વારંવાર ફૂટતાં પેપર યુવાનોનું મનોબળ તોડે છે

તલાટી, ટાટ અને હવે લોકરક્ષક દળની ભરતીનું પેપર ફૂટ્યું છે.

વ્યથા – નરેશ મકવાણા

તલાટી, ટાટ અને હવે લોકરક્ષક દળની ભરતીનું પેપર ફૂટ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ મોટાં માથાંને છાવરીને નાની માછલીઓને પકડવામાં આવી છે, પણ પાયાનો સવાલ એ છે કે આ પ્રકારની ઘટના એક મહેનતુ, મહત્ત્વાકાંક્ષી યુવાન પર કેટલી ઘાતક અસર કરે છે તેની સરકારને કશી પડી નથી.

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતો અક્ષય(નામ બદલ્યું છે) ભણવામાં હોશિયાર અને ભારે મહેનતુ યુવાન. બે બહેનોનો એકનો એક ભાઈ. પરિવારની આર્થિક સ્થિતિ ભારે કફોડી. છતાં ભણવામાં તેની હોશિયારી પારખીને માતાપિતાએ મહેનત મજૂરી કરીને તેને ભણાવેલો. અક્ષય પણ પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારી સારી રીતે સમજતો હતો. એટલે જ કોમર્સમાં અનુસ્નાતક થયો ત્યાં સુધીમાં તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આરંભી દીધેલી. રાતદિવસ જોયા વિના કેવળ સરકારી નોકરી મેળવવાના એકમાત્ર લક્ષ્ય સાથે તે વાંચ્યા કરતો. તેની મહેનત જોઈને પરિવારને એક આશા બંધાઈ હતી કે દીકરો આપણી મજૂરી એળે નહીં જવા દે. દરમિયાન તલાટીની ભરતી બહાર પડી અને અક્ષયે તેનું ફોર્મ ભરીને બમણી મહેનત શરૃ કરી દીધી. નિયત સમયે પરીક્ષા આપી. પરિણામો જાહેર થયાં અને થોડા જ દિવસમાં તેના ઘેર તલાટી તરીકે તે પસંદ થયો હોવાનો સરકારી કાગળ પણ મળી ગયો. તે દિવસે તેનો આખો પરિવાર હર્ષનાં આંસુઓથી ભીંજાઈ રહ્યો. બંને બહેનો તેને ભેટી ભેટીને રડતી રહી. તેનાં માતાપિતાને તો જાણે ભગવાન સ્વયં ધરતી પર ઊતરી આવ્યા હોય તેવું લાગ્યું. ખુશીના એ પ્રસંગને તેમણે અડોશપડોશમાં પેંડા વહેંચીને ઊજવ્યો.

જોકે પેંડાનો સ્વાદ જીભ પરથી જાય એ પહેલાં એક અણધારી ઘટના બની. બપોરના છાપામાં સમાચાર ચમક્યા કે તલાટી ભરતીમાં મસમોટું કૌભાંડ થયું છે માટે સરકારે આખી ભરતી જ રદ કરી દીધી છે. અક્ષયના પરિવાર માથે તો જાણે આભ તૂટી પડ્યું. દીકરો ભણીગણી, મહેનત કરીને માંડ પગભર થવા જઈ રહ્યો હતો ત્યાં તેનું સપનું રોળાઈ ગયું. આ ઘટનાથી અક્ષયના પિતાને એટલું બધું લાગી આવ્યું કે તેમને હૃદયનો હુમલો આવી ગયો. અણધારી આ ઘટનાઓના પરિણામે અક્ષય ભાંગી પડ્યો. એ ત્યાં સુધી કે ફરી તે પોતાની જાતને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર જ ન કરી શક્યો. પિતાના ચાલ્યા જવાથી પરિવારની જવાબદારી માથે આવી પડતાં તે કામે ચડી ગયો. આજે અક્ષય પોતાના વિસ્તારના નાકે ડુંગળી-બટેટાની લારી ચલાવે છે.

રવિવારે બપોરે ટીવી પર લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યાના સમાચાર જોતો હતો ત્યાં પત્નીએ આ કિસ્સો કહ્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયેલો. અક્ષયને તેણે મહેનત કરતા જોયેલો. કદાચ એટલે જ આ પેપર ફૂટ્યું કે તરત તેને અક્ષયનો કિસ્સો યાદ આવી ગયો હતો.

જોકે મને એ વિચાર આવતો હતો કે આવા બીજા પણ કેટલા અક્ષય હશે જેમની જિંદગી નઘરોળ તંત્ર અને કૌભાંડીઓએ મળીને ઝેર કરી મૂકી હશે? આખી ઘટનામાં સામાન્ય માણસની સમસ્યા એ છે કે, તે જીવ બાળવા અને તંત્રને ગાળો ભાંડવા સિવાય કશું કરી શકતો નથી. બાકી મહિનાઓથી રાતદિવસની મહેનત, પરીક્ષા ફી, મુસાફરીનું ભાડું, સમય બધું ખર્ચીને કારકિર્દી બનાવવા મથતા યુવાનો સાથે રમત કરતાં એકેય કૌભાંડીને તે જીવતો ન છોડે. બેરોજગારી નિયંત્રણ બહાર જઈ ચૂકી છે ત્યારે યુવાધનની કારકિર્દી સાથે જો આ રીતે પેપર ફોડીને રમત રમવામાં આવતી હોય તો સ્થિતિ નિયંત્રણ બહાર જાય એમાં કશી નવાઈ નથી. શું સરકારને ખબર નહીં હોય કે આ પ્રકારની ઘટનાઓની યુવાનોના મનોબળ પર કેવી અસર થાય છે?

લોકરક્ષક દળની પરીક્ષાનું જ ઉદાહરણ લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામના યુવાન કમલેશ(નામ બદલ્યું છે)નો કિસ્સો ચોંકાવનારો છે. તેનાં માતાપિતા ખેતમજૂરી કરે છે. પરિવારને મદદરૃપ થવા માટે કમલેશ પણ એક કંપનીમાં નોકરી કરતો હતો. જોકે શારીરિક રીતે મજબૂત હોઈ તેણે છેલ્લા ત્રણેક મહિનાથી નોકરી છોડીને લોકરક્ષકની તૈયારીઓ શરૃ કરી હતી. બીજી ડિસેમ્બરે ઉછીના રૃપિયા લઈને તે અમદાવાદ આવ્યો હતો, ત્યાં પરીક્ષા રદ કરી દેવાઈ. આ ઘટનાથી તેને એટલું લાગી આવ્યું છે કે તે પૅનિક ડિસઓર્ડરનો શિકાર થઈ ગયો છે. તેને સતત એવું લાગ્યા કરે છે કે હવે તે જિંદગીમાં કશું જ નહીં કરી શકે. તેની આવી દશા જોઈને તેનાં ગરીબ માતાપિતા ભાંગી પડ્યાં છે. આના માટે જવાબદાર કોણ?

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા અને સાથે સુરેન્દ્રનગરમાં અંગ્રેજીના શિક્ષક તરીકે સેવા આપતા યુવાન લલિત ડોરિયા કહે છે, ‘પેપર લીક થવાથી પરીક્ષાર્થીઓ પર માઠી અસર પડે છે. અમે પરીક્ષા માટે રાતોની રાતો જાગીને તૈયારીઓ કરતા હોઈએ છીએ. પેપર લીક થવાથી કે પરીક્ષા પતી ગયા બાદ આખી ભરતી રદ થવાથી અમારે ફરીથી એટલી જ આકરી મહેનત કરવી પડે છે. તેથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. અનેક સરકારો આવી અને ગઈ, પરંતુ પેપર લીક થવાની ઘટનાઓનો અંત નથી આવ્યો. શરમની વાત છે કે જે દેશ એકસાથે ૧૦૦ ઉપગ્રહો અંતરિક્ષમાં છોડી શકે છે, તે પેપર લીક થતું રોકવા માટે જરૃરી ટૅક્નોલોજીનો ઉપયોગ નથી કરતો. પરિણામે અમુક લોકો પેપર ફોડી નાંખે છે અને ભોગવવાનું અમારા જેવા લાખો યુવાનોને ભાગે આવે છે.’

