ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
ખાવું હોય તો ખાવ પણ ખાવું જ પડે તેમ ના કહો
માંસમાં જ બધું પોષણ ભર્યું છે તેવી વાર્તા ના કરો
પ્રોટીન શબ્દ વર્તમાન સમયનો બઝવર્ડ છે. સંસ્કૃતમાં પ્રોભૂજિન ‘ને ગુજરાતીમાં ઔજસદ્રવ્ય. આધુનિક રસાયણશાસ્ત્રના એક મોભી એવા બર્ઝેલિયસે ૧૮૩૮માં આ શબ્દ પ્રથમ વાર પ્રયોજેલો. ત્યારે પ્રોટીન માત્ર સૈદ્ધાંતિક વિભાવના હતું. ડચ વિજ્ઞાની મલ્ડરે હકીકતમાં પ્રોટીન શોધ્યું. પછી ૧૯૦૭માં એક કમિટી બની જેણે પ્રોટીન શું એ નિશ્ચિત કર્યું. પ્રોટીનનો સીધો અર્થ છે જે પહેલું છે તે. આજે ‘પ્રોટીન ફર્સ્ટ’ નામનું ડાયેટ મિશન પશ્ચિમના લોકોમાં ચાલી રહ્યું છે. જે પહેલું છે તે પહેલું. શા માટે પ્રોટીનને અધધ મહત્ત્વ આપવાનું? સ્વાભાવિક છે કારણો એકથી વધુ ‘ને સારા તેમ જ સાચા હશે. માનવ દેહના બંધારણનું મુખ્ય ઘટક એટલે પ્રોટીનનું મુખ્ય ઘટક એમિનો એસિડ. હાડકાં, સ્નાયુ કે કૂર્ચા બધું એમિનો એસિડથી બનેલું છે. તેથી જ શરીરને જો પૂરતું પ્રોટીન મળી રહે તો બીજું કોઈ તત્ત્વ ખાવાની એવી ‘ને એટલી જરૃર નથી લાગતી.
અને આજકાલ પ્રોટીન ગંધાય પ્રોટીન ખાઉં કરતો વેસ્ટર્ન આદમી માંસનો વ્યસની બની ગયો છે. પરિણામ? પરિણામ એ આવ્યું છે કે મેદસ્વીપણુ અમેરિકા જેવા દેશમાં મહામારી જેવો છૂપો આતંક સર્જી રહ્યું છે. અમેરિકાના ત્રીજા ભાગના યુવાનો અમેરિકાની સુરક્ષામાં જોડાઈ શકે તેમ નથી. ૨૦૧૮માં થયેલી નવા સૈનિકોની ભરતી દરમિયાન અરજી કરનારામાં ગોળમટોળ યુવાધન વધારે હતું એટલે લશ્કરનો ટાર્ગેટ અધૂરો રહ્યો છે. અમેરિકામાં બાળકો ‘ને યુવાનોમાંથી ૧૩ ટકા સ્થૂળકાય છે. અમેરિકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લગભગ ચાલીસ % પુરુષ ‘ને પચાસ % સ્ત્રી ખૂબ જાડા છે. વિશ્વની વાત કરીએ તો સાત બિલ્યનમાંથી દોઢ બિલ્યન મોટાપાનો ભોગ બનેલા છે. અંદાજે પુખ્ત મનુષ્યનો ત્રીજો ભાગ ઓવર-વેઇટ છે. ૧૯૭૫થી ‘૧૮ સુધીમાં ઓબેસિટીએ ત્રણ ગણો વિકાસ કર્યો છે. ચોંકાવી દેનારું તારણ એ છે કે સ્થૂળતાના આ નવા મહાવિકાસ પાછળ ખાંડ કે ચરબી કરતાં વધારે મોટું કારણ પ્રોટીનની ઉર્ફે માંસની ઘેલપ છે.
૩૭,૬૯૮ પુરુષ ‘ને ૮૩,૬૪૪ સ્ત્રી પર એક અભ્યાસ કરવામાં આવેલો. જે અભ્યાસમાં ૨૩,૯૨૬ મૃત્યુનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યાંના આઠેક ડૉક્ટર્સ દ્વારા. નિષ્કર્ષ એ નીકળ્યો કે રેડ મીટ ખાવાથી હૃદયને લગતા રોગથી ‘ને કૅન્સરથી મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. રેડ મીટ સિવાયના પ્રોટીનના સ્ત્રોત પર આધાર રાખનારામાં મૃત્યુની શક્યતા ઘટે છે. રેડ મીટ એટલે બડે કા ગોશ્ત કે મોટા પ્રાણીનું માંસ. ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરેનું. ગોરી પ્રજામાં રેડ મીટની ચાહના ઘણી છે. રેડ મીટના ઉત્પાદન સાથે સંકળાયેલા ધંધાદારીઓ ભેગા મળીને રેડ મીટ ખાવું જોઈએ એવી જાહેરખબરનો મારો પણ ચલાવે ‘ને એવા ‘રિપોર્ટ’ પણ પ્રસિદ્ધ કરાવતા હોય છે. ‘ત્યાં’ ગર્ભવતીને રેડ મીટ ખાવાનો ડૉક્ટર્સ સામાન્ય રીતે ફોર્સ કરતા હોય છે. રિસર્ચ કહે છે કે ઓન્લી પ્લાન્ટ-પ્રોટીન ખાવ તો કોઈ પણ પ્રકારના મૃત્યુનું રિસ્ક ૧૨% ઘટી જાય છે ‘ને હાર્ટ-એટેકથી મૃત્યુનું રિસ્ક ૧૦% ઘટી જાય છે.
બહુ ઓછાને એ માહિતી હશે કે વિશ્વનું ૪૦% અનાજ એ જીવોને ખવડાવવામાં આવે છે જેમના માંસનું જમણ કરવાનું આયોજન હોય છે. અમેરિકામાં માણસો જેટલું અનાજ ખાય છે તેના કરતાં સાત ગણુ અનાજ ભવિષ્યના ખોરાક એવા ત્યાંના બિનમાનવ જીવ ખાઈ જાય છે. એક કિલો બીફ પાછળ ૧૩ કિલો ગ્રેઇન્સ ‘ને ૩૦ કિલો ઘાસચારો જાય છે. ‘ને આ બધાં પાછળ ૪૩૦૦૦ લિટર પાણી. બીજી બાજુ સૌ જાણે છે કે ખાવાના માંસ માટે જન્મ આપી જીવાડવામાં આવતા જીવો દ્વારા સ્વાઇન-ફ્લૂ, મેડ-કાઉ, બર્ડ-ફ્લૂ જેવા જીવલેણ રોગો સાથે માણસનો યોગ થાય છે. કર્કરોગ ‘ને કાર્ડિયો વેસ્ક્યૂલર રોગો પાછળ વિશ્વમાં અબજો ડૉલરનો ધુમાડો થાય છે. એકાદ બિલ્યન માણસ રોજ ભૂખ્યા સૂઈ જાય છે, અમેરિકામાં વીસ ટકા એવા છે. વિશ્વમાં ૩૦% માણસોને પૂરતું પોષણ નથી મળતું અને ગ્લોબલ વૉર્મિંગ દિન પ્રતિદિન નવા નવા રંગ દેખાડે છે.
જે જીવને મારીને માણસો થાળીમાં લેવાના છે તે જીવો ગંભીર પ્રદૂષણ કરે છે. યાતાયાત દ્વારા થતાં પ્રદૂષણ કરતાં ઘણુ વધારે. એવા ‘માંસ’ દ્વારા પેદા થતી ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશ્વના તમામ વાહનવ્યવહાર કરતાં ઘણી વધારે છે. એક ક્વાર્ટર-પાઉન્ડ બર્ગર લગભગ ૬ કિલો કાર્બન ફૂટપ્રિન્ટનું જનક છે. સવા ત્રણ કિલો કોલસો બળે એટલું કાર્બન એક બર્ગરમાં આવતા માંસને કારણે વાતાવરણમાં છૂટી ચૂક્યું હોય છે. ટ્રાન્સપોર્ટેશનના ૧૩% કાર્બન ડાયોક્સાઇડ સામે પશુધન ૧૮% અંગારવાયુ છોડે છે. માણસો જેના મૂળમાં છે તે લાઇવસ્ટોક ૩૭% મિથેન નામના ઝેરી ગેસની ભેટ આપે છે. ૬૩% નાઇટ્રસ ઓક્સાઇડ જે ગ્લોબલ વૉર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૨૯૬ ગણુ ખરાબ કામ કરે છે. આ મિથેન ‘ને નાઇટ્રસ ઓક્સાઇડનો મુખ્ય ભાગ ભવિષ્યના માંસ એવા જીવોની લઘુશંકા ‘ને ગુરુશંકાની દેન છે. એક સંશોધન મુજબ ગ્રીન હાઉસ ઇફેક્ટ આપતા વાયુનો ૫૧% શેઅર લાઇવસ્ટોકનો છે. આ બધા કરતાં આશ્ચર્યાઘાત આપે એવી એક વાસ્તવિકતા એ છે કે લાલ માંસના બંધાણી એવા ‘ત્યાં’ના દેશોમાં એ પશુઓને ચારવા ખૂબ મોટી જગ્યા આપવામાં આવે છે. એમેઝોનના જંગલનો ૭૦% ભાગ પશુઓને ચારવા માટેનો પ્રદેશ થઈ ગયો છે.
