લગ્નને યાદગાર બનાવે છે વેડિંગ પ્લાનર

કપડાનું સિલેક્શન, મેકએપ આર્ટિસ્ટ, ગેસ્ટનું મૅનેજમૅન્ટ, ત્રણ ફંક્શન છે તો કયા કયા કેટરેટ્સ રાખવા કેવું ફૂડ રાખવું બ્રેકફાસ્ટથી લઈ ડિનર સુધી ગેસ્ટ શું પસંદ કરશે એ બધાનું પ્લાનિંગ વેડિંગ પ્લાનર કરે છે.
  • એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલહેતલ રાવ

લગ્ન એ સામાજિક બંધન છે જે માત્ર બે વ્યક્તિને જ નહીં, પરંતુ બે પરિવારને પણ જોડે છે. વરવધૂની સાથે અનેક એવા સંબંધ હોય છે જે જીવન પર્યંત જોડાઈ જતા હોય છે. લગ્ન કરનાર દરેક વ્યક્તિ પોતાના જીવનની આ અમૂલ્ય પળ, અવસરને યાદગાર બનાવવા ઇચ્છે છે. તેના માટે હવે વેડિંગ પ્લાનર પર પસંદગી ઉતારવામાં આવે છે.

 કહેવાય છે કે બદલાતા સમય સાથે દરેક વસ્તુ બદલાતી રહે છે. પરિવર્તન એ સમાજનો નિયમ છે. જૂનંુ બદલાય છે અને નવું આવે છે. આજના યુગમાં પણ કંઈક એવું જ બની રહ્યું છે. જે લગ્નનું કાકા, મામા, ફુઆ, ભાઈ, દોસ્તારો ભેગા મળીને આયોજન કરતા હતા હવે તે લગ્નોનું આયોજન કરવા માટે વેડિંગ પ્લાનરને પસંદ કરવામાં આવે છે. એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નહીં કહેવાય. કેમ કે આજના સમયમાં વેડિંગ પ્લાનર પરિવાર માટે લગ્નમાં હાર્દ સમાન છે. વેડિંગ પ્લાનર એવી વ્યક્તિ છે જે દીકરા કે દીકરીનાં લગ્નમાં માથાથી લઈને પગ સુધી અને પીઠીથી લઈ વિદાય સુધી નાનામાં નાની વિધિ અને નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે.

વિદેશની ભૂમિ પરથી માદરે વતન સંતાનનાં લગ્ન માટે આવેલા એનઆરઆઈ પરિવાર માટે વેડિંગ પ્લાનર પ્રથમ પસંદ બની રહે છે. લગ્નમાં આનંદ લેવા માટે ભેગા થતા પરિવાર અને સંબંધીને આયોજનનો ભાર ક્યાં આપવો તેવું વિચારતા લોકો પણ પોતાના સંતાનનાં લગ્નનો ભાર વેડિંગ પ્લાનરને આપતા હોય છે. આજે તો નાના પ્રસંગો જેવા કે બર્થ-ડે, ઍનિવર્સરી, મિટિંગ, કે અન્ય પાર્ટીનું આયોજન પણ ઇવેન્ટ પ્લાનરને સોંપવામાં આવે છે. ત્યારે લગ્ન જેવા જીવનના મહત્ત્વના પ્રસંગને માણવા માટે હવે પરિવાર વેડિંગ પ્લાનરને કામ સોંપે છે. ઇવેન્ટ મૅનેજમૅન્ટમાં વેડિંગ પ્લાનરનો મહત્ત્વનો રોલ રહેલો હોય છે જે લગ્ન સમારંભનું જ કાર્ય કરતા હોય છે. સગાઈ સેરેમનીથી શરૃ થતું વેડિંગ પ્લાનરનું કામ કંકોતરી છપાવવી, દુલ્હા-દુલ્હન માટે પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી, મહેંદી, સંગીત, પીઠી, મંડપ રોપણ, ગ્રહશાંતિ, ગરબા જેવા દરેક પ્રસંગને અનુરૃપ દુલ્હા-દુલ્હનનાં કપડાં તૈયાર કરાવવા, દુલ્હા માટે બેચલર પાર્ટી, દુલ્હન માટે મહેંદી ડિઝાઇનર, બ્યુટી પાર્લરનું બુકિંગ, લગ્નમાં આવનારા મહેમાનોને પિકઅપથી લઈને છોડવા જવા સુધીનું કાર્ય, હોટલ, વેડિંગ ડેસ્ટિનેશન, ડેકોરેશન, ડાન્સ પરફોર્મન્સ માટે કોરિયોગ્રાફર, કેટરિંગ, વરઘોડાની વ્યવસ્થા ફટાકડાથી લઈને ઘોડાગાડી, ટૂંકમાં દીકરીની વિદાય અને દીકરાના રિસેપ્શન સુધીની તમામ જવાબદારી વેડિંગ પ્લાનરની હોય છે. પરિવાર એકવાર વેડિંગ પ્લાનરને જવાબદારી સોંપી દે પછી તેેમને લગ્નની કોઈ ચિંતા રહેતી નથી. બસ, તેમને માત્ર એન્જોય કરવાનું જ કામ રહે છે.

આ વિશે વાત કરતાં અમદાવાદના જાણીતા અને છેલ્લા બાર વર્ષથી વેડિંગ પ્લાનરની ભૂમિકા નિભાવનાર હરિન પંડ્યા કહે છે, ‘ઇવેન્ટ મૅનેજમૅન્ટમાં વેડિંગ પ્લાનરની ભૂમિકા મહત્ત્વની છે, કેમ કે ઇવેન્ટ મૅનેજમૅન્ટમાં દરેક પ્રકારના પ્રસંગનું પ્લાનિંગ કરવાનું હોય છે. જ્યારે વેડિંગ પ્લાનર માત્ર લગ્ન પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.  વેડિંગ પ્લાનિંગ એ આર્ટ વર્ક છે જેમાં સામાન્ય રીતે છ પાર્ટ હોય છે. પહેલો પાર્ટ છે ક્લાઇન્ટ સર્વિસીસ, સેકન્ડ છે પ્રોડક્શન, ત્રીજો ઍન્ટર્ટેઇનમૅન્ટ, હૉસ્પિટાલિટી, લોજિસ્ટિક અને છેલ્લો પાર્ટ છે એફ એન્ડ વી. આ છ પાર્ટના આધારે વેડિંગ મૅનેજમૅન્ટ ડિસાઇડ થતું હોય છે. હાલમાં જે વેડિંગ પ્લાનર છે તે એવું ડિસાઇડ કરતા હોય છે કે તમે જે સ્ટેટમાં રહો છો તેની બહાર જઈને વેડિંગ કરો તો એક અલગ એક્સપિરિયન્સ આપી શકો છો. ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ પણ અત્યારે વધારે છે. ડેસ્ટિનેશન વેડિંગમાં ડેસ્ટિનેશનની અઢળક પસંદગી મળી રહે છે. બીજું કે, પોતાની સિટીમાં રહીને લગ્ન કરતાં હોવ તો ગેસ્ટ લિસ્ટ ઘણુ વધી જાય છે, જ્યારે ડેસ્ટિનેશન વેડિંગમાં ખાસ ગેસ્ટ જ આવે છે. માટે બજેટ પણ ઓછંુ થતું હોય છે. હાલમાં જયપુર, ઉદયપુર, જોધપુર, ગોવા જેવા અનેક ડેસ્ટિનેશન લગ્ન માટે પસંદ કરાય છે. અમદાવાદીઓ માટે દિલ્હી, આગ્રા, મનાલી પણ ડેસ્ટિનેશન તરીકે પસંદ કરવામાં આવે છે. ત્યાંની હોટલ વેન્યુ સારા પેકેજમાં મળી રહે છે. જે હોટલ અમદાવાદમાં પાંચ હજારમાં મળતી હોય છે તેવી જ હોટલ ઉદયપુર જેવા વેન્યુમાં સાડાચાર હજારમાં મળી જાય છે. માટે લોકો બહાર જઈને લગ્ન કરવાનું પસંદ કરે છે. તો વળી, બહારના સ્ટેટમાં લીકરની પણ પરમિશન હોય છે. આ પણ એક કારણ છે ડેસ્ટિનેશન વેડિંગ માટેનું.

