વ્યંગરંગઃ ચાલવા જવાનું મુરત

હવે તો ચાલે એ બીજા 'ને ચાલવાનું પછી ક્યારેક.
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

દરેક નાની કે મોટી, સારી કે ખરાબ વાતમાં મુરત જોવાની ટેવ(કુટેવ) હોવાને કારણે હું દર શિયાળામાં ચાલવા જવાનું પણ સારું મુરત જોઈ જ લઉં. ક્યાંક એવું ન થાય કે હું કમુરતામાં ચાલવા નીકળી પડું ને રસ્તામાં મારી સાથે કોઈના અથડાવાનું મુરત પણ ગોઠવાયેલું તૈયાર જ હોય! આ કોઈ એટલે કોઈ કૂતરું, ગાય કે વાહન સિવાય કોઈ માણસ પણ હોઈ શકે. વળી, ચાલવા માટે તો સવારનું કે સાંજનું જ મુરત જોવું પડે, કારણ કે બપોરની ને રાતની વૉકનો ‘ચાલશાસ્ત્ર’માં તો ક્યાંય ઉલ્લેખ નથી. આ એક જ કસરત ગણો તો કસરત ને લહેર કે મજબૂરી ગણો તો તેમ, એવી છે જેમાં સીધા ઘરની બહાર નીકળીને આમતેમ ગયા વગર સીધા ઘેર પાછા ફરો તો એમાં એક પૈસાનોય ખરચ થતો નથી.

એવું ને કે શિયાળો આવતાં જ અમને એમ થાય કે સાલુ, વજન બહુ વધી ગયું છે. હવે ઉતારવા માટે તો ચાલવું જ પડવાનું, પણ કોણ પહેલા ચાલવા જાય? જાતજાતનાં બહાનાં બંને પક્ષે ચાલે પણ ચાલે એ બીજા!

એટલે અમારા ઘરમાં તો દર શિયાળામાં આવા સંવાદો જ ચાલતા હોય.

‘તું હવે ચાલવા માંડે તો સારું.’

‘હું શું કામ ચાલવા માંડું? તમે જ ચાલવા માંડો ને એના કરતાં.’

‘મારા મનમાં આવશે ત્યારે ચાલવા જ માંડીશ, તારા કહેવાની રાહ નહીં જોઉં.’

‘બસ તો પછી, હું પણ મારી મરજીમાં આવશે ને ત્યારે ચાલતી થઈ જઈશ સમજ્યા ને?’ વાતાવરણમાં ગરમી વધે તે પહેલાં મેં ત્યાંથી ચાલતી પકડી.

આખરે ઠંડીના ચમકારાએ મને મુરત કાઢી આપ્યું ને મેં નક્કી કરી લીધું કે કાલની સવાર ચાલવા માટે બેસ્ટ! અંતરિક્ષમાં જવા જેવી તૈયારી તો કરવાની નહોતી એટલે સવારમાં દૂધવાળો આવે તે પહેલાં ચાલી આવવાનું નક્કી કરીને હું ઘરમાંથી નીકળી ગઈ. બહાર તો ખુશનુમા મોસમ ને ઉત્સાહી વૉકરોને જોઈને મારો ચાલવાનો ઉત્સાહ વધ્યો. થોડે પહોંચી કે અપશુકન થયા! દૂધવાળો સામે જ ભટકાયો! મોટરસાઈકલ ઊભી રાખી, ‘બેન, બેન, બે..ન…ઊભાં રો’, સવારમાં ક્યાં ચાલ્યાં? દૂધ નથી લેવાનું આજે?’

ન તો મારા હાથમાં કોઈ તપેલી હતી કે ન કોઈ બરણી. શું હું આમ એની સામે દૂધ લેવા નીકળેલી? ખરો છે આ ભાઈ.

‘હું તો બસ ચાલવા નીકળી છું(હું ક્યાં મારું કોઈ કામ કરવા નીકળી છું?) ભાઈ ઘરે જ છે. એ દૂધ લઈ લેશે.’ (ને પછી પાછા સૂઈ જશે.)

‘પણ ભાઈ તો એટલા વહેલા ઊઠતા નથી. નકામી ભાઈની ઊંઘ બગાડવાની ને? એના કરતાં પછી ચાલવા નીકળતે તો?’ બાપ રે! આને દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું? જોકે, દોઢડહાપણમાં ક્યાં મગજ ચલાવવાનું હોય? મેં મારું મગજ ચલાવીને એને જવાબ ન આપ્યો ને ચાલવા માંડ્યું. હવે આ રીતે તો સવારમાં કેવી રીતે કોઈ પ્રસન્ન મને ચાલી શકે? મેં મનમાં ને મનમાં એનો હિસાબ ગણી કાઢ્યો.

ખેર, બીજે દિવસે સાંજનું મુરત કાઢ્યું. એ સમયે ઘરનું કોઈ ઘરમાં આવે કે ઘરમાંથી કોઈ બહાર જાય-મારા સિવાય એવી કોઈ શક્યતા નહોતી. હું ગીત ગણગણતી પ્રસન્ન મને ઘર બંધ કરતી હતી કે પાડોશણ જોઈ ગઈ.(કાયમ હાજર ને હાજર!)

‘બજાર જાઓ છો?’ (બદ્ધી પંચાત!)

‘ના, આંટો મારવા.’

‘એકલાં જ?’ (આંટો મારવા પણ જો એને સાથે લઈ જાઉં તો શાંતિ મેળવવા ક્યાં જાઉં?)

‘બજાર તરફ જવાના?’

‘કંઈ નક્કી નહીં.’ મને ખાતરી કે એને જેના વગર ચાલે જ નહીં એવું એ સમજતી હતી અને ચાલી જાય કે ચલાવી લેવાય એવું હું સમજતી હતી તે, આદુ-મરચાં-કોથમીર કે રવો-મેંદો-બેસન જેવું જ કંઈ મગાવવું હશે. મેં જવાબો ટૂંકાવીને વહેલી તકે ત્યાંથી ચાલતી પકડી.

હવે? શું કરું? ક્યારે ચાલવા નીકળું? આ તે કંઈ જાલિમ જમાનાની રીત છે? કોઈ સ્ત્રી અડધો કલાક – કલાક ચાલવા ધારે તેય ન ચાલી શકે? આ બધાં ચાલવા નીકળે, તે લોકોને આવા લોકો આમ જ હેરાન કરતાં હશે? હું નિરાશાના વિચારોમાં ચાલતી રહી ત્યાં મારા નામની બૂમ મેં સાંભળી. હાય હાય! હવે કોણ દુશ્મન નીકળ્યું જે મારી રાહ જોઈને બેઠું છે?

‘બે…ન, આ બાજુ આવો. આમ જુઓ, હા હું જ બોલાવું છું.’

મેં એક સ્ત્રીને હરખની મારી, મારા તરફ આવતી જોઈ.

‘બેન, મારા ઘરે પાંચ મિનિટ પણ ચાલો જ. હું તમારા બધા લેખો બહુ ધ્યાનથી વાંચું છું.’

ખલાસ! મારે કંઈ બોલવાનું રહ્યું જ નહીં. લાખો નિરાશામાં આ એક આશા છુપાયેલી હતી? વાહ!

હજી તો મારા આનંદમાં વધારો થવાનો હતો, કારણ કે મારી સામે જ એણે સમોસાં ને આઇસક્રીમનો આર્ડર આપ્યો, ખાસ મારા માટે! હવે મારાથી કેવી રીતે આગળ ચલાય? હું એમના ઘરના ઓટલે બેસી ગઈ. હવે તો ચાલે એ બીજા ‘ને ચાલવાનું પછી ક્યારેક.
—————-

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment