પ્રેમ કરવાની નિરાંતવેળા મળે, ન મળે…

પ્રેમ કરવા માટેનો સમય પરિવારમાં દરેક સભ્યની આધારશિલા છે.
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પ્રેમના કેટલાક શ્રેષ્ઠ આવિષ્કારોમાં સાંનિધ્ય પણ છે

કોઈ જ કામકાજ વિના સાવ નવરાશની વેળાએ જે દંપતી પાસપાસે સાવ અમથા જ બેસીને એકબીજાનું સાયુજ્ય માણી ન શકે એમના દામ્પત્યમાં પ્રણયનો દુષ્કાળ હોય છે. પ્રેમના કેટલાક શ્રેષ્ઠ આવિષ્કારોમાં સાંનિધ્ય પણ છે. આપણે મંદિરમાં જઈએ છીએ તો પ્રભુને મળવા. પ્રભુની મૂર્તિના સાંનિધ્યનું સુખ સત્ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કહેવાયું છે. જીવનસાથી ક્યાં પ્રતિમા છે? એ તો જીવંત અને સાક્ષાત્ છે, એના સાંનિધ્યનું સુખ લેતાં ન આવડે તો ચાર ફેરા ફોગટ છે. કેટલાંક દંપતીઓ કે જેઓ સંયુક્ત પરિવારોમાં છે તેઓની તો બાઈકસવારી પણ બગીચાનો બાંકડો બની જાય છે. બાઈકમાં એક સગવડ છે, ચાલક પતિદેવના કાનમાં ટહુકો થઈ શકે છે. પરસ્પર પ્રણયમગ્ન યુગલની વાતોનો તો અંત જ આવતો નથી ને એમાં જ વ્યાવહારિક અને મસ્તીની બંને વાતો સંમિલિત થઈ જાય છે, એની સામે એવા દંપતીઓ પણ છે કે જેઓ ઘરે આમ એકલા અને આમ બેકલા હોય ત્યારે તેઓનું પારસ્પરિક આકર્ષણ ઝીરો ડિગ્રી એન્જોય કરતું હોય છે. તેઓનું આયુષ્ય ઘણુક બાકી હોવા છતાં તેઓનું દામ્પત્ય પૂર્ણ થઈ ગયું હોય છે, એને કારણે તેઓના ચહેરા પર એવી ભાવશૂન્યતા છવાઈ જાય છે કે આંગણે આવેલા અતિથિને ડઘાઈ જઈને પૂછવાનું મન થાય છે કે પરિવારમાં કોઈ ઓછું તો થયું નથી ને?

બહુ બધું શીખવાની ધૂનમાં ક્યારેક સુખ લેતાં શીખવાનું બાકી રહી જાય છે. જે યુગમાં અત્યારે આપણે જીવીએ છીએ એ યુગની સૌથી મોટી દુર્ઘટના એ છે કે સુખ લેતાં આવડતું નથી. એનાં કારણો અનેક છે અને એવાં કારણોની યાદી પણ બહુ લાંબી છે, ભલે આનંદી કાગડાની હદે આપણે દુઃખમાંથી પણ સુખ ન લઈએ, પરંતુ સુખમાંથી તો સુખ લેતાં રહીએ! કેટલાક ખેડૂતો અને વેપારીઓ પણ આ અંગે વગોવાયેલા છે, સારામાં સારું વરસ હોય કે ધીકતો વણજ હોય ત્યારેય તેઓ કહે છે કે આજકાલ મંદી ચાલે છે! તેઓ નફ્ફટ રીતે અસત્ય ઉચ્ચારે છે. સત્ય નારાયણની કથામાં એ વાત આવે જ છે કે વહાણમાં ખજાનો હતો ત્યારે માલિકે કહ્યું કે, પાંદડાં છે અને પછી એનાં પાંદડાં જ ખરેખર થઈ જાય છે. દામ્પત્યમાં એક નહીં, હજાર સુખ છે, પણ એ સહુ માટે નથી, જેને લેતાં આવડે એને માટે જ છે.

કદંબના છાંયે બેસીને બંસી વગાડતી વેળાએ કૃષ્ણની આંખોએ રાધાના પ્રેમાળ દર્શનથી જે અમૃત આત્મસાત કર્યું એ જ એની સ્વરાવલિમાં સમગ્ર વૃંદાવનમાં પવનની લહેરે લહેરે વહેતું થયું. નજર સામેના સૌન્દર્ય વિધાનને વીસરીને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાથી શું મળવાનું છે? કૃષ્ણ પાસે પ્રેમ અભિવ્યક્ત કરવાનો, અભિવ્યક્ત પ્રેમ સ્વીકારવાનો અને નિરંતર પ્રેમમાં અંઘોળ કરવાનો પૂરતો સમય છે. રાધાના હોઠ પર મૂકેલી આંગળી પછીથી બંસી પર ને એના પછી સુદર્શન ચક્ર ધરવા સુધી પહોંચે છે તે ગતિના આરંભમાં તો નિબિડ એકાંતે ઘૂંટાયેલો નિતાંત પ્રેમ અને માત્ર પ્રેમ છે.

રામ મર્યાદા પુરુષોત્તમ છે. સીતાના સાંનિધ્યમાં પણ તેઓ પરમ સૌજન્યમૂર્તિ તરીકે વ્યક્ત થાય છે. પ્રેમનું એક અવ્યક્ત અને ગોપિત સ્વરૃપ રામ-સીતાનું દામ્પત્ય છે. શ્રીમદ્ ભાગવતમાં ક્યાંય રાધાનો ઉલ્લેખ નથી. રાધા પછીથી પ્રજાએ ઉમેરી આપેલું પાત્ર માનવામાં આવે છે. માટે રાધા લોકનાયિકા છે. કૃષ્ણ યુગનાયક છે. રાધાના બહાને પ્રજાની રમણીય ભુજાઓ કૃષ્ણના ગળે વીંટળાઈને મોરપિચ્છધર શ્યામને આત્મસાત્ કરે છે. શ્યામ હોય તે કદી સુંદર ન હોય અને સુંદર હોય તેને તો શ્યામ કહેવાય જ નહીં. ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં શ્યામસુંદર બિરાજમાન છે અને લોકહૈયાના આસન પર છે. પ્રેમ જે સ્વયંના હૃદયમાંથી પ્રગટે અને પ્રેમ જે સાંનિધ્યભાવે ઝરમર વર્ષા સરીખી ધારાએ હૃદયમાં ઊંડે ઊતરે તે જ શ્યામને સુંદર કરી આપે છે. જિંદગીમાં ડાર્કનેસ કંઈ ઓછી છે? અંધકારનો ઘેરાવો હોય છે, પરંતુ જેના હૃદયમાં પ્રેમાજવાસ છે, તે હૃદય સ્વયમેવ ઉજ્જવળ છે અને દેદીપ્યમાન છે.

પ્રેમ કરવા માટેનો સમય પરિવારમાં દરેક સભ્યની આધારશિલા છે. બાળકો પાસે બેસવું અને બસ બેસી જ રહેવું, એમની સાથે વાતોએ વળગવું, તેઓ ચાહે એવી પ્રવૃત્તિમાં સંકળાઈ જવું અને તેઓને માટે આપણી પાસે ભરપૂર સમયનો અવકાશ છે એવો અનુભવ તેમને આપવો એ જ તેઓની શિશુકાલીન વ્યાખ્યા પ્રમાણેનો આપણો પ્રેમ છે. કેટલાક લોકો મંદિરોમાં અને સંતોની સેવા કાજે દોટ મૂકે છે, તે ઉમદા ઉપક્રમ છે, પરંતુ તેનાથી પણ જો અધિક સમય તેઓ ઘર આંગણાનાં ફૂલોને આપતા હોય તો જ એ સેવાઓ લેખે છે. બાળઘેલા માતપિતા ક્યારેક દેવદર્શને નહીં જઈ શકે તો ચાલશે, પરંતુ પપ્પા તમે તો કાયમ બિઝી હો છો- એવું એક ‘પ્રમાણપત્ર’ શિશુમુખેથી સાંભળવાનો પ્રસંગ કદી ન આવે એ સાવધાની સ્વસ્નેહની પરમ સુરક્ષા છે, જાળવણી છે.

કૃષ્ણની અષ્ટપટરાણીમાં એક છે સત્યભામા. સત્યભામાને અનિમેષ નેત્રે કૃષ્ણને નિરખતા રહેવાની ટેવ છે. દ્વારિકાના સાગરના ઘૂઘવાટ વચ્ચે લહેરાતી કેશલતા સાથે ઊંચી અટારીએ સત્યાભામા અડોઅડ ઊભેલા કૃષ્ણને સતત નજરેનજરે હૃદયમાં ઊંડે ઉતારે છે. સત્યભામાને કૃષ્ણના સહવાસની પરિતૃપ્તિ નથી. એના આ અનુરાગને કારણે જ એ અનુભવે છે કે કૃષ્ણ એક ક્ષણ પણ એનાથી વિખૂટો પડતો નથી. સત્યભામાનું હૃદય જ જાણે કે યુગલ સ્વરૃપ – કૃષ્ણથી અવિચ્છિન્ન છે. મૌન, ગાંભીર્ય અને સૌન્દર્યનો ત્રિવેણી સંગમ જે સ્ત્રીમાં વિદ્યમાન હોય તે સત્યભામા છે! ચંચળ કૃષ્ણ પણ ત્યાં સ્થિર થઈ જાય છે. એક ઉલ્લેખ પ્રમાણે કૃષ્ણ સૌથી વધુ સત્યભામા સાથે રહ્યા છે.

જે યુગમાં આપણે છીએ તેમાં ઑફિસ ટાઇમ શબ્દયુગ્મ પ્રચલિત છે, પરંતુ હોમ ટાઇમ શબ્દ ક્યાંય ચલણમાં નથી, હોવો જોઈએ. પશ્ચિમી વિદ્વાનોએ ‘માય ટાઇમ’ શબ્દ આપ્યો છે, એટલે કે ર૪ કલાકમાં કેટલોક સમય એવો તો હોવો જ જોઈએ જે તમે તમારે માટે ફાળવો. તમારી ગમતી પ્રવૃત્તિ કરો અને એ રીતે આંતરિક વિકાસ હાંસલ કરો. સમયના જો આ રીતે ઝોન પાડવાના જ હોય તો એમાં કોઈ એક અવકાશ પ્રેમ માટે પણ હોવો જોઈએ. જેઓને નિરાંતવેળા મળતી જ ન હોય તેમણે છેવટે ટાઇમ ટેબલમાં પ્રેમને જગ્યા આપવાની કરુણાંતિકાનો ભોગ બનવું પડે. દુનિયાનાં અનેક દંપતીઓ જે સંકટનો સામનો હવે કરવા લાગ્યા છે તે આ આધિ-વ્યાધિ છે.

હકીકતમાં આપણને કોઈ ચાહે તે આપણી જરૃરિયાત નથી, આપણે સહુને અનવરત ચાહતા રહીએ તે હૃદયનો સ્વભાવ છે. જ્યાં સુધી સ્વહૃદયની ચાહત જળવાશે ત્યાં સુધી જ પ્રેમનો પરિપૂર્ણ સ્વાનુભવ અને સ્વ-ભાવ ટકી શકશે. જિંદગીના ઉઘાડનો અનુભવ લાગણીઓ આપે છે. મંદ, શીતલ, સુગંધિત પવનની જેમ દિવસો વહેતા જ રહે છે ને એમ વરસો વીતી જાય છે. યૌવનથી વન પ્રવેશ અને એનાથી આગળ સમય વહેતો જ રહે છે, એમાં એકાદ પુષ્પ કે પર્ણ આપણાથી તરતું મૂકી શકાય તો બહુ છે, એથી અધિક તો શી કામના રાખી શકાય?

રિમાર્કઃ દુઃખી મિત્ર તરફ સહાનુભૂતિ વ્યક્ત કરવી સહેલી છે, પરંતુ મિત્રની સફળતામાં ઉત્સવ મનાવનારાઓ ક્વચિત જ મળે છે. – ઓસ્કાર વાઈલ્ડ
———————–

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment