધુ માલ-પરિવહન થતું નથી. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન માત્ર ૬૯,૦૦૦ મે.ટન માલનું પરિવહન થયું હતું.

કચ્છનાં બંદરોનું ભવિષ્ય
બંદરોનું ભવિષ્ય હંમેશાં તેની કાર્યક્ષમતા અને દેશના આર્થિક વિકાસ પર નિર્ભર હોય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતનો ઉત્પાદન ક્ષેત્રમાં નેગેટિવ ગ્રોથ રહ્યો છે. જેની સીધી અસર નિકાસ ઉપર પડે છે. આ ઉપરાંત સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા નવા નવા પોર્ટમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થતી હોવાથી દેશની કુલ માલ પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થતો જાય છેપરંતુ સાપેક્ષમાં કુલ આયાત- નિકાસમાં એટલો વધારો ન થવાથી પોર્ટ ક્ષેત્રમાં ભવિષ્યમાં ભારે સ્પર્ધા રહેશે. જેમાં કચ્છનાં બંદરો પણ બાકાત નહીં રહે. જે બંદર સારી સુવિધાઓ પૂરી પાડી શકશે તેનો જ વિકાસ થશે.

હાલમાં કંડલા લગભગ ૫ કરોડ આસપાસ મેટ્રિક ટન જેટલું માલ-પરિવહન કરે છે. અદાણી બંદર માળખાકીય સુવિધાઓ જેવી કે ડાયરેક્ટ ટ્રેનની કનેક્ટિવિટી, ગોડાઉન, માલ-પરિવહનમાં વપરાતી હેવી મશીનરી, મોટી-મોટી લાઇનનાં જહાજો સાથેની વ્યવસ્થા વગેરેમાં વર્ષોવર્ષ નોંધપાત્ર સુધારો કરતું હોવાથી ભવિષ્યમાં આ પોર્ટ ઉપરથી ૧૪-૧૫ કરોડ મે. ટન માલ-પરિવહનનો અંદાજ બાંધી શકાય. કચ્છના બંદર કુલ ૧૬.૬૯ કરોડ મે. ટન જેટલું માલ-પરિવહન કરે છે જે દેશના કુલ માલ-પરિવહનના અંદાજિત ૨૫ ટકા આસપાસ ગણાય અને અદાણી બંદર ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખતા કચ્છના બંદરો ભવિષ્યમાં કુલ માલ-પરિવહનનો ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવીને દેશના આર્થિક વિકાસમાં એક મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે.
——————-

કચ્છનાં બંરરોપાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment