ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘુસાડી અને ફસાયા

મિશેલ સીબીઆઈની કસ્ટડીમાં છે.
  • સ્કેમ – અલકેશ પટેલ

કોઈ પણ પ્રકારનો કાનૂની બિઝનેસ કરવો એમાં કશું ખોટું નથી અને એ રીતે દલાલી પણ એક બિઝનેસ છે, પરંતુ એ દલાલી અનૈતિક બની જાય અને તેમાં લાંચનું તત્ત્વ ઘૂસી જાય તો મિશેલ તો ડૂબે જ, સાથે બીજા પણ ઘણા ડૂબે!

ગ્લોબલ સર્વિસિસ – એફઝેડઈ, દુબઈ, આઈડીએસ, ટ્યુનિશિયા, આઈડીએસ, મોરિસસ તથા એરોમેટ્રિક્સ… આ બધા શેનાં નામો છે જાણો છો? અગુસ્તાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ઝડપાયેલા દલાલ ક્રિશ્ચન મિશેલ અને તેના સાથીદારો દ્વારા સ્થાપવામાં આવેલી બેનામી કંપનીઓનાં આ નામો છે. આ બેનામી કંપનીઓની સ્થાપના હેલિકૉપ્ટરનો કોન્ટ્રેક્ટ મેળવવા માટે લાંચના નાણા ભારતમાં લાવવા અને પછી એ નાણા ‘લાભાર્થીઓ’ સુધી પહોંચાડવા માટે કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આવા જે સંભવિત ‘લાભાર્થીઓ’ વિશે માહિતી મળી છે તેમાં ભારતીય ઍરફોર્સના ભૂતપૂર્વ વડા એસ.પી. ત્યાગી તથા તેમના કેટલાક નજીકના સગાનો સમાવેશ થાય છે અને જે ‘સંભવિત લાભાર્થીઓ’નાં નામ ગમેત્યારે ખૂલવાની શક્યતા છે તેમાં સંભવતઃ કોંગ્રેસના નેતાઓ તેમજ વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ હોઈ શકે છે, પરંતુ ખેર, આજે અહીં મુદ્દો એ નથી, આજે તો મુદ્દો છે ક્રિશ્ચન મિશેલ. કોણ છે આ વ્યક્તિ? ભારતમાં કૌભાંડના કેસમાં આ ફિરંગી ક્યાંથી આવી ગયો?

ક્રિશ્ચન મિશેલ મૂળે બ્રિટિશ નાગરિક છે અને તેમનું કામ શસ્ત્ર કંપનીઓ માટે કન્સલટન્સી કરવાનું છે. કન્સલટન્સીનો દેશી અર્થ દલાલી થાય, જેમાં વેચનાર અને ખરીદાર વચ્ચે મેળાપ કરાવી આપવાનો અને સોદો પાર પાડવાનો. કન્સલટન્સી અર્થાત્ દલાલીનો આ બિઝનેસ સદીઓ જૂનો છે અને લાખો લોકો એ કરે છે. ખુદ મિશેલના પિતા વોલ્ગેન્ગ મિશેલે પણ આ જ કામ કર્યું છે. ક્રિશ્ચન પણ પિતા વોલ્ગેન્ગના પરંપરાગત વ્યવસાયમાં જોડાયા અને દાયકાઓ સુધી આ કામ કર્યું, પરંતુ ભારતીય રાજકારણીઓ અને ભારતીય અધિકારીઓ સાથે સોદો કરવામાં તે સપડાયા.

રૃ. ૩૬૦૦ કરોડમાં નક્કી થયેલો અને છેવટે પડતો મુકાયેલો વીવીઆઈપી હેલિકૉપ્ટરનો આ કેસ આમ ઘણો જૂનો છે, પરંતુ ૨૦૦૪માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએની સરકાર બની પછી એ દિશામાં કામગીરી ઝડપી બની અને તે ખરીદવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી જેથી ટોચના રાજકારણીઓ તેમાં ઉડ્ડયનનો આનંદ માણી શકે.

કોંગ્રેસના નેતૃત્વની આ ઉતાવળ ક્રિશ્ચન મિશેલ પારખી ગયા અને તેમણે મૂળ ઇટાલિયન કંપની ફિનમૅકનિકા (જે હવે લિઓનાર્દો તરીકે ઓળખાય છે) તેની બ્રિટિશ શાખા અગુસ્તાવેસ્ટલેન્ડ પાસેથી અત્યાધુનિક અને વૈભવી હેલિકૉપ્ટર ખરીદવામાં મદદ કરવાની દરખાસ્ત કરી અને પછી એ દરખાસ્તની સાથે જે કંઈ થયું હશે તેના વિશે કોઈ ખુલાસા કરવાની જરૃર ખરી? પણ તેની ગંધ ઇટાલીને આવી ગઈ અને મિલાનની પોલીસે મિશેલના અન્ય સાથીદાર ગ્વીડો હેશકેને ઝડપી લીધો. આ ઘટના છેક ૨૦૧૨ની છે. ભારતમાં હજુ લોકસભા ચૂંટણી આડે બે વર્ષ બાકી હતા. ઇટાલીની પોલીસે એકઠા કરેલા ભ્રષ્ટાચાર અને લાંચના પુરાવાના આધારે ત્યાંની અદાલતે જેટલા લોકો સંડોવાયેલા હતા તેમની સામે ચુકાદો પણ આપી દીધો. આ સોદામાં લાંચ ચૂકવાઈ છે એવું ત્યાંની અદાલતને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું અને એટલે ઇટાલીની શસ્ત્ર કંપનીના કેટલાક અધિકારીઓને કસૂરવાર ઠેરવ્યા.

હવે મામલો ભારત પાસે હતો. સોદો ભારતને લગતો હતો. સોદો કરાવનાર બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલ હતા. આ સોદામાં મિશેલે અગુસ્તાવેસ્ટલેન્ડ પાસેથી એક ૪૨ મિલિયન યુરો (આશરે રૃ. ૩૩૭ કરોડ) અને બીજો ૨૮ મિલિયન યુરો (આશરે રૃ. ૨૨૫ કરોડ)ના બે ગુપ્ત સોદા કર્યા. ભારતીય તેમજ ઇટાલીની તપાસ એજન્સીઓનું તારણ એવું છે કે મિશેલે આ બંને ગુપ્ત સોદા ભારતમાં ઍરફોર્સના અધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ રાજકારણીઓને રકમ ચૂકવવા માટે કર્યા હતા. મિશેલ આ રકમ સીધે સીધી ભારત લાવ્યો નહોતો. સૌથી પ્રારંભમાં જે કંપનીઓનાં નામ આપ્યાં એવી કંપનીઓ તેણે તેમજ તેના અન્ય મળતિયાઓએ બ્રિટન, ટ્યુનિશિયા, મોરિસસ અને દુબઈ એમ અલગ અલગ દેશોમાં બનાવી અને તેમાં નાણાકીય હેરાફેરી કરીને એ નાણા ભારતમાં લાવવામાં આવ્યા જેમાંથી લાંચ ચૂકવાઈ.

મિશેલ મૂળ બ્રિટિશ નાગરિક અને ત્યાં જ રહીને પોતાનો બિઝનેસ કરતા હતા, પરંતુ ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારની કાર્યવાહી શરૃ કરી પછી તેમને બ્રિટનમાં રહેવાનું સલામત ન લાગ્યું એટલે દુબઈ પહોંચી ગયા. મિશેલ એવા ભ્રમમાં રહ્યા કે યુએઈમાં તેમનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. તેમને એવું લાગે એ માટે કારણ પણ છે કે દુનિયાના અને ખાસ કરીને ભારતના ઘણા અપરાધીઓ ત્યાં જઈને વસી ગયા છે. ત્યાં તેમની ધરપકડ થઈ ગઈ. આ ધરપકડ વિશે બે અલગ-અલગ થિયરી ચાલે છે. મિશેલનો પોતાનો દાવો એવો છે કે ભારત સરકારે યુએઈના શાસક ઉપર અંગત સંબંધોનું દબાણ લાવીને તેની ધરપકડ કરાવી, પણ ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે યુએઈમાં મિશેલની ધરપકડમાં ભારતનો કોઈ હાથ નથી. બસ, તેની ધરપકડ થયા પછી પ્રત્યાર્પણ કરીને અહીં લાવવા માટે જ સીબીઆઈ સક્રિય થઈ હતી. નરેન્દ્ર મોદી સરકારે રાજદ્વારી પગલાં લેવા ઉપરાંત વડાપ્રધાન મોદીએ અંગત કૂટનીતિક સંબંધોનો ઉપયોગ કરીને મિશેલનું પ્રત્યાર્પણ કરાવી દીધું.

મિશેલ સીબીઆઈની કસ્ટડીમાં છે. સીબીઆઈનો દાવો છે કે આ સમગ્ર સોદામાં થયેલા કૌભાંડ અંગે મિલાનની પોલીસે એકત્ર કરેલા પુરાવા તેની પાસે છે. એ દસ્તાવેજો ઇટાલિયન ભાષામાં હતા અને તેનું અંગ્રેજી ભાષાંતર દિલ્હીની વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાત ભાષાંતરકારો પાસે કરાવવામાં આવ્યું છે. આ બધા પુરાવા ઉપરાંત જે સૌથી નોંધપાત્ર પુરાવો તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો છે તે મિશેલ તેમજ તેના સાથીદારની ડાયરી છે. સામાન્ય રીતે ડાયરીની નોંધ અદાલતમાં પુરાવા તરીકે ટકી શકતી નથી, પરંતુ પૂછપરછ અને રિમાન્ડની કાર્યવાહી દરમિયાન આરોપી જો એ ડાયરીની નોંધો પોતે જ લખેલી છે તે સ્વીકારી લે તથા તેમાં કોડવર્ડમાં લખેલી વિગતોનો ખરેખર અર્થ શો થાય છે એ સ્પષ્ટ કરી દે તો એ પુરાવો માન્ય ગણાય. જોવાનું એ રહે છે કે મિશેલ તેની ડાયરીની કોડવર્ડની ભાષાના સાચા અર્થ જાહેર કરવા તૈયાર છે કે કેમ.

અગાઉ કહ્યું તેમ આ કેસ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ ઊછળ્યો હતો અને ત્યાર બાદ પણ સતત તેના વિશે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા રહ્યા છે. સીબીઆઈએ માર્ચ ૨૦૧૭માં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. તેના આધારે ઍરફોર્સના ભૂતપૂર્વ વડા ત્યાગીની ધરપકડ પણ થઈ હતી. તે સમયે સીબીઆઈએ અદાલતમાં એવી રજૂઆત કરી હતી કે આ કેસનો મુખ્ય આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલ છે અને તેને પકડીને ભારતમાં લાવવામાં આવે તો આ કેસ આગળ વધી શકે તેમ છે. કેમ કે પોતે કોને કોને લાંચ આપીને અગુસ્તાવેસ્ટલેડ વીવીઆઈપી હેલિકૉપ્ટરનો રૃ. ૩૬૦૦ કરોડનો સોદો પાર પડાવવા માગતો હતો તેનો ખુલાસો તો મિશેલ જ કરી શકે. એ દૃષ્ટિએ મિશેલનું પ્રત્યાર્પણ ભારત માટે નોંધપાત્ર પુરવાર થઈ શકે તેમ છે. અલબત્ત, સીબીઆઈએ સોમવારે મિશેલના વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, મિશેલ તપાસમાં સહકાર નથી આપતા. હવે ચિંતાજનક વાત એ છે કે મિશેલ તપાસમાં સહકાર ન આપે અને પોતે કોઈને લાંચ ચૂકવી નથી એવું રટણ કર્યા કરે તો આખો કેસ લૂલો પડી જશે અને જેમ બોફોર્સ તોપ સોદામાં આજ સુધી કોઈ આરોપી પુરવાર થયો નથી તેમ આ કેસમાં પણ નહીં થાય, એવું જોખમ રહેલું છે.

દેશના નાગરિકો નરેન્દ્ર મોદી સરકાર પાસે એ જ આશા રાખે છે કે બોફોર્સ જેવા ભ્રષ્ટાચારના અન્ય કેસોની જેમ અગુસ્તાવેસ્ટલેન્ડ હેલિકૉપ્ટરનો કેસ પણ લૂલો ન પડી જાય એ રીતે તેના સજ્જડ પુરાવા એકત્ર કરવા જોઈએ અને અદાલતમાં રજૂ કરવા જોઈએ. ક્રિશ્ચન મિશેલ નામનો ફિરંગી જો કળા કરીને ફેરવી તોળશે તો ભ્રષ્ટાચારનો વધુ એક કેસ માત્ર રાજકીય મુદ્દો બની રહેશે અને ભારતની પ્રજાના મનમાં પણ એ વાત ઘર કરી જશે કે આ દેશમાં ભ્રષ્ટાચારીઓને કોઈ સજા થતી નથી અને ભ્રષ્ટાચાર માત્ર રાજકીય મુદ્દો જ છે.!!
————-

અલકેશ પટેલ
Comments (0)
Add Comment