સાહસ – હિંમત કાતરિયા
પર્વતારોહણ સામાન્ય રીતે બિઝનેસસમેનોની ચિત્તવૃત્તિને માફક આવે તેવું નથી, પરંતુ અમદાવાદના ઉદ્યોગસાહસિક ૩૬ વર્ષીય તપન ખંધાર આફ્રિકાના સૌથી મોટા પર્વત તાન્ઝાનિયાનું માઉન્ટ કિલિમાંજારો સર કરી આવ્યા. પર્વતારોહણને એક બિઝનેસમેનની દ્રષ્ટિએ જોવા, સમજવાનો પ્રયત્ન કરીએ.
‘માઉન્ટેન મૂવર્સ’ સંસ્થાના માલિક ડૉ. હેમંત લેઉઆ એક નાનકડા ગ્રૂપને લઈને માઉન્ટ કિલિમાંજારો જઈ રહ્યા હતા. અમદાવાદના સ્પાન ગાર્મેન્ટ્સના ૩૬ વર્ષીય માલિક તપન ખંધારે કિલિમાંજારો વિશે, તેના ચઢાણની કઠિનતા વિશે વિગતો મેળવી અને ૨૩ પર્વતારોહકોની ટીમમાં જોડાયા. પહેલા તો ડૉ. હેમંતે બિઝનેસમેન તપનને ટકોર કરી કે આપણે ત્યાં ફરવા નહીં, પણ પર્વતારોહણ માટે જઈ રહ્યા છીએ એ વાત તું જાણે છેને? તપને કિલિમાંજારો સર કરવાની મક્કમતા બતાવી, આદેશ પ્રમાણે વજન ઓછુ કર્યું. માઉન્ટ કિલિમાંજારોને અનુકૂળ પર્વતારોહક બનવા માટે ત્રણ મહિના મહેનત કરી. સવારે જિમ વર્કઆઉટ સાથે સાંજે કાર્ડિયો વર્કઆઉટમાં ઑફિસની સામે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોજના ૩૦૦ જેટલા દાદર ચડ-ઊતર કરવાની પ્રેક્ટિસ કરી. છેલ્લા મહિને ૧૦ કિલો વજન સાથે દાદર ચડવાની પ્રેક્ટિસ કરી. છેલ્લા પંદર દિવસ સવારમાં ૧૦ મિનિટ ધ્યાન અને પ્રાણાયામ કર્યા, કારણ કે ૧૫ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઓક્સિજનનું પ્રમાણ અહીં કરતાં ૫૦ ટકા ઓછું થઈ જાય છે. પ્રાણાયામ ઊંચાઈ સામે લડત આપી શકે છે.
કિલિમાંજારોનાં ૩ શિખરો છે. તપનભાઈનું ગ્રૂપ ૧૮,૬૩૮ ફૂટ(૫૬૮૧ મીટર)ની ઊંચાઈએ આવેલા ગિલમન્સ પોઇન્ટ પર ગયું હતું. તેમને શિખર સર કરતા ૪.૫ દિવસ લાગ્યા હતા. તેમાં છેલ્લા ૨૪ કલાક ઘણા લોકોને બહુ તકલીફ પડે છે અને તે મોટા ભાગે માનસિક હોય છે. તપનભાઈ કહે છે, ‘અમે યુરોપિયનોને ત્યાંથી પાછા ફરી જતા જોયા છે, સ્ટ્રેચર ઉપર નીચે ઊતરતા લોકોને જોયા છે. અમારા ગ્રૂપમાંથી પણ ૩ જણા પાછા ફરી ગયા હતા. હું પણ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર રીતસર રડી પડ્યો હતો. મારા હાથ એકદમ ઠૂંઠવાઈ ગયા હતા. સાથીદારોએ ગરમાવો લાવવા ગ્લોવ્ઝ કાઢીને પરસ્પર હાથ ઘસાવ્યા. મારા હાથ વળી પણ નહોતા શકતા. બોટલોમાંનું પાણી બરફ થઈ ગયું હતું. અમારામાંથી કોઈ બોટલમાંથી પાણીની બુંદ પણ પી શકે તેમ ન હતું. અમારાં ગળાં તરસના કારણે સુકાઈ ગયાં હતાં. મેં થોડી ક્ષણો બેસીને મારી જાત સાથે સંવાદ કર્યો કે તપન, આ માત્ર માનસિક નબળાઈ છે, તું અહીંથી ઊતરી જઈશ તો અમદાવાદમાં લોકોને શું કહીશ? એ પછી શિખર પર જવાનો નિશ્ચય કરીને ઊભો થયો. સવારે ૬.૩૦ કલાકે ગિલમેન્સ પોઇન્ટ પર પહોંચી ગયા, શિખર પર મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયાં. સર્વાેચ્ચ શિખર સર કર્યા બાદ મેં મારા જીવનનું મોટું યુદ્ધ જીતી લીધું હોય તેવો અનુભવ થયો હતો. કિલિમાંજારો જેવો પર્વત સર કરતાં પહેલાં ખુદ પર વિજય મેળવવો એ કદાચ વધારે મહત્ત્વનું છે.’
૧૨૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ આખી રાત શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનો અનુભવ થતો હોય છે, જેથી રાતે તમને વ્યવસ્થિત ઊંઘ આવે તેવી શક્યતા નહીંવત્ હોય છે. આટલી ઊંચાઈએ ૧૦ પગલાં ચાલવું એ સમુદ્ર સપાટીએ ૧ કિ.મી. ચાલવા બરાબર હોય છે. તપનભાઈએ શરીરે કપડાંનાં સાત થર લપેટ્યાં હતાં, જેમાં બે થર્મલ વૅર અને તળિયે ચાર લેયર, બે જોડી મોજાં અને માથે હેડલાઈટ્સ.
આ તપનભાઈના જીવનનું પહેલું પર્વતારોહણ છે. આ પૂર્વે તેમણે કેટલાક એક-બે દિવસના નાના ટ્રેકિંગ કેમ્પ કર્યા હતા. કિલિમાંજારો સર કર્યા પછી તમારા બિઝનેસ પ્રત્યેના વલણમાં કેવો ફેરફાર આવ્યો છે? પ્રશ્નના જવાબમાં તપનભાઈ કહે છે, ‘પહેલો ફરક એ આવ્યો કે હું પર્વતના પ્રેમમાં પડી ગયો. આજે પણ હું આખો બંધ કરું ત્યારે હું વાદળો ઉપર ચાલી રહ્યો છું અને પૂર્વે કદી ન જોયેલા એ તારા મઢ્યું આકાશ, સ્પષ્ટ દેખાતી દૂધગંગાની તસવીરો મારી નજર સામે તરી આવે છે. હવે રશિયાનું માઉન્ટ અલબ્રુસ શિખર સર કરવાની તૈયારી કરી રહ્યો છું.’
એક બિઝનેસમેન ભૌતિક વિશ્વનો માણસ છે. તેમના માટે પર્વતારોહણ પહેલાંના વિશ્વને જોવાની, હવે પર્વતારોહણ કર્યા પછી દુનિયાની જોવાની દ્રષ્ટિમાં કેવો બદલાવ આવે છે? તપનભાઈ કહે છે, ‘તમે માનસિક રીતે એટલા મજબૂત હોવાની અનુભૂતિ કરો છો કે હવે મોટા, સાહસી નિર્ણયો લેવા સરળ બની જાય છે. તમારા બિઝનેસ ઉપરાંત રોજિંદા જીવનમાં પણ એ માનસિક મજબૂતાઈ દેખાઈ આવે છે. હું ઘણા દેશ ફર્યો છું. એના એ જ મૉલ અને એના એ જ રસ્તા છે. પર્વતારોહણ પછી મૉલ, ક્લબનું સૌંદર્ય ફિક્કું લાગે છે.’
પર્વતારોહણ બાદ ભૌતિક વસ્તુઓનું વળગણ અને તેને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. બિઝનેસમેન સ્વકેન્દ્રી મટતો જાય છે અને સમષ્ટિને જોવાની વિશાળ દ્રષ્ટિ તેને સાંપડતી થાય છે. પરિણામે તે તેની સંપત્તિનો પરિવાર માટે ઓછો અને લોકકલ્યાણ માટે વધુ ઉપયોગ કરશે. બિઝનેસ કમ્યુનિટીએ એક-બે દિવસના આબુ, ગિરનારના ટ્રેકિંગથી શરૃઆત કરવી જોઈએ.
————————