વધુમાં હરિન કહે છે, ‘કોઈ પણ વેડિંગનું પ્લાનિંગ છથી આઠ મહિના પહેલાં કરવામાં આવે તો સારામાં સારું વેડિંગ ઓર્ગેનાઇઝ થઈ શકે છે, જ્યારે ઘણી જગ્યાએ તો દોઢ વર્ષ પહેલાં પણ લગ્નની પ્રિપરેશન શરૃ થઈ જતી હોય છે. વેડિંગ માટે વેન્યુથી લઈને ડેકોરેટ સુધીની તમામ જરૃરિયાત આપણા ત્યાં લિમિટેડ છે. માટે વેડિંગની તૈયારી વહેલા શરૃ કરવામાં આવે તો તમારી મનપસંદની દરેક વસ્તુ મળી રહે છે અને સાથે તમે રિલેક્સ પણ રહી શકો છો. વેડિંગ પ્લાનર સગાઈથી લઈને વિદાય સુધી દરેક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખે છે. જેમ કે કપડાનું સિલેક્શન, મેકએપ આર્ટિસ્ટ, ગેસ્ટનું મૅનેજમૅન્ટ, ત્રણ ફંક્શન છે તો કયા કયા કેટરેટ્સ રાખવા કેવું ફૂડ રાખવું બ્રેકફાસ્ટથી લઈ ડિનર સુધી ગેસ્ટ શું પસંદ કરશે એ બધાનું પ્લાનિંગ વેડિંગ પ્લાનર કરે છે. ટૂંકમાં, તમે એવંુ કહી શકો છો કે વેડિંગ પ્લાનરને કામ સોંપ્યા પછી તમારે માત્ર એન્જોય સિવાય કોઈ જ કાર્ય કરવાનું રહેતંુ નથી, પરંતુ વેડિંગ પ્લાનર ત્યારે જ કોઈ કાર્ય પોતાની રીતે કરી શકે જ્યારે તેમને પરિવાર તરફથી સંપૂર્ણ રીતે કામ સોંપવામાં આવ્યંુ હોય છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે ઘણા લોકો એવું માને છે કે વેડિંગ પ્લાનરને કામ સોંપવામાં આવે તો બજેટ વધી જાય, પરંતુ તે વાત બિલકુલ સાચી નથી. હકીકતમાં વેડિંગ પ્લાનર અનેક વેડિંગ કરતા હોય છે માટે તે જ્યારે વેડિંગ પ્લાન કરે છે ત્યારે તેમને દરેક કામ માટે ઓછી રકમ ચૂકવવાની રહે છે જેના કારણે વેડિંગ પ્લાનર ઓછા બજેટમાં એક સારું વેડિંગ પ્લાન કરી શકે છે.

જ્યારે વેડિંગ પ્લાનર પૂરવા જાની કહે છે, ‘આજના સમયમાં વેડિંગ પ્લાનરની ભૂમિકા લગ્નમાં ખાસ સંબંધી જેવી થઈ ગઈ છે. બહારથી આવનારા સગાંવહાલાંને ભલે ઘરના બાળકો ન ઓળખે, પરંતુ વેડિંગ પ્લાનરને દીદી કે ભૈયા કહીને વ્હાલ વરસાવતા જ હોય છે. માટે હવે વેડિંગ પ્લાનર માત્ર પ્રોફેશનલી જ નહીં, પરંતુ પર્સનલી પણ પરિવાર સાથે જોડાઈ જાય છે. જેમાં દીકરીનાં લગ્ન હોય ત્યારે તો ખાસ એવું બનતું હોય છે. જેમાં વેડિંગ પ્લાનર અને તેની પૂરી ટીમ કોઈ કસર ન રહી જાય કે કોઈને અગવડ ન પડે તેનું ધ્યાન રાખે છે. લાંબા સમયથી પરિવાર સાથે વેડિંગનું પ્લાનિંગ કરતા હોવાના કારણે ઘણીવાર ઇમોશનલી પણ જોડાણ થઈ જાય છે. એવું પણ કહી શકાય કે વેડિંગ પ્લાનર માત્ર બિઝનેસને લઈને જ નહીં, પરંતુ અંગત રીતે પણ એક લગ્નને બેસ્ટ બનાવવાની કોઈ તક જતી નથી કરતા.બજેટની વાત કરતાં પૂરવા કહે છે, ‘પોતાના સંતાનનાં લગ્નને બેસ્ટ અને યાદગાર બનાવવા માટે માતા-પિતા દસ લાખથી લઈને દસ કરોડ સુધીનો ખર્ચ કરતા હોય છે. દરેક પરિવાર માટે પોતાના સંતાનનાં લગ્ન એ જીવનની અમૂલ્ય ક્ષણ હોય છે, પરંતુ દરેક વ્યક્તિ માટે લગ્નનું એક ખાસ બજેટ હોય છે. ઘણા પરિવાર પાંચ લાખનું બજેટ પસંદ કરે છે તો ઘણા અઢી ત્રણ લાખના બજેટમાં પણ ખુશીઓ સમેટી લેતા હોય છે. જે પ્રમાણે બજેટ વેડિંગ પ્લાનરને આપવામાં આવે તે પ્રમાણે તે બેસ્ટ વેડિંગ પ્લાન તૈયાર કરી પરિવારને બતાવે છે. ઘણીવાર પ્લાન જોયા પછી પરિવાર થોડું બજેટ વધારી પણ દેતા હોય છે. તો ઘણા લોકો આવું નહીં ચાલે આમ કરો જેવી સલાહ પણ વેડિંગ પ્લાનરને આપતા હોય છે. પણ હા, એટલું જરૃર છે કે એક વાર વેડિંગ પ્લાનરને કામ સોંપી દીધા પછી તેમાં પરિવાર કે કોઈ પણ વ્યક્તિ દખલ નથી કરતા. હા, જો કોઈ સમસ્યા હોય તો ચર્ચા જરૃર કરે છે, પરંતુ આજના સમયમાં વેડિંગ પ્લાનર પૂર્ણ સ્વતંત્ર રીતે કામ કરે છે.

પહેલાંના સમયમાં લગ્નના ફંક્શન ચાર પાંચ દિવસ પહેલાં શરૃ થતાં એટલે કે માટલી ચોખા નાંખવાથી લઈ, વડી-પાપડ મૂકવા, પીઠી, માંડવા મુહૂર્ત, ગ્રહશાંતિ, દીકરો હોય તો બળવો દોડાવો, રાત્રે લગ્ન ગીતો ગાવા, ગરબા, ત્રણ-ચાર દિવસ જાનનું સ્વાગત, અંતે દીકરીની વિદાય અને વહુના વધામણા, પરંતુ સમય સાથે આ રીત પણ બદલાઈ ગઈ એક જ દિવસમાં લગ્નની દરેક વિધિ પૂરી થવા લાગી. ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પાસે કામ વધુ અને સમય ઓછો થતો ગયો અને પરિણામે લગ્નની વિધિ પણ ફટાફટ આટોપાઈ જતી, પણ ફરી એકવાર જૂના રિવાજો શરૃ થયા છે. હવે એક બે દિવસ નહીં, પરંતુ અઠવાડિયા સુધી લગ્નનો ઉત્સવ ચાલતો હોય છે. જેમાં કુટુંબની દરેક વ્યક્તિ જોડાય છે અને અવસરને માણે છે. પહેલા જ્યારે લગ્ન સમારંભ હોય ત્યારે પરિવારના લોકો મહેમાનોની આગતા-સ્વાગતા અને વ્યવસ્થામાં જોતરાયેલા રહેતા, જેના કારણે ઘરનાં લગ્ન ક્યાં પૂર્ણ થઈ જતાં ખબર પણ નહોતી પડતી. તો વળી, લગ્ન પૂર્ણ થતાં જ માનસિક અને શારીરિક થાકનો અહેસાસ થતો, પણ હવે એવું નથી, કેમ કે હવે લગ્ન નક્કી થતાં જ બજેટ વેડિંગ પ્લાનરને ફાળવી દેવાય છે. વેડિંગ પ્લાનર બધી જવાબદારી પોતાના શિરે લઈ પરિવારને દરેક કાર્યમાંથી ફ્રી રાખે છે અને પરિવાર તથા સગાં સંબંધી લગ્નને સારામાં સારી રીતે એન્જોય કરે છે. માટે લગ્ન પછી પણ થાકની જગ્યાએ રિલેક્સ અને આનંદની અનુભૂતિ થાય છે.
—————————-

વેડિંગ પ્લાનરવેડિંગ સ્પોશિયલહરિન પંડ્યાહેતલ રાવ.
Comments (0)
Add Comment