ફેમિલી ઝોન – હેતલ રાવ
દરેક કાર્યમાં અગ્રેસર મહિલા પુરુષના ખભે ખભા મિલાવીને ચાલે છે. આજની મહિલા, જેવી ઘણી વાતો રોજબરોજ સાંભળવા મળતી હોય છે, પરંતુ જ્યારે હકીકતમાં ઘરમાં, ગામમાં કે સમાજમાં કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યાં લગભગ ઉપરની બધી જ વાતો પોકળ સાબિત થતી હોય છે, પણ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં દરેક જગ્યાએ મહિલાઓનું પ્રતિનિધિત્વ જોવા મળે છે અને એ ગામ એટલે ગીર સોમનાથ જિલ્લાનું બાદલપરા ગામ.
આજે દરેક ક્ષેત્રે મહિલાઓનું વિશેષ યોગદાન છે. દીકરીઓ ભણી રહી છે અને આગળ પણ વધી રહી છે. ધીમે-ધીમે દીકરા અને દીકરી વચ્ચેની ભેદરેખા દૂર થવા લાગી છે. છતાં પણ હજુ એવાં ગામો, સમાજ અને લોકો છે જ્યાં મહિલાઓ એટલે માત્ર ઘર સાચવનાર કે બાળકોનો ઉછેર કરનાર યંત્રની પરિભાષામાં જોવા મળે છે. તેવા લોકો માટે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ સોમનાથથી અંદાજે પાંચ કિલોમીટર દૂર આવેલું બાદલપરા ગામ એક મિસાલ છે.
જ્યારે એવું જાણવા મળ્યું કે આ ગામનું નેતૃત્વ મહિલાઓ કરે છે ત્યારે પ્રથમ દૃષ્ટિએ તો અશક્ય લાગ્યું, કારણ કે આજકાલ તો મહિલાની સીટ પર જીતીને સરપંચ બનેલી મહિલાના પતિદેવ જ ગામનો કારભાર સંભાળતા હોય છે, ત્યારે કોઈ ગામમાં મહિલાઓ ગામની, પંચાયતની કે પછી સમાજની કોઈ વાતમાં પોતાનો દ્રષ્ટિકોણ મુકી શકે તે વાત માનવી જ કેવી રીતે, પરંતુ આ હકીકત છે. બાદલપરા ગામ એવંુ ગામ છે જ્યાં ખરા અર્થમાં પુરુષ સમોવડી મહિલાઓ છે.
અંદાજે પંદરસો જેટલી વસ્તી ધરાવતાં આ ગામમાં છેલ્લી ત્રણ ટર્મથી પંચાયતમાં મહિલાઓનું જ રાજ છે. ગ્રામજનો કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વિના મહિલાઓને જ ગામના નેતૃત્વ માટે પસંદ કરે છે. ગામમાં મહિલા અને પુરુષોનો જાતિદર પણ સમાન છે. જ્યારે શાળાઓમાં પણ દીકરા-દીકરીઓની સંખ્યા સમાન છે. જે સાબિત કરે છે કે દીકરીના જન્મથી જ તેને વિશેષ માનવામાં આવે છે. કન્યા કેળવણીમાં હંમેશાં મોખરે રહેતાં બાદલપરા ગામમાં ઊંચનીચના ભેદભાવ વિના દરેક જણ સાથે મળીને રહે છે.
આ વિશે વાત કરતાં ગામના રહેવાસી ભગુભાઈ બારડ કહે છે, ‘ગામમાં મહિલા આગેવાનીના કારણે દરેક નીતિ નિયમોને વધુ પ્રાધાન્ય મળે છે. જેના કારણે આ ગામની વાત અન્ય ગામ કરતાં જુદી તરી આવે છે. ફૂટપાથના બ્લોક્સ હોય કે વૃક્ષારોપણ કે પછી પાણીના કનેક્શનની વાત હોય, મહિલાઓ દ્વારા દરેક કાર્યને ઉત્તમ રીતે કરવામાં આવે છે.’
પુરુષ પ્રધાન સમાજમાં એક ગામનો વહીવટ મહિલાઓ કરે ત્યારે ગામના પુરુષો કેવું વિચારે છે તે વિશે વાત કરતાં ગામના રહેવાસી અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કહે છે, ‘આ ગામની વિશેષતા એ છે કે ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતાં આ ગામની સત્તા મહિલાઓના હાથમાં છે અને સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો ગામના વિકાસ માટે હંમેશાં તત્પર રહે છે. એટલું જ નહીં, ગામના તલાટી પણ મહિલા છે. બાદલપરા ગામના પુરુષો મહિલાઓને પુરુષ સમોવડી ગણે છે માટે જ સરપંચ નહીં, પરંતુ તમામ મહિલા સદસ્યો પંચાયતનો કારભાર સંભાળે છે. સામાન્ય રીતે પણ એમ કહેવામાં આવે છે કે એક સફળ પુરુષ પાછળ એક મહિલાનો જ હાથ હોય છે. પછી તે માતા હોય, બહેન હોય, પત્ની હોય દીકરી હોય કે મિત્ર. અમે તો આ વાતને સાચી સાબિત કરી છે, અમારા ગામનો વહીવટ મહિલા કરે છે તેમાં ગામના દરેક પુરુષને ગર્વ છે. અમારો સાથ સહકાર હંમેશાં ગામની બહેન દીકરીઓને રહેશે જ.’
ગ્રામ્ય મહિલાઓનું જીવન ઘર, બાળકો અને જવાબદારીઓમાં જ પૂર્ણ થઈ જતંુ હોય છે. આ વિશે વાત કરતાં પંચાયતનાં સભ્ય રમાબહેન કહે છે, ‘મારું જીવન ઘર, ખેતર અને સાથે ગ્રામ પંચાયતની આસપાસ ફર્યા કરે છે. દરેક પ્રકારના કાર્યમાં અમે મહિલાઓ અગ્રેસર હોઈએ છીએ માટે દરેક દિવસ એક નવી શરૃઆત લઈને આવતો હોય તેવું લાગે છે.’
જ્યારે ગામનાં સરપંચ ભાવનાબહેન બારડ કહે છે, ‘ગામના સરપંચ તરીકે તો ખરા જ, પણ એક મહિલા તરીકે પણ મને ગર્વ થાય છે કે અમારા ગામના દરેક ભાઈઓ અમને મદદ કરે છે. અમે મહિલાઓ પણ કોઈ પ્રશ્ન હોય તો પહેલા અમારી જાત સાથે સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે મળીને ચર્ચા કરતા દરેક સમસ્યાનું સમાધાન મળી જ જાય છે. ઘર હોય તો પણ દરેક સભ્યના મન મળતાં નથી હોતાં ત્યારે આ તો આખા ગામની વાત છે, પરંતુ જો સભ્યોના મત વિભાજિત હોય તો અમે ચર્ચા કરીને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. દરેક મહિલા ગામનું અને ગ્રામજનોનું સારું જ વિચારે છે, માટે હંમેશાં દરેકનું સારું કેમ થાય તે કરવા અમે તત્પર રહીએ છીએ. અમારી એકતા જ અમારી તાકાત છે.’
મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. એટલું જ નહીં, ઘરે-ઘરે ઇન્ટરનેટ માટે ગામને વાઈફાઈથી કનેક્ટિવ કરાયું છે. સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષાનો સમન્વય બાદલપરા ગામમાં સાચા અર્થમાં જોવા મળે છે. નિર્મળગામ સો ટકા શૌચાલય સહિતના અનેક ઍવૉર્ડથી પણ ગામને સન્માન આપવામાં આવ્યંુ છે. જ્યારે વિશેષ વાત એ છે કે, આ ગામ વ્યસન નિષેધની બાબતમાં પણ અવ્વલ છે. જો કોઈ ધૂમ્રપાન કરતંુ જોવા મળે તો તેને રૃપિયા પાંચસોનો દંડ કરવામાં આવે છે. તેવી જ રીતે રસ્તા પર કચરો નાંખનારને પણ દંડ કરાય છે. ગામમાં રહેતા તમામ લોકો નિયમોનું પાલન કરે છે. જેના કારણે તમામ લોકો સુખશાંતિથી જીવી શકે છે.
મહિલા આગેવાની કારણે બાદલપરાના ગ્રામવાસીઓની જીવન પદ્ધતિમાં ઘણા સારા બદલાવ આવ્યા છે. ગામનાં મહિલા આગેવાનો સામાજિક અને વહીવટી બાબતે ઘણા સંવેદનશીલ છે. માટે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ તત્કાલ કાર્યવાહી કરી સમાધાન લાવે છે જે પ્લસ પોઇન્ટ છે. તો વળી ગામનાં બાળકો પોતાની માતાને નિર્ણય લેતાં જુએ છે. માટે નવી પેઢીમાં પણ સહજતાથી જ સ્ત્રી સન્માનની ભાવના આવે છે જે એક મહત્ત્વની સિદ્ધિ છે. ઘર હોય, ગામ હોય કે દેશ, જ્યારે મહિલાઓ આગેવાની લે છે ત્યારે સામાજિક અને વિકાસને પ્રથમ પ્રાથમિક્તા મળે છે, તેમાં કોઈ બેમત નથી.
બાદલપરા ગામ એવું ગામ છે જેની પ્રેરણાથી ગુજરાતનાં દરેક ગામો એક નવો આદર્શ સ્થાપી શકે છે. મહિલાઓ રોન્ગ ડ્રાઇવ કરે છે તેવું માનનારા લોકો માટે આ ગામ એક સણસણતો જવાબ છે.
———————