મોરબીનો ઘડિયાળ ઉદ્યોગમાં ડંકો

મોરબીમાં રોજની ર લાખ કરતાં વધુ ઘડિયાળો હાલ બની રહી છે.
  • મોરબી સ્પેશિયલ – -દેવેન્દ્ર જાની

દુનિયાભરમાં મોરબી ક્લોક સિટી તરીકે મશહૂર છે. વિશ્વના ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે. એક સમય એવો હતો કે જાપાન કે સ્વિત્ઝરલેન્ડથી ભારતમાં ઘડિયાળ આયાત થતી હતી આજે સ્થિતિ એવી છે કે પ૮ જેટલા દેશોમાં મોરબીની ઘડિયાળની નિકાસ થઈ રહી છે. આવો, મોરબીના ઘડિયાળ ઉદ્યોગના સમયના વહેણને જાણીએ…

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગના પાયા આમ તો આઝાદી પૂર્વે નંખાયા હતા. શરૃઆત સાયન્ટિફિક ક્લોકથી કરવામાં આવી હતી. મોરબીના ઘડિયાળ ઉદ્યોગના પાયામાં દયાળભાઈ મિસ્ત્રી અને તેમના પરિવારનું મુખ્ય યોગદાન રહેલું છે. મોરબીમાં સૌથી જૂનું સાયન્ટિફિક ક્લોકની ફેક્ટરી ૧૯૪૬માં શરૃ કરવામાં આવી હતી. ધીરે-ધીરે મોરબીનું નામ આ ઉદ્યોગમાં આગળ વધતંુ ગયું અને ૧૯૬પમાં ટ્રાન્ઝિસ્ટ ક્લોક બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી. તેમાં સફળતા મળતા સમયની માગ મુજબ લોલક વગરના ઘડિયાળ અને હવે સેલવાળા ડિજિટલ ઘડિયાળનું મોરબીમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં ઘડિયાળ ઉદ્યોગનો ડંકો વાગી રહ્યો છે. મોરબીના ઉદ્યોગની હરણફાળમાં અજંતા ગ્રૂપનો સિંહફાળો છે. ૧૯૭૧માં જ્યારે અજંતા ગ્રૂપના મોભી સ્વ.ઓધવજીભાઈ પટેલે જ્યારે આ બિઝનેસમાં ઝુકાવ્યું ત્યારથી મોરબીના ઘડિયાળ ઉદ્યોગે એક નવી ઓળખ ઊભી કરી છે. મોરબી અને આસપાસના વિસ્તારમાં આજે ઘડિયાળ ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ તરીકે વિકસ્યો છે. મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પ્રમુખ શશાંકભાઈ દંગી ‘અભિયાન’ને કહે છે, ‘હાલ મોરબી અને આસપાસના એરિયામાં આશરે ૧૪૦ જેટલા ઘડિયાળની ફેક્ટરીઓ છે અને આ ઉદ્યોગ એકલો આશરે રર હજાર લોકોને રોજગારી આપી રહ્યો છે.’

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે. આશરે ૧પ હજાર મહિલાઓ હાલ ઘડિયાળ ઉદ્યોગ થકી રોજગારી મેળવી રહી છે. આસપાસના ૩૦ કિ.મી.ના વિસ્તારમાંથી રોજી કમાવવા મહિલાઓ મોરબી આવી રહી છે. અજંતા ગ્રૂપમાં સૌથી વધુ મહિલાઓ રોજગારી મેળવે છે આ કન્સેપ્ટ પણ તેની દેન છે તેમ કહી શકાય, કારણ કે અજંતામાં ૯૦ ટકા કરતાં વધુ મહિલા કર્મચારીઓ છે.

મોરબીમાં રોજની ર લાખ કરતાં વધુ ઘડિયાળો હાલ બની રહી છે. જે પ્રોડક્શન થાય છે તેમાંથી મોટા ભાગનું એક્સપોર્ટ થાય છે. મોરબીના ઘડિયાળની વિશ્વભરમાં ડિમાન્ડ રહે છે તેનું કારણ એ છે કે સ્થાનિક ઉદ્યોગકારો ક્યારેય પણ ગુણવત્તા સાથે સમાધાન કરતા નથી. બીજું, આધુનિક ટૅક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દોઢ દાયકાથી એસો.ના પ્રમુખની જવાબદારી સંભાળી રહેલા શશાંકભાઈ કહે છે, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે અજંતા જેવા મોટા ગ્રૂપનો નાના કારખાનેદારોને ખૂબ સહયોગ મળી રહ્યો છે. મતલબ કે તંદુરસ્ત હરીફાઈ છે. ઉદ્યોગકારોમાં એકબીજાને મદદરૃપ થવાની ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે.’

કોઈ એક ઉદ્યોગકાર મુશ્કેેલીમાં હોય તો તેને બીજા મોટા ગ્રુપ સહયોગ આપીને બેઠો કરે છે એટલે એક પારિવારિક વાતાવરણમાં મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ હાલ વિકાસની કેડી પર આગળ વધી રહ્યો છે.

અજંતા –  ઓરેવા ગ્રૂપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ દરેકને સાથે લઈને એક મિશનના સ્વરૃપમાં કામ કરવામાં માને છે. આધુનિક ટૅક્નોલોજીની સાથે તાલ મિલાવી વધુ ને વધુ લોકોને રોજગારી આપવાની દિશામાં મહિલાસશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ તેમનું એકમ બન્યું છે. આશરે પ હજાર મહિલાઓને અજંતા ગ્રૂપમાં એકલામાં રોજગારી મળી રહી છે.
——————————————.

ઘડીયાળ ઉદ્યોગમોરબી
Comments (0)
Add Comment