મહેંદી બ્રાઇડલની પ્રથમ પસંદ

દુલ્હન માત્ર હાથ પગ પર જ નહીં, પરંતુ નાભિ અને પીઠ પર પણ મહેંદી ડિઝાઇન કરાવે છે.
  • એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલહેતલ રાવ

મહેંદી લગાઉંગી મેં સજના કે નામ કી.. દરેક બ્રાઇડલ પોતાના ભાવી પતિના નામની મહેંદી હાથોમાં લગાવે છે. સદીઓથી આ પરંપરા ચાલી આવી છે અને આજે પણ ચાલી રહી છે. એ અલગ વાત છે કે સમય અંતરાલે મહેંદીની ડિઝાઇન અને મૂકવાની રીત બદલાતી રહી છે. છતાં પણ સામાન્ય બ્રાઇડલથી લઈને બોલિવૂડ અભિનેત્રી કે પછી અબજોપતિની દીકરી હોય, દરેક બ્રાઇડલને મહેંદી માટે ખાસ ફિલિંગ્સ હોય છે. તો આવો જાણીએ, આજે બ્રાઇડલની મનગમતી મહેંદી વિશે..

ભારતીય લગ્નમાં અનેક રીત-રિવાજોને અનુસરવામાં આવે છે. જેમાં મહેંદીની રસમ સૌથી મહત્ત્વપૂર્ણ  રસમોમાંની એક છે. મહેંદીની અવનવી ડિઝાઇન અને બ્રાઇડલની પસંદ વિશે ચર્ચા કરતાં પહેલાં મહેંદીનું મહત્ત્વ જાણવું અનિવાર્ય છે. મહેંદીએ માત્ર મહત્ત્વપૂર્ણ રસમ જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિની ઝલક અને ભારતની સૌથી જૂની પરંપરાઓમાંની એક પરંપરા છે. મહેંદી નારીના શૃંગારનું એક મહત્ત્વનું અંગ છે. લગ્નમાં કન્યાને તો મહેંદી મૂકવામાં આવે જ છે, પરંતુ ઘણી જગ્યાએ વરરાજાને પણ મહેંદી લગાવવાની પરંપરા છે. જોકે કન્યાને હાથ અને પગ બંને ઉપર મહેંદી લગાવવામાં આવે છે જ્યારે વરને માત્ર શુકનના ટીકા જ લગાવાય છે. આ પરંપરા ભારત સિવાય પણ અનેક દેશોમાં જોવા મળે છે. તો વળી લગ્ન ઉપરાંત પણ ઘણા પ્રસંગોમાં મહેંદીની વિશેષતા રહેલી છે. આજકાલ મહેંદી લગાવવી તે પરંપરાની સાથે ફેશન બની ગઈ છે, જે જુદા-જુદા ટ્રેન્ડમાં જોવા મળે છે. મહેંદી લગ્નના બંધનનું પવિત્ર પ્રતીક છે તેથી તેને એક શુકન ગણવામાં આવે છે. દંપતી અને તેમના પરિવારો વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે, જ્યારે દીકરીના હાથમાં મહેંદી મુકાતી હોય છે ત્યારે માતા-પિતા ભાવુક બની જતાં હોય છે. અનેક પ્રસંગોમાં દીકરી મહેંદી મૂકતી હોય છે, પરંતુ જ્યારે દીકરીનાં લગ્નમાં તેના હાથમાં મહેંદી મૂકવામાં આવે છે ત્યારે પરિવારમાં ખુશી સાથે દીકરીના વિદાયના દિવસો નજીક આવી રહ્યા છે તેનું દુઃખ પણ થતું હોય છે. દીકરી રાજાની હોય કે રંકની, પરંતુ જ્યારે લગ્નની મહેંદી તેના હાથોમાં રચાતી હોય ત્યારે પથ્થર દિલ પિતા પણ પોતાની લાગણી છુપાવી નથી શકતા. તેમાં પણ વાત જ્યારે ભારતીય પરંપરાની હોય ત્યારે પીઠીની સાથે મહેંદીની રસમ પણ એવી છે જેમાં પરિવાર ભાવુક બની જ જાય છે.

મહેંદી સાથે અનેક પરંપરા પણ પ્રચલિત છે. જેમ કે કન્યાના હાથમાં મહેંદીનો રંગ ઘાટો આવે તો દંપતી વચ્ચે અતૂટ પ્રેમ છે. તો આ રંગ વહુ અને સાસુ વચ્ચે પણ પ્રેમ અને સમજ દર્શાવે છે. ઘણી જગ્યાએ એવી પણ માન્યતા છે કે નવવધૂના હાથમાં મહેંદીનો રંગ જેટલો વધુ રહે તેટલી તે ઘર માટે શુકનિયાળ હોય છે. આ ઉપરાંત પણ અનેક વાતો લગ્ન સમયે મહેંદી સાથે જોડવામાં આવે છે. માટે જ મહેંદીને લગ્નમાં ખાસ ગણવામાં આવે છે. 

દુલ્હન અને દુલ્હાના હાથ પર મહેંદી મૂકવા પાછળ એક પૌરાણિક પરંપરા પણ છે. એમ માનવામાં આવે છે કે, મહેંદીનો ગુણ શીતળ હોય છે, જે દુખાવામાં અને તણાવમાં રાહત આપે છે. લગ્ન સમયે કન્યા અને વર બંને ઘણા બધા તાણાવાણામાંથી પસાર થતાં હોય છે, તેવા સમયે મહેંદી રસમની સાથે-સાથે તેમને શીતળતા પણ આપે છે. તો વળી, લગ્ન પહેલાં થનારા સંભવિત રોગથી પણ બચાવે છે.

બ્રાઇડલ માટે લગ્નની શોપિંગની સાથે જો અન્ય મહત્ત્વનું કાર્ય હોય તો તે છે બ્યુટી પાર્લરની પસંદગી, જેમાં લગ્નના મહિનાઓ અગાઉ જ બ્રાઇડની બ્યુટી ટ્રીટમેન્ટ શરૃ થઈ જાય છે.  આ પેકેજમાં મહેંદીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે હવે ઘરની જ મહિલા કે સખી સહેલીઓ વધૂના હાથમાં મહેંદી મુકે તે વાત ઘણી જૂની થઈ ગઈ. હવે તો મહેંદી માટે મસમોટી રકમનું ખાસ બ્રાઇડલ પેકેજ લેવામાં આવે છે. જેમાં બ્રાઇડલને પસંદ હોય તેવી ડિઝાઇન બનાવી આપવામાં આવે છે.

આ વિશે વાત કરતા મહેંદી આર્ટિસ્ટ કાનન પંચોલી કહે છે, ‘સમય પ્રમાણે મહેંદીમાં અનેક નવીનતા આવે છે, પરંતુ અનેક ડિઝાઇન એવી છે જે હંમેશને માટે બ્રાઇડલની પસંદ બની રહી છે. જેમાં રાજસ્થાની ડિઝાઇન અને ફેસ ડિઝાઇન બ્રાઇડલને સૌથી વધારે ગમે છે. તો વળી સંગીતના પ્રસંગમાં બ્રાઇડલ આર્ટિફિસિયલ ટેટૂની ડિઝાઇન બનાવવાનું પસંદ કરે છે. મહેંદીમાં આજની બ્રાઇડ ખાસ કરીને બ્રાઉન મહેંદી વધુ પસંદ કરે છે. તો વળી આજકાલની દુલ્હન માત્ર હાથ પગ પર જ નહીં, પરંતુ નાભિ અને પીઠ પર પણ મહેંદી ડિઝાઇન કરાવે છે. બ્રાઇડલની સદાબહાર પસંદની વાત કરીએ તો તે છે ફેંટસી સ્ટાઇલની મહેંદી તેમાં જે પ્રકારની મહેંદી મૂકવામાં આવે તેમાં બ્રાઇડલના પોશાક અને જ્વેલરીને લગતા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગ મેકઅપમાં વપરાતા રંગ હોય છે.  ફેન્ટેસી સ્ટાઇલ મહેંદીમાં ડિઝાઇનને રંગબેરંગી સ્ટોન, નંગ કે પછી કુંદનથી ડેકોરેટ કરવામાં આવે છે. આ મહેંદી જોવામાં ઘણી સુંદર લાગે છે. તો વળી, એક મહેંદી એવી પણ છે જે ઓલ્ડ છે છતાં ગોલ્ડ છે અને તે છે જરદોસી સ્ટાઇલ જે ઘણી મોંઘી હોય છે. જેમાં ખાસ કરીને સિલ્વર અને ગોલ્ડન શેડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો આ મહેંદીમાં પણ અનેક રંગ આવી ગયા છે છતાં બ્રાઇડ સિલ્વર અને ગોલ્ડ રંગ જ પસંદ કરે છે. આ મહેંદી દુલ્હનને અલગ જ લૂક આપે છે. તો વળી પહેલાં પગમાં પાતળી વેલ મૂકવામાં આવતી હતી તેવું હવે નથી. હાથની જેમ જ બ્રાઇડ પગમાં પણ ભરચક મહેંદી મુકાવતી થઈ છે અથવા એવંુ પણ કહી શકાય કે જેવી હાથમાં મહેંદી મૂકવામાં આવે છે તેવી જ મહેંદી પગમાં પણ મુકાય છે. તેની માટે પણ અનેક ડિઝાઇન અને વેરાયટીઝ મહેંદીની ડિઝાઇનમાં જોવા મળે છે.

ઘણી બ્રાઇડ એવી પણ હોય છે જે ભરચક કે પછી વધુ ડિઝાઇનવાળી મહેંદી પસંદ નથી કરતી. આવી દુલ્હનો માટે અરેબિયન સ્ટાઇલની મહેંદી આજે પણ પ્રથમ પસંદ બની રહી છે. આ મહેંદી એવી છે જેમાં તમારી ઇચ્છા પ્રમાણે વધારે ઓછી મુકી શકો છો. તેમાં પણ ગોલ્ડન અને સિલ્વરની સાથે કલર મહેંદી, લીલી મહેંદી અને બ્લેક મહેંદીનો ઉપયોગ કરી શકાય છે. આ મહેંદીમાં મોટા ફૂલ, પાંદડાં અને વેલ હોવાથી ઝડપથી મુકાઈ જાય છે.

જ્યારે અમદાવાદનાં જાણીતાં મહેંદી ડિઝાઇનર હબ્સા કાપડિયા કહે છે, ‘લેટેસ્ટ ટ્રેન્ડમાં દુલ્હન બ્રાઇડ ગ્લોમ ફિગર્સવાળી ડિઝાઇન પસંદ કરે છે. જેમાં ઝીણી ડિઝાઇનની સાથે જુદી-જુદી ફિગર્સ હોય છે. ઉપસીને આવે તેવી હાઈલાઇટવાળી ડિઝાઇન લોકો વધુ પસંદ કરતા હોય છે. જ્યારે બ્રાઇડ ફિગર્સવાળી પસંદ કરે છે જેમાં ગણપતિ, કનૈયો, દુલ્હા-દુલ્હન, ઢોલ-નગારાં, શરણાઈ, કળશ વગેરે જેવી ડિઝાઇન હોય છે. આ ઉપરાંત રાજસ્થાની ડિઝાઇન પણ બ્રાઇડલની ફેવરિટ છે. ટૂંકમાં ઝીણી ડિઝાઇન દુલ્હનને ગમે પણ છે અને તેનાથી બ્રાઇડલનો લૂક પણ સારો લાગે છે.મહેંદીના પેકેજ વિશે વાત કરતાં હબ્સા કહે છે, ‘પાંચ હજારથી લઈને પંદર હજાર સુધીનાં પેકેજ હોય છે. જ્યારે હાઈ-પ્રોફાઇલ લગ્નની વાત કરીએ તો ત્યાં ખાસ મહેંદી ડિઝાઇનરની ડિમાન્ડ રહેતી હોય છે. કોઈ ખાસ પર્સનને બોલાવીને મહેંદી મુકાવવાનો ક્રેઝ દુલ્હનને હોય છે, જેના માટે બ્રાઇડલ પચાસ હજાર સુધીનું પેકેજ પણ મહેંદી માટે પસંદ કરે છે.

લગ્નમાં સોળ શણગાર સજીને દુલ્હન તૈયાર થાય છે છતાં બધાની નજર બ્રાઇડની મહેંદી પર જ હોય છે. સમયની સાથે ભલે ગમે તેટલા બદલાવ લગ્નમાં જોવા મળતા હોય છતાં આજે પણ દુલ્હન પોતાના હાથ પર પ્રીતમના નામની મહેંદી તો મુકે જ છે.
—-.

લેટેસ્ટ ટ્રેન્ડ
આજકાલ એટલી બધી મહેંદી ડિઝાઇનની પેટર્ન આવી ગઈ છે જે તમને એકસ્ટ્રાઓર્ડીનરી લૂક આપે છે. થોડા જાડા હાથમાં અરેબિક ડિઝાઇનથી ગોર્ઝિયસ લૂક મેળવી શકાય છે. તો વળી, હાથમાં ભરચક મહેંદી ન મૂકવી હોય તો ટ્રેન્ડી શોર્ટ ડિઝાઇન યોગ્ય વિકલ્પ બની રહે છે. આ ઉપરાંત અનારકલી ડિઝાઇન પણ સદાબહાર છે, જેમાં માત્ર સર્કલ જ કરવાનું રહે છે. તેનાથી અમેઝિંગ લૂક્સ મળશે. આજકાલ મેચિંગ મહેંદીનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બંને હાથમાં એક સરખી મહેંદી મુકીને સાથે રાખવાથી અલગ જ અંદાજ જોવા મળે છે. આ ઉપરાંત પણ અનેક એવી ડિઝાઇન છે જેનો હાલમાં લેટેસ્ટ ટ્રેન્ડ છે. જેમાં પાઇસલી છાપ, ફ્લોરલ પેટર્ન, રોયલ આર્કિટેક્ચર, રાજા રાણી ડિઝાઇન, પિકોક પેશન, સવિરલ, કલર્ડ મહેંદી ડિઝાઇન, સ્પ્લિટ મંડાલા, ક્રાફ્ટેડ કફ, ટ્વિસ્ટ, કર્વી ફ્લોરલ, ચેકર્ડ પેટર્ન, લેસ ગ્લોવ, બેલેન્ક ફિંગરટિપ્સ, ટિપ્સ એન્ડ કફ્સ, લેસી ફ્લોરલ ડિઝાઇન, ચમકદાર મહેંદી ડિઝાઇન, ગુજરાતી ડિઝાઇન, રાજસ્થાની, મોગલાઈ, બંગાળી જેવી અનેક ડિઝાઇનનો સમાવેશ થાય છે.
——————–

મહેંદીવેડિંગ સ્પેશિયસહેતલ રાવ.
Comments (0)
Add Comment