કવર સ્ટોરી – નિલેશ કવૈયા, પ્રજ્ઞેશ શુક્લ
યુવાઓમાં આજકાલ મોબાઇલ ફોનમાં વીડિયો ગેમ્સ રમવાનું ચલણ વધી રહ્યું છે. પ્રત્યેક સેકન્ડે બદલાઈ રહેલી મોબાઇલ ફોનની ટેક્નોલોજીમાં રોજેરોજ નવી-નવી ગેમ્સ લોન્ચ થઈ રહી છે. તેમાં પણ હાલમાં પબજી ગેમ પાછળ તો યુવાઓ એટલી હદે ઘેલા થયા છે કે આ ગેમ રમવામાં તેમને સમયનું પણ ભાન નથી રહેતું. યુવાઓને પબજી ગેમ માટે ડ્રગ્સ જેવી લત લાગી ગઈ છે તેમ કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી. એવું તે શું છે આ પબજી ગેમમાં કે જેની પાછળ યુવાનો કલાકોના કલાકો તેમાં ડૂબેલા રહે છે? તેના આદિ થઈ ગયા છે? આવો જાણીએ.
અમદાવાદના એક મલ્ટિપ્લેક્સના વેઇટિંગ એરિયામાં ફિલ્મ જોવા આવેલા લોકો થિયેટરનો દરવાજો ખૂલે તેની રાહ જોઈ રહ્યા હતા. ચાર-પાંચ યુવાનો સોફા પર બેઠા હતા.બધા મોબાઇલમાં વ્યસ્ત હતા. અચાનક કોઈ બોલ્યું, ‘જલ્દી મને કવર કર, ત્યાં ગન પડી છે, જલ્દી ઉપાડ. તમે લોકો બધા સાથે રહો..’ ત્યાં રહેલા લોકોનું ધ્યાન આ યુવાનો તરફ ગયું. કેટલાક વિચારમાં પડી ગયા કે આ બધા શું બોલે છે? જોકે ઘણા ખરા લોકો તરત સમજી ગયા કે આ બધા અત્યારે દુનિયાભરના યુવાનોને ઘેલું લગાડનાર પબજી ગેમ રમી રહ્યા છે. પબજી એટલે કે પ્લેયરઅનનોન્સ બૅટલગ્રાઉન્ડ. નામ જ બતાવે છે કે આ એક બૅટલગ્રાઉન્ડ ગેમ છે. ભારતના લાખો યુવાનોને અત્યારે એકદમ હોટ ગણાતી આ મોબાઇલ ગેમનું રીતસરનું ડ્રગ્સ જેવું ઍડિક્શન થઈ ગયું છે. કૉલેજિયનો જ નહીં, શાળામાં ભણતા ટીનેજર્સ પણ પબજી પાછળ પાગલ છે. આ ગેમ રમનારા એમાં એવા તો ખોવાઈ જાય છે કે તેમને સમયનું અને આસપાસનું ભાન રહેતું નથી. કલાકો સુધી ગેમમાં ગળાડૂબ રહેતા ગેમર્સનાં માતા-પિતા પણ ચિંતિત બન્યાં છે. તેમને એ સમજાતું નથી કે આ લત આખરે છોડાવવી કેવી રીતે? કેટલાક તો કલાકોના કલાકો આ ગેમમાં ડૂબેલા રહે છે. મજા એ વાતની છે કે ફક્ત કુતૂહલ ખાતર કે પછી આ ગેમમાં એવું તો શું છે તે જોવા એક-બે વખત હાથ અજમાવનાર મોટેરાં પણ સ્વીકારે છે કે આ ગેમ લત લાગે તેવી તો છે જ. આમ તો મોબાઇલ અને મોબાઇલ ગેમ્સનું વળગણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આપણે ત્યાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ પણ પબજી પાછળ પોતાનું ભણતર અને કરિયર દાવ પર લગાવી રહ્યાં છે, પણ બ્રિટનમાં આ ગેમના ઍડિક્શનના કારણે ઘણાંનાં લગ્નજીવન જોખમમાં મુકાયા છે. એક અહેવાલ મુજબ પતિના પબજી પાછળના પાગલપનથી કંટાળીને પત્નીએ છૂટાછેડા માંગ્યા હોય તેવા ૨૦૦ જેટલા કેસ નોંધાયા છે.
અત્યારે પોકેમોન ગો પછી પબજીની બોલબાલા છે. છેલ્લા આંકડા મુજબ દરરોજ ૨૦ મિલિયન એટલે કે ૨ કરોડ લોકો આ ગેમમાં એક્ટિવ હોય છે. આ આંકડામાં ચીન, જાપાન અને કોરિયાના પબજી પ્રેમીઓનો સમાવેશ થતો નથી. એન્ડ્રોઇડના પ્લેટફોર્મ એટલે કે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલના ઍપ સ્ટોર પર આ ગેમ હજુ માર્ચ, ૨૦૧૮માં રિલીઝ થઈ છે. માત્ર છ મહિનામાં આ બંને પ્લેટફોર્મ પરથી ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી છે. આ આંકડો રોજેરોજ વધી રહ્યો છે. એવું નથી કે પબજી મોબાઇલ પર સૌથી ડાઉનલોડ થયેલી ગેમ છે, પણ માત્ર થોડા મહિનામાં તેનો જે ક્રેઝ છે તે અભૂતપૂર્વ છે. પબજીના ચાહકો પબજીને ટક્કર આપે તેવી ફોર્ટનાઇટ ગેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ એવું તો શું છે પબજીમાં કે તેને એકવાર રમનારા પણ ઍડિક્ટ થઈ જાય છે?
અંગ્રેજી વેબસાઈટ Technogot મુજબ પબજી એક બૅટલગ્રાઉન્ડ અથવા તો સર્વાઇવલ ગેમ છે જેમાં તમારે કમાન્ડોની જેમ દુશ્મન સામે લડવાનું છે અથવા ખપી જવાનું છે. ગેમની શરૃઆતમાં તમને અન્ય ૯૯ લોકો સાથે એક પ્લેનમાં મોકલવામાં આવે છે. એક રશિયન આઇલેન્ડ પર તમારે ખાલી હાથે લેન્ડ કરવાનું છે. જો તમે એકલા રમતા હો તો બાકીના ૯૯ અને ચારની સ્ક્વૉડ બનાવીને રમતાં હોવ તો ૯૬ તમારા દુશ્મન છે. સ્ક્વૉડમાં રમતાં પ્લેયર્સ એકબીજા સાથે લાઇવ ચેટ કરી સ્ટ્રેટેજી બનાવી શકે છે. રેન્ગલ મેપ ગેમનો હિસ્સો છે અને તેની પાછળ એક સ્ટોરી પણ છે, વર્લ્ડ વૉર – ૨ દરમિયાન સોવિયત સેના દ્વારા આ આઇલેન્ડ ઉપર કબજો કરવામાં આવ્યો હતો. રશિયનો ત્યાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનું પરીક્ષણ કરતાં હતાં, અહીંના લોકોએ સોવિયત સેના ઉપર હુમલો કર્યો અને એટલે જ ગેમમાં ખંડેર જેવાં ઘર, ભંગારમાં ફેરવાયેલાં વાહનો, ફેક્ટરીઓ, મિલિટરી બેઝ, તૂટેલાં વિમાનનો કાટમાળ વગેરે જોવા મળે છે. જંગલ, સરોવર, ડુંગરાળ પ્રદેશો છે. લેન્ડ કર્યા બાદ તમારે નજીકમાં જે ઘર હોય તેમાં ઘૂસીને વિવિધ પ્રકારની ગન, પિસ્તોલ, કારતૂસ, ગ્રેનેડ, બેન્જેજ, પેઇન કિલર, એનર્જી ડ્રિન્ક, હેલ્મેટ, જેકેટ વગેરે લડવા માટે જરૃરી શસ્ત્રસરંજામ લેતાં જવાનું છે.
બસ, પછી સામે જે આવે તેને મારતા જવાનું છે અને ભાગતા રહેવાનું છે. કોઈને મારો તો તેની પાસેની ગન સહિતની ચીજો તમને બોનસમાં મળે છે. ભાગવા માટે બાઇક, કાર, વાન જેવાં વાહનો પણ પડ્યા હોય છે. નજર સતત ચારેબાજુ દોડાવતાં રહીને તમારે ગેમ પુરી ના થાય ત્યાં સુધી જીવતા રહેવાનું છે. ગેમમાં બ્લુ ઝોનથી બચવાનું હોય છે. આ ઝોનમાં ચારે બાજુ શક્તિશાળી ઇલેક્ટ્રિક કરન્ટ વહેતો રહે છે. ત્યાંથી ભાગવા માટે તમારે કોઈ પણ વાહન મેળવવું પડે છે. બ્લુ ઝોનમાં સપડાયેલો પ્લેયર ધીમે-ધીમે મોતને ભેટે છે, ત્યારે છેલ્લે સુધી જીવિત રહેનારને ઇનામમાં ચિકન ડિનર મળે છે. પબજી ઓનલાઇન ગેમ છે જે દક્ષિણ કોરિયાની બ્લુહૉલ કંપનીએ બનાવી છે. જોકે તેના જનક છે વેબ ડિઝાઇનર બ્રેન્ડન ગ્રીન.તેમણે પીસી માટે ૨૦૧૩માં ડે ઝેડઃબૅટલ રૉયાલ ગેમ બનાવી હતી. ગેમની પ્રેરણા બ્રેન્ડનને જાપાનીઝ ફિલ્મ બૅટલ રોયાલ પરથી મળી હતી. ફોટોગ્રાફર તથા ગ્રાફિક ડિઝાઇનર એવા ગ્રીન આયર્લેન્ડના છે અને બ્રાઝિલમાં રહેતા હતા ત્યારે ડેલ્ટા ફોર્સઃબ્લેક હોક ડાઉન તથા અમેરિકાસ આર્મી ગેમ રમતાં હતા. તેના પરથી ગ્રીનને વધુ સારી ગેમ બનાવવાનો વિચાર આવ્યો. ગ્રીને છેવટે આર્મા અને ડે-ઝેડ જેવી ગેમ બનાવી. તેને અપડેટ કરી અને સોની કંપનીએ તેને ગેમ બનાવવાની ઑફર કરી. જોકે વાત જોઈએ એવી જામી નહીં અને ગ્રીન દક્ષિણ કોરિયા જતો રહ્યો. દરમિયાન તેની મુલાકાત ગેમિંગની દુનિયાની જાણીતી કંપની બ્લુહૉલના ચેંગ હાંગ સાથે થઈ.બંનેએ ભેગા થઈને પબજી ગેમ બનાવી.આ ગેમનું પીસી વર્ઝન અને તે પછી એક્સ બોક્સ તેમજ પ્લે સ્ટેશન વર્ઝન રિલીઝ થતાં ગેમિંગના ચાહકો રીતસર ઝૂમી ઊઠ્યા.
પબજીને રાતોરાત સફળતા મળી અને તેની લાખો કોપી વેચાઈ.પબજી તે વખતની હોટ ગેમ જેવી કે લીગ ઓફ લિજેન્ડ, ડોટા-૨, કાઉન્ટર સ્ટ્રાઇક, કોલ ઓફ ડ્યુટીને પછાડીને નંબર વન બની ગઈ. મજાની વાત એ છે કે મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ્સમાં પબજી નંબર વન નથી, પણ તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ઓનલાઇન મોબાઇલ ગેમ્સમાં એકસાથે સૌથી વધુ ૧૩ લાખથી વધુ પ્લેયર એકસાથે રમ્યા હોય તેવો પબજીનો રેકોર્ડ છે. ગૂગલ પ્લે સ્ટોરની ઓલટાઇમ હોટ ફેવરિટ લુડો, સબવૅ સર્ફ, ટેમ્પલ રન, કેન્ડી ક્રશ સાગા, હિલ ક્લાઇમ્બ, ક્લેશ ઓફ ક્લેઇન્સ, ક્લેશ રૉયલ, તીન પત્તી, મિલી મિલીશિયા સહિત ઢગલાબંધ ગેમ્સ છે. જોકે પોકેમોન ગો પછી પબજી એવી ગેમ છે જેનો હાલ જબરદસ્ત જુવાળ છે. આમ તો પબજીની કેટેગરીની ગણાય તેવી બૅટલ ગ્રાઉન્ડ કે સર્વાઇવલ ગેમ્સનો ગૂગલ અને એપલના ઍપ સ્ટોર પર તોટો નથી અને લાખો ગેમ્સના શોખીન તેના પણ દીવાના છે. હજુ આપણે આગળ જેની વાત કરી તે ફોર્ટનાઇટ ગેમ હજુ મોબાઇલના પ્લેટફોર્મ પર આવી નથી. અત્યારે આ વીડિયો ગેમ પીસી પર જ રમી શકાય છે. પબજીની જેમ ફોર્ટનાઇટ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ગેમિંગના ઍવૉર્ડ જીતી ચૂકી છે. એપિક ગેમ્સ દ્વારા ડેવલપ કરાયેલી ફોર્ટનાઇટ પણ ૨૦૧૭માં રિલીઝ થઈ છે. આ ગેમના ફોર્ટનાઇટઃસેવ ધી વર્લ્ડ તથા ફોર્ટનાઇટઃબૅટલ રૉયાલ તેમ બે વર્ઝન છે. સેવ ધી વર્લ્ડની થીમ એવી છે કે એક ભયાનક વાવાઝોડામાં દુનિયાની ૯૮ ટકા વસ્તી નાશ પામી છે. જે બચી ગયા છે તેમના પર ઝોમ્બી જેવા લોકો એટેક કરે છે.
