ગુજરાતીઓના અબજો ખંખેરતી પોંજી સ્કીમો બંધ થશે?

પોંજી સ્કીમની કોઈ કાયદાકીય પરિભાષા નહીં હોવાથી તેની ચોક્કસ માહિતી મળતી નથી.

સ્કેમ – હિંમત કાતરિયા

વિનય શાહ પત્ની ભાર્ગવી સાથે દિવાળીના તહેવારમાં જ ૨૬૦ કરોડનું કરીને ગાયબ થઈ ગયો હતો. ઠગ દંપતી નેપાળમાં પકડાઈ ગયું છે. વિનય-ભાર્ગવી શાહની એક કા ડબલવાળી સ્કીમનો પર્દાફાશ થયા બાદ આવી ઘણી સ્કીમો ચાલી રહી હોવાની વાતો બહાર આવી છે. ગુજરાતમાં અનેક ભેજાબાજ ગઠિયાઓ લોભામણી લાલચો આપી પોંજી સ્કીમો મૂકતા રહે છે અને ટૂંકા ગાળામાં કમાણી કરી લેવાની લાલચમાં ઠગાવા તૈયાર નવા લોકો તેમને મળી રહે છે. આવો જોઈએ કે પોંજી સ્કીમોમાં જનતા, પ્રશાસન ક્યાં કાચું કાપે છે.

કંઈક સસ્તામાં મળતું હોય તો જરાય વિચાર્યા વગર લોકો તેને ખરીદવા માટે લાઈન લગાવીને ઊભા રહી જતા હોય છે. એપ્રિલ ૨૦૧૮માં મૈત્રીય સર્વિસીઝ કંપનીના નામે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૫૦૦થી વધુ લોકો સાથે કંપનીના બંને ડાયરેક્ટર મુંબઈના લક્ષ્મીકાંત નાર્વેકર અને વિજય તાવરે સીઆઈડી ક્રાઈમની ટીમના હાથે પકડાયા છે. સુરતમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં પહેલા નંબરનો ગુનો દાખલ થયો હતો. જેમાં ૫૪૩ લોકો સાથે ૧૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસના અંતે ફલિત થયું હતું. આ કંપનીએ લોકોને છેતરવા માટે અલ- અલગ સ્કીમ જાહેર કરી હતી. જેમાં પાંચ વર્ષમાં ડબલ, ૧૧.૫ ટકા વ્યાજ મળશે, દરરોજ નાણા જમા કરાવી શકાય, દર છ મહિને અને વર્ષે પણ નાણા ભરી શકાય તેની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. આ કંપની સામે ચાર ગુના નોંધાયા હતા. સીઆઈડી ક્રાઈમના વડા (ડીજીપી) આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, મુંબઈમાં મુખ્ય ઑફિસ ધરાવી ચાર ભાગમાં વહેંચાયેલી આ કંપનીએ લોભામણી સ્કીમ આપી લલચાવવાનું અને રોકાણ કરાવવાનું શરૃ કર્યું હતું. જેમાં મૈત્રીય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર પ્રા,લિ., મૈત્રીય સર્વિસીસ પ્રા.લિ., મૈત્રીય રિએલટર એન્ડ સ્ટ્રક્ચર પ્રા.લિ. અને મૈત્રીય સુવર્ણ સિદ્ધિ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. મૈત્રીય ભવન, દીનદયાલનગર, નવઘર, માણિકપુર રોડ, વસાઈ વેસ્ટ, મુંબઈ ખાતે મુખ્ય ઑફિસ ધરાવતા હતા અને કંપનીના સીએમડી તરીકે વર્ષા મધુસૂદન સતપાલેકર કાર્યરત હતા. જેના વડપણ તળે પૂરી ટીમ મુંબઈ સહિત મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ લોકોને છેતરવાનું શરૃ કર્યું હતું. સીઆઈડી ક્રાઈમની ટીમે આ કંપનીની નડિયાદમાં ચાર દુકાનો અને એક ઑફિસ, વડોદરામાં બે દુકાનો અને વાઘોડિયામાં ખેતી લાયક જમીન ટાંચમાં લીધી છે.

આ જ વર્ષના પ્રારંભે સમૃદ્ધ જીવન ફૂડ ઇન્ડિયા પ્રા.લિ. તથા સમૃદ્ધ જીવન મલ્ટિ સ્ટેટ કંપનીઓ ઊભી કરનારા કંપનીના કહેવાતા પૂણેના ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ૨૦થી ૨૫ હજાર એજન્ટોની ફોજ ઊભી કરી હજારો લોકો પાસેથી ૬૦ કરોડથી વધુ ઉઘરાવી છૂ થઈ ગયા હતા.

૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ શાહીબાગ પોલીસ મથકમાં રાજ મોરાલ ફાયનાન્સ કંપનીના સંચાલકો રમેશચંદ્ર મોરાલ અને તેની પત્ની રમીલા મોરાલ સામે ફરિયાદ નોંધાઈ હતી કે છેલ્લાં ૨૫ વર્ષથી ચાલતી રાજમોરાલ ફાયનાન્સ કંપનીમાં એક કા ડબલ અને ૧૨ ટકા વ્યાજની એમ બે સ્કીમની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૃપિયા પડાવી લીધા હતા. જેમાં પોલીસ તપાસ કરતા અરજદારોનું ૫.૨૭ કરોડથી વધુનું ફૂલેકું ફેરવીને ફરાર થઈ ગયા હતા. આ પોંજી કંપનીનો માલિક રમેશચંદ્ર મોરાલ પકડાઈ ગયો છે. તેણે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી કે, અરજદારોના પૈસાથી ગાંધીનગર જિલ્લામાં ૪૬ વીઘા જમીન અને ૫ કરોડનો બંગલો ખરીદ્યો હતો.

બેટી બચાવો અને બેટી પઢાવોના સરકારી સૂત્રનો ઉપયોગ કરીને પટેલ એન્ટરપ્રાઈઝ નામે બોગસ કંપની ખોલી રમેશ પટેલે હજારો લોકો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવ્યા હતા. રમેશે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને કાર પર ૫ વર્ષ સુધી લગાવી જાહેરાત કરવા સામે કાર ફ્રી આપવાની લોભામણી લાલચ આપી હતી. રમેશે ૩૦૦૦ લોકો પાસેથી ૧૦ ટકા ડિપોઝિટના નામે કરોડો ઉઘરાવ્યા હતા. ગાડીની કિંમતના ૧૦ ટકા ડિપોઝિટ ઉઘરાવતા હતા. આ ડિપોઝિટ ૫૦ હજારથી એક લાખ સુધી હતી. રમેશ પટેલ કારના માલિકોને હપ્તો દર મહિને આપતો હતો. જેથી લોકોનો વિશ્વાસ વધી રહ્યો હતો, પરંતુ સીઆઈડી ક્રાઈમે સજાગતા દાખવીને કૌભાંડનો આંકડો વધે તે પહેલાં જ રમેશ પટેલની ધરપકડ કરી. ૧૦ ધોરણ પાસ રમેશ પટેલ મૂળ મહેસાણાનો રહેવાસી છે અને અમદાવાદમાં જમીન લે-વેચનો ધંધો કરતો હતો. રમેશે નિકોલમાં આડેશ્વર ગોલ્ડ કોમ્પ્લેક્સમાં પટેલ એન્ટરપ્રાઈઝ નામથી ગેરકાયદે ઑફિસ ખોલી જય ગોગા મહારાજ નામથી ટ્રસ્ટ બનાવીને લોકોને ચૂનો લગાવવાનું ષડ્યંત્ર શરૃ કર્યું.

આવો જ એક કિસ્સો બાપુનગર વિસ્તારમાં બહાર આવ્યો હતો. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલ રાધારમણની ચાલીમાં મુસ્તાક ખુદાબક્ષ શેખે કોસ્મોઝ ઇન્ટરનેશનલ લિમિટેડના નામે ફાયનાન્સ કંપની ખોલી લોકોને એક વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની એમ અલગ-અલગ સ્કીમો આપી દર મહિને હપ્તો ઉઘરાવતા હતા. સુધાબહેન શર્માએ એકલાએ જ આ પોંજી સ્કીમમાં ૪૦ લાખ રોક્યા હતા. તપાસમાં ખબર પડી કે આ કંપની ઓરિસ્સાની હતી અને ઓરિસ્સામાં તેમણે ઑફિસ બંધ કરી દીધી હતી.

ગત વર્ષે અમદાવાદમાં બે ગઠિયાઓ લાઈમ લાઇટ પ્રમોશન કંપની બનાવી સસ્તામાં વાહન આપવાની લાલચમાં અનેક અમદાવાદીઓને ટોપી પહેરાવી ગયા હતા. સ્વચ્છ ભારત અને બેટી બચાવો અભિયાન અંતર્ગત સરકાર સાથે કરાર હોવાનું કહી ૩૮૦૦૦માં ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી ઠગાઈ કરી હતી. કંપનીના ડાયરેક્ટરો રૃ. ૩૮,૦૦૦ રોકડા લઈને ટુ વ્હીલર તો આપી દેતા હતા અને વિવિધ દસ્તાવેજો પર સહી કરાવી તે પૈસામાંથી ૨૦,૦૦૦ ડાઉન પેમેન્ટ ભરતા અને ૪૪,૦૦૦ની ગ્રાહકના નામે તેને કહ્યા વગર લોન લેતા હતા. બેંકમાંથી લોનનો હપ્તો કપાયાનો મેસેજ આવતા લોકોને છેતરાયાની ખબર પડતી. આ બંને ગઠિયાઓએ અમદાવાદમાં ૧૦૦ લોકો સાથે ૩૮ લાખ રૃપિયાની ઠગાઈ કરી હતી.

સીઆઈડીના ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર, રખિયાલમાં આ કંપનીની હેડ ઑફિસ હતી અને આ કંપનીના ડાયરેક્ટર ઇસનપુરના હેમંત લક્ષ્મીપ્રસાદ ગૌસ્વામી અને મધ્યપ્રદેશના મુકેશ ક્રિષ્ણકુમાર શર્મા હતા. આ કેસના તમામ આરોપીઓ પકડાઈ ગયા છે અને તપાસ પુરી થવાના આરે છે. આ ચિટરોની ૧૦,૩૩,૬૯૦ રૃપિયાની કિંમતની મિલકતો ટાંચમાં લેવાઈ છે.

જાન્યુઆરી ૨૦૦૭માં મલ્ટિલેવલ માર્કેટિંગ સહિતના ધંધાઓ કરી હજારો લોકો પાસે અબજો ઉસેટનાર સુરતની વિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ચાલીસેક હજાર રોકાણકારોને ૪૦૦ કરોડમાં નવડાવી નાખ્યા. ચલથાણના શુકન બંગલોમાં રહેતા જિજ્ઞેશ પાનસેરિયાએ વર્ષ ૨૦૦૭માં વિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૃ કરી હતી. આ કંપની દ્વારા એચઆરપી ગ્રૂપ નામથી ફ્રેન્ચાઇઝી બિઝનેસ શરૃ કરાયો હતો. ક્રિસિસ રેટિંગ અને આઇએસઓ ૨૦૦૮ સર્ટિફાઇડ કંપની હોવાની વાત કરી તેઓએ ફ્રેન્ચાઇઝી બિઝનેસ વિસ્તાર્યો હતો. પાનસેરિયાએ ઝેર પીવાનું નાટક કરી સંકેલો કરી લીધો હતો.

એચઆરપી ગ્રૂપના નામે જિજ્ઞેશ પાનસેરિયા એન્ડ કંપની સબ બંદર કા વેપારી જેવી બની ગઈ હતી. મલ્ટિલેવલ માર્કેટિંગ બાદ તેણે વર્ષ ૨૦૧૩માં કન્ઝયુમર્સ સોસાયટીની સ્થાપના પણ કરી હતી. સુરત કડોદરા રોડ ઉપર પરવત પાટિયા વિસ્તારના આલય કોમ્પ્લેક્સમાં ઑફિસ ખોલી ધી એચ.આર.પી. કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝયૂમર્સ સોસાયટી લિમિટેડ ઊભી કરી હતી. આ સોસાયટીમાં તેણે સભ્યો બનાવ્યા હતા. આ ઉપરાંત પાનસેરિયા એન્ડ કંપનીએ વિન્ટેક ડેવલપર્સ, વિન્ટેક શોપી, એચઆરપી ફ્રેન્ચાઇઝી બિઝનેસ, વિન્ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યૂટેમાં લાઇફ કૅર, વિન્ટેક ટૂર એન્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એચ.આર.પી. કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝયૂમર્સ સોસાયટી લિમિટેડ, એચ.આર.પી. કો.ઓ. સોસાયટી, વિન્ટેક ફેશન નામથી પણ તેણે ધંધા કર્યા હતા.સીઆઈડી ક્રાઇમે આ ચિટરની ૭,૬૬,૯૧૦ રૃપિયાની મિલકત ટાંચમાં લીધી છે.

માર્ચ ૨૦૧૭માં અમદાવાદમાં શગુન ગ્રૂપે ૧૦ હજાર લોકોનું રૃપિયા ૫૦૦ કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું. આ સ્કીમ વર્ષો સુધી ચાલી હતી. શગુન ગ્રૂપ ઓફ કંપનીના સંચાલક મનિષ સત્યનારાયણ શાહે એકના બે પ્લોટ આપવાની તેમજ ૩૦ મહિનામાં રોકાણના પૈસા ડબલ કરવાની સ્કીમો શરૃ કરી હતી. ૨૦૧૧માં હિંમતનગર અને અમદાવાદમાં ઑફિસ શરૃ કરીને રાજસ્થાનના ભીલવાડામાં પ્લોટ આપવાની લાલચ આપીને ૧૦ હજાર લોકો પાસેથી પૈસા પડાવી લીધા હતા.

શગુન ગ્રૂપ ઓફ કંપનીના સંચાલક મનિષકુમાર શાહ પત્ની ગીતાબહેન શાહ તેમજ શૈલેષભાઈ મકવાણા, યોગેન્દ્ર રામી સહિતના લોકોએ ૨૦૧૧માં શગુન બિલ્ડસ્કવેર લિમિટેડ અને શગુન એગ્રો સ્પેસ નામની કંપનીઓ શરૃ કરી હતી. કંપનીની હેડ ઑફિસ હિંમતનગરમાં શરૃ કરવામાં આવી હતી. જેમાં એક પ્લોટના બુકિંગ ઉપર બીજો પ્લોટ ફ્રીમાં આપવાની લાલચ આપવામાં આવી હતી.

આ કેસમાં સીઆઈડી ક્રાઇમે હિંમતનગરનાં અલગ-અલગ ગામમાં ૭ જમીન, કુલ ૧૦ પ્લોટ, ૧ મકાન, ૬ ગાડી, ૨ દુકાન, ૨ ઑફિસ આ સિવાય અન્યત્ર પાંચ ગામમાં જમીન, ૪ પ્લોટ, ૦૩ ફ્લેટ, શૅરબજારમાં રોકેલા ૪.૭૭ લાખ જપ્ત કર્યા છે. સીઆઈડીથી બચવા માટે ભાગતું રહેલું દંપતી આખરે ગત ૨૩ મેના રોજ હિંમતનગરના તેમના ઘરેથી જ પકડાયું હતું

બીટ કનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડીઓની રૃપિયા ૪.૨૫ કરોડની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. સતીષ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ અને રમેશ ગોરસિયાએ એકબીજાના મેળાપીપણામાં બીટ કનેક્ટ નામની કંપની બનાવી મસમોટું કૌભાંડ આચર્યું હતું. તેઓ વિરુદ્ધ કામરેજ, બેંગ્લુરુ અને સીઆઈડી ક્રાઈમ સુરતમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. બિટ કનેક્ટ કૌભાંડમાં સુરત સીઆઈડી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ૩૧૧૧ પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સાથે ૪ આરોપીઓની ૩૫ કરોડની સંપત્તિ ઝ્રૈંડ્ઢએ એટેચ કરી છે. આ કેસમાં આરોપી દિવ્યેશ દરજી પાસેથી લાખો કોઇન મળી આવ્યા હતા. જોકે હાલમાં બીટ કનેક્ટની કિંમત ઝીરો છે, કારણ કે હાલ બીટ કનેક્ટની લેવડ-દેવડ થઈ શકતી નથી. આ કેસમાં સતીષ કુંભાણી માસ્ટર માઈન્ડ છે. લંડનમાં ભણતર પૂર્ણ કરી ૨૦૧૬માં બીટ કનેક્ટ કંપનીની શરૃઆત કરી હતી. બીટકોઈન લઈ નિવેશકોને રોજ વ્યાજ આપવામાં આવતું હતું.

અમદાવાદના બે ભાઈઓ વિનોદ ઠાકર અને વિરેન્દ્ર ઠાકરે ઇન્ડિયા ગ્રીન રિયાલિટી નામની પોંજી સ્કીમમાં પ્લોટના નામે ૫૧૩ લોકોના ૪૩ કરોડ રૃપિયા ઉઘરાવીને ઓળવી લીધા હતા. આ પોંજી સ્કીમે એલિસબ્રિજમાં ઑફિસ ખોલી ૧૫૦ વારના પ્લોટના માલિક બનવાની સ્કીમ બહાર પાડી હતી. ગાંધીનગરના સેક્શન ઓફિસર સહિતના લોકો તેની જાળમાં લપેટાયા હતા. સાણંદ નજીક લોકોને સસ્તામાં હપ્તેથી પ્લોટ અપાવવાના નામે તોસ્તાન ઠગાઈ કરાઈ છે. ગાંધીનગરમાં રહેતા અને નર્મદા જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગમાં સેક્શન ઓફિસર એસ.જી. ચાવડા ૨૦૧૦થી સાણંદ નજીક ઝાંપ ગામની સીમમાં ૧૫૦ વારનો પ્લોટ મેળવવા દર મહિને રૃપિયા ૬૨૫૦ના ૬૦ હપ્તા ભર્યા હતા. પાંચ વર્ષ સુધી ૬૦ હપ્તામાં કુલ ૩.૭૫ લાખ ભરીને પ્લોટની માગણી કરાઈ આ રીતે સાત વર્ષ વિતી ગયાં પણ પ્લોટ ન મળતા ફરિયાદ કરી. ઇન્ડિયા ગ્રીન રિયાલિટી પ્રા.લિ. સામે ફરિયાદો વધતાં થયેલી તપાસમાં ઇન્ડિયા ગ્રીન રિયાલિટી પ્રા.લિ.ના ડાયરેક્ટરો દ્વારા ૪૨ કરોડના પ્લોટોના દસ્તાવેજો કરી આપ્યા તેમાં કોઈ માપ-નિશાની પ્લોટ હોલ્ડર ધારકને બતાવ્યા નથી. કુલ ૫૧૩ લોકો સાથે છેતરપિંડી કરી છે. અમદાવાદના બે ભાઈઓ વિનોદ ઠાકર અને વિરેન્દ્ર ઠાકર ઉપરાંત કોલકાતાના અમિત સામન્તા, સરખેજના અસલમ આફ્રિદી, અક્ષય શાહ અને પરાસર પંડ્યાનાં નામ ફરિયાદમાં અપાયાં છે.

ગત વર્ષે અમદાવાદમાં હલદર રિયાલિટી એન્ડ એન્ટરપ્રાઈઝ અને હલદર વિકાસ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના નામે પોંજી સ્કીમમાં લોકોને કરોડો રૃપિયાની હળદર ચોપડી દીધી છે. આ સ્કીમોના ૪ ફ્લેટ, ૧૬ પ્લોટ અને ૧૭ દુકાનો સીઆઈડીએ ટાંચમાં લીધા છે અને તપાસ ચાલુ છે.

પોંજી સ્કીમની કોઈ કાયદાકીય પરિભાષા નહીં હોવાથી તેની ચોક્કસ માહિતી મળતી નથી. કેમ કે બે જણા સાથે છેતરપિંડી થાય તેમાં પણ કલમ ૪૦૬ અને ૪૨૦ લાગે છે અને મોટા સમૂહ સાથે છેતરપિંડી થાય તેમાં પણ આ જ કલમો લાગે છે. પોંજી સ્કીમો નિરંતર કેમ ચાલતી રહે છે તેનું એક કારણ ઢીલી વહીવટી પ્રક્રિયા પણ છે. સામાન્ય રીતે ફરિયાદીના મુદ્દામાલની પોલીસ રિકવરી કરે છે, પરંતુ કેસ પત્યા પછી કોર્ટ ઓર્ડરને આધીન મુદ્દામાલની હરાજી કરીને નિકાલ કરવામાં આવે છે. કેસો પતતા જ નથી. અમુક આરોપીઓ ફરાર હોય છે. ૨૦-૨૦ વર્ષ સુધી કેસો ચાલતા રહે છે. આટલાં વર્ષોની રાહ જોતો ગાડીઓ સહિતનો મુદ્દામાલ ભંગાર થઈ જાય છે અને એ પછી પણ મોટા ભાગના કેસમાં આરોપી છૂટી જાય છે. સીઆઈડી-ક્રાઇમના ડીજીપી આશિષ ભાટિયા કહે છે, ‘આ સમસ્યાઓથી છુટકારો મેળવવા, ઝહીર રાણા વગેરેની પોંજી સ્કીમો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકાર ૨૦૦૩માં વિશેષ કાનૂન જીપીઆઈડી (ગુજરાત પ્રોટેક્ટશન ઓફ ઇન્વેસ્ટર ડિપોઝિટ ) એક્ટ લાવી હતી. આ એક્ટમાં જોગવાઈઓ પ્રમાણે, કેસના ચુકાદા સુધી મુદ્દામાલને પકડી રાખવાનો નથી. સરકાર મુદ્દામાલની જપતી કરે અને તેની કોર્ટને માહિતી આપે અને તેની હરાજી કરે. હરાજીમાંથી મળેલી રકમ કમ્પીટન્ટ સમર્થ ઑથોરિટી જેટલા લોકો ભોગ બન્યા હોય તેમાં વહેંચી દે. કમનસીબી જુઓ કે, સરકારે આ એક્ટ બનાવ્યો પણ ડીજીપી આશિષ ભાટિયાના કહેવા પ્રમાણે, એ એક્ટનો ૨૦૧૬ સુધી પોલીસે અમલ કર્યો નહીં. કોઈ આ એક્ટ લગાવતું જ નહોતું. ઘણાને તો ખબર પણ નહોતી કે આવો કોઈ એક્ટ છે. કોઈ એક્ટ લગાવતું તો તેનું અમલીકરણ નહોતી કરતું. હું ૨૦૧૬-૧૭માં આવ્યો તે પછી મેં આ એક્ટનો અભ્યાસ કર્યો. આ એક્ટ હેઠળ વિશેષ અદાલત, વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર અને વિશેષ એસડીએમ કક્ષાના કમ્પીટન્ટ ઑથોરિટીનું પ્રાવધાન છે. અમે આ એક્ટ લગાડવાનું શરૃ કર્યું. અમે સરકારને જપતીની દરખાસ્તો મોકલવાનું અને સરકારે જપતી કરવાનું શરૃ કર્યું. સરકારે જપતીનો મુદ્દામાલ કમ્પીટન્ટ ઑથોરિટી અર્થાત્ કે જે વિસ્તારની મિલકતો છે તેના એસડીએમને મોકલવાનો હોય છે. અમે સરકારને આ એક્ટ અંતર્ગત ૨૦૧૭ના પ્રારંભે કમ્પીટન્ટ ઑથોરિટી નિમવા કહ્યંુ અને સરકારે તેની નિમણૂકો કરી.’ આ કેસો ચલાવવા માટે વિશેષ અદાલતો હોવી જોઈએ, પરંતુ કેસો એટલા બધા નહોતા કે પૂર્ણકાલીન કોર્ટ બનાવવી પડે. દરેક જિલ્લામાં વિશેષ કોર્ટ બનાવવાની જરૃર નહોતી એટલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વિશેષ કોર્ટ બનાવવામાં આવી.

ડીજીપી ભાટિયા કહે છે, ‘છેલ્લાં બે વર્ષમાં અમે આ કાયદા હેઠળ ૩૦ જેટલા કેસો કર્યા છે અને સરકારને દરખાસ્ત કરીને અમે ૧૦૦ કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરાવી છે અને બધા કેસો અત્યારે કોર્ટને આધીન છે. આવી પોંજી સ્કીમો સામે કાર્યવાહીમાં એક અન્ય એક્ટ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. આ એક્ટ હેઠળ અન્ય કોઈએ કાર્યવાહી નથી કરી, અમે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે.’ જીપીઆઈડી એક્ટ ૨૦૦૩માં અમલમાં આવ્યો અને તેના અમલ પ્રત્યે દોઢ દાયકા સુધી ઘોર ઉપેક્ષા સેવવામાં આવે તે ગુજરાત પોલીસની કાનૂન પ્રત્યેની અવ્યવસ્થાને સૂચવે છે. વચ્ચેના આ ગાળા દરમિયાન કંઈ કેટલીય પોંજી સ્કીમો આવી ગઈ. તેમાં પ્રજાના કરોડો-અબજો રૃપિયા ડૂબી ગયા અને પોલીસે જપ્ત કરેલો કરોડોનો મુદ્દામાલ ભંગાર થઈ ગયો. આના માટે સરકારે તપાસ સમિતિ નિમીને નુકસાનીની સંબંધિત રિટાયર્ડ અધિકારીઓ પાસેથી રિકવરી કરવી જોઈએ. કાયદા પ્રત્યે આવી અક્ષમ્ય બેદરકારી કઈ રીતે ચલાવી લેવાય?

રોજબરોજ આવી નવીનવી પોંજી સ્કીમો આવતી રહે છે. તેની ઉપર બ્રેક નથી લાગતી તેની પાછળનાં કયા કારણો છે? પ્રશ્નનો જવાબ આપતા ભાટિયા સાહેબ કહે છે, ‘મુખ્ય કારણ છે લાલચ. લોકોને લાગે છે કે આમાંથી આપણે કમાઈ લઈશું. સામાન્ય રીતે બેંકોમાં મૂડીના રોકાણનો ૭ ટકા જેટલો વ્યાજદર હોય છે. એની સામે પોંજી સ્કીમો તગડું વળતર ઑફર કરે છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં આવી સ્કીમોમાં નેતાઓની પણ મિલીભગતના પગલે ગુજરાત કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. કેટલાંક રાજ્યોમાં પોંજી સ્કીમની તપાસ સીબીઆઈએ કરી છે અને નેતાઓને પણ પકડ્યા છે.’ પોંજી સ્કીમમાં નેતાઓનો સમાવેશ બહુ રસપ્રદ તબક્કે થાય છે. ચિટરોએ કરોડો રૃપિયા એકત્ર કરી લીધા હોય અને તે પછી પણ તેમણે સ્કીમ ચાલુ રાખવી હોય ત્યારે તેમને નેતાઓના સપોર્ટની જરૃર પડે છે. નહીંતર કોઈ પોલીસ કોન્સ્ટેબલ જેવા પણ ધમકાવી જાય છે. આમ નેતાઓની સંડોવણી શરૃ થાય છે.

પોંજી સ્કીમોને અટકાવવા માટેના સરકારી પગલાંઓની વાત કરતા ડીજીપી આશિષ ભાટિયા કહે છે, ‘દર છ વર્ષે આરબીઆઈની એસએલસીસી(સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટી)ની મિટિંગમાં અમે જઈએ છીએ. ચીફ સેક્રેટરી લેવલની એ મિટિંગમાં છેલ્લા છ મહિનામાં આવી કેટલી સ્કીમો હતી, તેમાં શું કાર્યવાહી થઈ… વગેરે બાબતો ચર્ચાય છે. અમે તેનો અહેવાલ રાજ્યમાં મોકલીએ છીએ. જિલ્લાઓમાંથી પણ રિપોર્ટ મંગાવીએ છીએ. આરબીઆઈ પણ લોકજાગૃતિ માટે છાપામાં જાહેરાતો આપે છે. અમે પણ જાહેરાતો આપીએ છીએ. ચીટફંડ એક્ટમાં ૨૦૧૭માં નવી જોગવાઈઓ પ્રમાણે, સરકારે નોડલ ઓફિસરની એસપીઈઓડબલ્યુની નિમણૂક કરી છે. ચિટરોની ઑફિસને સીલ કરવાની તેમને સત્તા આપવામાં આવી છે. સેક્રેટરી ફાયનાન્સને કાયમ માટે સીલની દરખાસ્ત મોકલવાનું પણ તેમાં પ્રાવધાન છે. જોકે અત્યારે જેટલું કામ છે તેની સામે અધિકારીઓ ઓછા છે. એટલે તેમની ક્ષમતા અંગે સવાલો ઊભા થઈ શકે છે.’

આવી સ્કીમોમાં રોકાણ માટે પ્રજા પ્રથમ દોષી છે, પણ એક કારણ એ પણ હોઈ શકે કે ચિટરોને કાયદાનો ભય નથી, કાયદાનું યોગ્ય અમલીકરણ નથી થતું અથવા એવા કડક કાયદાઓ નથી? પ્રશ્નના જવાબમાં ડીજીપી ભાટિયા કહે છે, ‘હા, આવી પોંજી સ્કીમોના વ્યાપમાં એ બધાં જ કારણો સમાયેલાં છે. આવી સ્કીમો પિરામિડ માળખામાં ચાલે છે. એક જણ બીજા બેને એજન્ટ બનાવે અને તે એજન્ટની ડિપોઝિટમાંથી અમુક રકમ તેને મળે. એ પ્રત્યેક એજન્ટ અન્ય બે એજન્ટ બનાવે.’  આમ એક થડમાંથી ફૂટેલા કૌભાંડની કૂંપળો વટવૃક્ષ બનતું જાય છે. આવી સ્કીમોમાં પોલીસ ફરિયાદ તો બધાના નાણા ફસાય ત્યારે ઘણી મોડી થાય છે. આ સ્થિતિમાં પોલીસ વિભાગ ફરિયાદની રાહ જોયા વગર વધુ સાવધાની પૂર્વક વર્તે તો કૌભાંડોનો વ્યાપ વધતાં પહેલાં તેને દબોચી શકાય છે. અલબત્ત, ડીજીપી આશિષ ભાટિયા કહે છે તે પ્રમાણે વાઇબ્રન્ટ સ્કીમ(જેમાં ૫૦૦૦ રૃપિયા સભ્ય ફી લેવામાં આવતી હતી), બેટી બચાવો સ્કીમ, લાઇમ લાઇટ જેવી કેટલીક સ્કીમમાં ફરિયાદ નોંધાઈ નહોતી, પણ પોલીસ સામેથી હરકતમાં આવી હતી.

ડીજીપી આશિષ ભાટિયા આવી સ્કીમોમાં સમાજની અવળચંડાઈ તરફ પણ આંગળી ચીંધે છે. બને છે એવું કે પિરામિડના સિદ્ધાંત પર ચાલતી આવી પોંજી સ્કીમો શરૃ થાય ત્યારે શરૃઆતમાં તેમાં જોડાયેલા લોકોને પૈસા મળે છે, કમિશન મળે છે. એટલે આવી સ્કીમોમાં શરૃઆતમાં જોડાયેલા અને લાભ મેળવતા લોકોને જ્યારે સ્કીમ બેસી જાય ત્યારે પોલીસ તપાસમાં સહયોગ આપવાને બદલે પોલીસને તપાસ કરતી અટકાવવાના પ્રયત્નો કરે છે. ભાટિયા સાહેબ કહે છે, વાઇબ્રન્ટના કૌભાંડમાં અમે કાર્યવાહી કરી તો મેઘાણીનગરના તેમના ૨૫-૩૦ લાભાર્થીઓ, ગૃહિણીઓનાં ટોળાં અમારી પાસે આવતા હતા અને અમને કહેતા હતા કે બધંુ વ્યવસ્થિત ચાલે છે, તમે શું કામ કાર્યવાહી કરીને અમને હેરાન કરો છો?’

મૂળ મુદ્દો આ જ છે. અહીં અખાનો છપ્પો આંધળો સસરોને સરંગટ વહુ… યાદ આવે છે. કાયદો આંધળો છે અને સસરો એટલે કે સમાજ ઘૂંઘટ તાણીને બેઠો છે. એવામાં કોણ કોને કહે?
———————–

પોન્જી સ્કેમહિંમત કાતરિયા
Comments (0)
Add Comment