શુકનનું પાનેતર અને ઘરચોળાની કચ્છી ભાત

શોખીન લોકો ઓર્ડર આપીને સોનાના તારવાળા ઘરચોળા પણ બનાવરાવે છે

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલસુચિતા બોઘાણી કનર

લગ્નપ્રસંગે શુકન રૃપે સૌથી પહેલી ખરીદી પાનેતર અને ઘરચોળાની કરાય છે. પેઢીઓ બદલાઈ, પરંતુ યુવતીઓ હંમેશાં લગ્નની ધાર્મિકવિધિ વખતે પહેરવાનાં કપડાં તો પરંપરા મુજબ જ પસંદ કરે છે. કચ્છ બહાર વસતા કચ્છીઓ પણ શુકનની ખરીદી તો કચ્છમાંથી જ કરે છે.

લગ્નના થોડા મહિનાઓ અગાઉથી જ કન્યાનાં માતાપિતા તેના આણાની ખરીદી શરૃ કરે છે. કચ્છી પરિવારોમાં આણાની ખરીદીમાં સૌથી પહેલી ખરીદી પાનેતરની કરાય છે. કન્યાનાં સાસરિયાંમાં પહેલી ખરીદી લાલ કે મરુન રંગના ઘરચોળાની કરાય છે. પેઢીઓથી આ રિવાજ ચાલ્યો આવે છે. આજે યુવતીઓ વેસ્ટર્ન, ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ પહેરવા લાગી છે, રિસેપ્શનમાં પણ પરંપરાગત વસ્ત્રોના બદલે ચણિયાચોળી, ક્રેપ ટોપ કે ગાઉન પહેરાય છે, ત્યારે પણ લગ્નની વિધિ વખતે તો તે પાનેતર અને ઘરચોળું પહેરવાનો જ આગ્રહ રાખે છે. આણાનાં અન્ય કપડાંમાં કચ્છી ભરતવાળા, બાંધણીના કે અન્ય પ્રકારનાં ભાતીગળ કપડાં પણ ખરીદાય છે. આ પ્રકારનાં કપડાંમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. ટ્રેડિશનલ બાંધણી કે વેજિટેબલ પ્રિન્ટના કાપડમાંથી અત્યાધુનિક વેસ્ટર્ન કે ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ બનાવાય છે.

કચ્છની હસ્તકલા જગવિખ્યાત છે. ભુજમાં બાંધણી અને ભરતકામવાળી સાડી તથા ડ્રેસિસના વિક્રેતા જગદીશભાઈ ઠક્કરના મતે લાખો રૃપિયાના ડ્રેસ કે સાડી ખરીદનારા કચ્છીઓ પણ કચ્છમાં જ બનેલા પાનેતર અને ઘરચોળાનો આગ્રહ રાખે છે. તેઓ કહે છે, ‘આજે કચ્છની બનાવટના કાપડ જેવા કે બાંધણી, વેજિટેબલ પ્રિન્ટમાંથી બનતાં પરંપરાગત પોશાકની સાથે-સાથે જ ઇન્ડોવેસ્ટર્ન પોશાકની ભારે ડિમાન્ડ નીકળી છે. કચ્છી કાપડમાંથી કુરતી-પેન્ટકુરતી-પ્લાઝો, ધોતી-કુરતી, વનપીસ ગાઉન જેવા આધુનિક ડ્રેસ બને છે. કચ્છના સ્થાનિક લોકો ભલે આવાં કપડાંને બહુ પસંદ કરતાં નથી, પરંતુ મુંબઈ કે વિદેશથી આવતાં કચ્છીઓ અચૂક આવા ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસિસ પર પસંદગી ઉતારે છે. જોકે લગ્ન વખતે આણાની ખરીદીની વાત આવે ત્યારે તો કન્યા, તેની માતા કે સાસુ કચ્છી બનાવટનાં પાનેતર અને ઘરચોળા પર જ પસંદગીની મહોર મારે છે. બાંધણીની સાડી પણ આણામાં હોય જ છે. ઘરચોળામાં જે પ્રકારનો બંધ (બંધેજ) હોય છે તેવો કચ્છ સિવાય ક્યાંય બનતો નથી. તેમાં એટલા બંધ હોય છે કે બીજા કોઈ વર્કની જરૃર જ પડતી નથી. માત્ર એકાદ બોર્ડર લગાવી દેવાથી ઘરચોળાનો ઉઠાવ અનોખો આવે છે. જો વર્ક કરાય તો બંધ દબાઈ જાય. રૃ. ૫૦૦૦થી શરૃ કરી ૩૦,૦૦૦થી વધુ કિંમતમાં મળતાં ઘરચોળા મોટા ભાગે ગજી સિલ્કના અને રૃ. ૪૦૦૦થી શરૃ કરી ૭૦૦૦થી વધુ કિંમતમાં મળતાં પાનેતર કોટન સિલ્કના બનાવાય છે. વર્ષો પહેલાં ઘરચોળામાં જરીના મોટા પટ્ટા આવતા હતા જ્યારે આજે બંધનું મહત્ત્વ વધ્યું છે. જેટલું બારીક બંધ તેટલો વધુ ઉઠાવ તેમ મનાય છે. પહેલાંના જમાનામાં તો સોનાના તારના પટ્ટા બનતા, અત્યારે ચાંદીની જરી વપરાય છે.

જોકે કોઈ પૈસાદાર અને શોખીન લોકો ઓર્ડર આપીને સોનાના તારવાળા ઘરચોળા પણ બનાવરાવે છે. યુવતીઓનાં પોશાકમાં ગમે તેટલું વૈવિધ્ય આવે, પણ લગ્ન વખતે પાનેતર અને ઘરચોળાની ફેશન તો ક્યારેય બદલાશે નહીં તેવું લાગે છે.

આજે લગ્ન વખતની અન્ય વિધિઓ વખતે ચણિયાચોળી પહેરવાનો ટ્રેન્ડ પણ ચાલે છે. કચ્છી બંધેજની વર્કવાળી ચણિયાચોળી કન્યાઓના દિલ લુભાવે છે. રૃ. ૧૫૦૦થી શરૃ કરી ૧૫,૦૦૦થી વધુની કિંમતમાં મળતી ચણિયાચોળી નવરાત્રી ઉપરાંત લગ્નપ્રસંગે પણ ખરીદાય છે.

પહેલાંના સમયમાં લગ્ન જેવા શુભ કાર્યો વખતે કાળા રંગનાં કપડાં પહેરાતાં ન હતાં, પરંતુ હવે એવું રહ્યું નથી. કાળા રંગનો પણ ટ્રેન્ડ ચાલે છે. લગ્નની કન્યા સિવાયનાં સગાંઓ લગ્ન પ્રસંગે એકાદ કાળી સાડી કે કાળો ડ્રેસ ખરીદે છે. તો અમુક જ્ઞાતિમાં દેવની આડી હોવાના કારણે કે કોઈ ટેક હોવાના કારણે ઘરચોળા પણ કાળા રંગના હોય છે. જોકે સામાન્ય રીતે બજારમાં કાળું ઘરચોળું તૈયાર ન મળે, પરંતુ તેને ખાસ ઓર્ડર આપીને બનાવરાવવું પડે છે.

અન્ય એક વેપારી હિતેશભાઈ શાહ કહે છે, ‘થોડા સમય પહેલાં કચ્છી હેન્ડવર્ક ખૂબ ચાલતું, પરંતુ આજકાલ બનારસી સિલ્કની બોલબાલા છે. ચણિયાચોળી કે સાડી માટે લોકો બનારસી સિલ્ક પર જ પસંદગી ઉતારે છે. પહેલાં નેટની પણ ફેશન હતી, પરંતુ હવે તે ઓછી થઈ ગઈ છે. કન્યાના આણામાં મૂકવાની સાડીમાં ઘેરા રંગ ચાલે છે. એકદમ ચળકતા-નિયોન રંગ પણ ખૂબ પસંદ કરાય છે. રિસેપ્શન જેવા કાર્યક્રમોમાં સાડીના બદલે ફ્લોર ટચ ગાઉન, ક્રેપ ટોપ ખરીદનારાની સંખ્યા વધી ગઈ છે. સંગીત સંધ્યા જેવા કાર્યક્રમમાં ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ પહેરાય છે.

કન્યાની જેમ જ વરનાં કપડાં પણ ખૂબ પસંદ કરી ખરીદાય છે. આ બાબતે વાત કરતાં રાજેશ ગોસ્વામી કહે છે, ‘શેરવાની અને ઇન્ડોવેસ્ટર્ન અત્યારે ટ્રેન્ડમાં છે. પેશાવરી, પટિયાલા, જામાવરી જેવી ફેશન ચાલે છે. વરના પોશાક પર પણ હેન્ડવર્ક હોય તો લોકો હોંશે હોંશે ખરીદે છે. હવે વરવધૂએ એકસરખાં રંગનાં કપડાં પહેરવાની ફેશન શરૃ થઈ છે. વર-કન્યા ઉપરાંત તેમનાં માતા- પિતા પણ એકસરખાં રંગનાં કપડાં શોધે છે. મહિલાઓ માટે જ્યાં ૧૦૦થી વધુ રંગ હોય ત્યાં પુરુષો માટે માત્ર ૨૦-૨૫ રંગનું વૈવિધ્ય હોય છે. તેથી અમારા માટે થોડી મુશ્કેલી થાય છે. પહેલાં વર ધોતી કુરતા પછી સફારી, બ્લેઝર સૂટ પહેરતા હવે શેરવાની પહેરતા થયા છે.

ફેશનની દુનિયામાં સતત બદલાવ આવતા રહે છે, પરંતુ લગ્નની ધાર્મિક વિધિની વાત આવે ત્યારે વધૂ અને તેના ઘરના લોકો પરંપરાગત પોશાકને જ પ્રાધાન્ય આપે છે. પાનેતર કે ઘરચોળું પહેલાંના જમાના કરતાં આજે ઘણું બદલાઈ ગયું હોવા છતાં તેમાં કચ્છી સંસ્કૃતિ તો દેખાય જ છે.
—————–

કચ્છી ડ્રેસપાનેતરવેડિંગ સ્પેશિયલસુચિતા બોઘાણી
Comments (0)
Add Comment