પેપર લીકની હાલની ઘટના પરથી અમુક બાબતો સ્પષ્ટ છે. જે રીતે અમુક રાજકારણીઓ ઈવીએમને શંકાની નજરે જુએ છે, એવી જ રીતે નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થાને લઈને યુવાનોમાં અવિશ્વાસ પેદા થઈ ગયો છે. એક તો બેરોજગારી અને ઘટતી જતી સરકારી નોકરીઓના કારણે તે પહેલેથી જ તાણમાં છે, ત્યાં પેપર લીક થવું, પસંદગી બાદ નિમણૂક ન આપવી જેવી બાબતો સિસ્ટમ પ્રત્યે તેનો અવિશ્વાસ મજબૂત કરવાનું કામ કરે છે. હવે તે દૃઢપણે માનવા લાગ્યો છે કે મિલીભગત કરીને સિસ્ટમમાં ગોઠવાઈ ગયેલા લોકો માત્ર મળતિયાઓ અને રૃપિયા ખવડાવનારાઓને જ નોકરી આપશે. તેની પાસે પ્રતિભા તો છે, પણ રૃપિયા નથી. જેના કારણે આખો આ ખેલ તે નિઃસહાય બનીને જોયા કરે છે. પેપર લીકને લઈને યુવાનોમાં આક્રોશ એટલા માટે પણ છે કેમ કે આ તેમની આખી જિંદગીનો સવાલ છે. જો બીજી વખત પરીક્ષા લેવાય તો પણ પોતે તેમાં હાજર રહી શકશે કે કેમ તે પણ સવાલ હોય છે.

ઘણીવાર જે તે ભરતી બોર્ડ એક તબક્કે રદ કરેલી પરીક્ષા ફરીથી લેવામાં વર્ષો ખેંચી કાઢે છે. જેના કારણે કેટલાક યુવાનો ઉંમરની યોગ્યતા ગુમાવી બેસે છે. આ બધાં કારણોને લઈને પણ સિસ્ટમ પર તેનો રોષ સતત વધતો જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેપર લીકની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે ભાગ્યે જ કોઈ પરીક્ષા તેનાથી બચી હશે. એકથી વધુ વખત પેપર ફૂટવાનું સીધું તારણ એવું નીકળે કે સિસ્ટમમાં જ કોઈ એવું બેઠું છે જે તેને પ્રોત્સાહન આપે છે. બીજો અર્થ એવો થાય કે વહીવટી તંત્ર પેપર લીકની ઘટનાને હળવાશથી લઈ રહ્યું છે. બાકી અત્યાર સુધીમાં આ સમસ્યા ઉકેલાઈ ગઈ હોય. છેલ્લી આ પ્રકારની કેટલીક ઘટનાઓ પર બારીકાઈથી નજર નાખશો તો તેની પાછળનાં કારણો પણ સમજાશે. જેમ કે મોટા ભાગની પરીક્ષાઓમાં આઠ-દસ લાખ યુવાનો પરીક્ષા આપે છે. જેની સામે ભરતીનો આંકડો અમુક હજારથી વધુ નથી હોતો. એનો મતલબ એ થયો કે પ્રોફેશનલ કોર્સની વાત હોય કે નોકરીની, દરેક જગ્યાએ ‘એક અનાર સો બીમાર’ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. માગ સામે પુરવઠો અતિશય ઓછો છે. જ્યાં પણ આવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યાં રૃપિયા અને ગેરકાયદે ઘૂસણખોરીની ભૂમિકા સ્વાભાવિક રીતે જ વધી જાય છે. કરોડો બેરોજગાર યુવાનોની વસ્તી ધરાવતાં ભારતમાં પેપર લીક પ્રકારની ઘટનાઓ માટે કાયમ શક્યતાઓ રહે છે. આ જ એ પોઈન્ટ છે, જેના વિશે સરકારે ગંભીરતાપૂર્વક કશુંક નક્કર કરવું પડશે. બાકી એ દિવસ દૂર નથી જ્યારે દેશનો બેરોજગાર રસ્તા પર ઊતરી આવે.
—————————————.

નરેશ મકવાણાપેપરકાંડલોકરક્ષક ભરતી
Comments (0)
Add Comment