તેલ અને ઘી હેલ્ધી જ છે, પરંતુ લિમિટમાં…

ઘાંચીએ ઘાણીમાં પીલીને કાઢેલું તેલ સૌથી હેલ્ધી છે.
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

રિફાઇન્ડ તેલના નામે લોભામણી જાહેરાતોમાં ભોળવાતા નહીં, રિફાઇન્ડ તેલ અનહેલ્ધી છે. ઘાંચીએ ઘાણીમાં પીલીને કાઢેલું તેલ સૌથી હેલ્ધી છે. તે શક્ય ન હોય તો કોલ્ડ પ્રેસ્ડ કે ફિલ્ટર્ડ તેલ પસંદ કરો.

અરે આમાં કેટલું તેલ છે…આટલું તેલ કંઈ ખવાતું હોય… આવી વાતો તમે તમારી આસપાસમાં ઘણીવાર સાંભળી હશે. કેટલીક ગૃહિણીઓ એમ પણ કહેશે. અરે, સિંગતેલ ન ખવાય. અમે તો હવે ઓલિવ ઓઇલ કે સનફ્લાવર ઓઇલ વાપરીએ છીએ. સાચી વાત તો એ છે કે આ હાર્ટ હેલ્ધી ઓઇલના નામે આપણે છેતરાઈ રહ્યા છીએ. ટીવી પરની જાહેરાતો આપણને જણાવે છે કે આપણે આપણુ પારંપરિક ઓઇલ ન વાપરવું. તેમાં કોલેસ્ટ્રોલ છે અને તેનાથી હાર્ટહેલ્થને ખતરો છે. પહેલાંના સમયમાં લોકો ઘરનો તળેલો ખોરાક ખાતાં જ હતા, તો પણ મેદસ્વીતા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ ન હતા.

ખરેખર તો ફેટ્સ આપણા ડાયટનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. આપણા પાચનમાં એનો રોલ મહત્ત્વનો છે. માત્ર પાચનમાં નહીં, પોષણમાં પણ એની જરૃર પડે છે. કોઈ પણ ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફેટ્સ દ્વારા ઓછો થાય છે. જેમ કે તમે ખીચડી ખાઓ તો તે પેટમાં જઈને શુગર થઈને સીધી લોહીમાં ભળી જાય છે, પરંતુ તમે એમાં ઘી નાંખો કે તેલમાં વઘારેલી ખીચડી ખાવ તો એ ખીચડીનું પાચન ધીમે-ધીમે થાય છે. આ એક બેસ્ટ પરિસ્થિતિ છે. શુગર એકદમ વધશે નહીં. પોષણ શરીરમાં ધીમે ધીમે એબ્સોર્બ થશે. એટલે જો તમે સમજતા હો કે તેલ કે ઘી ખાવા જ નહીં તો એ ભૂલ ભરેલી માન્યતા છે. આમ ન કરવું તેનાથી ઓવરઓલ હેલ્થને જ નુકસાન થશે.

સૌથી જરૃરી છે કયું તેલ ખાવંુ
રિફાઇનરીમાં ખૂબ જ હાઈ ટેમ્પરેચર પર બીયાંમાંથી તેલ કાઢવામાં આવે છે, જેમાં તેના પોષકતત્ત્વો જ ખતમ થઈ જાય છે. આ રિફાઇનરીઓમાં ખરાબ બીજ પણ હોય છે. પ્રોસેસ વડે તેમાંથી ૯૦ ટકા જેટલું તેલ કાઢી લેવાય છે. આ બાબત હેલ્થની દ્રષ્ટિએ ગંભીર છે. પહેલાના સમયમાં ઘાંચી ઘાણીમાં દાણા પીલીને તેલ કાઢતો. ખૂબ જ ઓછા તાપમાન પર આ તેલ કઢાતું હતું. જેથી તેના પોષકતત્ત્વો અકબંધ રહેતા. તેમાં બીજનું ૫૦ ટકા તેલ જ નીકળે, તેથી ખૂબ જ સારી ક્વૉલિટીના બીજ જોઈએ. જો તમે આ પરંપરાગત રીતે ઘાંચી પાસે તેલ કઢાવી શકો તો તેનાથી ઉત્તમ બીજું કંઈ જ નહીં. જો આ બાબત શક્ય નથી તો કચ્ચી ઘાની કે કોલ્ડ પ્રેસ્ડ તેલના નામે બજારમાં જે તેલ મળે છે તે વાપરી શકો છો. કોલ્ડ પ્રેસ્ડ તેલ સરળતાથી ન મળે તો ફિલ્ટર્ડ તેલ પણ વાપરી શકો છો.

કયુ તેલ હેલ્થ માટે સારું
ઇન્ડિયન કૂકિંગ માટે ઓલિવ ઓઇલ સારું નથી. શાક-દાળ કે પુલાવમાં ઓલિવ ઓઇલ ન વાપરો. ઓલિવ ઓઇલને ઊંચા તાપમાને ગરમ કરી શકાતું નથી. જો તેને ગરમ કરીએ તો તેના પોષકતત્ત્વો ખતમ થઈ જાય છે. આપણા પર્યાવરણ મુજબ ઓલિવ ઓઇલ ન ખાવું જોઈએ. તેલ એ જ ખાવું જે આપણા પ્રદેશની ધરતીમાં ઊગતું હોય. ઉત્તર અને પૂર્વના રાજ્યમાં સરસવનું કે રાઇનું તેલ ખાવામાં આવે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જેવી જગ્યાઓએ અમુક ખાસ વસ્તુઓમાં તલનું તેલ વપરાય છે. દક્ષિણ ભારતમાં નાળિયેળનું તેલ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સિંગતેલ વપરાય છે. તમે જે પ્રદેશમાં રહેતા હો ત્યાંનો જ ખોરાક ખાવો સૌથી હેલ્ધી ગણાય છે. તેનો અર્થ એ નથી કે બહારનો તળેલો ખોરાક ખાઓ. ઘરનું જ તળેલું ખાવ. બહારના તળેલા નાસ્તા ન ખાવ. ઘરમાં એક વાર તળવામાં ઉપયોગમાં લીધેલું તેલ બીજી વાર તળવામાં ન વાપરો. આ એક અનહેલ્ધી રીત છે.
——————

ફેમિલી ઝોનભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment