- ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ
સૌ પ્રથમ એ વાતની નોંધ લેવી પડે કે વર્ષ ૨૦૨૨માં ભારત ૭૫ વર્ષ પૂરાં કરી રહ્યું છે, ત્યારે સ્પેશિયલ ઉજવણીના ભાગ રૃપે વિશ્વના દેશોની G-20સમિટને પ્રથમ વખત ભારતમાં યોજવાનું નક્કી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત આર્જેન્ટીનાના પાટનગર બ્યૂનોસ આયર્સ ખાતે યોજાયેલી G-20સમિટની ક્લોઝિંગ સેરેમની સમયે કરી દીધી છે. વડાપ્રધાને G-20દેશના આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રશિયા, જાપાન, સાઉદી અરેબિયા અને બ્રિટન જેવા મોટા દેશોના વડાને મળીને વડાપ્રધાને સૌને ‘વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરી રહેલા અર્થતંત્ર ભારતમાં આવો અને ભારતના અતિમૂલ્યવાન ઇતિહાસ, વિવિધતા તથા આગતા-સ્વાગતાનો અનુભવ કરો’ કહીને આમંત્રણ પાઠવ્યું છે. આ સમિટ દરમિયાન વડાપ્રધાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ફ્રાન્સના પ્રમુખ માર્કોન સાથે મુલાકાત કરીને આતંકવાદને જે નાણાકીય પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે તેને અટકાવવા શું થઈ શકે? અને તે ઉપરાંત વ્યાપાર, સુરક્ષા અને સૈન્યની જરૃરિયાતો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીને દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બને તે દિશામાં વિચાર-વિમર્શ કર્યો હતો. વડાપ્રધાને એક જ સમયે અમેરિકા અને જાપાન તથા રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને મુત્સદ્દીગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં વૈશ્વિક ફલક પર ભારતના વધતા-જતા સામર્થ્ય અને મહત્ત્વનું પ્રમાણનું પ્રતિબિંબ પડે છે. એ રીતે જોઈએ તો ભારત માટે G-૨૦ની આ સમિટ સફળ સાબિત થઈ કહેવાય.
G-20તરીકે જે ઓળખાય છે તે સંગઠનમાં ૧૯ દેશ અને ૨૦માં સાથીદાર તરીકે યુરોપિયન યુનિયન સામેલ છે અને સમગ્ર વિશ્વના ય્ડ્ઢઁના ૮૫% હિસ્સો આ દેશોનો છે. વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ જોઈએ તો G-20દેશોની વિશ્વના કુલ વ્યાપારમાં ૮૦% જેટલી ભાગીદારી છે. વસતિની દ્રષ્ટિએ દુનિયાની બે તૃતીયાંશ વસતિ G-20દેશોમાં વસે છે. G-૨૦ની સમિટ દરમિયાન આફ્રિકન યુનિયન, એશિયા પેસિફિક ઈકોનોમિક કોર્પોરેશન (એપેક), આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ), યુનાઈટેડ નેશન્સ, વિશ્વ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા આંતરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓ પણ આમંત્રિત હોય છે. ૧૯૭૫ના આર્થિક સંકટ બાદ દુનિયાના ૬ મહત્ત્વના દેશો અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને બ્રિટને આની શરૃઆત કરી. થોડા સમય પછી કેનેડા પણ ઉમેરાયંુ અને ‘૯૦ના દાયકામાં સોવિયત સંઘનું પતન થયા પછી રશિયા પણ જોડાયું. આમ આરંભે G-૭ પછી G-૮ અને આજે G-20સમૂહ તરીકે એ પ્રખ્યાત છે અને તેનું મહત્ત્વ શું છે તે સમજી શકાય તેમ છે.
આવી મહત્ત્વની G-20સમિટ યોજાવાની હોય ત્યારે રાજકીય અને આર્થિક સ્તરે વૈશ્વિક વાતાવરણ કેવું છે તેનું મહત્ત્વ સૌથી વધુ હોય છે, કારણ કે સમિટની સફળતા નિષ્ફળતાનો આધાર ઘણે અંશે તેના પર નિર્ભર હોય છે. દેશો-દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આવતા ચઢાવ-ઉતારનો પડછાયો સમિટ પર હાવી હોય છે. નીતિઓનો ટકરાવ, નેતાઓના અહંકાર, સ્વકેન્દ્રી વિચારધારા અને વર્ચસ્વની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે સામૂહિક સ્તરે ન્યાયપૂર્વક એકમત પર આવવા માટેની સર્વમાન્ય ફોર્મ્યુલા પર આવવું તે આજના વાતાવરણમાં મહદ્દઅંશે અશક્ય સમાન બનતું જાય છે.
વિશ્વની છેલ્લી પરિસ્થિતિ પર નજર કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યું છે. અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો એટલા કટુ બની ગયા છે કે આ સમિટમાં પણ ટ્રમ્પ અને પુતિન સામ સામે આંખ મિલાવવામાંથી પણ બચતા રહ્યા, એમ કહી શકાય. રશિયાએ યુક્રેનના જહાજ પર હુમલો કરીને અમેરિકાની જરા પણ શેહ-શરમ ન રાખી એટલે અમેરિકાએ ટ્રમ્પ અને પુતિનની બેઠક રદ્દ કરી દીધી. રશિયા પોતાનું આ અપમાન પચાવી ન શક્યું એટલે તેણે અમેરિકા સાથેની બધી બેઠકો રદ્દ કરી દેવાની ધમકી ઉચ્ચારી દીધી. અમેરિકાએ રશિયા પાસેથી હથિયારો સહિતની ખરીદીઓ પર પ્રતિબંધ લગાવ્યો અને બીજા દેશોને પણ એવું કરવા દબાણ કરાવ્યે રાખ્યંુ. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ક્લાઈમેટ ચેન્જ અને વેપાર મુદ્દે અનેકવાર જાહેર તણખાઓ ઝરી ચૂક્યા છે. ટ્રમ્પના તુંડમિજાજી મગજ પ્રમાણે જગતકાજીની દાદાગીરી નિરંકુશ બની રહી છે અને તેણે સાઉદી અરેબિયા, ઈરાન જેવા દેશો પર પણ પોતે લાદેલા પ્રતિબંધોનો અમલ બીજા દેશો પણ કરે તેવો દુરાગ્રહ સેવ્યો છે. તાજેતરમાં જ વિદેશના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ અને વર્કરોને અમેરિકન કંપનીઓ જે રીતે કંપનીના વિકાસ માટે આવકારે છે, તેને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ પગલાં લીધાં છે, આની સૌથી વધુ ખરાબ અસર ભારતને થવાની છે. ભારત અમેરિકાના દબાણમાં આવ્યા વગર રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવામાં આગળ વધ્યંુ છે. એટલું જ નહીં, પોતાની ઇચ્છા અને જરૃરિયાત અનુસાર કાચા તેલની ખરીદી માટે અમેરિકાના દુશ્મનો એવા સાઉદી અરેબિયા અને ઈરાન પાસેથી અમેરિકાના દબાણને વશ નહીં થવાનું વલણ અપનાવ્યું છે.
રશિયાની માફક ચીન પણ અમેરિકાથી અત્યંત નારાજ હોવાથી ‘મિત્ર દેશો’ અને ‘દુશ્મન દેશો’નું સ્પષ્ટ વર્ગીકરણ પણ દ્વિપક્ષીય સ્તરે ગૂંચવાડાભર્યું બની ગયંુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવા ડહોળાયેલા વાતાવરણનું પ્રત્યક્ષ પ્રમાણ પણ G-20સમિટ દરમિયાન નેતાઓના વાણી-વ્યવહાર દરમિયાન જણાયું છે. વળી, યજમાન દેશ આર્જેન્ટીનામાં પણ તંગદિલ પરિસ્થિતિ જોવા મળી હતી અને અગાઉ સાત લોકશાહી દેશોની એશિયા પેસિફિક ઈકોનોમિક ફોરમ સહિતની બે મોટી બેઠકો કોઈ પણ જાતની સર્વસંમતિ વિના જ સમાપ્ત થઈ ગયેલી.
સમગ્ર વિશ્વમાં એલએનજીની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે ૨૦૧૯ના વર્ષથી ઓઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધી છે. જોકે કતારના ઊર્જામંત્રી સાદ-અલ-કાબીએ જાહેરાત સમયે સ્પષ્ટતા કરી છે કે આ તેમનો રાજકીય નિર્ણય નથી, પરંતુ કતાર હવે ગેસના ઉત્પાદન પર વધુ ધ્યાન આપવા માગે છે. વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો આ જાહેરાતની અસર OPEC દેશોની આગામી છઠ્ઠી ડિસેમ્બરે યોજાનારી મહત્ત્વની બેઠકમાં જોવા મળશે, કારણ કે OPECમાં રશિયા ઉપરાંત આરબ દેશો સભ્યો છે. આ બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને પુરવઠામાં કાપ મૂકવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ઑક્ટોબર પછી ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ૩૦% જેટલો ઘટાડો થયો છે, તેથી ક્રૂડના ભાવને ટકાવી રાખવા આ દેશોને પુરવઠામાં ઘટાડો કરવાની આવશ્યકતા જણાય છે. કતારના સંબંધો હાલ સાઉદી અરેબિયા, યુનાઈડેટ આરબ અમીરાત, બહેરીન અને ઇજિપ્ત જેવા પડોશી દેશો સાથે તંગદિલીભર્યા બન્યા છે. આતંકવાદના કારણે આ દેશોએ કતાર સાથેના વ્યાપારી, આર્થિક તેમજ રાજદ્વારી સંબંધો તોડી નાંખીને જૂન-૨૦૧૭થી જ કતારનો બહિષ્કાર કરેલો છે. કતારે જોકે આતંકવાદને ટેકો આપતો હોવાના પોતાની સામે થતા આક્ષેપોને ફગાવેલા છે. એટલું જ નહીં, આ દેશોના કતાર પ્રત્યેના વલણને પોતાના સાર્વભૌમત્વ પર આક્રમણ સમાન ગણાવ્યા છે.
જોકે અમેરિકા અને ચીન વચ્ચે વકરી રહેલા સંબંધોમાં હંગામી વળાંક લાવવામાં આ સમિટ બંને દેશો ઉપરાંત સીધી તથા આડકતરી રીતે ‘મિત્ર દેશો’ માટે રાહતરૃપ બની છે. અમેરિકાએ ચીનની અનેક વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારી દઈને ચીનના અર્થતંત્ર પર જબરજસ્ત ફટકો મારેલો, પણ નુકસાન બંને દેશોને થઈ રહ્યંુ છે, તેવું સમજાતાં અમેરિકાએ ચીન પ્રત્યેના વલણને બદલવું પડ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની બેઠકને ઘણી સફળ કહી શકાય, તેવંુ બંને દેશોના મીડિયાના અહેવાલો જોતાં જણાય છે. બંને નેતાઓએ આગામી ૯૦ દિવસમાં જે પણ વિવાદો છે તેનંુ સમાધાન લાવવાની દિશામાં પ્રયત્નો માટેની પરસ્પર બાંહેધરી આપી છે. અમેરિકા-ચીન વચ્ચેના વિવાદોમાં ટૅક્નોલોજી ટ્રાન્સફર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન, નોન-ટેરિફ બેરિયર, સાઇબર જેવા ક્ષેત્રો સહિત અનેક મહત્ત્વના વિષયો પર તીવ્ર મતભેદો પ્રવર્તી રહ્યા છે.
ભારતને પણ ચીન ઘણી બાબતમાં નડી રહ્યું છે અને તેથી ચીનને કાબૂમાં રાખવા માટે ભારતની અમેરિકા અને જાપાન સાથેની ગાઢ દોસ્તી જરૃરી છે. ચીન સમુદ્રી વિસ્તારમાં આધિપત્ય જમાવવા માટે જાત-જાતના પેંતરા રચી રહ્યું છે, કારણ કે મહાસાગરમાં ઓઇલ અને બીજી ખનીજ સંપત્તિઓનો ભંડાર ભરેલો છે. ભારત અને જાપાન એશિયાની બે મોટી તાકાત છે એટલે ભારત અને જાપાનને ચીન સામેની લડાઈમાં અમેરિકાએ પણ ભારત સાથે દોસ્તી નિભાવવાની મજબૂરી છે. ભારતને સૌથી વધુ રંજાડનારા પાકિસ્તાનને ચીન પોષે છે તે સંજોગોમાં ભારતને અમેરિકાની દોસ્તી ગુમાવવી પોસાય તેમ નથી. આ બધી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા અને જાપાનની દોસ્તીને નવું નામ JAI એટલે કે વિજય એવું આપ્યું છે. આ સમિટમાં ભાગેડુ આર્થિક અપરાધીઓ પર લગામ કસવા માટે પણ ભારતે G-20દેશો વચ્ચે સક્રિય સહકાર હોવા પર ભાર આપીને ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિ પર નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો છે, તે સરાહનીય છે.
આમ જાત-જાતના પેચીદા અને અસાધારણ કહી શકાય તેવાં સમીકરણો વચ્ચે પણ G-20સમિટ જે રીતે સંપન્ન થઈ છે તે સભ્ય દેશો માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે. એટલું જ નહીં, વિશ્વ માટે પણ અંધકારમાં એક તેજલિસોટા જેવી સાબિત થઈ શકી છે તે ઘણુ મહત્ત્વનું છે.
—————————————.