તમે સુખી હો કે ન હો, પણ તમારે કારણે બીજા સુખી છે કે નહીં…?

સાદગીની પાઠશાળાઓ જેવા અનેક લોકો હતા

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પરિવારમાં જેમનો ‘હું’ સૌથી પાછળ હોય એ જ એ પરિવારનો ખરો મોભી કહેવાય. એમનામાં જ સહુના પરિપાલનની અપાર ક્ષમતાઓ વિકસેલી રહે.

આજકાલ સાદગી વિસરાઈ ગઈ છે. લગ્નના સમારંભોમાં બે પ્રકારના દેખાડા છે એક તો ફરજિયાત કરવાનો થતો દેખાડો અને વિશેષ દેખાડો. ગુજરાતીઓ આમ તો ઈર્ષ્યાળુ પ્રજા નથી, પોતાના પરિશ્રમમાં જ તન્મય રહેનારો આ સમુદાય છે તો પણ હવે દેખાદેખીથી માથે આવી પડેલી પરિવારના આગ્રહોવાળી અંધાધૂંધ સ્પર્ધામાં તેઓ ઊતર્યા છે. પ્રસંગો પાર પાડવા ગુજરાતીઓ માટે એક રમત વાત હતી તે હવે પહાડ પાર કરવા જેવા થવા લાગ્યા છે. પહોંચ હોય તે કંઈ પણ સમૈયા કરે કે જલસા કરે અને કરાવે તે યોગ્ય ઠરે, પણ લાંબા પાછળ ટૂંકાની જે દોટ છે અને એમાં સામાન્યજન તણાતો જાય છે તે આવનારી આપત્તિની એંધાણી છે. સ્વસ્થિતિ અને સ્વભાન વિના આ સંસારના પૂરમાં ઝંપલાવવા જેવું નથી. લોકો ધક્કા મારતા હોય ત્યારે ઘડી-બ-ઘડી હાંસિયામાં જઈ ઊભા રહી જવું સારું. જેઓ કૂદે એને કૂદવા દેવા પણ દાવાનળમાંથી પંખી જેમ પોતાને ઊડીને ઉગારી લે એમ ઉગરતા રહેવું, કારણ કે આવા પ્રસંગો અને પ્રયાસો તો અવારનવાર આવતા જ રહેવાના છે.

આ બધાની બુનિયાદમાં સમસ્યા એક જ છે કે સાદગીના આભામંડળથી પ્રજા બહુ દૂર નીકળવા લાગી છે. આપણા દેશમાં ટકાવારી પ્રમાણે દુનિયામાં ચપ્પલ પહેરનારાઓની સંખ્યા સૌથી વધુ છે જ્યારે કે જગત આખું શૂઝને આધીન થઈ ગયું છે. આ જે ચપ્પલ છે તેને સાદગીનો છેલ્લો અવશેષ ન માનીએ. ચમક દમકથી ભભૂકતા મનોરંજનના મોહમાં બાહ્યાચાર જે આડો ફંટાયો છે એને કારણે જ હાથપગ ધીમા પડ્યા છે અને પ્રમાદ વધ્યો છે. કોઈને કંઈ કહેવાતું નથી ને હવે આપણે એવા સમયની અડોઅડ છીએ જેમાં સાપ પર પગ પડતો હોય તોય કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી. રોકટોક વગર આગળ ધપી રહેલી આ જાતરા આ ટોળાને ક્યાં પહોંચાડશે તે અનિશ્ચિત છે.

બાહ્યાચાર એવો છે બધું જ સુંદર અને સારપથી ભરપૂર લાગે. ભીતરથી એટલી સારપ જેઓ જાળવતા હોય એમને ધન્ય છે, કારણ કે સારપ એટલે કે સારાપણુ જાળવવા માટે નુકસાન સહન કરવાની તૈયારી જોઈએ. સહુ ફાયદામાં જ ચાલે અને કોઈ નુકસાન કરવા તૈયાર જ ન હોય તો સરવાળે સહુને નુકસાન જાય છે એવું આ વિપરીત સામાજિક ગણિત છે. પોતે સુખી એના બદલે પોતાને કારણે બીજા સુખી એ જિંદગીનો રાજમાર્ગ છે, પરંતુ એ મારગડે યાતાયાત બહુ છે નહીં. જેમને જિંદગીમાં પોતાની જરૃરિયાત મર્યાદિત હોય તેઓ બહુ આસાનીથી બીજાઓની જરૃરતની પરિપૂર્તિ કરી શકે છે. પરિવારમાં જેમનો ‘હું’ સૌથી પાછળ હોય એ જ એ પરિવારનો ખરો મોભી કહેવાય. એમનામાં જ સહુના પરિપાલનની અપાર ક્ષમતાઓ વિકસેલી રહે. ખરેખર તો તમે કેટલા સુખી છો એના બદલે તમારે કારણે કેટલા લોકો સુખી છે એ જ જીવન સાફલ્યનું પ્રમુખ મૂલ્યાંકન ધોરણ હોવું જોઈએ.

પહેલાં તો આપણી ચોતરફ સાદગીની પાઠશાળાઓ જેવા અનેક લોકો હતા. હવે એ પાઠશાળા જેવા લોકો દેખાતા નથી. ચોતરફ ઠાઠ-ઠઠાડા અને ભારે ભભકાની હોડ દેખાય છે. લોકો એમાં તણાતા જ જાય છે. પ્રવાહ પુરપાટ વેગે આગળ વધી રહ્યો છે. તેઓના આ ઉપક્રમમાં ક્યાંય ફુલ્લ કુસુમિત નથી ને દ્રુમદલની શોભાથી પણ તેઓ ઘણા દૂર છે. નિવૃત્ત થયા પછી પણ વ્યર્થ પ્રદર્શનની વાસનામાં લોકો ડૂબેલા છે. પહેલા નિખાલસતાથી એવી કબૂલાત સંભળાતી કે છોડવું છે, પણ છૂટતું નથી, સંસારની માયા છે આ તો! આજે હકીકત એ છે કે કોઈને કંઈ છોડવું નથી. છતાં સાવ એવું નથી. આખા સૂકાઈ જવા આવેલા જંગલમાં કોઈ કોઈ ડાળ તરોતાજા ફૂલપાનથી લીલ્લીછમ છે. ફૂલગુલાબી પવનમાં એ ડાળીઓ હિલ્લોળે ચડેલી છે. હીંચકે બેસીને સવારનો આછો સોનેરી તડકો માણતા ઉંમર લાયક દંપતીના પ્રભાતી મુખારવિંદ પર પાછલી જિંદગીનો થાક નથી, આવનારા પરમ વિશ્રામદાયી ઉત્તરાંચલ માટેનો ઉત્કંઠિત ઉત્સાહ છે. ઘરમાં મનુષ્ય દેહ ધારણ કરેલું એકાદ લીલ્લું ઝાડ હોય તોય બહુ છે, નાના નાના ફૂલછોડ અને વેલ એને વીંટળાઈને ઊંચેરા આભલે ચડે. આવા લીલ્લા ઝાડને અઢેલીને જેને હવે આ જગમાં ઉછરવા મળે એ તો ખરા સદ્ભાગી છે.

સાદગી કંઈ સાધનોની ઓછપથી કે અલ્પખર્ચથી આવતી નથી. પોતાને શા-શા વિના ચાલે એની સભાનતા હોય તો સાદગીનું પહેલું પગથિયું કહેવાય. પછીથી સંયમશ્રીનો ક્રમશઃ સાક્ષાત્કાર થાય. આ કામ બિલકુલ એવું છે જેમાં કોઈ ઉદ્યોગપતિ રાતોરાત વૈરાગ્ય લઈને જૈન મુનિ બની જાય. સાદગી તો સૌથી અઘરી છે, કારણ કે સંસ્કારોમાં સાદગી ન હોય અને સાદગીથી ‘રહેવું પડતું’ હોય એ સાદગી નથી. ચલાવી લેવામાં પણ જે નથી એનો ખટકો રહે છે. જેની જરૃર જ નથી અને પોતાનો જીવનાનંદ જેના પર અવલંબિત નથી એનો ત્યાગ આવડવો જોઈએ, એ કોઈ થોડું શીખવે? કેટલાક લોકો જિંદગીમાં એટલો બધો અસબાબ સાથે રાખે છે કે તેમની આસપાસ બિનજરૃરી ચીજોના ખડકલા થાય છે. જૂના જમાનામાં દેશી નળિયાનાં છત – છાપરાં હતાં. ચોમાસું આવે એ પહેલાં નળિયાં ચાળવા માટે મજૂરને બોલાવાતા. એ કંઈ બધાને ન આવડે. એ છતની ઉપર જઈને નળિયાં ચાળે એટલે કે ઊંધા હોય એને ચત્તા કરે અને ચત્તા હોય એને ઊંધા કરે. અનેક ગૃહસ્થો અને ગૃહિણીઓ પારાવાર વધારાની ચીજવસ્તુઓ કાયમ સંઘરી રાખે અને વરસે એક વાર નળિયાં ચાળવાની જેમ એને ઉથલાવે ને પછી બધું હતું તેમનું તેમ પડતર.

જીવનની જરૃરિયાત અને જીવનનો આનંદ બંને અલગ વસ્તુ છે. કેટલાકે એની ભેળસેળ કરી દીધી છે. જીવનનો આનંદ એ સ્વતંત્ર છે, એને જરૃરિયાત સાથે ન સાંકળો તો ન ચાલે? હાથમાં કોષ્ટકો જ ખોટા આવી ગયા છે એટલે તર્ક પછી તર્ક પ્રગટતા પેલો આનંદ લુપ્ત થઈ જાય છે. ગીર કાંઠાનાં ગામોમાં અને એના નેસ-નેસડાંમાં રોટલા ઘડતી મા નજર સામે હીંચકતા બાળુડાને જુએ ત્યારે એના હૃદય પર જે અપાર સ્વાનંદનો અભિષેક થાય છે એની એક છાલક પણ નગરવાસી થયેલાઓને ઊડે તો ખ્યાલ આવે કે આ અણમોલ સુખનો શીતળ છાંયો શું છે! જેટલો વ્યર્થ બાહ્યાચાર ઓછો એટલો જીવનાનંદ અધિક. પ્રેક્ટિસ કરવાની જરૃર છે, રોજ જરા જરા બાહ્યાડંબર ઘટાડતા જઈએ તો કોઈક દિવસ તો હયાતીના પરમાનંદ લગી પહોંચી શકાય.

રિમાર્ક – ભોજન અંગે કદી પૃચ્છા કરે નહીં અને કહેવામાં આવે ત્યારે જ ભોજન કરવા આસન પર બેસે તે સદગૃહસ્થનું પ્રથમ લક્ષણ છે.  – સુભાષિત
——————-

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment