કચ્છનાં ૬૫ ગામડાં એસટી સુવિધાથી વંચિત

એસ.ટી. બસો નાનાં ગામડાં સુધી પહોંચતી નથી
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

આઝાદી મળ્યાને સાત દાયકાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કચ્છના અંતરિયાળ વિસ્તારનાં અનેક ગામો પાયાની સુવિધાથી વંચિત છે. એસ.ટી. બસો નાનાં ગામડાં સુધી પહોંચતી ન હોવાના કારણે નોકરી ધંધાર્થે રોજ રોજ આવ જા કરનારા, ભણવા માટે પાસેના ગામમાં જનારા વિદ્યાર્થીઓ વગેરેને મજબૂરીવશ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ખાનગી વાહનોમાં સુરક્ષાના નિયમોનો સરેઆમ છેદ ઉડાવાતો હોવાથી વારંવાર ગમખ્વાર અકસ્માતો સર્જાય છે.

ખાનગી વાહનોનું પ્રમાણ ખૂબ વધ્યું હોવાથી કચ્છના બે ગામના લોકોએ તો અમને એસ.ટી. બસની સુવિધા જોઈતી નથી તેવું લખાણ સામેથી આપ્યું છે. લોકોના આવાગમનમાં સરળતા રહે તે માટે એસ.ટી. બસો દોડાવાય છે તેવા દાવા કરાતા હોવા છતાં કચ્છનાં અનેક ગામો આજે પણ એસ.ટી. બસની સુવિધાથી વંચિત છે. આ અંતરિયાળ ગામોના લોકોને બીજા ગામ જવા માટે ફરજિયાતપણે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે. ખાનગી વાહનોની મુસાફરી જોખમી હોવા છતાં આ ગામના લોકો પાસે બીજો કોઈ ઉપાય જ નથી.

હજુ કચ્છના દરેક ગામડે ઉચ્ચ શિક્ષણ કે આરોગ્યની પૂરતી સુવિધા મળતી નથી. તેથી સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ માટે રોજિંદી અવરજવર સામાન્ય બની છે, પરંતુ જે બસો દોડે છે તે પણ નિયમિત દોડતી નથી. અનેક વખત બસો મોડી દોડતી હોવાની, સ્પેરપાર્ટ્સના અભાવે અધવચ્ચે રખડતી હોવાની ફરિયાદો સામાન્ય બની છે. તેવી સ્થિતિમાં અમુક ગામોમાં એસ.ટી. બસો દોડતી ન હોવાથી આ ગામના લોકોની પરેશાની વધી રહી છે.

કચ્છમાં ૯૫૧ જેટલાં ગામો છે, પરંતુ અનેકવિધ મુશ્કેલીઓના કારણે ૮૫ જેટલાં ગામો તો ખાલી પડ્યા છે અને ખાલી ગામોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. અંદાજે ૮૬૬ જેટલાં વસતીવાળાં ગામો છે. તેમાંથી ૭૧૨ને એસ.ટી. બસની સગવડતા મળે છે. થોડા સમય પહેલાં ૧૬૫ જેટલાં ગામો આ સુવિધાથી વંચિત હતાં, પરંતુ છેલ્લા ૩ મહિનામાં એસ.ટી. તંત્રએ ૧૦૦ જેટલાં ગામો સુધી બસો દોડાવવાનું શરૃ કર્યું છે. તેથી હવે ૬૫ જેટલાં ગામો હજુ પણ ખાનગી વાહનોના ભરોસે છે. આ ગામથી આવતા જતા લોકો અસુરક્ષિત વાહનોમાં પ્રવાસના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક વખતે પેસેન્જર રિક્ષા કે તુફાન જેવા વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવાના કારણે વાહન પલટી જવાના બનાવો બની ચૂક્યા છે. તેમાં કેટલાય લોકોનો ભોગ પણ લેવાયો હતો. છતાં આ ગામોના લોકો સુરક્ષિત મુસાફરી કરી શકે તે માટે એસ.ટી. બસની સગવડ પૂરી પાડવામાં તંત્ર ઊણુ ઊતરી રહ્યું છે.

એસ.ટી.ના વિભાગીય નિયામક જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ત્રણ માસ પહેલાં કચ્છનાં ૧૬૫ જેટલાં ગામો એસ.ટી. બસના જોડાણ વિનાનાં હતાં, પરંતુ આ સમયગાળામાં ૧૦૦ જેટલાં ગામોને આ સુવિધાથી આવરી લેવાયાં છે. અત્યારે બાકી રહેલાં ૧૬૫ ગામો પૈકી ૧૬૩ ગામોને પણ એસ.ટી.ની સુવિધા આપવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. જ્યારે બાકીનાં બે ગામોમાં આજે વસતી જ નથી. ભુજ તાલુકાના રૈયાડા અને લખપત તાલુકાના ડેડરાણી ગામમાં આજે એક પણ વ્યક્તિ વસવાટ કરતી નથી. આ ગામોમાં લાઈટ, પાણી કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી. તેથી ત્યાં અત્યારે બસ દોડાવવાનો કોઈ સવાલ નથી. ઉપરાંત અત્યારે કંડક્ટરોની કમી છે. લગભગ ૧૦૨ જેટલા કંડક્ટરો ખૂટે છે તેથી તે આવી ગયે તરત જ ૪ શિડ્યુલમાં બાકીનાં ૬૩ ગામોને આવરી લેવાશે.’

કચ્છમાં ખાનગી વાહનોની સંખ્યા ખૂબ વધી છે. તેથી અનેક ગામોના લોકો એસ.ટી. બસનો ઉપયોગ કરવાનું પસંદ કરતાં નથી. મુન્દ્રા તાલુકાના ગોયરસમા અને માંડવી તાલુકાના પદમપુર ગામના લોકોએ તો અમને એસ.ટી. બસની સગવડ જોઈતી નથી, તેવું લખીને આપી દીધું છે. જોકે દ્વિચક્રી જેવા નાનાં વાહનો પર કરાતી મુસાફરી અનેક વખત જોખમી નિવડતી હોય છે. ત્યારે લોકોએ સલામત મુસાફરીનો લાભ મેળવવો જ જોઈએ. જ્યારે કચ્છમાં એસ.ટી. બસની સુવિધા શરૃ થઈ હતી ત્યારે અનેક અંતરિયાળ ગામો રસ્તાની સુવિધાથી વંચિત હતા. તેના કારણે આવાં ગામો સુધી બસ સેવા શરૃ કરી શકાઈ ન હતી, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. કચ્છના અપવાદને બાદ કરતાં મોટા ભાગનાં ગામો પાકા રસ્તાથી જોડાયેલા છે ત્યારે તમામ ગામોને એસ.ટી. બસની સુવિધા પૂરી પાડવી જરૃરી છે.
———————

એસટી બસ સર્વીસકચ્છસુચિતા બોઘાણી
Comments (0)
Add Comment