પ્રશ્ન એ છે કે મનુષ્યજાતની ખોરાક અંગેની જે વિશ્વ સ્તરે રીતભાત ચાલી આવી છે તે કેટલી યોગ્ય છે? શું આદિમાનવ તરત જ યાદ આવી જાય તેવી આહારની પ્રણાલી મનુષ્યજાતને ઉત્ક્રાંતિમાં આગળ વધારી શકશે? કે પછી મનુષ્યજાતે તેમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે? હાઈ-પ્રોટીન ખાવાનું અને હાઈ-એનિમલ ડાયેટ અલગ બાબત છે. વૈશ્વિક બિનમાંસાહારને લગતા વિશ્વમાં એકથી વધારે દિવસ મનાવાય છે. મીટલેસ મન્ડે અર્થાત્ માંસહીન સોમવારનું આંદોલન ૨૦૦૩માં શરૃ થયેલું. હવે વિશ્વના ઘણા દેશમાં એ થોડુંઘણુ ફેલાઈ ચૂક્યું છે.
બેલ્જિયમનું ઘેંટ શહેર કાયદેસર રીતે અઠવાડિક વેજિટેરિયન ડે ધરાવે છે. સેન્ફ્રેસિસ્કો મીટ-ફ્રી મન્ડેમાં માને છે. અમેરિકાની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જેનો નોંધપાત્ર ફાળો છે તેવી એક ફર્મ દર સોમવારે દસ મિલ્યન ઘરાકને માંસ વિનાનું ખાવાનું પૂરું પાડે છે. ઘણા સંસ્થાન વેજિટેરિયન ખાવાની માહિતી પ્રમોટ કરતા રહે છે. ભલે આપણે ત્યાં અનાજાહારી કે કઠોળાહારી જેવા શબ્દો નથી જન્મ્યા, ત્યાં અંગ્રેજી ભાષામાં વેજ ‘ને નોનવેજ સિવાય નવા શબ્દો આ દિશામાં ઉમેરાવા લાગ્યા છે. જે માંસ ખાવાનું માપમાં કરી કાઢે તેમને ફ્લેક્સિટેરિઅન કહેવાય છે. થોડુંઘણુ પ્રાણીજન્ય ખાવાનું ઉમેરાય ‘ને જેને મુખ્ય વનસ્પતિજન્ય ખોરાકમાં જ રસ હોય તેમને વેજીવોરસ કહેવાય છે. અમેરિકામાં શાકભાજીને ભાણામાં ઉમેરનારમાં ૧૯% વધારો થયો છે. બહેરહાલ, એક અચરજ પમાડે એવી રિયાલિટી અત્રે યાદ કરી લઈએ- વિશ્વમાં ઘણા માનવીઓ ભોજનમાં ફક્ત માંસનું ભક્ષણ કરવાના કારણે મૃત્યુ પામેલા છે. હિંસાનો મુદ્દો નાસ્તિક માટે પણ અતિગંભીર હોવો ઘટે. ફોરેનમાં કસાઈ યાને બુચરનું કામ હલકું નથી કહેવાતું, પરંતુ દુનિયામાં કોઈ ખૂણે કસાઈને કોઈ જગતનો તાત કે અન્નદાતા નથી કહેતું. પ્લાન્ટ આધારિત ખાવાનું ખાવાના અમુક અનન્ય ફાયદા છે. વનસ્પતિના ફાઇબર/રેસા વગર પાચનતંત્રના કિલોમીટર પૂરા થઈ જાય. ફાય્ટોન્યુટ્રીઅન્ટસ માંસમાં ના મળે. ફાયટો એટલે ગ્રીક ભાષામાં પ્લાન્ટને લગતું. માંસ હૃદયરોગ કે કર્કરોગનું કારણ બની શકે છે ત્યારે પ્લાન્ટ્સ હૃદયરોગ ‘ને કર્કરોગ ના થાય એવા તત્ત્વ ધરાવે છે. દા.ત. ફ્લેવોનોઇડસ એવું ફાય્ટોન્યુટ્રીઅન્ટ છે જે બંને રોગ થતાં રોકે છે. એન્ટિઓક્સિડન્ટનું મહત્ત્વ સૌ જાણે છે. ‘પ્લાન્ટ બેઝ્ડ ન્યુટ્રીશન’ પુસ્તકના લેખક જુલિએના હિવર જણાવે છે કે, આંતરડામાં જે ફાયદાકારક બેક્ટેરિયાની દુનિયા છે તેના સંદર્ભમાં પ્લાન્ટ બેઝ્ડ ફૂડ મહત્ત્વનો રોલ કરી શકે જે સમસ્ત તંદુરસ્તી માટે ફાયદાકારક નીવડી શકે. ના, માંસ જે ના કરી શકે તેની વાત છે.
ખેર, સ્વસ્થતાની ચાહના માંસાહારીઓને અલગ ખૂણામાં ખેંચી જાય છે. કસાઈખાનામાં ભૂંડ કાપતા એની જીભ કે બીજું કશું પડી જાય તેને ફોલ ઓફ કહે. એવા ‘ઓફ્ફલ’ એટલે મૂળે ‘ફોલ ઓફ’ પ્રકારના જીવોના શરીરના જે ભાગ હોય છે તેનો ખાવામાં ઉપયોગ કરવાની કળા વિકસતી જાય છે. કતલખાનામાં કપાતા ‘પાલતુ’ સિવાયની વાત કરીએ તો ‘ત્યાં’ શિકાર કાયદેસરની બાબત છે. જંગલમાં મુક્ત પણે વિહરતા જંગલી ભેંસા જેવા પ્રાણીઓના શરીરમાં ખાતર કે દવાઓ યુક્ત ખાવાનું નથી જતું. પ્રોફેશનલી મારી નાંખી માંસ ખાવાના ધ્યેયથી જ્યાં જીવ ઉછેરવામાં આવે છે તે જીવોમાં એન્ટિબાયોટિક ‘ને બીજી ઢગલો દવાઓ શરીરમાં ઘર કરી બેઠી હોય છે. અતઃ ‘ત્યાં’ શિકાર કરીને પ્રાપ્ત કરેલા માંસની વેલ્યુ અને પ્રાઇસ બંને વધ્યા છે. શું સમજ્યા? હા, શિકાર પ્રત્યેનું આકર્ષણ અમુક લોકોમાં વધ્યું છે. તો બીજી તરફ વેજિટેરિઅન્સ વર્લ્ડમાં ડે બાય ડે અવનવી રેસિપી આવતી જાય છે. એક પ્રદેશનું નવું ખાણુ બીજા પ્રદેશમાં પહોંચતું રહે છે, લેટેસ્ટ ફ્યૂઝન ફૂડ અવતરતું રહે છે. ધંધાદારી વેજી ફૂડ પ્રોડ્યુસર્સ મહેનત ‘ને રૃપિયા રોકીને લોભામણી એવમ સ્વાસ્થ્યપ્રદ પ્રોડક્ટ્સ બજારમાં મૂકતા જાય છે. માંસના સ્થાને એવું એવું ખાવાનું મળતું થઈ રહ્યું છે કે માંસના આદીને પણ એ નવું ફૂડ યમ્મી લાગે. ૩૧% અમેરિકન્સ મીટ-ફ્રી દિવસો મોજથી પાળે છે. એવા લોકો પ્લાન્ટ-ફૂડમાં વધુ ને વધુ રસ લેતા થયા છે. ઉદાહરણ રૃપે જોઈએ તો મશરૃમ જેવી ચીજનો બિઝનેસ મોટો થઈ રહ્યો છે. અમેરિકન્સ દર વર્ષે દસ બિલ્યન બર્ગર્સ હબેડી જાય છે. વેજી પ્રોટીન સપોર્ટર્સ માને છે કે તેમાંથી ૩૦% બીફના સ્થાને મશરૃમ આવી જાય તો સાડા દસ મિલ્યન ટન કાર્બન ડાયોક્સાઇડ દર વર્ષે ઘટે. ઉપરથી ૮૩ બિલ્યન ગેલન પાણી દર વર્ષે બચે. મશરૃમ જૂથની વનસ્પતિ વિશેષ પોષણ સાથે ઓછી કેલરી ‘ને ઓછા સેચ્યુરેટેડ ફેટને કારણે મૂલ્યવાન છે. મશરૃમના પાક માટે જમીન પણ ઓછી વપરાય.
માછીમારીની ગણના સામાન્ય રીતે શિકારમાં નથી થતી. ફિશને નોનવેજ ના ગણનારને માલૂમ થાય કે આપણા ગ્રહની વધતી વસ્તી માટે ભવિષ્યમાં થઈ રહે એટલી માછલીઓ પૃથ્વી પર નહીં હોય. એમાં માંસ પર આધારિત પોષણની સલાહ આપનારા અઠવાડિયામાં બે વાર ફિશ જમવામાં લેવાનું કહે છે. આ સાથે વરસાદ નિયમિત નથી પડતો એ યાદ કરવું રહ્યું. એવા સંજોગોમાં જ્યારે મોટા પશુઓ માટે અધધ પાણી વાપરવા સાથે માછલીઓને કૃત્રિમ તાલાબમાં ઉછેરવી કેટલી શક્ય બનશે એ ચિંતાનો વિષય છે. વળી, દરિયાઈ જીવોને કારણે ઘણાને રોગ થાય છે એ અત્રે ના ભૂલવું જોઈએ અને નદી, દરિયાનું પ્રદૂષણ જો તેમાં રહેલા જીવો ઘટતાં જશે તો વધવાનું જ છે. તો રહ્યા કયા જીવ જે ખાવામાં બિનશાકાહારીઓ દ્વારા વાપરી શકાય?
માંસ વેચીને જાડુંપાડું પેટિયું રળનારી કંપનીઓ હવે ચીની કે અન્ય એશિયન્સનું જોઈને કંસારી, અળસિયા, કીડી, મકોડા, વંદા વગેરે જેવા જીવ પર ડોળો ફેરવી રહી છે. નિઃસંદેહ એમને ખબર છે કે આપણે આધુનિક સુશીલ મનુષ્યો છીએ, પણ ધંધાદારી વિજ્ઞાનને કોઈ પહોંચી ના શકે. એમનું કહેવું છે કે એવી જીવાતમાં આયર્ન, ઝિંક, કોપર, મેગ્નેશિયમ જેવા ખનિજની માત્રા બીફ કરતાં વધારે છે. અને તેમના ઉછેર(= ઉત્પાદન) માટે સંસાધન ઓછાં વપરાય છે. એવા જીવડા ખાવામાં સરળ પડે એટલે એમને અન્ય સ્વાદિષ્ટ ચીજો વચ્ચે ભેળવી દેવાના. કોને ખબર આપણે ભવિષ્યમાં એવી એડ જોવી પડે કે ચુનંદા વંદાના પોષણથી પાવરપેક્ડ ચટણી ખાઓ ‘ને મોજ કરો.
વારુ, ખોરાક ‘ને શરીર અંગેનું વિજ્ઞાન સીધા ખનિજ ગ્રહણ કરવાની ખુશી ખુશી હા પાડે છે. ગોળીઓ ગળો કે ઇન્જેક્શન દ્વારા આવકારો. એવી કોઈ પદ્ધતિ ના ગમે યા ફાવે તો આયુર્વેદમાં લોહ, તાંબા વગેરેની ભસ્મનો મહિમા કર્યો છે. આયુર્વેદ એ જીવડા સળગાવી તેની ભસ્મ ખાવાનું નથી કહેતું. આયુર્વેદમાં સોના, ચાંદી ‘ને પારાનો પણ સક્ષમ ઉપયોગ કીધો છે. અરે, રાજાઓ રત્ન-ઉપરત્ન વાટીને આસવમાં પીતાં હતાં. મેગ્નેશિયમની ઊણપ છે? બજારમાં મેગ્નેશિયમ ક્લોરાઇડનો ભાવ જાણો અને રોજ પાણી સાથે થોડી માત્રામાં ડૉક્ટરની સલાહ લઈને ગટગટાવો. ખનિજ તત્ત્વો માટે હવે ડિજિટલ ક્રાંતિ કરી ચૂકેલો આદમ ગંદકીમાં ઉલ્લાસથી રહે તેવા જીવડા ખાશે? હાક… થૂ. સારું છે ગાંધીજી, આઇનસ્ટાઇન ‘ને સ્ટીવ જોબ્સ આ ધંધા જોવા હયાત નથી.
કેમ નહીં, સ્વાસ્થ્ય માટે જે ફરજિયાત જોઈએ તે જોઈએ જ. વિટામિન બી-૧૨ જેવા તત્ત્વો બિનમાંસાહારી માટે સમસ્યા છે. તો શું જીવનભર શાકાહારી રહેલો હોય તેના શરીરમાં આવા તત્ત્વોની ઊણપ હોય એ ફરજિયાત છે? ના. આથો હોય એ આઇટમમાં બી-૧૨ હોય છે. જરા જાતે સર્ચ કરો કે પિઝાના રોટલામાં બી-૧૨ હોય છે કે નહીં. ખમણ, ઢોકળાં, ઈડલી વગેરેમાં હોય છે. કુદરત મૂર્ખ છે? ઉત્ક્રાંતિની સફરમાં મનુષ્યને જાતે શિકાર કરી અને શિકારને ફાડી, ચાવીને ખાઈ શકાય તેવા નખ, દાંત ‘ને તાકાત લઈ લીધાં તો એની પાછળ એની કોઈ યોજના જ નહીં હોય? પોષણ અંગેનું વિજ્ઞાન અમુક રીતે રહસ્યમય ‘ને તમુક રીતે ભેદી છે. એલોપથીના ડૉક્ટર તરીકેની ડિગ્રી લેવા સુધીમાં તેમના ભણવામાં ખાવા-પીવાનો વિષય કેટલી મર્યાદામાં આવે છે તે જાણીએ તો દિગ્મૂઢ થઈ જવાય. એ તો મનુષ્યજાતિ માટે હર્ષ તેમ જ ગૌરવની વાત છે કે ડૉક્ટર થયા પછી પણ પ્રોફેશનલ્સ પોતાની રીતે અભ્યાસ કરતા રહે છે, નવું જાણતા રહે છે. બાકી ‘જો બધાં માંસ ખાવાનું બંધ કરી દેશે તો ખાશે શું’ એ સવાલ કપટી નેતાઓના ભાષણ જેવો ચાટુકડો છે. ભવિષ્યનું માંસ બનવા જીવાડવામાં આવતી એક ગાય કેટલી જગ્યા, પાણી ‘ને ખોરાક ખાઈ જાય છે એ જુઓ. મહેનત ‘ને પૈસાનું રોકાણ વર્થ છે કે નહીં એ પછીની વાત છે. વિશ્વની સરકારો ‘ને સંસ્થાઓ રોગો દૂર કરવા પાછળ શક્તિ વાપરે એ સારું કે પોષણ પાછળ ખર્ચે એ? અલબત્ત, દરેક મનુષ્ય માંસાહારનો ત્યાગ કરે એ જરૃરી નથી, પરંતુ સત્ય એ છે કે માંસનો ઉપયોગ ઘટે ‘ને વનસ્પતિનો ઉપયોગ વધે તો એ સૌના હિતમાં છે. વસુધૈવ કુટુમ્બકમ ઉક્તિમાં બિનમાનવ જીવોને પણ આવરી લીધાં છે એ ના સ્વીકારીએ તોય આખરે માનવજાતનું ભવિષ્ય વનસ્પતિ પર જ ટકવાનું છે.
બુઝારો
ગોરા પશ્ચિમી દેશોમાં સદીઓથી ગરીબ કે આમ જનતાનો મુખ્ય ખોરાક માંસ રહ્યો છે. કાર્લ માર્ક્સ ‘ને ફ્રેડરિક એન્જલ શાકાહારને ત્યાંના ઉચ્ચ વર્ગ સાથે જોડીને તેના વિરોધી રહ્યા. જ્યારે ભારતના બુદ્ધિમાન પત્રકારોના પ્રિય પુસ્તક ‘એનિમલ ફાર્મ’ લખનાર જ્યોર્જ ઓર્વેલે પ્રસ્તાવનામાં લખેલું કે જે રીતે પૈસાદારો મજૂર વર્ગનું શોષણ કરે છે તે રીતે માણસો પ્રાણીઓનું શોષણ કરે છે.
————-