દામલેજી, કલસરિયા અને સંઘનું અનુશાસન

દામલેજીનું ગત શનિવારની રાત્રે દેહાવસાન થયું.
  • સ્મરણાંજલિ – તરુણ દત્તાણી

વર્ષ ૨૦૧૧નો માર્ચ મહિનો. મહુવા વિસ્તારના ભાજપના તત્કાલીન ધારાસભ્ય કનુભાઈ કલસરિયાના નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં નિરમા કંપનીના સિમેન્ટના સૂચિત કારખાના સામે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું. એ આંદોલનના ભાગરૃપે તેમણે મહુવાથી ગાંધીનગર સુધી ખેડૂતોની પદયાત્રા યોજી હતી. એ પદયાત્રામાં એક તબક્કે આરએસએસના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે પણ જોડાયા હતા અને એક ગ્રામસભાને પણ સંબોધિત કરી હતી. નિરમાનો સિમેન્ટ પ્રોજેક્ટ એ વિસ્તારના ખેડૂતો માટે અહિતકારી હોઈ તેને રદ કરાવવા માટે કલસરિયા પોતાના જ પક્ષની સરકાર સામે જંગે ચઢ્યા હતા. કનુભાઈના એ આંદોલનને વ્યાપક સમર્થન મળતું નિહાળીને તેમાં લોક સમિતિ અને પ્રચ્છન્ન રીતે કોંગ્રેસ જેવા બીજાં પરિબળો પણ સામેલ થયા હતા. કોંગ્રેસના અગ્રણીઓ પડદા પાછળ રહીને આંદોલનનું નિયંત્રણ કરતા હતા. દિવંગત સનત મહેતા કોંગ્રેસની યોજનાના ભાગરૃપે જ આંદોલનનો જાહેર ચહેરો બની રહ્યા હતા. દામલેજીને વ્યક્તિગત રીતે ન ઓળખતા સનત મહેતાને જ્યારે પાછળથી જાણ થઈ કે સંઘના પ્રચારક દામલેજી પણ યાત્રામાં સામેલ થયા હતા ત્યારે તેમણે પોતાને એ બાબતે જાણ ન કરવા બદલ ઘણાનો ઊધડો લઈ નાખ્યો હતો, પરંતુ કરુણતા એ હતી કે કેશુભાઈ પટેલના મુખ્યપ્રધાન તરીકે કાર્યકાળ દરમિયાન ગાંધીનગરમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનકાર તરીકેની કામગીરી સંભાળી ચૂકેલા દામલેજીના નામથી ઘણા લોકો પરિચિત હોવા છતાં પ્રત્યક્ષ પરિચય ન હોવાને કારણે પદયાત્રામાં દામલેજીની ઉપસ્થિતિની કોઈએ ખાસ નોંધ લીધી ન હતી, પરંતુ એ વાત ઉજાગર થયા પછી આંદોલનના પડદા પાછળના આયોજકોને આવું કશું બને તો તત્કાલ જાણ કરવાની તાકીદ કરાઈ હતી. આંદોલન સાથે સંકળાયેલ અગ્રણીઓમાં ચર્ચા હતી કે દામલેજીને ‘પ્લાન્ટ’ કરવામાં આવ્યા હશે કે કેમ? જો કે એવું કશું ન હતું. કલસરિયા માત્ર ટૅક્નિકલી જ ભાજપના ધારાસભ્ય હતા. અન્યથા બધી રીતે તેઓ ભાજપથી અલિપ્ત થઈ ગયા હતા. એ સંજોગોમાં દામલેજીની પદયાત્રામાં સામેલગીરી આશ્ચર્યજનક તો હતી જ. એટલે એ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે એટલું જ જાણવા મળ્યું કે દામલેજી સંઘના પ્રચારક છે, પરંતુ ‘સ્વતંત્ર’ છે. એટલે કે તેઓ આ પ્રકારે પદયાત્રામાં જોડાઈ શકે છે. દામલેજીના વ્યક્તિત્વનો એ પ્રભાવ હતો અને એક પ્રકારે દામલેજીએ તેમના એ કાર્ય દ્વારા સંઘના અનુશાસનની સીમા વિસ્તારી હતી, એક એવો સીમા-વિસ્તાર કે જેમાં પ્રચારક કક્ષાની અન્ય કોઈ વ્યક્તિ તેને વિસ્તારી  ન શકે.

પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા અત્યંત વિચક્ષણ અને વિદ્વાન એવા દામલેજીનું ગત શનિવારની રાત્રે દેહાવસાન થયું. તેમના દેહાવસાનથી સંઘની સાથોસાથ મારા જેવા અસંખ્ય સ્વયંસેવકો, કાર્યકરોને પણ વ્યક્તિગત ખોટ પડી હશે. સંઘના વરિષ્ઠતમ પ્રચારકોમાંના એક, દામલેજીને સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડેલું. નાગપુરના જ સ્વયંસેવક એવા દામલેજી ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતી બની ગયા. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન રાજકોટમાં સંઘ કાર્યાલયમાં દોઢેક માસના નિવાસ દરમિયાન તેમના સાંનિધ્યમાં રહેવાનું થયું હતું. એ પછીથી તેઓ સદા માર્ગદર્શક બની રહ્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં પદાર્પણના પણ તેઓ નિમિત્ત બની રહ્યા. રાજકોટથી ત્યારે પ્રકાશિત તરુણ સૌરાષ્ટ્ર સાથે તેમણે મને સાંકળ્યો હતો. દામલેજી સાથે ગમે ત્યારે ગમે તે વિષયની ગહન ચર્ચા કરી શકાતી. રાજકોટને સંઘ-કાર્યનું કાશી બનાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. સંઘ પરિવારના આનુષંગિક સંગઠનોના અગ્રણીઓ રાત્રે મોડે સુધી કાર્યાલયમાં દામલેજી સાથે વિમર્શ કરતા, તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય પણ મળ્યું. ઇતિહાસનો ખૂબ ઊંડો અભ્યાસ. બસ્તરના આદિવાસીઓની અવદશા વિશે લેખો લખીને સૌ પ્રથમ તેમણે જ ધ્યાન દોરેલું. વાંચનના શોખીન. કોઈ પણ કામ માટે અધિકારપૂર્વક બોલાવી શકે. સંઘના પ્રચારકોમાં તેઓ અનેક રીતે અનોખા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના દિવસોમાં તેઓ દિલ્હીમાં હતા અને ભંગી કોલોનીમાં નિવાસ દરમિયાન મહાત્મા ગાંધીજીની સુરક્ષાની જવાબદારી સંઘના સ્વયંસેવકોને સોંપાઈ ત્યારે દામલેજી તેના ઇન્ચાર્જ હતા. તે  વખતે ગાંધીજી ભંગી કોલોની સામેની સંઘની શાખામાં આવેલા અને સ્વયંસેવકોને સંબોધન કરેલું. દામલેજી તેના સાક્ષી રહેલા. કલસરિયાના આંદોલનમાં સ્વેચ્છાએ પદયાત્રી તરીકે સામેલ થનાર દામલેજી પાસેથી આ પ્રકારના લોક-આંદોલનની મીમાંસા કરાવવાનું સંઘમાં કોઈને સૂઝ્યું નહીં એ મોટી કરુણતા છે. દામલેજીની આવી અઢળક ક્ષમતાઓનો લાભ મેળવી શકાયો નહીં તેનો રંજ તેમને શ્રદ્ધાંજલિની આ ક્ષણે થાય છે.
—————–

તરૂણ દત્તાણીદામલેજી
Comments (0)
Add Comment