સરદારે ભારત-વિભાજનનો  કેમ સ્વીકાર કર્યો?

સરદાર વિભાજન માટે કેમ સંમત થયા એ પ્રશ્ન અસંખ્ય લોકોના મનમાં ઘોળાતો રહ્યો
  • સરદાર સ્મૃતિ

૩૧ ઑક્ટોબર. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી. ગુજરાતને આંગણે તેમના વિશિષ્ટ અને ભવ્ય સ્મારકના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આ અદ્વિતીય નેતા અને સ્વતંત્ર સંગઠિત ભારતના શિલ્પી સરદારની અનેકાનેક વાતોનું સ્મરણ કરવામાં આવશે. સ્વતંત્ર ભારતમાં આજે પણ એક પ્રશ્ન પ્રસંગોપાત ચર્ચાતો રહે છે કે મહાતમા ગાંધીજી ભારતના વિભાજનના વિરોધી હતા, પરંતુ મજબૂરીથી તેમને નહેરુ-સરદાર-ઝીણાની વિભાજન યોજનાનો સ્વીકાર કરવો પડ્યો હતો. એ વખતે પણ સરદાર વિભાજન માટે કેમ સંમત થયા એ પ્રશ્ન અસંખ્ય લોકોના મનમાં ઘોળાતો રહ્યો હતો. ગુજરાતના ખ્યાતનામ સાક્ષર અને એ વખતે કોંગ્રેેસમાં સક્રિય કનૈયાલાલ મુનશી પણ આવા લોકોમાંના એક હતા. એક વખત સરદાર સાથે નિરાંતે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે મુનશીએ સરદાર સાહેબને સીધી જ આ વાત પૂછી લીધી હતી. એ. કે. મઝુમદારે લખેલા ‘એડવન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ’ નામના પુસ્તકમાં આ સમગ્ર સંવાદ અપાયો છે, એ યથાતથ અહીં પ્રસ્તુત છે. મુનશીના શબ્દોમાંઃ………..

૧૯૪૮માં સરદાર પટેલ અને હું બંને નવી દિલ્હીમાં શ્રી ઘનશ્યામદાસ બિરલાના અતિથિ હતા. સવારના ભ્રમણ સમયે જ્યારે પણ સરદાર મૂડમાં હોય ત્યારે મારી સાથે એવી સમસ્યાઓની ચર્ચા છેડતા કે જેમાં તેમનું મન-મગજ વ્યસ્ત રહેતું. એક દિવસ વાતો કરતાં તેઓ મને ચિડવતાં બોલ્યા ઃ – ‘ઓ અખંડ હિન્દુસ્તાની, હવે અમે ભારતનું વિભાજન કરવાનો નિર્ણય કરી લીધો છે.’ તેઓ સંભવતઃ કોઈ કોન્ફરન્સમાં ભાગ લઈને આવ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ સાંભળીને મને આંચકો લાગ્યો. કેમ કે સરદાર આરંભથી જ વિભાજનનો વિરોધ કરતા રહ્યા હતા અને વિભાજનનું સમર્થન કરવાને કારણે તેઓ રાજાજીની બહુ ઉગ્ર શબ્દોમાં ટીકા કરતા હતા. હવે સરદારે મને સમજાવવાનું શરૃ કર્યું કે તેમનો નિર્ણય યોગ્ય કેમ છે.

જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી સરદારે એ સમયે બે કારણ આગ્રહપૂર્વક રજૂ કર્યા. એક કારણ એ હતું કે કોંગ્રેસ અહિંસા પ્રત્યે પ્રતિબદ્ધ હોવાને કારણે વિભાજનનો પ્રતિકાર કરવાનું તેને માટે શક્ય નહીં બને. પ્રતિકારનો અર્થ હશે કોંગ્રેસનું મૃત્યુ અને પોલીસ તથા સેના પર બ્રિટિશ સરકારનો સકંજો મજબૂત રહેતાં મુસ્લિમ લીગ દ્વારા હિંસાના વ્યાપક પ્રયોગના માધ્યમથી એક દીર્ઘકાલીન સંઘર્ષમાં ઊતરવું.

તેમનો બીજો તર્ક એ હતો કે જો વિભાજનનો સ્વીકાર કરવામાં ન આવે તો અધિકાંશ શહેરો અને અનેક ગ્રામીણ ક્ષેત્રોમાં પણ એક લાંબો સાંપ્રદાયિક સંઘર્ષ છેડાય એ અનિવાર્ય હશે, ત્યાં સુધી કે સેના અને પોલીસની એકતા પણ સાંપ્રદાયિક ફાટફૂટથી છિન્ન-ભિન્ન થઈ જશે. આથી જો આવો સંઘર્ષ અવસ્યંભાવી બને તો વધુ શક્યતા એ છે કે હિન્દુ લોકો વધુ અસંગઠિત તેમજ ઓછા કટ્ટર હોવાને કારણે કોઈ નક્કર સંગઠનના અભાવમાં પાછા પડે. બીજી બાજુ જો સંઘર્ષ છેડાવાનો જ હોય તો સૌથી સારું એ હશે કે સંગઠિત સરકારોના આધાર પર એકબીજાનો સામનો થાય અને સંભવતઃ દેશભરમાં વેરવિખેર બે સમાજોને બદલે બે સરકારો વચ્ચે કોઈ સમજૂતી થવી વધુ સરળ હશે.

એ સમય સુધીમાં મને હિન્દુ-મુસ્લિમ રમખાણોનો ઘણો કડવો અનુભવ થઈ ચૂક્યો હતો. બ્રિટિશ અધિકારીઓની સહાનુભૂતિ હંમેશ મુસલમાનો સાથે હોવાને કારણે હિન્દુઓને બહુ નુકસાન સહન કરવું પડતું હતું. ઉદયપુરની સેનાઓનો પ્રત્યક્ષ પરિચય હોવાને કારણે મને એ બાબતમાં શંકા હતી કે ભારતીય રજવાડાંઓની સેનામાં પોતાનાં રાજ્યોની અંદર પણ કોમી ઉન્માદને નિયંત્રિત કરવાની ક્ષમતા છે કે કેમ?

મને સરદાર સાથેની આ વાતચીત બરાબર યાદ છે, કેમ કે તેણે મને અનેક રાત્રીઓ નિદ્રાહીન સ્થિતિમાં પસાર કરવા માટે મજબૂર કર્યો હતો, પરંતુ પછીથી સરદાર સાથેના આ વિષય પર વધુ એક-બે વખત ચર્ચા કર્યા પછી હું પણ એવા જ તારણ પર આવી ગયો હતો કે સરદારના બીજા તર્કનો કોઈ જવાબ આપણી પાસે નથી.ક.મા. મુનશી
————————

ક. મા. મુનશીવિભાજનસરદાર સાહેબ
Comments (0)
Add Comment