ડિઝાઇનર બેબી, મંજિલ અભી દૂર હૈ

આ પદ્ધતિમાં વારસાગત આવતી બીમારી અટકાવી શકાય છે.
  • કવર સ્ટોરી – હેતલ રાવ

ડિઝાઇનર બેબી શબ્દો સાંભળતા જ કદાચ તમને નવાઈ લાગશે, પછી એમ વિચારવામાં આવશે કે ચોક્કસ કોઈ બાળકના રમકડાનું નામ હશે, પરંતુ હકીકત કંઈક અલગ છે. આ કોઈ રમકડાની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાના બાળકને ગર્ભમાં જ તૈયાર કરવાની વાત છે. જી હા, આ વિશે ઘણા ડૉક્ટરેએ પોતાનો અભિપ્રાય આપ્યો. જોકે ડિઝાઇનર બેબીને હજુ સુધી કાયદાકીય મંજૂરી મળી નથી.

દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે પોતાનું બાળક તંદુરસ્ત, નીરોગી અને એક્ટિવ હોય. સાથે જ પોતાનામાં જો કોઈ બીમારી હોય તો તે બાળકમાં ના આવે. વારસાગત  બીમારીથી આવનાર બાળકને કોઈ અસર ના થાય તેવી ઇચ્છા તો દરેક માતા-પિતા રાખતાં હોય છે, પરંતુ તે શક્ય બનતું નથી, કારણ કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ તેના જિન્સમાં માતા-પિતા દાદા-દાદી અને કેટલાક અંશે તો મોસાળનાં લક્ષણો પણ બાળકમાં આવતાં હોય છે. આ આનુવંશિક હોય છે અને જેને દૂર કરવાનો કોઈ રસ્તો નથી હોતો. માતા-પિતાની ઊંચાઈ નીચી હોય તો બાળક પણ વામન હોય છે. તો વળી, આઈક્યુમાં પણ બાળક માતા-પિતાના જેવું જ હોય છે.

માતા-પિતા કોઈ બીમારીથી પીડાતાં હોય છે તો બાળકમાં પણ એ બીમારી વારસાગત આવે જ છે. માતા-પિતા ચિંતા કરે, પરંતુ કંઈ કરી નથી શકતાં, પરંતુ ડિઝાઇનર બેબી એક એવું ઓપ્શન છે જેમાં ઘણા બધા અંશે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ તેના જિન્સમાં બદલાવ થઈ શકે છે. ઘણી એવી બીમારી પણ છે જે બાળકના શુક્રાણુમાંથી દૂર કરી શકાય છે. જોકે આ વાત તે ખુલ્લી આંખના સપના જેવી છે, કારણ કે આઈવીએફ પદ્ધતિથી બાળકને જન્મ આપતાં માતા-પિતા માટે આની શક્યતા વધારે છે, જ્યારે આ એટલી બધી કોસ્ટલી પદ્ધતિ છે જે દરેક પરિવાર માટે શક્ય નથી અને સૌથી મોટી વાત એ છે કે ડિઝાઇનર બેબી માટે હજુ સુધી કાયદાકીય મંજૂરી મળી નથી. જેના કારણે કોઈ પણ ડૉક્ટર આ વિશે ખૂલીને વાત પણ નથી કરતાં અને ડિઝાઇનર બેબીની પદ્ધતિ માટે તૈયાર પણ થતાં નથી.

આ વિશે વાત કરતાં સિમ્સ હૉસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સ્નેહા બક્ષી કહે છે, ‘આપણે ત્યાં હજુ સુધી ડિઝાઇનર બેબીની ડિમાન્ડ નથી. હા, બોલિવૂડ અને હાઈપ્રોફાઈલ વર્ગ આ વિશે વિચારી શકે છે. આ પદ્ધતિમાં વારસાગત આવતી બીમારી અટકાવી શકાય છે. બીજું કે મોટી ઉંમરે જે મહિલા સગર્ભા થાય તેમની ઓવમ, સ્પોનની ક્વૉલિટી સારી ના હોય તો ડોનર દ્વારા તે સુધારી શકાય છે. બાળકની હાઈટ વધારી શકાય છે. થાઈરૉઇડ જેવી કે એના જેવી અન્ય બીમારી દૂર નથી કરી શકાતી. હા, વારસાગત મસ્ક્યુલર ડિસઓર્ડર હોય તો તે દૂર કરી શકાય. આ ઉપરાંત થેલિસિમિયા માટે પણ કામ કરી શકાય. જો થેલિસિમિયા હોય તો તેમાં ડી મેટલ ટેસ્ટિંગ એટલે કે અંદરથી બ્લડ લઈ કૅરિઓટાઇપિંગ માટે મોકલી શકાય છે. જેને કુરિઅનવિલન સેમ્પલિંગ કહેવાય છે. પ્રેગ્નન્સી હોય ત્યારે ૧૧થી ૧૩ વીકમાં આ સેમ્પલ લેવામાં આવે છે. માતા-પિતા બંને થેલિસિમિયા માઇનોર હોય તો એ ટેસ્ટની જરૃર પડે છે. આ ટેસ્ટ કરી બાળકના ડીએનએમાંથી તેને દૂર કરાય છે. જેના કારણે બાળકમાં થેલિસિમિયા ન આવે. થેલિસિમિયા મેજર હોય તો બાળકને તકલીફ થાય છે. દંપતીમાંથી કોઈ એકને થેલિસિમિયા હોય તો વાંધો નથી આવતો. જોકે, અમે તો દરેક દર્દી માતાનો થેલિસિમિયા સ્ક્રેનિંગ કરાવીએ છીએ. ખાસ કરીને આઇવીએફ દ્વારા થતાં બાળકના ડીએનએમાં આનુવંશિક બીમારીના શુક્રાણુ દૂર કરી સારા શુક્રાણુ મુકી શકાય છે, પરંતુ આ પદ્ધતિ ઘણી કોસ્ટલી છે. જે સામાન્ય લોકોને પોસાય નહીં.’

જ્યારે સનફ્લાવર વુમન્સ હૉસ્પિટલના આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આર.જી. પટેલે કહ્યું કે, ‘આ એક એડવાન્સ ટૅક્નોલોજી છે. યુનિક અન્જિનિયરિંગ કહેવાય. ગર્ભમાં જે બાળક હોય તે એવા જિન્સથી પેદા થાય જે તંદુરસ્ત, સ્માર્ટ, હાઈ આઈક્યુ, ફૅર અને આપણે જે જોઈએ છે તે પ્રકારનું મળે. આ વસ્તુમાં જે ઓરિજિન છે તે ગર્ભ બને છે, જે પુરુષબીજ બિગિનથી બને છે એટલે કે કોઈને જે પ્રમાણેનું બાળક જોઈતંુ હોય તો પહેલેથી જ તેમની હેલ્થ સુધારવામાં આવે છે. કોઈ પ્રોબ્લેમ હોય જેમ કે બીપી, ડાયાબિટીસ, વજન વધારે હોય  કે ઍડિક્શન હોય તો દૂર કરે, ખાવા-પીવાનું સારું હેલ્ધી લેવાનું કહેવામાં આવે. પતિ-પત્ની બંનેની તંદુરસ્તી સુધારવામાં આવે.

પ્રેગ્નન્સી રહે ત્યારે તંદુરસ્તી સારી હોય તે જોવામાં આવે. કોઈ ઊણપ હોય જેમ કે હિમોગ્લોબિન ઓછું હોય કે પછી અન્ય તકલીફ હોય તો તે દૂર કરીને પછી  જ પ્રેગ્નન્સી પ્લાન કરે. આ રીતે પ્લાન કર્યા પછી પ્રેગ્નન્સી રહે તો બાળક થોડું તંદુરસ્ત આવે. પ્રેગ્નન્સીમાં ઓમેગા ૩૧૩ એસિડ, એટલે એએચએ, ડીએચએ આપતાં હોઈએ છીએ. જેથી બાળક થોડું તંદુરસ્ત આવે, તેનો આઈક્યુ સારો આવે. સાથે વિઝ્યુઅલ એક્ટિવિટી પણ સારી આવે. હવે ડેફિનેટ વર્ડ જે છે ડિઝાઇનર બેબી તે જિનેટિક એન્જિનિયરનો વર્ડ છે. એટલે કે તમારે જેવું જોઈએ તેવું બાળક લાવી શકો. કોઈ ડિફેક્ટિવ જિન બદલીને એની જગ્યાએ નોર્મલ જિન મૂકવામાં આવે છે. જેના કારણે જે બાળક આવે તે તંદુરસ્ત આવે. આ વેલ એડવાન્સ જિનેટિક એન્જિનિયરિંગ છે. ઘણા જિનેટિક એવા રોગ પણ છે, જેમ કે થેલિસિમિયા, હેરગ્રોથનો પ્રોબ્લેમ, પોલોટેનિક કૅન્સર, બ્રેસ્ટ કૅન્સર  વગેરે જે ત્રણથી ચાર જનરેશનમાં આવતાં હોય છે તેને અટકાવવા માટે આઈવીએફ, ટેસ્ટ ટ્યૂબ બેબી એટલે કે લેબોરેટરીમાં જ ગર્ભ બનાવવો પડે ત્યાં જે ગર્ભ બને તેમાં કોઈ જિન્સ ખરાબ હોય તો તેનું પરીક્ષણ થાય અને ખરાબ જિન્સ દૂર કરી સારા જિન્સને ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવે તો જે પ્રેગ્નન્સી રહે તેમાંથી તંદુરસ્ત બાળક આવી શકે. આ પદ્ધતિથી કોઈ નુકસાન નથી.

જોકે આ એક વિચાર છે જે હજુ જોઈએ તેટલા પ્રમાણમાં અમલમાં નથી આવ્યો. ડિઝાઇન બેબી એક વિચાર છે કે આવું થઈ શકે છે. પ્રેક્ટિકલી હજુ જોઈએ તેટલી સફળતા મળી ના કહેવાય. હા, બાળકનો આઈક્યુ, હેલ્થ, વિઝ્યુઅલ એક્ટિવિટી, હાઈટ, ફૅરનેસ સુધી એક્ટિવ થયું છે. જિનેટિક ડિસીઝ જે માતા-પિતામાં હોય તે બાળકમાં ન આવે તેવું થઈ શકે છે, પરંતુ તે અમુક અંશે જ શક્ય છે. ઘણા બધા જિનેટિક ડિસીઝ છે જે દરેક દૂર નથી કરી શકાતા. આઠ-દસ કોમન જિનેટિક ડિસીઝ છે જે માતા-પિતામાં હોય અને બાળકમાં ન આવે તે કરી શકાય આ પદ્ધતિથી.’

શ્રેય હૉસ્પિટલનાં ગાયનેક ડૉક્ટર કલ્પના સાંઘવી ડિઝાઇનર બેબી વિશે વાત કરતાં કહે છે, ‘હજુ ડિઝાઇનર બેબીની પદ્ધતિ  આપણા દેશમાં નથી થતી. ગર્ભમાં બાળકને થેલિસિમિયા જેવી બીમારીઓનું જ ચેકિંગ કરી શકાય છે. જો થેલિસિમિયા મેજર હોય તો તેની ટ્રીટમેન્ટ નથી થતી. તેનું ટર્મિનેટર જ કરવામાં આવે છે અને જો માઇનોર હોય તો કોઈ વાંધો નથી. ડિઝાઇનર બેબી હજુ સુધી લીગલી થયું જ નથી અને તેમાં પણ થોડા અંશે જ એવી બીમારી હોય છે જે દૂર થાય. દરેક આનુવંશિક બીમારી દૂર કરવી શક્ય નથી. આ કન્સેપ્ટ હજુ સુધી આવ્યો નથી.’ આઈવીએફ ડૉક્ટર ફાલ્ગુની મહેતા કહે છે, ‘ડિઝાઇનર બેબીને કાયદાકીય મંજૂરી મળી નથી. માટે તે તરફ આગળ વધી શકાય નહીં, પરંતુ હા, આઈવીએફ દ્વારા ગર્ભમાં જે શુક્રાણુ મૂકવામાં આવે તેનો ડીએનએ ટેસ્ટ કરીને તેમાંથી થોડાક અંશે વારસાગત બીમારીઓ દૂર કરી શકાય, પરંતુ આ સર્જરી ઘણી જ મોંઘી છે, માટે હાઈપ્રોફાઈલ વર્ગ જ કરાવી શકે છે. છતાં આપણે ત્યાં હજુ પણ આ બધી વાતોને ખોટી માનવામાં આવે છે. આ એડવાન્સ વિચાર છે જે ભવિષ્યમાં વધુ સાકાર બનશે.’

બાળકને ડિઝાઇન કરવાની વાત થોડા અંશે તો દરેક વ્યક્તિને હેરાન કરતી હશે. બાળક ડિઝાઇન કરવું એટલે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન સાથે બાથ ભીડવી. ગર્ભમાં જ બાળકને પોતાની મરજી પ્રમાણે તૈયાર કરવાની આ રીત ભલે કાયદાકીય બની જાય, પરંતુ સારી હાઈટ, ફૅર સ્કિન કે સારો હેરગ્રોથ મેળવવું દરેક માતા-પિતા માટે શક્ય નહીં બને, કારણ કે આ પદ્ધતિ હાલમાં તો કાયદેસર નથી. સાથે જ કોસ્ટલી પણ છે. માટે ડિઝાઇનર બેબી તૈયાર થશે તો પણ હાઈપ્રોફાઈલ ઘરમાં જ.
———————-.

હેતલ રાવ.
Comments (0)
Add Comment