હસતાં રહેજો રાજ – રૂપિયા સામે ગગડતો માણસ…

ડૉલર સામે રૃપિયો ગગડતો નથી, પરંતુ રૃપિયા સામે માણસ ગગડી રહ્યો છે
  • જગદીશ ત્રિવેદી

 

ડૉલર સામે રૃપિયો ગગડતો નથી, પરંતુ રૃપિયા સામે માણસ ગગડી રહ્યો છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ધનપિપાસુઓ દેશ છોડી દેવા તૈયાર છે, પરંતુ દલ્લો છોડવા તૈયાર નથી. ઍરસેલ-મેક્સિમ કેસમાં ઈડીએ જે ચાર્જશીટ રજૂ કર્યું તેમાં ભૂતપૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ને આરોપી નં.૧ ઘોષિત કર્યા છે. સીબીઆઈના ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાનાનું અધિકારી હોવું અસ્થાને છે એવું પુરવાર થવા જઈ રહ્યું છે. આ યાદી ખૂબ લાંબી છે. રૃપિયા પાછળ પાગલ થયેલા લોકોમાં ભગવા કપડાંવાળા સંતો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને કલાકારોની યાદી લખવા બેસું તો ‘હસતાં રહેજો રાજ’ કોલમને બે પાનાંના બદલે બત્રીસ પાનાં જોઈએ.

‘બાપુ… ગઈકાલે ગજબ થઈ ગયો.’ મેં કહ્યું.

‘વળી… શું થયું?’ ચંદુભા જાણે કે ગામધણી હોય એવા લહેકાથી બોલ્યા.

‘ગઈકાલે સપનામાં મેં રૃપિયા સાથે પંગો લીધો?’

‘અત્યારે આખું જગત રૃપિયા મળતાં હોય તો ગમે તેની સાથે પંગો લે છે અને તે રૃપિયા સાથે પંગો લીધો?’ ચંદુભાએ વાસ્તવિક વાત મૂકી.

‘બાપુ… અમેરિકામાં રહીએ તો રૃપિયા મળે એ માટે ઘણા લોકો પોતાના જીવ સાથે પંગો લઈને ગેરકાયદેસર રીતે ટ્રમ્પરાજ્યમાં ઘૂસવા મથે છે. રૃપિયા મળતા હોય તો આજે લોકો પતિ સાથે પંગો લઈ રાજીખુશીથી છૂટાછેડા સ્વીકારે છે. રૃપિયા મળતા હોય તો ક્રિકેટર મેચ ફિક્સ કરે છે. નેતા દેશદ્રોહ કરે છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. સંતો શોષણ કરે છે. રૃપિયા માટે લોકો કંઈ પણ કરે છે.’

‘સંસારમેં બાજે ઢોલ, યહ દુનિયા મેરી તરહ હૈ ગોલ, મૌલવી પંડિત થાનેદાર, તીન હૈ મેરે પક્કે યાર… યહ પૈસા બોલતા હૈ. આવું કંઈક કવ્વાલીમાં પણ સાંભળ્યું હતું. બ્રાહ્મણ પાસે આમ પણ લક્ષ્મી ઓછી હોય એવું વરસોથી બોલાય છે અને તે રૃપિયા સાથે પંગો લીધો?’ ચંદુભાને ચિંતા થઈ.

‘લીધો એટલે લીધો. મેં કહ્યું કે હે નોટ… તું તારી ઓકાત સંભાળીને વાત કરજે. ગમે તેમ તોય હું માણસ છું અને તું કાગળ છે.’

‘શાબાશ… દોસ્ત શાબાશ… સાવ સાચું ભણ્યો બાપ.’

‘પછી નોટને વાચા ફૂટી.’

‘નોટ બોલી?’ આશ્ચર્યમ્.

‘હા… બોલી, પણ કેવું બોલી તે ખબર છે?’

‘ના…’

‘આપણા નરેન્દ્રભાઈ મોદી કરતાં પણ વધુ અસરકારક બોલી.’

‘બંનેની રાશિ એક છે ને એટલે. એ તો કહે નોટ શું બોલી?’ ચંદુભાને રસ પડ્યો.

‘નોટ બોલી કે હે માનવ… તને તારા માનવપણાનું અભિમાન છે તો હવે તું પણ કાન ખોલીને સાંભળી લે… વિજય માલ્યા, નીરવ મોદી, ચિદમ્બરમ્ કે અસ્થાના જેવા લાખો લોકો આ દુનિયામાં છે જેમણે મારા જેવા કાગળ માટે પોતાની માણસાઈ વેચી હોય, માણસ મટી ગયા હોય, જ્યારે વિશ્વમાં ક્યારેય અમે કરન્સીએ ગમે તેવા મહાન માણસ માટે અમારી કાગળતા ગુમાવી નથી. માણસ કરતાં તો કાગળ વધુ પ્રામાણિક સાબિત થયો ગણાય.’ મેં પ્રથમ મુદ્દો રજૂ કર્યો.

