- રાજકાજ
જમ્મુ-કાશ્મીરની પંચાયત ચૂંટણી પછીના પ્રશ્નાર્થો
જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી એ લોકતંત્ર માટે કેટલી ઉપકારક ગણી શકાય એ ચર્ચાનો વિષય બની શકે એવાં તેનાં પરિણામ અને તારણો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીર ખીણના વિસ્તારને બાદ કરીને વિચારવામાં આવે તો ચૂંટણી ઘણી સારી રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થઈ એવું કહેવું પડે અને કાશ્મીર ખીણ પ્રદેશની ચૂંટણી પ્રક્રિયાને જોવામાં આવે તો તેને ચૂંટણી કહી શકાય કે કેમ એવો પ્રશ્ન થાય. કેન્દ્ર સરકારની જીદ અને આગ્રહ આ ચૂંટણી યોજવાનો હતો. ઉગ્રવાદી સંગઠનો તો કોઈ પણ ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે એટલે તેમના બહિષ્કારને કોઈ ગંભીરતાથી લેતું નથી, પરંતુ આ વખતે આ બહિષ્કારમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પ્રાદેશિક રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા પક્ષોએ પણ બહિષ્કાર કર્યો અને એ માટે કલમ-૩૫ (એ) નાબૂદ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારના વલણની સ્પષ્ટતાના મુદ્દે આ બહિષ્કાર કરાયો હતો. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ કલમ રદ કરવા સામે એ પક્ષોનો વિરોધ છે. સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ મુદ્દે સરકારના વલણની સ્પષ્ટતા કરી નથી. પ્રાદેશિક પક્ષો અને ઉગ્રવાદી સંગઠનોને દહેશત છે કે સરકાર તેને રદ કરવાની દિશામાં આગળ વધી શકે છે. અલબત્ત, આ પક્ષોના બહિષ્કાર પર ઉગ્રવાદી સંગઠનોના દબાણની અસર હોવાની શક્યતા પણ છે તો આ પ્રાદેશિક પક્ષોના બહિષ્કારની અસરને કારણે જ કાશ્મીર ખીણમાં આ ચૂંટણી ફારસ જેવી બની રહી છે. એક જ રાજ્યના બે પ્રદેશોની તદ્દન વિરોધાભાસી તસવીર આ ચૂંટણી દરમિયાન જોવા મળી છે. આ રીતે એક રાજ્ય શાસન અંતર્ગત બે કહેતાં લડાખ સહિત ત્રણ પ્રદેશોને સાથે રાખવાનો મતલબ શું છે એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ભાગ લીધો હતો. જમ્મુ ક્ષેત્રમાં આ ચૂંટણીમાં સરેરાશ એંશી ટકા મતદાન થયું હતું, પરંતુ કાશ્મીર ખીણ પ્રદેશમાં માત્ર ૪.૨૭ ટકા મતદાનની સરેરાશ આવી છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પક્ષો ચૂંટણીથી અલિપ્ત હોય એ સ્થિતિમાં સ્થાનિક લોકોને પસંદ એવા વિકલ્પો જ તેમની સામે ન હોય એવી પરિસ્થિતિમાં લોકોએ મતદાન કેન્દ્ર સુધી આવવાની તસ્દી જ લીધી નહીં એવું એક તારણ કાઢી શકાય. અન્યથા અગાઉ પણ ઉગ્રવાદી સંગઠનોના બહિષ્કાર વચ્ચે લોકો મતદાન કરવા આગળ આવતા રહ્યા છે. આટલા ઓછા મતદાનમાં ચૂંટાઈ આવેલા ઉમેદવારો ચૂંટાયેલા તો ગણાશે, પરંતુ તેમના જનાધાર વિશે તો સંદેહ જ રહેશે. કાશ્મીર ખીણ પ્રદેશમાં કોંગ્રેસનો દેખાવ સ્વાભાવિક જ સારો રહ્યો છે, પરંતુ આટલા ઓછા મતદાનમાં કોંગ્રેસ વિજયનું ગૌરવ લઈ શકે એવી સ્થિતિમાં નહીં હોય. કાશ્મીર ખીણ પ્રદેશની ચૂંટણી કેવી રહી એ જાણવા કેટલીક વિગતો પર નજર કરવા જેવી છે. જેમ કે આ ક્ષેત્રમાં આવતા દસ જિલ્લાની નગરપાલિકાઓમાં ૫૯૮ વોર્ડોમાંથી ૪૨૦ વોર્ડમાં મતદાન થયું જ નહીં, કોઈ આવ્યું જ નહીં મત આપવા. આ ૪૨૦ વોર્ડમાંથી ૧૮૪ વોર્ડમાં કોઈ ઉમેદવાર જ ઊભો રહ્યો નહીં.
આ સિવાયના ૨૩૬ વોર્ડમાં એકમાત્ર ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરી દેવાયા. આ રીતે કુલ ૨૫ નગરપાલિકાઓમાં મતદાન થયું જ નહીં. જ્યાં મતદાન થયું ત્યાં પણ અડધી બેઠકો તો ખાલી જ પડી છે. એટલે આ ચૂંટણીનો શું મતલબ- એવો પ્રશ્ન તો રહેવાનો. કાશ્મીરની બારામુલ્લા નગરપાલિકાના એક વોર્ડમાં ત્રણ મત પડ્યા. તેમાંથી કોંગ્રેસના ઉમેદવારને બે મત મળતાં તેને વિજયી જાહેર કરી દેવાયા હતા. ક્યાંક એવું પણ થયું કે અગાઉથી ઉમેદવારનાં નામ જાહેર ન કરાયાં અને મતદાનના દિવસે જ ઉમેદવાર કોણ છે એ સ્પષ્ટ કરાયું હતું. ઉમેદવારો પર ત્રાસવાદી ધમકી અને હુમલાની દહેશતને કારણે આવું કરાયું હોય એ શક્ય છે, પરંતુ કાશ્મીરની આ ચૂંટણી કેવી રીતે યોજાઈ એ સમજવા અને જાણવા માટે આવી વિગતો રસપ્રદ બની રહે છે.
————-.
તારિક અનવર કોંગ્રેસમાં જોડાશે ગુલામનબીની મૂંઝવણ વધી
કોંગ્રેસમાં આજકાલ ગુલામનબી આઝાદ ભારે મુશ્કેલી અને મૂંઝવણમાં છે. તેમની આ મૂંઝવણનું કારણ તારિક અનવર છે. તારિક અનવરે કોંગ્રેસના બારણે ટકોરા મારી રહ્યા છે. પક્ષપ્રમુખ રાહુલ ગાંધી ગમે ત્યારે તેમને માટે દરવાજા ખોલી શકે છે. ગુલામનબીને કોંગ્રેસમાં તેમની મહત્તાનો અસ્ત દેખાઈ રહ્યો છે. કદાચ આવી નિરાશામાં જ તેમણે ઉતાવળે એવું નિવેદન કરી નાખ્યું કે તેમના પક્ષના હિન્દુ ઉમેદવારો હિન્દુ મત ન મળવાની દહેશતમાં તેમને પોતાના ચૂંટણી પ્રચારમાં બોલાવતા નથી. અલબત્ત, હકીકત એ છે કે, ગુલામનબી ક્યારેય મુસ્લિમ મતોના ચેમ્પિયન રહ્યા નથી તેમ પક્ષ માટે બહુ મોટા ચૂંટણી પ્રચારક પણ ગણાયા નથી. ગાંધી પરિવારની
કૃપાદૃષ્ટિથી જ અત્યાર સુધી તેમનું રાજકારણ ચાલતું રહ્યું છે. એથી હવે પડદા પાછળની હિલચાલથી તેઓ બેચેન છે. એનસીપીના બળવાખોર નેતા તારિક અનવરની કોંગ્રેસમાં વાપસી થઈ રહી છે. પક્ષનાં વર્તુળો કહે છે કે રાહુલ ગાંધી તેમને પક્ષના મહામંત્રી બનાવવાની સાથોસાથ ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ બનાવવા પણ વિચારી રહ્યા છે. રાહુલ ગાંધીની રાજકીય શૈલી પર બારીક નજર રાખનારા લોકો જાણે છે કે કોંગ્રેસમાં જે કોઈ નેતાને એવો ભ્રમ થાય કે તેમને કારણે જ રાહુલ ગાંધીમાં પરિપક્વતા આવી છે એવા લોકોનું થોડા સમયમાં પતન થાય છે. તેમને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાય છે.
——————–.
રાફેલ, નાના પાટેકર, ‘મી ટુ’ ઝુંબેશ અને એમ.જે. અકબર
‘મી ટુ’ની ઝુંબેશે કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરનો સૌ પ્રથમ ભોગ લીધો છે અને આ ઝુંબેશનું રાજકીય ટાર્ગેટ મોદી સરકાર હતી એવું માનનારા ઘણા બધા એમ માને છે કે વિનોદ દુઆ કે જતીન દાસ અને એવા મોદી વિરોધી લિબરલ જમાતના લોકો પણ ‘મી ટુ’ના સપાટામાં આવી જતાં હવે આ ઝુંબેશ આટોપાઈ જશે. આ અનુમાનની વિપરીત બાજુની ધારણા એવી છે કે વાસ્તવમાં રાફેલના શોરબકોરને શાંત કરવા માટે ભગવા પાર્ટીએ ભારતમાં આ ઝુંબેશને પ્રોત્સાહન આપ્યું. આ ધારણાને આગળ ધપાવતાં એવી દલીલ પણ કરવામાં આવે છે કે, નાના પાટેકર તેમના અંગત આગ્રહ-પૂર્વાગ્રહને કારણે મહારાષ્ટ્રના વિદર્ભના ખેડૂતોના નવા તારણહાર તરીકે ઊપસી રહ્યા હતા અને વિદર્ભમાં ભાજપ માટે માથાનો દુઃખાવો બની રહ્યા હતા. એટલે બહુ શોધખોળ કર્યા પછી અમેરિકાથી તનુશ્રી દત્તાને ભારત લાવવામાં આવી. અભિનેત્રી તનુશ્રીએ ‘મી ટુ’નો શોર મચાવ્યો અને દેશની સંવેદના તેમને મળવાની સાથોસાથ નાના પાટેકર નાયકમાંથી પ્રતિનાયક બની ગયા. સમાચારોમાંથી રાફેલ ગાયબ થઈ ગયું. એ દરમિયાન એમ.જે. અકબરને રાફેલ મુદ્દે મોદી-શાહ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવાનો ઉત્સાહ જાગ્યો.
તેમણે દેશના એક અગ્રણી અખબારમાં એક લેખ લખ્યો જેનું શીર્ષક હતું – ‘ધેર ઈઝ નો અંકલ ક્વાત્રોચી ધીસ ટાઈમ’ આ લેખ, તેની ભાષા અને તેનું થિમ ગાંધી પરિવારને ખૂંચે એવું હતું. કહે છે કે સોનિયા ગાંધીએ તત્કાલ આ વાતને લક્ષમાં લીધી. સોનિયા એ બાબતે વ્યથિત થયાં હતાં કે અકબરને રાજકારણમાં લાવનારા દિવંગત રાજીવ ગાંધી જ હતા અને આજે અકબર એ ભૂલીને તેમની તરફ તીર ચલાવી રહ્યા હતા. ગાંધી પરિવારના નિકટના ગણાતા પત્રકાર રાશિદ કિડવાઈને યાદ કરવામાં આવ્યા. તેઓ ભોપાલ હતા, તેમને તત્કાલ દિલ્હી બોલાવવામાં આવ્યા. ઉતાવળે કોંગ્રેસની એક કોર ટીમની રચના કરવામાં આવી. પત્રકાર પ્રિયા રામાણી આગળ આવી. બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારના દબાણને કારણે તેમના પતિને હિન્દુસ્તાન ટાઈમ્સનું તંત્રીપદ છોડવું પડ્યું હતું. પ્રિયાએ અકબર સામે ‘મી ટુ’ની પહેલ કરી કે તરત જ એક પછી એક અકબર સાથે કામ કરી ચૂકેલી મહિલા પત્રકારોએ પણ તેમાં સૂર પુરાવ્યો અને અકબરને પ્રધાનપદ છોડવું પડ્યું. સરકારને એવા ગુપ્તચર અહેવાલો મળ્યા હતા કે પત્રકાર સરકાર સામે વ્યાપક દેખાવોની તૈયારી કરી રહ્યા છે. આવું કાંઈ બને એ પહેલાં જ પીએમઓ સક્રિય બન્યું અને અકબરનું રાજીનામું લઈ લેવાયું.
————————————–.