જ્યારે આંદામાનમાં સુભાષબાબુએ  પ્રથમ વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

આંદામાનની હવે સ્વતંત્ર બનેલી ધરતી પર સુભાષચંદ્ર બોઝે પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
  • ઇતિહાસ

નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજની આઝાદ હિન્દ સરકાર પણ રચી હતી. એ સરકારની રચનાનાં ૭૫ વર્ષની ઉજવણી ભારત સરકાર દ્વારા દિલ્હીમાં કરવામાં આવી. સુભાષના સૈન્યએ બ્રિટિશ સૈન્ય પર આક્રમણ કરી આંદામાન-નિકોબાર સહિત ઘણા પ્રદેશ કબજે કર્યા હતા. ઇતિહાસના એ અજ્ઞાત પૃષ્ઠની સંક્ષિપ્ત વિગતો-

વર્ષ ૧૯૪૩ની ૨૯મી ડિસેમ્બરે નેતાજી સુભાષચંદ્ર બોઝે આંદામાનની ધરતી પર પગ મૂક્યો. ત્યાં જાપાની ઍડમિરલે તેમનું સ્વાગત કર્યું. બીજા દિવસે તેમની જાપાનના મુખ્ય સેનાપતિ સાથે મુલાકાત થઈ. દરમિયાન તેઓ તે સેલ્યુલર જેલ જોવા ગયા કે જ્યાં ગદર પાર્ટી, લાહોર ષડ્યંત્ર કેસ, કાકોરી કેસ, ચટગાંવ કેસ વગેરે કેસોના અનેક ક્રાંતિકારી કેદીઓ લાંબી સજા ભોગવી રહ્યા હતા. આ પૈકીના ઘણા કેદીઓએ તો પોતાના જીવની આહુતિ પણ આપી દીધી હતી. સેલ્યુલર જેલની બેરેકોની નિઃસ્તબ્ધ એવી મૌન દીવાલો જાણે કે એ રોમાંચક અતીતની ગાથાઓ સંભળાવી રહી હતી. બીજો દિવસ ૩૦ ડિસેમ્બર હતો. આંદામાનની હવે સ્વતંત્ર બનેલી ધરતી પર સુભાષચંદ્ર બોઝે પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ત્યાં મોજૂદ સૈનિકો અને લોકોએ રાષ્ટ્રગીત ગાયું. રાસ દ્વીપ પર અંગ્રેજ ચીફ કમિશનરનું જ્યાં નિવાસસ્થાન હતું ત્યાં એ દિવસે જ્યારે સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને એવી આશા વ્યક્ત કરતાં કહ્યું કે,- એક દિવસે આ જ રાષ્ટ્રધ્વજ દિલ્હીના વાઈસરોય ભવન પર પણ લહેરાશે.

ભારતની સ્વતંત્રતા ખાતર જે-જે ભારતીય દેશભક્તો આંદામાનમાં શહીદ થયા હતા, તેમની યાદમાં આંદામાનનું નવું નામ શહીદ દ્વીપ અને નિકોબારનું નવું નામ સ્વરાજ્ય દ્વીપ રાખવામાં આવ્યું. આંદામાનની આઝાદીનું મહત્ત્વ સમજાવતાં સુભાષ બોઝે કહ્યું હતું કે- આ દ્વીપોને આઝાદી અપાવી તેને પુનઃ ભારતને સોંપીને આઝાદ હિન્દ સરકારે રાષ્ટ્રીય અસ્મિતા પ્રાપ્ત કરી લીધી છે. આ દ્વીપની મુક્તિ એક આગવું અને પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે, કારણ કે બ્રિટિશરો હંમેશાં ભારતના દેશભક્તોને ત્યાંની જેલમાં ગોંધી રાખવા માટે આંદામાનનો ઉપયોગ કરતા આવ્યા છે. જે રીતે પેરિસ (ફ્રાન્સ)માં ફ્રાન્સની ક્રાંતિના સમયે બાસ્ટાઇલને સૌથી પહેલાં આઝાદ કરવામાં આવ્યા હતા ત્યારે ત્યાં કેદ કરાયેલા બધા જ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા તે જ પ્રકારે આજે આંદામાનને આઝાદી મળી છે. આ એ જ આંદામાન છે, જ્યાં આપણા અનેક દેશભક્તોએ અકલ્પનીય દારુણ યાતનાઓ ભોગવી છે. આ જ પ્રકારે એક-એક કરીને ભારતના બધા જ પ્રદેશોને આઝાદ કરાવવામાં આવશે, પરંતુ આંદામાનને સૌપ્રથમ આઝાદ કરવામાં આવ્યું તેનું સર્વાધિક મહત્ત્વ છે.

આ દરમિયાન ૭ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ આઝાદ હિન્દ ફોજનું મુખ્યાલય સિંગાપુરથી  બર્મા (બ્રહ્મદેશ) ખસેડવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝની આ જ સેના એક પછી એક દરેક મોરચે વિજય મેળવતી આગળ વધતી ગઈ. ૪ ફેબ્રુઆરીએ અરાકાન પર ચઢાઈ કરીને તોંગ બજારમાં સ્વતંત્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. ફરી ૧ માર્ચે સેતાબીન આઝાદ થયું. બીજી માર્ચે કલીદીનને સ્વતંત્ર કરી ૮ માર્ચે ફોર્ટ હાઈટ કબજે કરાયું. આ રીતે આઝાદ હિન્દ ફોજે ૧૨ માર્ચે લેનાકોટ અને ૧૮ માર્ચે (વર્ષ ૧૯૪૪) કેનેડી પર્વતના શિખર પર વિજય મેળવ્યો. પર્વતના તે શિખર પરથી સુભાષચંદ્ર બોઝે જ્યારે પોતાની માતૃભૂમિનાં દર્શન કર્યાં ત્યારે તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. કેમ કે, તે શિખર પરથી ભારતની પાવન ધરાનાં દર્શન થતાં હતાં.

સુભાષબાબુનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ કંઈક આવો હતો. ૧૯ માર્ચના એ ગૌરવપૂર્ણ દિવસે સુભાષચંદ્ર બોઝે ભારતની ધરતી પર આઝાદીના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં સફળતા મેળવી. આ અગાઉ જ ૧૭ ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ આંદામાન ટાપુઓ અને નિકોબારનો સંપૂર્ણ વહીવટ આઝાદ હિન્દ સરકારના હસ્તગત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ ઉપર ફતેહ મેળવી. જ્યાં સુધી આંદામાન-નિકોબારની સત્તા આઝાદ હિન્દ સરકારને સોંપવાની વાત છે, જાપાનના પ્રધાનમંત્રી જનરલ તોજોએ ૭ નવેમ્બર, ૧૯૪૩ના રોજ ટોકિયોમાં જ જાહેરાત કરી દીધી હતી કે આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતને સોંપી દેવામાં આવશે અને તે સમયે સુભાષચંદ્ર બોઝ ત્યાં હાજર હતા. સુભાષચંદ્ર બોઝે ૨૫ ઑગસ્ટ, ૧૯૪૩ના રોજ આઝાદ હિન્દ સેનાનું નિયંત્રણ મુખ્ય સેનાપતિ તરીકે સંભાળી લીધું હતું.
———————

ઇતિહાસરાષ્ટ્રધ્વજસુભાષચંદ્ર બોઝ
Comments (0)
Add Comment