ડ્રોન પૉલિસીમાં હજુ સ્પષ્ટતા જરૃરી છે

૧ ડિસેમ્બર-2018થી દેશભરમાં ડ્રોન પૉલિસી લાગુ થવા જઈ રહી છે

સાંપ્રત – નરેશ મકવાણા

૧ ડિસેમ્બરથી દેશભરમાં ડ્રોન પૉલિસી લાગુ થવા જઈ રહી છે છતાં અનેક બાબતોને લઈને અસમંજસભરી સ્થિતિ પ્રવર્તે છે. હાલ આપણે ત્યાં મુખ્યત્વે આરોગ્ય, કૃષિ અને લોજિસ્ટિક ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ થાય છે. ત્યારે અહીં નવા નિયમોની કેવી અને કેટલી અસર પડશે તેની વાત કરીએ…

થોડીવાર માટે માની લો કે તમે ઑફિસના કામમાં વ્યસ્ત છો. માથે કામનું ભારણ એટલું બધું છે કે એમાંને એમાં જમવાનું પણ ચૂકી જાઓ છો. આખરે કામ પૂરું થતાં તમને કશુંક ખાવાની ઇચ્છા થાય છે. તમે સ્માર્ટફોન હાથમાં લો છો અને કોઈ ફૂડ ડિલિવરી ઍપ ખોલીને ગમતી વસ્તુ ઓર્ડર કરો છો. તરત મોબાઇલ પર ઍલર્ટ આવે છે કે થોડી જ વારમાં તમારી ઑફિસના ગેટ પર કંપનીનું ‘ડ્રોન’ તમારો ઓર્ડર લઈને આવી રહ્યું છે. તમે બહાર આવો છો અને થોડી જ વારમાં એક ડ્રોન ઊડીને તમારી પાસે આવી પહોંચે છે. તમે તેમાં લગાવેલી સિસ્ટમમાં મોબાઇલમાં આવેલો ઓટીપી ટાઈપ કરીને ફૂડ ઓર્ડર મેળવી લો છો. કામ પૂર્ણ થતાં જ ડ્રોન ફરી પાછું ઊડીને પોતાની નિયત જગ્યાએ જતું રહે છે.

અત્યારે ભલે તમને આ આખી વાત કાલ્પનિક લાગતી હોય, પણ તે સાકાર થાય એ સમય હવે દૂર નથી. હજુ થોડા સમય પહેલાં જ સરકારે ડ્રોન વિમાનોનું નિયમન કરવા માટેની પૉલિસી જાહેર કરેલી, જે આ ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહી છે ત્યારે ડ્રોનની દુનિયામાં ડોકિયું કરવાની સાથે સરકારે જાહેર કરેલી નીતિઓમાં કેવા પ્રકારની સમસ્યાઓ રહેલી છે તે જાણવું જરૃરી બની જાય છે.

ડ્રોનની બોલબાલા
આપણે તેને એક રૉબોટ કહી શકીએ જે ઊડી શકે છે. સામાન્યતઃ ચાર પાંખો ધરાવતું ડ્રોન બેટરી ચાર્જ થયા બાદ લાંબી ઉડાન ભરી શકે છે. તેને એક રિમોટ અથવા તો ખાસ તૈયાર કરાયેલા કંટ્રોલરૃમથી ઉડાડી શકાય છે. હકીકતમાં ડ્રોન નામ નર મધમાખીની ઊડવાની સ્ટાઈલ પરથી આપવામાં આવ્યું છે. તે અદ્દલ તેની જેમ ઊડે છે અને એક જગ્યા પર સ્થિર રહીને પણ ફરી શકે છે. ડ્રોનનો પહેલો વહેલો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઑસ્ટ્રિયાએ વૅનિસ શહેર પર બોમ્બ વરસાવવા માટે કર્યો હતો. એ વખતે તેને ફ્લાઈંગ બોમ્બ કહેવામાં આવ્યું હતું. ડ્રોન જ્યારે તૈયાર કરવામાં આવેલાં ત્યારે માત્ર એક રમકડું હતાં પણ સમય સાથે તેની જરૃરિયાતો બદલાવા લાગી અને તેનો ઉપયોગ જાસૂસી કરવાથી લઈને યુદ્ધના મેદાનમાં દુશ્મનોને ધૂળ ચાટતાં કરવા સુધી થવા માંડ્યો. ટૅક્નોલોજી જેમ-જેમ આગળ ધપતી ગઈ તેમ ડ્રોન પણ સ્માર્ટ થવા માંડ્યાં. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ડ્રોન એટલાં પાવરફુલ થઈ જશે કે તેમને માણસના નિયંત્રણની પણ જરૃર નહીં રહે અને ફક્ત એક કમાન્ડ આપીને બાકીનું કામ તેના પર છોડી દેવામાં આવશે.

ભારત માટે ડ્રોન અને તેનો ઉપયોગ બંને શરૃઆતના તબક્કામાં છે. આપણે ત્યાં ડ્રોન બનાવતી મોટા ભાગની કંપનીઓ માંડ પાંચ વર્ષ જૂની છે અને બધીમાં સામાન્ય બાબત એ છે કે તેમની પાસે મહત્તમ કામ સરકારી એજન્સીઓનું એ પણ સરવેનું છે. અમદાવાદની ડ્રોન બનાવતી પ્રખ્યાત કંપની ઝેડ-એક્સિસના મેનેજિંગ ડાયરેક્ટર જુગલભાઈ પંડ્યા કહે છે, ‘હાલ ભારતમાં ડ્રોન દ્વારા મોટા ભાગનું કામ સરવેનું જ આવે છે, માટે અમે તેને ધ્યાનમાં રાખીને ડ્રોન તૈયાર કરીએ છીએ. જો કે આગામી દિવસોમાં બીજા અનેક પ્રકારનાં

ડ્રોન માટે દરવાજા ખૂલવાની ભરપૂર શક્યતાઓ છે.’
ઝેડ-એક્સિસના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ સંદીપભાઈ શાહ કહે છે, ‘ડ્રોનના ઉપયોગને લઈને હજુ આપણા દેશમાં જાણકારીનો અભાવ છે. અનેક એવાં કામો છે જે ડ્રોન દ્વારા બહુ સરળતાથી અને ઓછી કિંમતમાં માણસનો જીવ જોખમમાં નાખ્યા વિના કરી શકાય છે, પરંતુ જાણકારીના અભાવે એવું થઈ શકતું નથી. છતાં આગામી સમય ડ્રોન ઈન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્ત્વનો બની રહેશે તે નક્કી છે.’

ડ્રોનના આડેધડ ઉપયોગ પર કાયદાએ લગામ કસી
ડ્રોન બહુ કામની વસ્તુ છે, પણ તેના ભયસ્થાનો પણ ઓછાં નથી. ખાસ તો સુરક્ષાને લઈને તેને પહેલેથી જ મોટો ખતરો માનવામાં આવે છે. એવામાં તેના પ્રોડક્શન અને ઉપયોગને કાયદા હેઠળ લાવવા જરૃરી હતા. ડિસેમ્બર માસથી તેના પર નીતિનિયમો લાદીને સરકારે યોગ્ય દિશામાં પગલું ભર્યું છે. ડ્રોનનું નિયમન કરવા માટે તેને (૧) નેનો (૨) માઈક્રો (૩) મિડિયમ (૪) સ્મોલ અને (૫) લાર્જ એમ ૫ાંચ ભાગમાં વહેંચીને દરેકની ઉડાન નિયંત્રણ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમાં નેનો કેટેગરીમાં ૨૫૦ ગ્રામથી લઈને ૧.૫ કિલોગ્રામ સુધીનાં ડ્રોન સામેલ છે. જ્યારે ૨૫૦ ગ્રામથી વધુ પણ ૨ કિલોગ્રામથી ઓછાં વજનનાં માઈક્રો પ્રકારનાં ડ્રોન ઉડાડનારે એકવાર નજીકના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવીને ખાસ ઓળખપત્ર પણ મેળવવાનું રહેશે. એટલું જ નહીં, સ્થાનિક પોલીસને તેના ઉપયોગની સૂચના પણ આપવાની રહેશે.

અમદાવાદના જીવદયાપ્રેમી મનોજભાઈ ભાવસાર વીજળીના તારમાં લટકતી દોરીમાં ફસાયેલાં પક્ષીઓને બચાવવા માટે ડ્રોન વાપરે છે. આ માટે તેઓ રજિસ્ટ્રેશન કરાવવા ગયા હતા, પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાન્ચના પીએસઆઈ એન.એસ. ઠાકોરે તેમને આ મામલે હજુ સુધી કોઈ સૂચના પોતાને મળી ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમણે અન્ય અધિકારીઓને આ બાબતે પૂછપરછ કર્યા બાદ આખરે મનોજભાઈના ડ્રોનની અરજી સ્વીકારવામાં આવી હતી. જોકે કચેરી દ્વારા ડ્રોન ક્યાં, કેટલા ફીટ ઊંચે ઉડાડવા તે અંગે તેમને કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નહોતું.

અત્યાર સુધી લોકો મનફાવે ત્યાં ડ્રોન ઉડાડી શકતાં હતાં, પણ હવે એવું નહીં થાય. કેમ કે સરકારે કેટલાક વિસ્તારો ડ્રોન માટે પ્રતિબંધિત જાહેર કર્યાં છે. ઍરપોર્ટ આસપાસના ૫ાંચ કિ.મી. વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાડી શકાય. આંતરરાષ્ટ્રીય સરહદો કે નિયંત્રણ રેખાથી ૫૦ કિ.મી.ના વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની પરવાનગી નહીં હોય. નવી દિલ્હીનો વિજય ચોક કે જ્યાં આસપાસમાં રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન કાર્યાલય, સંસદ ભવન, રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય વગેરે આવેલા હોઈ ૫ાંચ કિ.મી. સુધી ડ્રોન ઉડાડવાની પરવાનગી નથી હોય. આ સિવાય ચાલુ ગાડીમાંથી જહાજમાંથી ડ્રોન નહીં ઉડાડી શકાય. તો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ખાસ પરવાનગી લીધા બાદ જ ઉપયોગ કરી શકાશે. જોગવાઈ મુજબ જો કોઈ ડ્રોન રસ્તો ભૂલીને પ્રતિબંધિત વિસ્તારોમાં ઘૂસી આવશે તો તેને નષ્ટ કરી દેવાશે.

સ્ટોરીની શરૃઆતમાં આપેલી કલ્પના હકીકત બનતાં ભારતમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ લાગી જશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. ડ્રોન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પંકજભાઈ પાનેરિયાનું કહેવું છે કે, ‘આપણે ત્યાં ડ્રોન દ્વારા વસ્તુની હોમ ડિલિવરી બહુ દૂરની વાત છે. હાલ અમેરિકામાં પણ તેનો ઉપયોગ બહુ મર્યાદિત સ્તરે થઈ રહ્યો છે. આપણે ત્યાં રસ્તાઓના નકશાથી લઈને શહેરોના પ્લાનિંગ વ્યવસ્થિત ન હોવાથી ડ્રોન દ્વારા હોમ ડિલિવરી હાલ તો શક્ય નથી. કોઈ કેમ્પસની અંદર તે શક્ય છે, પણ આખા શહેરમાં ગમે તે વિસ્તારમાં ડ્રોન દ્વારા ડિલિવરી કરવી મુશ્કેલ છે. સાથે જ ખુલ્લા આકાશમાં સામાન લઈને નીકળતાં ડ્રોને બીજી પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે નિયમો ઘડતી વખતે આ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૃરી છે.’

અનેક બાબતોમાં સ્પષ્ટતા હજુ બાકી
સરકારે ડ્રોનને લઈને પ્રથમ ડ્રાફ્ટની ગાઈડલાઈન બહાર તો પાડી દીધી છે, પણ હજુ તેને લઈને અનેક સવાલો ડ્રોન ઈન્ડસ્ટ્રી ઉપરાંત તેનો ઉપયોગ કરનારાઓને મૂંઝવી રહ્યા છે. જેમ કે ડ્રોનની આયાત કરવા અને પ્રોડક્શનને લઈને કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નથી. જો કોઈ ડ્રોન ‘નો ફ્લાઈંગ ઝોન’માં જઈ ચડે છે તો તેને ઉડાડનારની ઓળખ કેવી રીતે થશે? પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તોફાની તત્ત્વો તેનો લાભ ઉઠાવી શકે છે. તો ઈ કોમર્સ સાઈટો દ્વારા ઉપયોગ શરૃ થયા બાદ ડ્રોનનો ટ્રાફિક કોણ કંટ્રોલ કરશે? હવામાં બે ડ્રોન અથડાય અથવા તો કોઈના પર પડે તો કોણ જવાબદાર વગેરે બાબતે ડ્રાફ્ટમાં કોઈ ઉલ્લેખ નથી. તો આ દંડને લઈને પણ કોઈ જોગવાઈ નથી. ડ્રોન દ્વારા કોઈ વીડિયો બનાવે છે તો ગોપનીયતાનો મામલો બને છે. આવી સ્થિતિમાં કેવી રીતે વર્તવું તેની પણ સ્પષ્ટતા નથી. ગૃહ અને રક્ષા મંત્રાલય ડ્રોનને લઈને પહેલેથી જ કડક છે, ત્યારે પૉલિસી લાગુ પડ્યા બાદ તેમની દખલગીરી કેટલી રહેશે તે પણ સ્પષ્ટ નથી. ટૂંકમાં ડ્રોન પૉલિસી લાગુ તો થઈ જશે, પણ તેમાં અનેક નવા ઉમેરા કરવા પડશે તે નક્કી છે.
—————————–

ડ્રોન કેમેરાડ્રોન પોલીસીનરેશ મકવાણા
Comments (0)
Add Comment