દીવના જતન અને ઉપેક્ષાની કથા

દીવ ગોથિક કલા સ્થાપત્યનો નમૂનો છે.
  • દીવ વિશેષ – હિંમત કાતરિયા

દીવ ગુજરાતને અડીને આવેલ અને ભૌગોલિક રીતે ગુજરાત સાથે જોડાયેલો દ્વીપ છે. ગુજરાતનું પસંદગીનું પ્રવાસન સ્થળ છે. દીવમાં પોર્ટુગીઝોનું શાસન લગભગ ચારસો વર્ષ સુધી રહ્યું હતું અને આજે પણ દીવની સંસ્કૃતિ અને શહેરરચના તેમજ ખોરાકથી લઈને ભાષા સુધી તેની અસર જોવા મળી હતી.

સમગ્ર દેશ માટે અંગ્રેજોની ગુલામીનો કાળ ભારે દુખદાયી હતો. તેમણે સમૃદ્ધિથી લદાયેલા આ ગુલામ દેશને લૂંટીને કંગાળ કરી દીધું. અંગ્રજોથી વિપરીત પોર્ટુગીઝોએ તેમના ગુલામ દીવ, દમણ અને ગોવાનું જતન કર્યું હતું. ૧૯૯૧માં દીવને ભારતને સ્વાધીન કરીને ગયા પછી પણ પોર્ટુગલ સરકારે દીવવાસીઓને વિશેષ અધિકારો આપ્યા હતા. તેમણે ૧૯૯૧ પહેલાં જન્મેલા દીવવાસીઓને આપેલા ઓળખપત્ર પોર્ટુગીઝ પાસપોર્ટની ગરજ સારતા અને તેથી બ્રિટન સહિત અનેક દેશોમાં બેરોકટોક જવાની પરમિશન આપી હતી. તેમણે પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલા દીવવાસીઓની ત્રણ પેઢીને આ અધિકારો આપ્યા હતા. આ અધિકારોની બદૌલત અત્યારે દીવની ઘણી વસ્તી મોજામ્બિયા, પોર્ટુગલ, બ્રિટન વગેરે દેશોમાં સ્થાયી થઈ છે. ૨૦૧૦ની વસ્તી ગણતરી પ્રમાણે દીવની વસ્તી ૫૨,૦૦૦ છે.

દીવના રાષ્ટ્રપતિ ઍવૉર્ડ વિજેતા શિક્ષક સ્વ. ડૉ. રામજીભાઈ ચૌહાણે દીવના ઇતિહાસ વિશે લખ્યું હતું કે, ઈ.સ. ૧૪૮૭થી ૧૪૯૫ સુધી પોર્ટુગીઝોએ ભારતમાં પ્રવેશ માટેનો સમુદ્રીમાર્ગ શોધવા ઘણા પ્રયાસો કર્યા. છેવટે ૧૪૯૮માં સફળતા મળી.

દીવના પૂર્વ કાઉન્સિલર ભવ્યેશભાઈ ચૌહાણ કહે છે, ‘અમારા બુઝુર્ગોના કહેવા પ્રમાણે, પોર્ટુગીઝ સરકારના અહીં કડક કાયદા હતા. શાળાઓમાં મધ્યાહ્ન ભોજનની યોજના ભારત સરકાર બહુ પાછળથી લાવી. પોર્ટુગીઝ શાસનમાં દીવમાં શાળાઓમાં બાળકોને દૂધ અપાતું. પૌઆ, બ્રેડ, બિસ્કીટનો નાસ્તો આપવામાં આવતો હતો. સરકારી કામોમાં હેરાનગતિ પણ પ્રમાણમાં ઓછી હતી. અલબત્ત, પોર્ટુગીઝ શાસનમાં પણ દમન થતું હતું. તેની સામે અવાજ ઉઠાવવા માટે દીવના કાપડું બનાવતાં વીરાંગના જેઠીબાઈએ દમનની વાતો એક સાડી ઉપર લખીને તે સાડી પોર્ટુગલની રાણીને ભેટ આપી હતી અને દીવના કાયદા-કાનૂન બદલાવ્યા હતા. જેઠીબાઈની યાદમાં દીવના બસસ્ટેન્ડને તેનું નામ અપાયું છે.’

અહીંના લોકો પહેલાં કડિયાકામ કરવા પોર્ટુગલમાં જઈ વસ્યા. ૧૫ વર્ષ પહેલાં પોર્ટુગલની અર્થવ્યવસ્થા નબળી પડી એટલે ત્યાંના ૯૦ ટકા જેટલા દીવવાસીઓ યુ.કે.માં જઈ વસ્યા છે અને ત્યાં મોટા ભાગે ફેક્ટરી કામદાર તરીકે રોજગારી મેળવે છે. દીવના ઘોઘલા ગામ મર્ચન્ટ નેવીનો, શિપિંગ ટ્રાન્ટપોર્ટનો બિઝનેસ કરે છે. ઘોઘલાના ૫૦ ટકા લોકો મર્ચન્ટ નેવીમાં રોજગારી મેળવી રહ્યા છે, જ્યારે વણાકબારા વિસ્તારના લોકો ફિશરમેનનું કામ કરી રહ્યા છે અને સરકારી નોકરિયાતો છે.

પોર્ટુગીઝો પ્રજાનું સારું ધ્યાન રાખતા હતા. જરૃરિયાતમંદોને દવાદારૃ અને અનાજ પૂરું પાડતા હતા. ગંદકી કરવાની મનાઈ હતી. જાહેરમાં થૂંકવાની પણ મનાઈ હતી. જ્ઞાતિવાદ નહોતો. દા.ત. હરિજનના વાળ વાળંદ ન કાપે તો તેને સજા કરવામાં આવતી. ધર્મપરિવર્તનની પણ પ્રથા નહોતી. એ જમાનામાં હૉસ્પિટલ હતી.

દીવના અંદાજે ૮૦ ટકા લોકો પોર્ટુગીઝ સરકારે આપેલા અધિકારોનો ઉપયોગ કરીને વિદેશમાં જઈ વસ્યા છે. પહેલા પોર્ટુગલ જતા, બે વર્ષ રહેતા અને પછી લંડન જતા. હવે સીધું લંડનનું નાગરિકત્વ મળે છે એટલે સીધા લંડન જાય છે. ૧૬૨ જેટલાં શહેરમાં પોર્ટુગલ પાસપોર્ટને મંજૂરી મળે છે. દીવ અને દમણવાળાએ લંડનમાં મિની ગુજરાત બનાવી દીધું છે. અલબત્ત, પહેલાં દીવની ઓળખ બિઝનેસમેનોની હતી. બહારથી લોકો અહીં આવતા હતા. હવે લોકો નોકરીમાં રસ લે છે. ભરતભાઈ કામલિયા કહે છે, ‘મારા નાના ઘોઘલાના કાન દેવાની આફ્રિકામાં સોયથી લઈને કાજુની ૨૨ જેટલી ફેક્ટરીઓ હતી. મારા દાદા ઝાંઝીબાર સ્થાયી થયા હતા. દીવ વેપારી મથક હતું. અહીં મુખ્યત્વે તેજાનાનો વેપાર થતો હતો. મારાં માતા-પિતા પાસે એવાં ઓળખપત્ર હતાં. તેમને ગુજરાતમાં આવવા પાસપોર્ટની જરૃર પડતી હતી. સિમ્બર સુધી એ ઓળખપત્ર ચાલતું. જેમની પાસે દીવનું નાગરિકત્વ હોય તેમને હાલમાં પણ સરળતાથી પોર્ટુગલ, આફ્રિકા, અમેરિકા, બ્રિટનના વિઝા મળી જાય છે. કાઝામેન્ટ(લગ્નનું રજિસ્ટ્રેશન), નાઝીમેન્ટ(જન્મનું રજિસ્ટ્રેશન) હોય એટલે પોર્ટુગીઝ બની જાય છે.’

નગરમાં જે વ્યક્તિ પાંચ-સાત ભાષા જાણતો હોય તે નગરસેવક બનતો. તેનું કામ લોકોની નાની-નાની સમસ્યાને સાંભળીને દૂર કરવાનું હતું. જેથી નાની સમસ્યાઓ પોર્ટુગીઝ શાસકો સુધી ન જાય. દીવમાં ગાંધીપરા વિસ્તાર છે. આ વિસ્તારમાં પોર્ટુગલ શાસનના સમયમાં બનાવેલાં ૧૫-૨૦ મકાનો છે. વાસ્તવમાં ગાંધીજી અહીં દાંડીકૂચ માટે આવ્યા હતા અને અહીં પડી ગયા હતા. એટલે એ વિસ્તારનું મૂળ નામ ગાંધીપડા છે.

દીવમાં ૨૫,૦૦૦ મીટર વિસ્તારમાં હેરિટેજ વિલા બનાવનાર અને દીવ પ્રત્યે અતિ સંવેદનશીલ ભરતભાઈ કામલિયા કહે છે, ‘પોર્ટુગીઝો અહીંથી કશું લઈને નથી ગયા, મુકીને ગયા છે. પોર્ટુગીઝોએ એ પ્રેમ અને ત્રણ પેઢીના પાસપોર્ટના વિશેષ અધિકારો ન આપ્યા હોત તો દીવવાસીઓ અત્યારે તો સાવ બરબાદ થઈ ગયા હોત, કારણ કે દીવની આઝાદી પછી છેક ૧૯૮૦ સુધી દીવની કોઈ પ્રશાસકે ભાળ જ નથી લીધી. પ્રાકૃતિક સૌંદર્યને લઈને દીવ ડેવલપ થયું છે, સરકારે નથી કર્યું. એ જમાનામાં સીધા પોર્ટુગલથી દીવ પ્લેન ઊતરતું. પહેલાં શિપ આવતાં, હવે નથી આવતાં.’

દીવની એક બીજી ખાસિયત એ છે કે તેના દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ સુધી છેક દરિયો જ છે. એટલે ઘણા તો અકસ્માતે દીવ લાંગરી જતા હતા. પાણીકોઠો, કિલ્લો, ચક્રતીર્થ.. એમ દીવ કુલ સાત ટાપુનો સમૂહ છે. દીવ યુદ્ધની રણનીતિને ધ્યાનમાં રાખીને વસાવવામાં આવ્યંુ છે. ક્યાંય તમને સીધો રસ્તો મળતો નથી. તીવ્ર વળાંકોવાળી શેરીઓ છે. દીવ ગોથિક કલા સ્થાપત્યનો નમૂનો છે. દીવના બધાં જૂનાં મકાનોમાં નીચે વરસાદના પાણીના સંગ્રહ માટે ઊંડા ટાંકા બંધાવેલા છે. અંગ્રેજના શિક્ષણથી વિરુદ્ધ પોર્ટુગીઝ શાસનમાં પુસ્તકિયા અભ્યાસ ઉપર બહુ ભાર નહોતો મુકાતો. ચાર ધોરણ સુધીનો અભ્યાસ તો બહુ ગણાતો. ભરતભાઈ કામલિયા કહે છે, ‘મારા પિતા બે ચોપડી અને મારી મા ચાર ચોપડી ભણી હતી. આજે મારા દાદા-દાદીનાં નામ શોધવા હોય તો પોર્ટુગલમાં ઓનલાઇન મળી જશે. એ લોકો પાસે સાત પેઢીનું રજિસ્ટર છે.’

ભરતભાઈ કામલિયા કહે છે, ‘બહારથી આવીને પણ ઘણાએ અધિકારીઓને પૈસા ખવડાવીને પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવડાવી લીધા છે. દાખલા તરીકે, એક જ્ઞાતિના એક ગામના બધા લોકો પોર્ટુગલ જતા રહ્યા પછી દીવમાં તેમના ખાલી પડેલા મકાનમાં બહારના સગાંસંબંધીઓને રહેવા બોલાવે છે અને પછી પિતાના નામમાં મૃતક દીવવાસીનું નામ ચડાવીને તે પણ પોર્ટુગલ પાસપોર્ટ બનાવીને વિદેશ જતા રહે છે. થોડાં વર્ષ પહેલાં પોર્ટુગલની તપાસ પણ આવી હતી.’

ભરતભાઈ દીવના એક વિચિત્ર કાયદા તરફ આંગળી ચીંધતા કહે છે, ‘આખી દુનિયામાં બધાને પોતાની જમીન પર બાંધકામ કરવાની છૂટ છે, પણ દીવમાં લોકો બાંધકામ નથી કરી શકતા. હા, સરકાર પોતાની મરજી પ્રમાણે બાંધકામ કરે છે. આ બધાં કારણોસર દીવની મૂળ પ્રજા પોર્ટુગલ શાસકોની પ્રશંસા કરે છે અને ભારતના પ્રશાસનને ખંડણીખોર ગણાવે છે.’

અત્યાર સુધીમાં ૩૫ જેટલા કલેક્ટર અને ૧૮ જેટલા ઍડ્મિનિસ્ટ્રેટર બદલાઈ ગયા તેમાં દીવમાં આજદિન સુધી મૂળ દીવનો કોઈ કલેક્ટર કે ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે આવ્યો નથી. જે કોઈ આવ્યા છે તે બધા બહારથી આવ્યા છે. એટલે તેમને દીવ પ્રત્યે કોઈ વિશેષ લાગણી હોતી નથી.
——————–

દીવહિંમત કાતરિયા
Comments (0)
Add Comment