વિશ્વવૃત્ત – વ્હાઇટ હાઉસમાં પ્રેતાત્માઓનો વાસ છે?

બિલાડીઓની સંભાળ રાખવાની નોકરી!!!
  • વિશ્વવૃત્ત

વ્હાઇટ હાઉસમાં પ્રેતાત્માઓનો વાસ છે?
પ્રેતાત્માઓના અસ્તિત્વ વિશે સાચી-ખોટી માન્યતાઓ પ્રવર્તતી હોય છે. આવી ચર્ચાઓ માત્ર ભારતમાં જ થતી હોય છે તેવું નથી. યુરોપ અને અમેરિકાના દેશોમાં તો ‘હોન્ટેડ હાઉસ’ એટલે કે ભૂતિયા મકાનોના અનેક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. આ બધામાં કેટલું તથ્ય હશે તે તો ભગવાન જાણે, પરંતુ તાજેતરમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશની પુત્રી જેના બુશ હેગેરે કરેલા ખુલાસાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. જેના બુશે એવું કહ્યું છે કે, વ્હાઇટ હાઉસમાં પ્રેતાત્માઓનો વાસ છે. વ્હાઇટ હાઉસ અમેરિકન પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન છે ત્યારે ખુદ ભૂતપૂર્વ પ્રમુખની પુત્રીએ જ ત્યાં ભૂત રહેતાં હોવાનું નિવેદન કરતાં આ પ્રકારની ચર્ચાઓને નવું બળ મળ્યું છે. જેના બુશે એવું પણ કહ્યું છે કે તેને જે પ્રેતાત્માઓ દેખાયા હતા તે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હતા. નોંધનીય છે કે વ્હાઇટ હાઉસમાં પ્રેતાત્માઓનો વાસ હોવાનું ઘણા અમેરિકનો પણ માને છે અને સ્વીકાર પણ કરે છે. જેના બુશે એ વાતનો સ્વીકાર કર્યાે છે કે તેને અને તેની બહેન બાર્બરા બુશને ૧૯૨૦ના પિયાનોમાંથી સંગીત વાગવાનો અવાજ સંભળાતો હતો. આ અવાજ દિવસે પણ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. મ્યુઝિકનો આ અવાજ ચૂલાની જગ્યામાંથી આવતો હોવાનું જેના બુશે નોંધ્યું હતું. જેના બુશે વધુમાં જણાવ્યું છે કે, તેણે આ વિશે પોતાની બહેન સાથે પણ ચર્ચા કરી હતી, પરંતુ તે પ્રેતાત્માઓનો ઇરાદો સારો હતો અને તેઓનો વ્યવહાર પણ મૈત્રીપૂર્ણ હતો. જોકે, જેના બુશના આ નિવેદન બાદ હજુ સુધી વ્હાઇટ હાઉસમાંથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
————————-

બિલાડીઓની સંભાળ રાખવાની નોકરી!!!
રશિયાના ઝેલેનોગ્રાદ્સ્ક નામના નાનકડા નગરની મ્યુનિસિપાલિટીએ તાજેતરમાં બહાર પાડેલી નોકરીની જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. મ્યુનિસિપાલિટીના સત્તાવાળાઓએ ‘કેટ ચીફ’ની નોકરી માટે એક જાહેરાત બહાર પાડી હતી. જેમાં શહેરમાં રખડતી ૭૦ જેટલી બિલાડીઓની દેખરેખ અને સંભાળ રાખવા માટેની શરત મુકાઈ હતી. આશ્ચર્યની વાત એ હતી કે રશિયાના કાલિનિનગ્રાદ પ્રદેશમાં સ્થિત આ નાનકડા નગરમાં આવી વિચિત્ર નોકરી કરવા માટે પણ ૮૦ લોકોએ રસ દાખવ્યો હતો. આ નગરના રહીશોનો બિલાડીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. નગરમાં મુકેલી બિલાડીની પ્રતિમા પણ તેમના બિલાડીપ્રેમની ગવાહી પૂરી રહી છે. છેવટે ત્યાંના સત્તાવાળાઓએ ૮૦ અરજદારોમાંથી સ્થાનિક રહેવાસી સ્વેતલાના લોગુનોવા નામની મહિલા પર આ નોકરી માટે પસંદગી ઉતારી હતી. સ્વેતલાનાને શહેરમાં ફરવા માટે એક સાઇકલ અને યુનિફોર્મ આપવામાં આવ્યો છે. ઉપરાંત તેને ગ્રીન કલરનું જેકેટ, ટાઈ અને એક હેટ પણ આપવામાં આવી છે. સ્વેતલાનાને બિલાડીઓના મહિનાના ખર્ચ પેટે ૫,૭૦૦ રૃબલ (૮૫ અમેરિકન ડૉલર)નું બજેટ બાંધી આપવામાં આવ્યું છે. આ પૈસામાંથી તેણે બિલાડીઓને ખવડાવાથી માંડીને તેમને આનંદિત રાખવા સાઇકલની આગળ બાસ્કેટમાં બેસાડી બિલાડીઓને શહેરની સહેલગાહ કરાવવાની તૈયારી રાખવી પડશે. જોકે, સ્વેતલાનાએ તો અત્યારથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે નગરની દરેક બિલાડીને ખુશ રાખવા માટે તે એકલી પહોંચી વળે તેમ નથી. જોઈએ હવે સ્વેતલાનાથી ત્યાંની બિલાડીઓ કેટલી ખુશ રહે છે!!!
————————-

ટેક્સાસમાં દેખાયો રાક્ષસી કરોળિયો
અમેરિકાના ટેક્સાસ રાજ્યનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં નજરે પડતા એક કરોળિયાનું કદ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. ટેક્સાસ રાજ્યમાં આવા રાક્ષસી કરોળિયા ખરેખર અસ્તિત્વ ધરાવતા હશે કે કેમ? તેને લઈને ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે. આ વીડિયોમાં રાક્ષસી કરોળિયો ટ્રાફિક પોલીસના ઓફિસર પર હુમલો કરવા સજ્જ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અમેરિકામાં પોલીસ વાહનોના ડેશબોર્ડ પર કેમેરા રાખવામાં આવતા હોય છે. જેના કારણે દરેક બનાવનું વીડિયો રેકોર્ડિંગ થતું રહેતું હોય છે. સંદિગ્ધ ઘટનાઓમાં પોલીસ પાસે પુરાવા રહે તે માટે આવા કેમેરા રખાતા હોય છે, પરંતુ ઘણીવાર આવા કેમેરાઓમાં થતાં રેકોર્ડિંગને અલગ જ પ્રકારે રજૂ કરવામાં આવે છે. ટેક્સાસના ફ્લશરમાં એક ટ્રાફિકના પોલીસ ઓફિસર તાજેતરમાં રસ્તા પર વાહન ચેકિંગમાં હતા. તેમની પાછળ અન્ય એક પોલીસ વાહન પણ હતું. આ સમયે એક રાક્ષસી કદનો કરોળિયો તે ઓફિસર પર હુમલો કરવા ટાંપીને બેઠો હતો. આ આખી ઘટના પાછળ રહેલા અન્ય પોલીસ વાહનના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ ગયો હતો. ફ્લશર પોલીસ વિભાગે જ્યારે આની તપાસ કરાવી ત્યારે ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હકીકતમાં તે કરોળિયો રાક્ષસી કદનો નહોતો અને સામાન્ય જ હતો, પરંતુ તે કરોળિયો પોલીસ વાહનના કાચ પરથી પસાર થતો હતો ત્યારે કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયોમાં જોતાં તે કરોળિયો રાક્ષસી કદનો દેખાતો હતો. આમ આ ઘટના હાસ્યાસ્પદ પુરવાર થઈ હતી.
————————-

૩૦૦ વર્ષ પ્રાચીન ડેવિલ લેટરનું રહસ્ય ખૂલ્યું
૩૦૦ વર્ષ અગાઉ લખવામાં આવેલા ‘ડેવિલ લેટર’નું રહસ્ય હવે ઉજાગર થયું છે. શયતાન દ્વારા લખાયેલો આ પત્ર હકીકતમાં સિસિલીની એક નને લખ્યો હતો. આ પત્રનો અનુવાદ કરી તેમાં રહેલું રહસ્ય ઉજાગર કરવામાં આવ્યું છે. ૧૬૭૬ની સાલમાં સિસિલી ટાપુની ‘પાલ્મા દી મોન્ટેચિરો’ કોન્વેન્ટમાં સિસ્ટર મારિયા નામની એક નનના શરીરમાં શયતાને વાસ કરી લીધો હતો. પ્રાચીન કથાઓ પ્રમાણે સિસ્ટર મારિયા એક દિવસ સવારે ઊઠી ત્યારે તેનું શરીર શાહીથી ખરડાયેલું હતું. તેણે આખી રાત પત્ર લખ્યો હતો. મારિયા ૧૫ વર્ષની હતી ત્યારથી આ કોન્વેન્ટમાં રહેતી હતી. એવું કહેવાય છે કે જ્યારે તેણે આ પત્ર લખ્યો હતો ત્યારે તે ધ્રૂજતી હતી અને ચીસો પાડતી હતી. આવી વિચિત્ર અવસ્થામાં તેણે પત્રમાં નોંધ લખી હતી. ૩૦૦ વર્ષ પહેલાં લખવામાં આવેલો આ પત્ર વિચિત્ર પ્રાચીન મૂળાક્ષરોમાં લખાયો હોઈ તેમાં શું લખ્યું હતું તેની કોઈને સમજ પડતી ન હતી, પરંતુ હવે આ પત્રમાંની કેટલીક નોંધ ઉકેલવાનું કામ ઇટાલીમાં આવેલા લ્યુડમ સાયન્સ સેન્ટરે કર્યું છે. સેન્ટરના ડાયરેક્ટર ડેનિયલ અબેટે જણાવ્યું કે, ‘પત્રમાં ઈશ્વર અને પવિત્ર આત્માનો ઉલ્લેખ થયેલો છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે ઈશ્વરનું સર્જન માણસે કર્યું છે. તેમાં સ્ટાઇક્સ નામની નદીનો પણ ઉલ્લેખ થયેલો છે.’ ડેનિયલના કહેવા પ્રમાણે સિસ્ટર મારિયા સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હશે તેવું માની શકાય અને તેણે આ જ અવસ્થામાં ૩૦૦ વર્ષ અગાઉ લખેલો પત્ર ‘ડેવિલ લેટર’ તરીકે પછીથી પ્રચલિત થયો હતો.
————————-

સહરાના રણમાંથી એટલાન્ટિસ સિટી મળ્યું
સહરાના રણમાં દટાઈને ખોવાઈ ગયેલું પ્રાચીન એટલાન્ટિસ સિટી મળી આવ્યું છે. ગુમ થયેલા આ સિટીની રણની મધ્યમાંથી ખોજ થઈ છે. પ્રાચીન દંતકથાઓ મુજબ આખોય ટાપુ એક જ દિવસમાં દરિયામાં સમાઈ ગયો હતો અને ત્યારથી તે ધરતીમાં ધરબાયેલો પડ્યો હતો. ખોવાયેલા એટલાન્ટિસ સિટીનું શું થયું હતું તે અંગે આજ સુધી રહસ્ય જ રહ્યું છે, પરંતુ હવે સિદ્ધાંતકારીઓના દાવા પ્રમાણે તેમણે ગુમ થયેલા આ રહસ્યમયી ટાપુને શોધી કાઢ્યો છે. એટલાન્ટિસ સિટીનું નામ ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો સાથે જોડાયેલું છે. દંતકથાઓ મુજબ એટલાન્ટિસ ટાપુ દરિયામાં સમાઈ ગયો હતો અને ત્યાર બાદ ગાયબ થઈ ગયો હતો. ત્યારથી લઈને આજદિન સુધી આ પૌરાણિક શહેરની શોધખોળ ચાલતી હતી. સંશોધનકારો સેન્ટોરિની, સિસિલી અને માલ્ટાથી લઈને ક્રિટે અને સાયપ્રસ સુધીનાં લોકેશનો નક્કી કરી ગુમ થયેલા આ શહેરની ખોજ ચલાવી રહ્યા હતા. દરમિયાન આફ્રિકાના સહરાના રણમાંથી આ શહેરનું લોકેશન મળ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ એ જ ગુમ થયેલું એટલાન્ટિસ સિટી જ છે. સહરાના રણમાં ‘રિચાટ સ્ટ્રક્ચર’ નામે એક વર્તુળાકાર કુદરતી સંરચના છે, જે સહરાના રણની આંખ તરીકે ઓળખાય છે. આ વિચિત્ર વર્તુળાકાર સંરચના અવકાશી લઘુગ્રહની ટક્કરથી ઉદ્ભવી હોવાનું મનાય છે, અલબત્ત આ ઘટના સાચી હોવાના ઠોસ પુરાવા ઉપલબ્ધ નથી. આ લઘુગ્રહની ટક્કરથી એટલાન્ટિસ લુપ્ત થયાની થિયરીઓ પણ છે. હાલમાં આ પ્રાચીન એટલાન્ટિસ સિટી વિશે વૈજ્ઞાનિકોનાં સંશોધનો જારી છે.
————————-

મ્યુઝિયમમાંથી જીવ-જંતુઓની ચોરી!
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલા મ્યુઝિયમમાંથી હજારોની સંખ્યામાં જીવ-જંતુઓ, જીવાત તેમજ કરોળિયાઓની ચોરી થયાનો વિચિત્ર બનાવ બન્યો છે. એક અંદાજ મુજબ જે જીવ-જંતુઓની ચોરી થઈ છે તેનું મૂલ્ય લગભગ ૫૦,૦૦૦ અમેરિકન ડોલર આંકવામાં આવ્યું છે. ફિલાડેલ્ફિયા સિટીના જીવ-જંતુઓ માટેના વિખ્યાત મ્યુઝિયમ ‘ઇન્સેક્ટેરિયમ એન્ડ બટરફ્લાય પેવેલિયન’માંથી ૭,૦૦૦ જેટલા જીવોની ચોરી થઈ છે. જેમાં કેટલાક ખૂબ ઝેરી પ્રજાતિના કરોળિયાઓનો પણ સમાવેશ થાય છે. ચોરો આ મ્યુઝિયમના ૯૦ ટકા જીવ-જંતુ ચોરી ગયા છે. આમાં કેટલાક જીવ તો ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આમાં છ આંખોવાળા ‘સેન્ડ સ્પાઇડર’નો એક ડંખ ભોગ બનનારના શરીરના ૨૫ ટકા ભાગમાં સડો કરી દેવા માટે પૂરતો છે. મ્યુઝિયમના સીઇઓ જ્હોન કેમ્બ્રિજે જણાવ્યું કે, ‘ચોરાયેલા જીવ-જંતુઓની કિંમત ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ હજાર અમેરિકન ડૉલરની આસપાસ હોવાનો પ્રાથમિક અંદાજ છે. જેમના પર આ ચોરીની આશંકા છે તે શખ્સો અગાઉ આ મ્યુઝિયમમાં કામ કરતા હતા અને તેમને કેટલાંક કારણોસર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. કોણ કોણ આ ચોરીમાં સામેલ છે તેની પણ અમને ખબર છે. અમે તેમના ચહેરા સીસીટીવી કેમેરા દ્વારા ઓળખી લીધા છે. ચોરી કર્યા પછી તેઓ ખાલી બોક્સ અહીં મૂકતા ગયા છે.’ મ્યુઝિયમને ફરીથી શરૃ કરવા માટે સત્તાવાળાઓએ ફંડ એકઠું કરવા માટે સોશિયલ મીડિયામાં ‘ગો ફંડ મી’ નામે અભિયાન પણ શરૃ કર્યું છે. જીવ-જંતુઓની અજીબોગરીબ દુનિયાનો પરિચય કરાવતા આ મ્યુઝિયમને ફરી શરૃ કરવા માટે લોકો પણ આગળ આવી રહ્યા છે.
——————————————.

ક્લાઈમેટ ચેન્જના નિરીક્ષણમાં શેવાળ ઉપયોગી
ભારતીય વૈજ્ઞાનિકોએ તાજેતરના એક અભ્યાસમાં અરૃણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં મળી આવતી શેવાળની ૧૨૨ પ્રજાતિઓને સૂચિબદ્ધ કરી છે. આ પૈકીની ૧૬ શેવાળ પ્રજાતિઓનો ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનની દેખરેખ માટે જૈવ સંકેતક-બાયોઇન્ફોર્મેટિક્સના સ્વરૃપે ઉપયોગ કરી શકાય છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનને લઈને ચિંતાનું મોજું પ્રવર્તે છે તેવા સમયે આ અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. તવાંગનું નાગુલા સરોવર, પીટીએસઓ સરોવર અને મંગલમ ગોમ્પાના સર્વાેચ્ચ શિખરો પર વિસ્તૃત સર્વેક્ષણ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ શેવાળના અઢીસોથી વધારે નમૂના એકત્રિત કર્યા છે. નિરીક્ષણનાં આ ક્ષેત્રોને શેવાળના વિતરણ અને જૈવ વિવિધતાના લાંબા ગાળાના અભ્યાસ માટે અનુક્રમે ૩૦૦૦, ૩૫૦૦ અને ૪૦૦૦ મીટરની ઊંચાઈ પરના કાયમી સ્થળોના સ્વરૃપે વિકસિત કરવામાં આવ્યાં છે. આ ક્ષેત્રો ઉપરાંત તવાંગ મોનેસ્ટ્રી અને સેલા દર્રે આસપાસના વિસ્તારોમાંથી નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આબોહવા અને પર્યાવરણમાં થનારા ફેરફારો માટે સંવેદનશીલ હોવાના કારણે વિવિધ શેવાળ પ્રજાતિઓને નિવસન તંત્રના અસરકારક જૈવ-સંકેતક માનવામાં આવે છે. શેવાળોના નિરીક્ષણ થકી પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલા પર્યાવરણીય ફેરફારોને સંબંધિત જાણકારીઓ મેળવી શકાય છે અને આ સંબંધિત આંકડાઓનો ભવિષ્યના નિરીક્ષણ કાર્યક્રમોમાં પણ ઉપયોગ કરી શકાય છે. લખનૌના નેશનલ બોટનિકલ રિસર્ચ સેન્ટર, અમદાવાદના ઇસરોનું સ્પેસ રિસર્ચ સેન્ટર અને ઇટાનગરમાં સ્થિત નોર્થ ઇસ્ટર્ન રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલું આ સંશોધન રિસર્ચ જર્નલ ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ’માં પ્રસિદ્ધ થયું છે. આ સંશોધન સાથે જોડાયેલા શોધકર્તા ડો. ડી.કે. ઉપ્રેતીએ જણાવ્યું કે, ‘કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જીવિત શેવાળ સમુદાયની સંરચના થકી એ ક્ષેત્રની આબોહવાની સ્થિતિ વિશે જાણી શકાય છે. શેવાળની સંરચનામાં ફેરફારથી હવાની ગુણવત્તા, આબોહવા અને જૈવિક પ્રક્રિયાઓમાં આવેલા પરિવર્તનની ખબર પડે છે.’ તવાંગનું શેવાળ વૈવિધ્ય સંશોધન એ ઇસરોના હિમાલયી અલ્પાઇન નિવસન તંત્રમાં આબોહવા પરિવર્તન દેખરેખના કાર્યક્રમનો એક ભાગ છે.
————————-

ઇંગ્લેન્ડના ગામમાં વિચિત્ર અવાજોથી દહેશત
ઇંગ્લેન્ડના એક નાનકડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ગ્રામજનોને બાળકોના વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા હોઈ ગામમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પારલૌકિક અવાજમાં કોઈ બાળક નર્સરીની કોઈ જૂની કવિતા ગાઈ રહ્યું હોય તેવા અવાજ સંભળાતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આના કારણે ઇપ્સવીચ ગામમાં વિચિત્ર માહોલનું નિર્માણ થયું છે. ગામના એક રહીશે જણાવ્યું કે, ‘જ્યારે મેં તે અવાજ પ્રથમવાર સાંભળ્યો હતો ત્યારે મને લાગ્યું કે મેં મારી જિંદગીની સૌથી ભયાનક વસ્તુનો અનુભવ કર્યાે છે. આ ઘટના પછી મને તરત જ તાવ ચઢી ગયો હતો અને હું બીમાર પડી ગયો હતો.’ આ અવાજ સાંભળનારા ગામના અન્ય એક રહીશ એલિસ રેન્ડલે જણાવ્યું કે, ‘તે અવાજ સાચે જ ડરામણો છે.’ જોકે, આ રહસ્યમયી અવાજ વિશેની હકીકત જ્યારે જાણવા મળી ત્યારે ગ્રામજનો દંગ રહી ગયા હતા. ગામમાં આવેલા એક વેરહાઉસમાં મોશન એક્ટિવેટેડ સિક્યોરિટી સિસ્ટમ લગાડવામાં આવેલી હતી. રાત્રીના સમયે કરોળિયાઓ આ સિસ્ટમ પરથી પસાર થાય કે તરત જ રેકોર્ડ કરેલો અવાજ શરૃ થઈ જતો હતો. આમ રાત્રિ દરમિયાન વારંવાર બાળક ગાતું હોય તેવો વિચિત્ર અને ડરામણો અવાજ ગ્રામજનોને સાંભળવા મળતો હતો. હકીકતમાં તે વેરહાઉસના માલિકે ચોરીની ઘટનાઓ ટાળવા આવી તરકીબ અજમાવી હતી. બીજી તરફ આના કારણે ગ્રામજનો હેરાન-પરેશાન થઈ ઊઠ્યા હતા.
————————-

ખિસકોલીઓને બચાવવા રેસ્ક્યુ ઑપરેશન
અમેરિકામાં વિસ્કોનસીન સ્ટેટના મિલવૌકી સિટીમાં પાંચ જેટલી ખિસકોલીઓ એકબીજા સાથે પૂંછડીએથી બંધાયેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક તેમનું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ખિસકોલીઓની પૂંછડીઓમાં ઘાસ અને પ્લાસ્ટિકની પટ્ટીઓની ગૂંચ પણ જોવા મળી હતી. સદ્નસીબે એક રાહદારીની તેમના પર નજર પડી હતી. આથી તેણે તરત જ મિલવૌકીમાં સ્થિત વિસ્કોનસીન હ્યુમન સોસાયટીના વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરને જાણ કરી હતી. સેન્ટરના સત્તાવાળાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જોયું તો પાંચેય ખિસકોલીઓ પીડાથી આક્રંદ કરતી હતી. ખિસકોલીઓની પૂંછડીઓ એકબીજા સાથે એટલી હદે ગૂંચાઈ ગયેલી હતી કે કઈ ખિસકોલીની પૂંછડી ક્યાં છે તે શોધવામાં રેસ્ક્યુ વર્કર્સ જ અટવાઈ ગયા હતા. આ ખિસકોલીઓને છૂટી પાડવા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમે તેમને એનેસ્થેશિયા આપીને બેભાન કરવી પડી હતી. આ પછી મહામુસીબતે પાંચેય ખિસકોલીઓની પૂંછડીઓને અલગ કરી તેમને પીડામાંથી મુક્તિ અપાવી હતી. રેસ્ક્યુ ટીમના એક સદસ્યએ જણાવ્યું કે, સંતુલન જાળવવા અને ઠંડીમાં હૂંફ મેળવવા પ્રાણીઓને તેમની પૂંછડી કામ લાગતી હોય છે. ખિસકોલીઓની પૂંછડીમાંથી રક્તપ્રવાહ વહેતો હોય છે. આથી સહેજ પણ ગફલત થાય તો તેમના જીવને જોખમ ઊભું થાય તેમ હતું. સદ્નસીબે પાંચેય ખિસકોલીઓને બચાવી લેવાઈ છે અને હાલ તેમને વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવી હોવાનું સેન્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું.
————————-

પ્લાસ્ટિક ટનલ આકર્ષણનું કેન્દ્ર
ઇંગ્લેન્ડના બ્યુડ ટાઉનમાં આવેલા એક સુપરમાર્કેટસ્થિત પ્લાસ્ટિક ટનલે પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે. દૂર દૂરથી પ્રવાસીઓ આ પ્લાસ્ટિક ટનલને જોવા આવી રહ્યા છે. આ લાંબી પ્લાસ્ટિક ટનલ બ્યુડ ટાઉનનું ટોપ ટ્રાવેલ ડેસ્ટિનેશન બની ગયું છે. પ્લાસ્ટિક ટનલ સહેલાણીઓમાં પણ ખાસ્સી ફેવરિટ બની ચૂકી છે. દરિયાકિનારે આવેલું ઇંગ્લેન્ડનું બ્યુડ ટાઉન તેનાં વિવિધ આકર્ષણો માટે જાણીતું છે, પરંતુ હાલમાં અહીંના સુપરમાર્કેટ ખાતે ઊભી કરવામાં આવેલી પ્લાસ્ટિક ટનલને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. આ ટનલને જોવા આવતા કેટલાક પ્રવાસીઓ તેને ‘મોડર્ન તાજ મહાલ’ તરીકે નવાજી રહ્યા છે. બ્યુડ ટાઉનમાં આવેલા સેઇન્સબરી સુપરમાર્કેટ ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકોને ખરાબ હવામાનની સ્થિતિમાં જવા-આવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્લાસ્ટિકની ટનલ ઊભી કરીને એક વૉકવૅ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પછી તો લોકો આ પ્લાસ્ટિકની ટનલને જોવા આવવા લાગ્યા હતા અને તેમાં ટહેલવાનો આનંદ માણવા લાગ્યા હતા. સુપરમાર્કેટના કાર પાર્કિંગથી લઈને છેક મેઇન રોડ સુધીની આ પ્લાસ્ટિક ટનલ ૭૦ મીટર જેટલી લાંબી છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ પ્લાસ્ટિક ટનલના ફોટા ખૂબ શેર થઈ રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ તો અહીં સેલ્ફી લેતા પણ જોવા મળે છે. પારદર્શી ટનલમાંથી પસાર થવાનો લહાવો માણવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. ટનલ જાણીતી થવા પાછળનું આ પણ એક જવાબદાર પરિબળ રહ્યું છે.
————————-

ઉત્તર ધ્રુવમાં ઇસરોનું પ્રથમ બેઝ સ્ટેશન સ્થપાશે
ભારતની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) તેના અવકાશ સંશોધન કાર્યક્રમો માટે ઉત્તર ધ્રુવ ખાતે પોતાનું સર્વપ્રથમ બેઝ સ્ટેશન ઊભંુ કરવા જઈ રહ્યું છે. ઉત્તર ધ્રુવમાં ચારેકોર બરફાચ્છાદિત સ્થળે એકાંત જગ્યાએ સંશોધન કાર્યક્રમો માટેની ઇસરોની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં થોડો સમય જરૃર લાગી શકે તેમ છે. કેમ કે, અહીં બેઝ સ્ટેશન ઊભંુ કરવા માટે કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડે તેમ છે. મહત્ત્વની જાણકારીઓ ઉપલબ્ધ કરાવતા પૃથ્વીના નિરીક્ષણ ઉપગ્રહોનો ઇસરોના મહત્ત્વાકાંક્ષી અને સ્વદેશી ઇન્ડિયન રિમોટ સેન્સિંગ (આઇઆરએસ) સેટેલાઈટ કાર્યક્રમોમાં સમાવેશ થાય છે. આ કાર્યક્રમો પર દેખરેખ રાખવા માટેની નોડલ એજન્સી તરીકે હૈદરાબાદનું નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) કાર્યરત છે.

ડિઝાસ્ટર મૅનેજમૅન્ટને નિર્ણયાત્મક સહાય પૂરી પાડવાથી લઈને ડેટા એકઠો કરવાનું અને તેના પ્રોસેસિંગનું, એરિયલ રિમોટ સેન્સિંગ તેમજ ડેટાના પ્રસારણને લગતી જવાબદારીઓ નિભાવવાનું કામ એનઆરએસસી કરે છે. હાલમાં ધ્રુવીય સૂર્ય-સમકાલીન(સિંક્રોનસ) ભ્રમણકક્ષામાં અગિયાર ઉપગ્રહો કાર્યરત છે. દુનિયામાં આજે નાગરિક ઉપયોગ માટેનો આ સૌથી મોટો રિમોટ સેન્સિંગ ઉપગ્રહ નક્ષત્ર કાર્યક્રમ છે. આઇઆરએસની કાર્યપ્રણાલીમાં વધારો કરવાના હેતુસર ઉત્તર ધ્રુવ ખાતે પોતાનું સર્વપ્રથમ ગ્રાઉન્ડ સ્ટેશન ઊભું કરવાનો ઇસરોએ નિર્ણય કર્યાે છે. ઇસરો પાસે પહેલેથી જ બે ગ્રાઉન્ડ સ્ટેશનો છે. એક છે શાદનગર ખાતે આવેલું ‘ઇમજીઓસ’ અને બીજું એન્ટાર્કટિકામાં ‘એજીઓસ’ નામનું સ્ટેશન આવેલું છે. ૧૪-ઓર્બિટની ભ્રમણકક્ષાના વિસ્તારને પહોંચી વળવા માટેનો ઉદ્દેશ પાર પાડવાના હેતુસર આ ગ્રાઉન્ડ સ્ટેશનનું મહત્ત્વ એ રીતે પણ વધી જાય છે. આ ગ્રાઉન્ડ સ્ટેશન કાર્યરત થશે ત્યારે સમાન ભ્રમણકક્ષાનો સંપૂર્ણ ડેટા ડાઉનલોડ કરી શકવાની અને તે ડેટાને શાદનગરના ગ્રાઉન્ડ સ્ટેશને ટ્રાન્સફર કરી શકવાની સુવિધા ઊભી થશે. ઉત્તર ધ્રુવ ખાતે આ ગ્રાઉન્ડ સ્ટેશન ઊભું કરવામાં પડકારોનો સામનો કરવો પડે તેમ છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય સ્તરેથી મંજૂરીઓ મેળવવી પડશે. ઉત્તર ધ્રુવના કઠોર હવામાનમાં હાર્ડવેરનું ઇન્સ્ટોલેશન કરવું એ ખૂબ જ અઘરું કાર્ય ગણાય છે. છતાં ઇસરોએ આ પડકારને પૂરો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે છે.
————————-

વિદેશના સમાચારવિશ્વવૃત્ત
Comments (0)
Add Comment