રાજકારણમાં પ્રવેશ અપાવતી કારકિર્દીઃ પોલિટિકલ સાયન્સ –

  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

પારંપરિક કારકિર્દી વિકલ્પોમાં રાજનીતિ વિજ્ઞાન એટલે કે પોલિટિકલ સાયન્સનું મહત્ત્વ ઘણુ ઉમદા છે. આ વિષય સમાજ શાસ્ત્રનો એક હિસ્સો છે જેમાં પ્રશાસનની જુદી-જુદી પ્રણાલી અને દુનિયાભરનાં રાજકીય તંત્રની નીતિનો અભ્યાસ કરાવવામાં આવે છે. અધ્યાપનથી લઈને શોધ, ઇલેક્શન અને કાયદાકીય ક્ષેત્રે કાર્ય કરી શકાય છે. આજના તબક્કે પોલિટિકલ સાયન્સના જાણકાર યુવાનો માટે પોલિટિકલ અને ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ, કન્સલટન્સ જેવા ક્ષેત્રે વિશાળ તક રહેલી છે.

દેશના લગભગ દરેક વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અને ઉપસ્નાતક સ્તર પર આ વિષયના  કોર્સ ઉપલબ્ધ છે. જેના કારણે આ કોર્સમાં ઍડ્મિશન લેવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડે છે. જોકે ઉચ્ચ સ્તર પર પહોંચવા માટે થઈને આ ક્ષેત્રે સારું જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. અન્ય પારંપારિક કોર્સની તુલનામાં કારકિર્દી બનાવવા માટે આ કોર્સ વધુ ઉત્તમ છે. ઉપરાંત આ કોર્સમાં કરિયર બનાવવાના અનેક વિકલ્પો પણ મળી રહે છે. શિક્ષણ અને શોધ જેવા કાર્યોમાં રસ હોય તેવા વિદ્યાર્થીઓ દેશ અને વિદેશી સંસ્થાઓની સ્કોલરશિપ પણ મેળવી શકે છે. જેના દ્વારા તેમને આગળ જઈને અધ્યાપનમાં સારા વિકલ્પ મળે છે.

રોજગારની તકો : શાળા, કૉલેજમાં અધ્યાપન અને શોધ કાર્યની સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી અન્ય ક્ષેત્રમાં અનેક તક ઊભી થઈ છે.

પોલિટિકલ એનાલિસ્ટ ઃ પોલિટિકલ સાયન્સમાં નિપુણ લોકો માટે આ મહત્ત્વ પૂર્ણ કારકિર્દી માનવામાં આવે છે. જેમનું કાર્ય મુખ્યત્વે રાજનૈતિક નિર્ણયો, સરકારી નીતિઓ વગેરે પર સમીક્ષા અને ટિપ્પણી કરવાનું છે. ઉપરાંત તેમનામાં રહેલી ખામીને ઉજાગર કરવામાં પણ મહારત હોવી જરૃરી છે. આ ક્ષેત્રે પોતાનું શાસન જમાવી ચૂકેલા નિષ્ણાત પોલિટિકલ પાર્ટીઓની નીતિ અને ઇલેકશનની જાહેરાત પર પોતાની સલાહ આપતાં હોય છે.

સોશિયલ મીડિયા મેનેજર ઃ સામાન્ય પ્રજાની વચ્ચે જનમત તૈયાર કરવો અથવા કોઈ ખાસ રાજનૈતિક પક્ષ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવા જેવું કામ બખૂબી નિભાવી શકતા હોય તેવા નિષ્ણાતો આ કામ માટે યોગ્ય ગણાય છે. આજ કારણોસર સોશિયલ મીડિયામાં રાજનીતિ શાસ્ત્રના જાણકારો માટે નોકરીનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહે છે.

પોલિટિકલ કન્સલટન્ટ ઃ ચૂંટણી જંગમાં પોતાના પક્ષ માટે વધારામાં વધારે મત મળી રહે તેવું આયોજન કરવંુ અને તેને સફળતા મળી રહે તે જોવાનું કામ પોલિટિકલ કન્સલટન્ટનું છે. જોકે આ કાર્ય માટે લાંબો સમય પ્રજાની સાથે રહેવું જરૃરી છે, કારણ કે આયોજન માટે પબ્લિકનો મૂડ જાણવો જરૃરી છે. સામાજિક અને આર્થિક સ્થિતિઓનું પણ જ્ઞાન હોવું અનિવાર્ય છે.

ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ ઃ રાજનૈતિક વિરોધીઓની વિચારધારાને સમજીને તેમના વિશે રિપોર્ટ તૈયાર કરવાનું કાર્ય આ પ્રોફેશનલ્સનું છે. આ નિષ્ણાતો સામાન્ય રીતે પરોક્ષ રીતે કાર્ય કરતાં હોય છે.

માર્કેટ સરવે એક્સપર્ટ ઃ મોટી-મોટી કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવતા પહેલાં આ વિષયમાં નિપુણ લોકોની સલાહ લે છે, કારણ કે સમયની સાથે કંપનીને ઉત્પાદનની પ્રતિક્રિયા મળતી રહે. જેના આધારે પોતાની ખામીને સમજીને સમય પર સુધારી ઉત્પાદનને ફરી માર્કેટમાં મુકી શકે.

વકીલ તરીકે કારકિર્દી ઃ રાજનીતિ શાસ્ત્રનો અભ્યાસ કરનારા યુવાનો માટે એલએલબી કરવું એક બેસ્ટ ઓપ્શન છે. જેના કારણે કેસને ઝીણવટથી સમજી શકાય છે.

આ જ રીતે માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સફળ પત્રકારોની પણ ઊણપ નથી. જેમની પાસે પોલિટિકલ સાયન્સની ડિગ્રી છે તેવા પત્રકારોને સરળતાથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં તક મળે છે.

ઉમેદવારમાં હોવા જોઈએ વિશેષ ગુણ ઃ
આ ક્ષેત્રમાં એવા યુવાનોએ કારકિર્દી બનાવવાનો વિચાર કરવો જોઈએ જેમને દેશ વિદેશમાં ચાલતી રાજનૈતિક ઊથલપાથલમાં રસ હોય, વર્તમાન સમયમાં ચાલતી ચર્ચા વિશે જાણવાની રુચિ હોય. દેશના બદલાતાં રાજનૈતિક ઘટનાક્રમ પર ચાંપતી નજર, તેના વિશે સામાજિક અને આર્થિક કારણોને સમજવાની દ્રષ્ટિ અને તેના આધારે ભવિષ્યમાં રાજકારણમાં કેવા બદલાવ આવશે તે સમજી શકવાની કુનેહ હોવી વિશિષ્ટ યોગ્યતા છે. આ ઉપરાંત તથ્યો અને તર્કના આધાર પર નીતિગત નિર્ણયોને સમજવાની આવડત પણ મહત્ત્વની છે. આ ક્ષેત્રમાં પગ મૂકનાર યુવાનોમાં વાતચીત કરવાની કળા અને ભાષા પર નિયંત્રણ હોવંુ પણ જરૃરી છે.

અભ્યાસક્રમ ઃ
આ વિષય નવો નથી, આ વિષય સાથે જોડાયેલા કોર્સ પણ જૂના અને પારંપરિક છે. ધોરણ દસ પછી સ્વતંત્ર વિષય તરીકે રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાસ શરૃ થાય છે. જ્યારે સ્નાતકમાં બીએ મુખ્ય કોર્સ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ ત્રણ વર્ષના કોર્સમાં મેરિટના આધારે જ જાણીતા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળી શકે છે. સ્નાતક થયા પછી માસ્ટર્સ અને પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી શકાય છે. ડિસ્ટન્સ એજ્યુકેશન અને ઓપન શાળાઓમાંથી પણ આ વિષયનું શિક્ષણ જુદાં-જુદાં વિશ્વવિદ્યાલયોના માધ્યમથી પ્રાપ્ત કરી શકાય.
————————–.

આજના યુવાનો માટે કારકિર્દી ઘડવાના અનેક સ્કોપ છે. જેમાં અન્ય પારંપારિક વિષયોની તુલનામાં રાજનીતિ વિજ્ઞાનના જાણકારો માટે કરિયર બનાવવાની ઉત્તમ તક ઊભી થઈ છે. જેમાં અધ્યાપનથી લઈને શોધ, ઇલેક્શન અને કાયદાકીય ક્ષેત્રે કામ કરી શકાય છે. હાલના સમયમાં આ વિષયના જાણકારો માટે અનેક વિકલ્પો ઊભા થઈ રહ્યા છે.
————————–.

પડકારો

*       સામાન્ય રીતે નોકરી ખાનગી સંસ્થાઓમાં મળે છે.

*       પીએચ.ડી. સુધીનું શિક્ષણ મેળવ્યા પછી જ નિષ્ણાત પોલિટિકલ એનાલિસ્ટ બનવા માટે સક્ષમ ગણાય છે.

*       કોઈ પણ રાજકીય પક્ષના સમર્થક હોવાના સિમ્બોલથી બચવું તે કારકિર્દી દરમિયાન સૌથી મોટો પડકાર છે. શાખ ખરાબ થવાથી કામ મળવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

*       સ્નાતક થયા પછી તત્કાલ નોકરી મેળવવા ઇચ્છતા યુવાનોને નિરાશ થવું પડે છે. છતાં લોક સેવા આયોગની પરીક્ષાની નવી દિશાઓ યુવાનો માટે ખૂલી રહી છે.
————————–.

મુખ્ય સંસ્થાઓ

દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હી

અલાહાબાદ યુનિવર્સિટી, અલાહાબાદ

પટના યુનિવર્સિટી, પટના

લખનઉ યુનિવર્સિટી, લખનઉ

ચંડીગઢ યુનિવર્સિટી, ચંડીગઢ
————————–.

નવી ક્ષિતિજ - હેતલ રાવ
Comments (0)
Add Comment