- સાંપ્રત – તરુણ દત્તાણી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડની ૧૪ ડિસેમ્બરે નિર્ધારિત બેઠક પૂર્વે જ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે દસમી ડિસેમ્બરે તત્કાલ અસરથી રાજીનામું આપીની સૌને ચોંકાવી દીધા. ગત નવેમ્બરની ૧૯ તારીખે યોજાયેલી બોર્ડની બેઠકમાં આરબીઆઈ અને સરકાર વચ્ચેના અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પરત્વે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતાં ઉર્જિત પટેલના સંભવિત રાજીનામાની વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ માત્ર ત્રણ સપ્તાહમાં આ વાત ખોટી ઠરી અને ઉર્જિત પટેલનું રાજીનામું આવી પડ્યું. ત્યારે હવે એ વાત પણ સ્વીકારવી પડે તેમ છે કે ૧૯ નવેમ્બરની બોર્ડ મિટિંગમાં બેંકના સમાધાનકારી વલણ પછી પણ કેટલાક મુદ્દાઓ પરત્વે આરબીઆઈના ગવર્નર અને સરકાર વચ્ચે મતભેદો ચાલુ રહ્યા હતા. આરબીઆઈના બોર્ડની બીજી બેઠક પૂર્વે આ મતભેદોનું નિરાકરણ થવાને બદલે સરકારની વાત સ્વીકારવા માટેના વધતા દબાણ વચ્ચે ઉર્જિત પટેલે ૧૪ ડિસેમ્બરની બેઠક પૂર્વે જ પદ છોડવાનું પસંદ કર્યું. જેથી બોર્ડની આગામી બેઠક નવા ગવર્નરના વડપણ હેઠળ યોજાઈ શકે. રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની વરણી કરવામાં આવી છે. હવે તેમની કસોટી પણ દેશની આ મધ્યસ્થ બેંકનું સંચાલન સરકારની ઇચ્છા પ્રમાણે કરવામાં આવશે કે તેની સ્વાયતત્તા જાળવીને કરવામાં આવશે એ મુદ્દે જ થવાની છે. હવે એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે રિઝર્વ બેંકની સ્વાયતત્તા જાળવી રાખવા અને બેંકના સંચાલનમાં સરકારી દખલનો સંકેત આપતું બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું નિવેદન પણ ઉર્જિત પટેલના કહેવાથી જ થયું હતું. અફવા તો તેમના રાજીનામાની પણ ચાલી હતી, પરંતુ બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેમણે રાજીનામું આપ્યું નથી.
ઉર્જિત પટેલ અત્યંત વિદ્વાન પણ ઓછું બોલનારા વ્યક્તિ છે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની માફક તેમને જાહેરમાં પોતાના અભિપ્રાય કે વિચારો વ્યક્ત કરવાની આદત ન હતી. એથી જ નોટબંધી પછીના સમયમાં પણ તેમણે નોટબંધીના નિર્ણય અંગે ક્યારેય પોતાનો મત વ્યક્ત કર્યો ન હતો. તેઓ મીડિયાથી દૂર રહેનાર વ્યક્તિ હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન આર્થિક અને બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટોચના સરકારી પદાધિકારીઓના રાજીનામાની ઘટનાએ એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે સરકાર વિદ્વાનોની સેવા તો લેવા ઇચ્છે છે, પરંતુ તેમને સ્વતંત્ર રીતે કામ કરવા દેવાને બદલે તેમને પોતાની આંગળીએ નચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આવા વિદ્વાનો પોતાની પ્રતિષ્ઠા બચાવવા પદત્યાગ કરવાનું વધુ પસંદ કરે છે. ખરી વાત એ છે કે સરકાર જો તેમની વિદ્વતાનો અને આવડતનો લાભ લેવા ઇચ્છતી ન હોય તો આવા વિદ્વાનોને શા માટે પસંદ કરતી હશે?
આરબીઆઈ એક્ટની કલમ-૭નો ઉપયોગ કરીને સરકાર રિઝર્વ બેંક પાસેથી તેના રિઝર્વ ભંડોળમાંથી એક લાખ કરોડ રૃપિયા માગી રહી હતી. ગત બોર્ડની બેઠકમાં રિઝર્વ બેંક પાસે કેટલું રિઝર્વ ફંડ રહેવું જોઈએ તેના ધોરણ નક્કી કરવા એક સમિતિ રચવાનું નક્કી કરાયું હતું. આ સમિતિની રચના બાબતે પણ મતભેદો સર્જાયા હતા. આ ઉપરાંત સરકાર લઘુ ઉદ્યોગોને રાહત આપવા માટે બેંક લોનના નિયમો હળવા કરવા રિઝર્વ બેંક પર દબાણ કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોન વસૂલીની નિષ્ફળતાને કારણે સરકારી બેંકોની વધતી જતી એનપીએને અંકુશમાં લેવા અને બેલેન્સશીટ સુધારવા માટે રિઝર્વ બેંકે આવી કેટલીક સરકારી બેંકો પર લોન મંજૂર કરવા માટેનાં નિયંત્રણો લાદ્યા છે. તેને હળવા કરવા ઉર્જિત પટેલ તૈયાર ન હતા. બેંકની બોર્ડ મિટિંગમાં સરકાર દ્વારા નિયુક્ત સભ્યોના દબાણને વશ થવા કરતાં પદ છોડવાનું ઉર્જિત પટેલે પસંદ કર્યું હોવાનું માનવામાં આવે છે. અલબત્ત, રાજીનામાના પત્રમાં તેમણે અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનું કહ્યું છે. ઓછાબોલા ઉર્જિત પટેલ સામે એવી ફરિયાદ હતી કે તેઓ બધા સાથે બહુ ઓછો સંવાદ રાખે છે. અનેક બેંકર્સને પણ આવી ફરિયાદ હતી. આ ઉપરાંત નોટબંધી પછી પાછી આવેલી જૂની નોટોની ગણતરીના આંકડા જાહેર કરવાની બાબતે પણ તેમને સરકારની નારાજીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક એવું પણ કહે છે કે, આરબીઆઈની બોર્ડ મિટિંગમાં બોર્ડના નિયુક્ત સભ્ય એસ. ગુરુમૂર્તિનું આક્રમક વલણ પણ ઉર્જિત પટેલની નારાજીનું એક કારણ હતું. ગુરુમૂર્તિ બેંકના ગવર્નરની ઉપસ્થિતિની ઉપેક્ષા કરતા હતા. જાહેરમાં ઓછું બોલતા ઉર્જિત પટેલ ભવિષ્યમાં પણ પોતાની નારાજીના આવાં અંગત કારણો જાહેર કરે એવી શક્યતા નથી.
—————————.