‘વારી જાઉં નોટ… તારી વાત પર વારી જાઉં… લાખ રૃપિયાની વાત કરી ગઈ નોટ… નોટ માટે વોટ આપતા મતદારો નોટ માટે માનવતા વેચી ચૂક્યા ગણાય, પરંતુ માણસ માટે નોટ ક્યારેય ગરિમા ગુમાવતી નથી.’ ચંદુભાએ નોટને ટેકો આપ્યો… બાપુને મારી વાતમાં એવો રસ પડ્યો કે પોતાની ‘રામભરોસે હિન્દુ હોટલ’ના બાળમજૂરને ચા લઈ આવવા હુકમ કર્યો. સામે પાનના ગલ્લે બેઠેલા પથુભાને પણ સાદ પાડીને બોલાવ્યા. પથુભા બાજુની દુકાનવાળાને પોતાની દુકાનનું ધ્યાન રાખવા માટે હુકમ કરી અમારી ‘ચાય પે ચર્ચા’માં જોડાઈ ગયા. ભારતમાં ચા સાથે ચોવટની જે મઝા છે તે ભારત બહાર બીજા કોઈ દેશમાં નથી.

‘પથુભા… સાંભળો… તમારી ચોટલી ખીતો થઈ જાય તો હા પાડજો. રૃપિયાની નોટ અને માણસ બંને બથોબથ આવ્યા છે.’ ચંદુભાએ એક જ વાક્યમાં પથુભાને સાર સમજાવી દીધો.

‘નોટ નિર્જીવ અને માણસ સજીવ… નોટની શું તાકાત કે માણસનો વાળ વાંકો કરી શકે.’ પથુભાએ પંચાતમાં પ્રાણ પૂર્યો.

‘બાપુ… વાળ વાંકો કરવાની ક્યાં માંડો છો? નોટ ધારે તો ઠાર મારી નાખે.’ મેં કહ્યું.

‘હેં શું વાત કરો છો?’

‘રૃપિયાની નોટની બીજી દલીલ એ જ હતી. એણે કહ્યું કે, નોટ મળતી હોય તો માણસ માણસની હત્યા કરવા તૈયાર છે. અત્યાર સુધીમાં વિશ્વમાં નાણા માટે હજારો હત્યા થઈ છે. અમે નોટ ક્યારેય માણસ મળતો હોય તો નોટની હત્યા કરતી નથી.’ મેં કહ્યું.

‘ચંદુભા… વાત વિચારવા જેવી તો ખરી…’ પથુભા પીગળ્યા.

‘વિચારવા જેવી નહીં… દરેક સાંભળનારને અવાચક કરી નાખે એવી છે.’ ચંદુભાએ ચૂસકી મારતા કહ્યું.

‘રૃપિયાની નોટે ત્રીજી વાત કરી કે, અમે ક્યારેય રસ્તા પર રઝળતી નથી. અત્યારે વરઘોડામાં, ડાયરામાં કે બીજા કોઈ ધાર્મિક, સામાજિક પ્રસંગે લોકો અમને હવામાં ઉછાળીને અમારા સ્વામી હોવાનો ડોળ કરે છે, પરંતુ એ જ માણસ અમને વીણી વીણીને ગજવામાં, સૂટકેસમાં કે બેંકના ખાતામાં મૂકી આવે છે. અમે કાગળ હોવા છતાં રસ્તે રઝળતા નથી. તમે માણસ હોવા છતાં ફૂટપાથ ઉપર, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જ્યાં ત્યાં રઝળતાં – ભટકતાં રહો છો. માણસ રસ્તે રઝળતી નોટ જોઈ જાય તો ઉપાડી લે છે, પરંતુ રસ્તે રઝળતાં માણસને જુએ તો નોંધ પણ લેતો નથી.’ મેં કહ્યું.

‘રહેવા દે ભાઈ રહેવા દે… નોટના ઘા મારાથી સહન થતા નથી. હું ક્યાંક નોટ સાથે ધિંગાણુ ન કરી બેસું.’ ચંદુભાનું ક્ષત્રિયપણુ પ્રગટ થયું.

‘હજુ તો આ શરૃઆત છે બાપુ. કાલ રાતે સપનામાં રૃપિયાની નોટ મને જે કહી ગઈ એ સાંભળીને તો મને જીવનમાં પહેલીવાર માણસ હોવાનું દુઃખ થયું છે.’ મેં વસવસો વહેતો મૂક્યો.

‘શું વાત કરો છો?’ પથુભા ઉવાચ.

‘નોટ બોલી કે અમે અલગ-અલગ રંગની હોય…. અલગ અલગ નાતની હોય…’

‘નોટમાં વળી નાતજાત…?’

‘બે હજાર, પાંચસો, બસો, સો, પચાસ એ બધી જુદી જુદી નાત છે.’

‘એમ?’

‘નોટ બોલી કે, અમારા જેવો સંપ તમારી માનવજાતમાં ક્યારેય જોવા મળશે નહીં. અમારામાં રંગભેદ, વર્ણભેદ, ધર્મભેદ કશું જ નથી. અમે અલગ-અલગ રંગ, નાત, મૂલ્યની હોય છતાં બે હજારની ગોદમાં પાંચસો, પાંચસોની ગોદમાં બસો, બસોની ગોદમાં સો એમ સંપીને રહીએ છીએ. અમારી થોકડી હોય તો અમે એક જ થોકડીમાં સંપીને રહીએ છીએ જ્યારે તમે માણસો તો એક જ નાતના હોય એક જ ધર્મના હોય છતાં સમૂહમાં એકઠા થાવ એટલે ઝઘડો કર્યા વગર રહેતા નથી. બીજી નાત કે બીજા ધર્મના લોકો સાથે તો તમે ક્યારેય સંપીને રહેતા નથી.’ મેં વાત પૂરી કરી.

‘ચંદુભા… આ રૃપિયાની નોટે તો મને વિચારતો કરી દીધો.’ પથુભાએ કહ્યું.

‘સારું કર્યું… ઘણા લાંબા સમયે તમારા મગજને કામ મળ્યું.’ ચંદુભાએ નોટ જેવો જ ઊંડો ઘા કરી લીધો.

‘ત્યાર બાદ નોટ બોલી કે, સાંભળ માણસ… અમને જુએ તો મડદા જેવો સરકારી કર્મચારી ફટાફટ કામ કરતો થઈ જાય. અમને જુએ તો મંદિરમાં ભગવાન સ્પેશિયલ દર્શન આપે, અમને જુએ તો અમિતાભ જેવો મહાનાયક મોટી ઉંમરે નાચવા માંડે, ટૂંકમાં અમને જુએ એટલે માણસમાં જીવ આવે, પરંતુ ગમે તેવા મોટા માણસને જોઈને નોટ ક્યારેય નાચવા લાગી હોય, દોડવા લાગી હોય તેવો દાખલો નથી.’ મેં નોટની પાંચમી દલીલ રજૂ કરી.

‘આ નોટે તો મને મારી નાખ્યો.’ પથુભાએ મીનો ભણ્યો.

‘એટલે તો તમને પાનનો ગલ્લો રેઢો મૂકીને અહીં બોલાવ્યા. નોટ ભલે સપનામાં આવી, પણ મારી અને તમારી આંખ ઉઘાડી ગઈ.’ ચંદુભાએ કહ્યું.

‘સપના માટે એક જાણીતું વાક્ય છે કે સપનું એ નથી જે તમને ઊંઘમાં આવે છે, પરંતુ સાચું સપનું તો એ છે કે જે તમારી ઊંઘ ઉડાડી આપે છે.’ મેં વૉટસઍપમાં વાંચેલી વાતનો સંદર્ભ ટાંક્યો.

‘અમારી સાથે પણ એવું જ થયું. આજે ધનતેરસની સવારે જ ધનની વાત સાંભળીને મારી ધાનની ભૂખ મરી ગઈ. આજે મને ખાવું ભાવશે નહીં. યાર… આપણી માણસની મહામૂલી જાત એક નોટ જેવી નોટ સામે હારી ગઈ કહેવાય.’ પથુભાએ ઈમાનદારીથી પરાજય સ્વીકાર્યો.

‘હું હાર માની લઉં એવો નથી. હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે દુનિયાને જે રીતે જીવવું હોય તે રીતે જીવે, પરંતુ હું રૃપિયા માટે વેચાઈશ નહીં. હું રૃપિયા માટે ખોટું નહીં કરું… હું રૃપિયા માટે મારી માણસાઈ ગીરવે મુકીશ નહીં. હું માણસને વડેરો અને સંપત્તિને તુચ્છ માનીશ.’ ચંદુભાને મારી વાત હાડોહાડ લાગી ગઈ હતી.

મને મનમાં થયું કે માણસને આટલું સમજાય તો એ જ સાચું લક્ષ્મીપૂજન છે. અમે ત્રણે ચા પીને છૂટા પડ્યા.
—————————–.

જગદીશ ત્રવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment