વેલકમ એન્ડ સ્ટોપ, ડિઝાઇનર બેબી

ચીનના એક વૈજ્ઞાનિકે ડિઝાઇનર બેબીના જન્મની વધામણી આપી.
  • અનુસંધાન – હિંમત કાતરિયા

તારીખ ૨૪ નવેમ્બર, ૨૦૧૮ના અભિયાનની કવર સ્ટોરી  ડિઝાઇનર બેબી ઃ એકવીસમી સદીનું ઇચ્છિત સંતાનનું અનુસંધાન મળ્યું છે. કવર સ્ટોરીમાં આપણે ડિઝાઇનર બેબીના આગમનની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ સમાચાર છે કે ચીનના એક વૈજ્ઞાનિકે ડિઝાઇનર બેબીના જન્મની વધામણી આપી.

ગત અઠવાડિયે જ ચીનના શેનઝેન શહેરના વૈજ્ઞાનિક હે ઝિયાનકુઈએ જાહેરાત કરી કે, લેબોરેટરીમાં જોડિયાં ડિઝાઇનર બેબીને જન્મ આપ્યો છે. ઝિયાનકુઈએ પહેલીવાર દુનિયામાં જન્મેલી ડિઝાઇનર બેબી વિશે જાહેરાત કરી કે, જોડિયાં બાળકીના જિન્સમાં ફેરબદલ કરવામાં આવ્યો છે જેથી તે વારસાગત એઇડ્સની બીમારીથી મુક્ત જન્મી છે. તેમણે હોંગકોંગમાં આયોજિત જિન એડિટિંગના એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ ખુલાસો કરતા કહ્યું કે, આ પ્રયોગમાં કુલ આઠ દંપતીઓએ સ્વેચ્છાએ ભાગ લીધો હતો, જેમાં એચઆઈવી ગ્રસ્ત પિતા અને એચઆઈવી નેગેટિવ માતા પણ હતી. જોડિયાં ડિઝાઇનર બેબીના જન્મના સમાચાર લીક થઈ ગયા એ સાથે જ વૈજ્ઞાનિકે ક્લિનિકલ ટ્રાયલ અટકાવી દીધી છે. એક અમેરિકન વૈજ્ઞાનિકે આ સમાચારને સમર્થન આપતા કહ્યું છે કે, તેમણે ચીનમાં થયેલા આ પ્રયોગમાં ભાગ લીધો હતો. અમેરિકામાં આ પ્રકારના જિન્સ-પરિવર્તન પ્રતિબંધિત છે. કેમ કે ડીએનએમાં બદલાવ કરવાથી ભાવિ પેઢીઓ સુધી તેની અસર પડશે અને અન્ય જિન્સને નુકસાન પહોંચાડવાનો ખતરો રહે છે. મુખ્ય પ્રવાહના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આવા પ્રયોગો બહુ અસુરક્ષિત છે અને કેટલાકે ચીનમાંથી આવેલા આ સમાચારની નિંદા કરી છે. આ પ્રકારે વિજ્ઞાનને મંજૂરી આપવા કે પ્રતિબંધિત કરવા વિશે ઝિયાનકુઈએ કહ્યું કે, ભવિષ્ય અંગે સમાજ ફેંસલો કરશે. ખેર, ઝિયાનકુઈની જાહેરાત સાથે વિજ્ઞાન અને નૈતિકતા વચ્ચે જંગ જામ્યો છે.

ઝિયાનકુઈએ કહ્યું કે, તેમણે ઓલરેડી સાત વંધ્ય દંપતીના સંતાનોત્પત્તિ માટેના ફલનની સારવાર દરમિયાન ભ્રૂણમાં ડીએનએમાં ફેરબદલ કરી છે. તેમનું કહેવું છે કે, તેમના ડિઝાઇનર બેબીનો હેતુ કંઈ વારસાગત બીમારીઓને દૂર કરવાનો કે અટકાવવાનો નથી, પણ થોડા લોકોમાં ભવિષ્યના સંભવિત એઇડ્સના વાઇરસ એચઆઈના ચેપને ખાળવાની શક્તિ હોય છે. બસ, મારે બાળકોને એ શક્તિ સમર્થ બનાવવા હતા. હું નક્કરપણે એ જવાબદારીનો અહેસાસ કરું છું કે આ માત્ર એક પહેલો પ્રયોગ નહીં બની રહેતા, એક ઉદાહરણ પણ બની રહે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના જિન એડિટિંગ એક્સપર્ટ અને જેનેટિક જર્નલના એડિટર ડૉ. કિરણ મુસુનુરુનું કહેવું છે કે, આ વિવેકહીનતા છે. માનવ ઉપરના આ પ્રયોગનો નૈતિક કે વ્યવહારિક દ્રષ્ટિએ બચાવ કરી શકાય તેમ નથી. કેલિફોર્નિયાની સ્ક્રીપ્સ રિચર્સ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના વડા ડૉ. એરિક ટોપોલે કહ્યું કે, આ એક બચકાની હરકત છે.

જોકે હાર્વર્ડ યુનિવર્સિટીના જ્યોર્જ ચર્ચ એચઆઈવી માટેના જિનમાં બદલાવનું સમર્થન કરે છે. તેમનું માનવું છે કે એચઆઈવી જાહેર આરોગ્ય માટે મોટું અને ઉત્તરોત્તર વધી રહેલું જોખમ છે. એવામાં આ હરકત યોગ્ય છે.

તાજેતરનાં વર્ષોમાં વૈજ્ઞાનિકોએ જિન્સમાં બદલાવનો સરળ રસ્તો શોધી કાઢ્યો છે. CRISPR-cas9 નામનું ટૂલ ડીએનએનું ઑપરેશન કરીને જોઈતો ડીએનએ દાખલ કરી શકે છે કે જોખમના કારણરૃપ ડીએનએને નિષ્ક્રિય કરી શકે છે. તાજેતરમાં તેનો માત્ર જીવલેણ બીમારીવાળા પુખ્ત લોકો ઉપર પ્રયોગ થયો છે અને જે-તે વ્યક્તિમાં બદલાવ જોવા મળ્યો છે. સ્પર્મ, ઈંડું કે ભ્રૂણને બદલવું જુદી જ બાબત છે, આ બદલાવ વારસાગત હોઈ શકે છે. અમેરિકામાં તેને માત્ર લેબોરેટરી ટેસ્ટ સિવાય ક્યાંય માન્યતા નથી. ચીનમાં કાયદો હ્યુમન ક્લોનિંગને મંજૂરી આપે છે, પણ સ્પેશિયલી જિન એડિટિંગને મંજૂરી આપતો નથી. હે ઝિયાંગકુઈએ વતન શેનઝેનની સધર્ન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી ઓફ ચાઇનામાં લેબોરેટરી ખોલતા પહેલાં, અમેરિકાની રાઇસ અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. અહીં તેની બે જેનેટિક્સ કંપની છે. ચીન ઇનવિટ્રો હ્યુમન એમ્બ્રોનિક સ્ટેમ સેલ સંશોધનને માત્ર ૧૪ દિવસ સુધી મંજૂરી આપે છે. એ રીતે જોતાં પ્રોફેસર હે ઝિયાંગકુઈનું કૃત્ય ચીનના કાયદા હેઠળ પ્રતિબંધિત છે એમ ચીનના સાયન્સ અને ટૅક્નોલોજીના ડેપ્યુટી મિનિસ્ટરે નિવેદન કર્યું છે.

ભવિષ્યમાં માણસ પોતાના ભાવિ સંતાનમાં જોઈતાં લક્ષણોનું મેનુ લઈને જિન એડિટર પાસે જશે અને એ એડિટર તેની અપેક્ષા પ્રમાણે જિન્સમાં ફેરબદલ કરી આપશે. પછી સચિન, કોહલી, અમિતાભ, મોદી, મેડોના ગલીએ ગલીએ જોવા મળશે. અલબત્ત, આ અતિશયોક્તિવાળી કલ્પના છે, પણ એ કલ્પનાને પાંખો આપી છે આ ડિઝાઇનર બેબીએ જ.
—————-

ડિજાઇનર બેબીહિંમત કાતરિયા
Comments (0)
Add Comment