સાંપ્રત – હિંમત કાતરિયા
૨૦૦૩ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૃ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જાન્યુઆરી ૨૦૧૯માં ૧૦મી સમિટ યોજાઈ રહી છે. ૧૬ દેશ તેેના પાર્ટનર બની રહ્યા છે. લગભગ સમગ્ર દેશમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મૉડલનું અનુકરણ કરવામાં આવ્યું છે. આ અતિ ચર્ચિત સમિટની અત્યાર સુધીની ફળશ્રુતિનાં લેખાંજોખાં જોઈએ…
ઉદ્યોગો કોઈપણ રાજ્યની કરોડરજ્જુ છે. ઉદ્યોગધંધાના અભાવવાળાં રાજ્યોમાં કાયદો વ્યવસ્થા તો કથળે જ છે, પણ સાથે સામાજિક સુરક્ષા અને માનવ જીવનનાં મૂલ્યોનું પણ હનન થાય છે. ઉદ્યોગો સાથે પ્રજાની આર્થિક અને સામાજિક સુખાકારી સીધી રીતે જોડાયેલી હોય છે. અલબત્ત, જો ઉદ્યોગ માળખું સરખી રીતે કાર્ય કરે અને તેનો સંતુલિત વિકાસ થાય તો. ગુજરાતમાં ઉદ્યોગો આવશે તો સરકાર પાસે નાણા આવશે, તમામ માળખાકીય સુવિધાઓના વિસ્તાર કરી શકાશે અને લોકોની સુખાકારી વધશે. આ વિચારને ધ્યાનમાં લઈને ૨૦૦૩માં શરૃ થયેલી અને બહુચર્ચિત એવી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ૧૦મી સિઝન આવી રહી છે ત્યારે જોઈએ આ સમિટ સાથે જોડાયેલી સુખાકારીની સકારાત્મક-નકારાત્મક બાબતો.
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે વાત કરતાં જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વાય.કે. અલઘ કહે છે, ‘ક્ષમતા તરફ દ્રષ્ટિપાત કરીએ તો વાઇબ્રન્ટ બહુ સફળ મૉડલ છે. એટલે જ વાઇબ્રન્ટ મૉડલને વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે. ભારતના લગભગ દરેક રાજ્ય વાઇબ્રન્ટ સમિટની નકલ કરી રહ્યાં છે. જોકે વાઇબ્રન્ટ ભારે રોકાણ ખેંચી લાવ્યંુ છે એવા દાવાની હું ખાતરી આપતો નથી. આપણુ હંમેશથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. લોકો ગુજરાતમાં રોકાણ કરે છે. રતન ટાટાએ કહ્યું હતું એમ કે જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરતા તો મૂર્ખ છો. ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણમાં વાઇબ્રન્ટનું યોગદાન છે કે નહીં, એ વિષયમાં મારો અભ્યાસ નથી.‘
સેક્ટર પ્રમાણે જોઈએ તો કયા ક્ષેત્રોમાં વાઇબ્રન્ટથી ફાયદો થયો છે પ્રશ્નના જવાબમાં વાય.કે. અલઘ કહે છે, ‘હું એ વિષયમાં કોઈ ટિપ્પણી કરી શકું તેમ નથી. હું પ્રોફેશનલ ઇકોનોમિસ્ટ છું, આંકડા વગર આધારભૂત વાત કરી શકતો નથી. એ માટે પહેલાંનું રોકાણ અને પછીનું રોકાણ જોવું પડે, રોકાણમાં તફાવત જોવો પડે. દર વર્ષે ૮-૧૦ ટકા રોકાણ તો વધી જ જાય છે. રોકાણના આંકડાની લોકો સરખામણી કરે છે તો યોગ્ય નથી. સંસ્થાકીય રીતે કહી શકું કે તે ઘણુ સફળ મૉડલ છે.‘
વાઇબ્રન્ટમાં તમને કઈ બાબતની ઊણપ જણાય છે? પ્રશ્નના જવાબમાં અલઘ કહે છે, ‘આપણને વાઇબ્રન્ટ ગુજરાતનું ગૌરવ છે, આપણે ઔદ્યોગિક રાજ્યની ઓળખથી ખુશ છીએ, પણ સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સંકોચાઈ ગયું છે. આપણે લાંબાગાળાના આયોજનો કરતા નથી. ગુજરાતમાં સ્ટેટ પ્લાનિંગ બોર્ડ હતા તે હવે નથી. સ્ટેટ પ્લાનિંગ બોર્ડને વિખેરી નાખવાની ભૂલ થઈ છે. ખાનગી ક્ષેત્ર પાસે એવું વિઝન નથી હોતું. ખાનગી ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, પણ તેની આગેવાની રાજ્યે લેવી પડે. આવો વિકાસ આપણે કોરિયા, જાપાનમાં જોઈએ છીએ. રોકાણ માટે તમારે લાંબાગાળાનું આયોજન જોઈએ. કેમ કે ૩-૪ વર્ષ તો ધંધો જમાવવામાં જાય છે. બીજું, આપણે સ્કિલમાં વધુ રોકાણ કરવું જોઈએ. એ આપણું મોટી નબળાઈ છે કે ગુજરાત દેશનું એક સૌથી સમૃદ્ધ રાજ્ય છે, પણ શિક્ષણના સૂચકાંકો જોઈએ તો તેમાં આપણો નંબર ૧૨-૧૩-૧૪મો આવે છે. આ નબળાઈને કારણે ગુજરાતમાં રોજગારી બહારના લોકોને મળે છે અને આપણા યુવાનોને નોકરી નથી મળતી અને રસ્તા પર આવે છે. ધારો કે, ઇરમામાં મળે છે એવી તાલીમ સાથેના દર વર્ષે ૧૦૦૦ યુવાનો તૈયાર થાય તો મજાલ છે કે હાર્દિક પટેલ પેદા થાય? આ બાબતો માટે આપણી પાસે દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ. આપણે બધું પ્રાઇવેટ સેક્ટર ઉપર ન છોડી શકીએ. ખાનગી શિક્ષણની એક મર્યાદા છે. આપણી પાસે ઘણી ખાનગી યુનિવર્સિટીઓ હોવા છતાં ધસારો સરકારી એમએસયુ, ગુજરાત યુનિવર્સિટી કે ઇવન કચ્છ યુનિવર્સિટીમાં થાય છે. દુનિયાની અડધોઅડધ ફિમેલ વસ્તી હોવા છતાં આપણે કેમ એવું માની લઈએ કે ગુજરાતી કન્યા સારી મેનેજર ન બની શકે કે સારી ટૅક્નિકલ એન્જિનિયર ન બની શકે કે સોફ્ટવેર એક્સપર્ટ ન બની શકે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે બાળકીઓને રથમાં બેસાડીને શાળાએ લઈ જવાની મોદી સરકારની પહેલ ખરેખર સારી હતી, પણ તાજેતરનો નેશનલ એજ્યુકેશનલ પ્લાનિંગ મૅનેજમૅન્ટનો સરવે કહે છે કે, કન્યા કેળવણીમાં ગુજરાતમાં ડ્રોપઆઉટ દર ઘણો વધારે છે. આ રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓને ધ્યાને લેવા પડે. નહિતર રોકાણ આપણે ત્યાં થશે અને જોબ બહારના લોકોને મળશે. આ સમાજવાદની વાત નથી, પણ વ્યવહારિક વાત છે.‘
સેન્ટર ફોર ડેવલપમેન્ટ અલ્ટર્નેટિવ્સ (સીએફડીએ)ના ડાયરેક્ટર અને ઇકોનોમિક્સનાં પ્રોફેસર ઇન્દિરા હિરવે નવી દિલ્હીના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ(આઈસીએસએસઆર)ના નેશનલ ફેલો પણ છે. ઇન્દિરા હિરવે કહે છે, ‘વાઇબ્રન્ટથી સોલર અને વિન્ડ એનર્જીમાં સારું કામ થયંુ છે. સોશિયલ સિક્યૉરિટીમાં સ્કીમોની જાહેરાત કરી તે પણ સારું છે, પણ તેનો કેટલી હદ સુધી અમલ થશે તે એક પ્રશ્ન છે. કેમ કે તેના માટે મોટું ભંડોળ જોઈશે અને તે સરકાર ખર્ચ કરશે કે કેમ તે એક સવાલ છે. અલબત્ત, સારો ઇરાદો બતાવ્યો છે અને હવે મિડિયમ અને સ્મોલ સાઇઝના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે તે પણ સારું છે.‘
ઇન્દિરા હિરવે સરકારની ચાર મહત્ત્વની નબળાઈઓ તરફ આંગળી ચીંધતા કહે છે, ‘એજ્યુકેશન અને હેલ્થ એ સૌથી પ્રાથમિક જરૃરિયાત છે, પરંતુ આ બંનેમાં સરકાર બહુ ખર્ચ કરતી નથી. કેળવણીમાં અને આરોગ્યમાં બહુ ઓછી રકમ ખર્ચાય છે. આ બંને બાબતો બરાબર ન હોય તો લોકો વિકાસમાં બરાબર ભાગ ન લઈ શકે. એટલે વાઇબ્રન્ટમાં અમુક લોકો ભાગ લે છે અને બાકીના રહી જાય છે. બીજી મોટી સમસ્યા પર્યાવરણની છે. આપણે હમણા કોસ્ટલ રૃલ્સ પણ હળવા કરી નાખ્યા. આ કારણે કોસ્ટલ ઇકોસિસ્ટમ ભયમાં આવી ગઈ છે. એને કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં અગ્રક્રમે આવતા સસ્ટેનેબિલિટીમાં આપણે બહુ પાછળ પડી ગયા છીએ. ત્રીજી સમસ્યા છે, રોજગારીની. રોજગારી આપવી એ જ માત્ર રોજગારીમાં નથી આવતું. યોગ્ય વેતન હોય, પ્રોડક્ટિવ રોજગારી હોય અને યોગ્ય સામાજિક સુરક્ષા મળતી હોય તો જ તે રોજગારી અર્થપૂર્ણ બને છે. આમ તો, ગામમાં બોર વેચનારી બાઈને પણ રોજી મળે છે એમ કહી શકાય, પણ તેની આવક કેટલી છે, ઉત્પાદકતા કેટલી છે અને તેમાં ડિસન્ટ વર્ક મળે છે કેમ તે જોવું રહ્યું. આ બાબતોમાં ગુજરાત ગમે તેટલી બૂમો પાડતું હોય તો પણ પાછળ છે. અસંગઠિત કામદારોના ક્ષેત્રમાં ગુજરાત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોથી પાછળ છે. વાઇબ્રન્ટ ગુજરાતથી રોજગારી વધશે એ વાતમાં મને વિશ્વાસ બેસતો નથી. કેમ કે તેને યોગ્ય વેતન ન મળે, સામાજિક સુરક્ષા ન મળે તો તેનો શું અર્થ. ચોથું, સરકાર ગ્રોથની પાછળ પડી છે. ટ્રિલિયનમાં ઇકોનોમિક ગ્રોથ વધવાની વાતો કરે છે તેનો કોઈ અર્થ નથી. ગોલ સાધન છે અને સાધ્ય છે લોકોનો વિકાસ. તે જ ન થતો હોય તો ગ્રોથ રેટનો કોઈ મતલબ નથી. ફ્ક્ત ગ્રોથ વધવાથી પૈસાવાળાના ખિસ્સા ભરાય, પણ ગરીબોને શું મળે છે? તેને તંદુરસ્તી, શિક્ષણ વગેરે મળે છે? સરકાર ગ્રોથ ઉપર વધારે ભરોસો રાખે છે અને પોતાનાં મૂળ કર્તવ્ય એવા, મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત શિક્ષણ, મૂળભૂત આરોગ્ય સેવાઓથી વિમુખ છે. આ વિષયોમાં ખાનગી ક્ષેત્રો ઉપર ભરોસો રાખ્યે નહીં ચાલે.‘
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા માને છે કે વાઇબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ આવ્યું તેની જનજીવન ઉપર બહુ મોટી અસર પડી છે અને વાઇબ્રન્ટ સમિટ સમગ્ર દેશ માટે રોલ મૉડલ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટને કારણે જ આપણે ૧૪ વર્ષથી રોજગારી આપવામાં નંબર વન રહીએ છીએ. તેમાંય સૌથી સારું કામ આરોગ્ય ક્ષેત્રે થયું છે. આરોગ્ય ક્ષેત્રે સરકારની ઉપેક્ષાને નકારતા ભરત પંડ્યા કહે છે, તાલુકા સ્તરે દવાખાનાની તમામ સુવિધા વધારી. આખા દેશમાં ઇમર્જન્સી ૧૦૮ સેવા સૌથી વધુ મજબૂત ગુજરાતમાં છે. મા અમૃતમ કાર્ડની સફળતા. હવે તેમાં આયુષ્માન ભારત યોજના ભળી છે.
રાજ્યમાં ગમે ત્યાં ગમે તેને એક્સિડન્ટ થાય તો ૫૦ હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવાની અકસ્માત વીમાની સ્કીમ પણ મોટું પગલંુ છે. આરોગ્ય મેળા થાય છે. દર વર્ષે આ આરોગ્ય અભિયાનમાં નાનાં બાળકોની અઠવાડિયા સુધી પગથી માથા સુધી તપાસ ચાલે છે. એમાં આંખ, હૃદય જેવા ખરાબ અંગોનું મફત ઑપરેશન થાય છે. શિક્ષણમાં બધું ખાનગી ક્ષેત્ર ઉપર છોડી દેવાના વલણનો બચાવ કરતા ભરત પંડ્યા કહે છે, પહેલાં ગુજરાતમાં સીટોના અભાવને લઈને બહારનાં રાજ્યોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા જતા હતા. દરેક ખૂણેથી શિક્ષણને જોતાં, ૯ યુનિવર્સિટીમાંથી ૫૬ યુનિવર્સિટી કરવી, કૉલેજો અને સીટોમાં ૪૦૦ ટકાનો વધારો થયો એ કારણે ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહ્યો એવો પણ એક એંગલ મળે છે. સરકારી એમબીબીએસ, એન્જિનિયરિંગની સીટો વધી છે અને તે ૫-૨૦ હજારમાં થાય છે. પહેલાં ૩૭ ટકા ડ્રોપઆઉટ રેશિયો હતો તે શાળા પ્રવેશોત્સવો અને ગુણોત્સવો થકી સાનુકૂળ વાતાવરણ સર્જીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને ૧ ટકા કર્યો.
આ માટે મુખ્યમંત્રી, આઇએએસથી લઈને તમામ અધિકારીઓ ત્રણ દિવસ ગામડામાં બાળકો વચ્ચે જાય એ પ્રામાણિક પ્રયાસ જ કહેવાય. ફી નિયંત્રણ હેઠળ શાળાઓની ૧૦ ટકાથી લઈને ૪૦ ટકા સુધીની ફી ઘટાડાવી છે. વિવેચકો ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવે છે. રોજગાર મેળા, સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો મોટાપાયે શરૃ કર્યા છે. વેતન બાબતમાં ગુજરાત બહુ પાછળ છે એવા આક્ષેપના જવાબમાં ભરતભાઈ કહે છે કે, ‘૨૫૦-૩૦૦ રૃપિયામાં ખેડૂતને દાડિયા નથી મળતા.‘ જોકે આટલા રૃપિયામાં એન્જિનિયર આસાનીથી મળી જાય છે એ અલગ વાત છે.
——————-