પ્લેયર્સ વિવિધ ઘરમાંથી ગન સહિતની જરૃરી ચીજો એકઠી કરીને કમાન્ડોની જેમ બચી ગયેલા લોકોને ઝોમ્બથી બચાવીને વાવાઝોડાને પણ ખાળવાના પ્રયાસ કરે છે. આ ગેમ પણ ચારની સ્ક્વૉડ બનાવીને રમી શકાય છે. જ્યારે બેટલ રૉયાલ એક રીતે પબજી જેવી જ છે. તેમાં પણ ૧૦૦ પ્લેયર્સને પ્લેનથી પેરાશૂટ જમ્પિંગ દ્વારા ઉતારવામાં આવે છે. આ ગેમ પણ એકલા કે પછી વધુમાં વધુ ચારની સ્ક્વૉડમાં રમવાની હોય છે. અહીં પણ પ્લેયરે ગન સહિતનો શસ્ત્રસરંજામ લૂંટીને લડવાનું છે. વાવાઝોડાના કારણે સેફ એરિયા ઓછો થતો જાય છે, બધા પ્લેયર્સ સેફ એરિયામાં રહેવા પ્રયાસ કરતા હોઈ લડાઈ એકદમ ચેલેન્જિંગ અને રોમાંચક બને છે. જેમાં છેલ્લે સુધી જીવિત રહેનાર વિજેતા બને છે. અમદાવાદ સહિતનાં ગુજરાતનાં શહેરોના હજારો યુવાઓ પબજી પાછળ રીતસર પાગલ છે. એકલા અથવા તો મિત્રો સાથે મળીને કલાકોના કલાકો ગેમમાં ખોવાઈ જાય છે. વિદેશોમાં તો પબજીની સ્પર્ધા થાય છે અને તેના વિજેતાને લાખો ડૉલરના ઇનામ મળે છે. કેટલાકે હવે પબજીને જુગાર રમવાનું પણ સાધન બનાવી દીધું છે. યુટ્યુબ પર ગેમ રમવાની ટિપ્સ આપતા વીડિયોની ભરમાળ છે. આ વીડિયોને પણ લાખોની સંખ્યામાં વ્યૂ મળે છે. પબજીની સફળતા જોઈને ટોચની ગેમિંગ કંપનીઓ પણ હવે આવી ગેમ ડેવલપ કરવામાં લાગી ગઈ છે. જાણકારો કહે છે કે આગામી દિવસોમાં યુવાઓને આકર્ષવા અનેક બૅટલ ગેમ આવી રહી છે. કેમ કે ગેમિંગનો બિઝનેસ અબજો ડૉલરનો છે.
————-.
ઉસ્તાદોના પાંચ કુટિલ નુસખાઓ
PUBG એક સર્વાઇવલ ગેમ છે, જ્યાં તમારી સાથે ૯૯ ખેલાડીઓને પ્લેનમાં રાખવામાં આવે છે. બાદમાં તેમને બાકીના ખેલાડીઓ સાથે કોઈ આઈલેન્ડ પર ઉતારવામાં આવે છે. જે ખેલાડી છેલ્લી ઘડી સુધી ગેમમાં ટકી રહે તે જીતે છે. આ ગેમને રમવાના ત્રણ પ્રકાર છે. સોલો (એક ખેલાડી), ડ્યુઓ (બે ખેલાડી) અને સ્ક્વૉડ (ચાર ખેલાડી). આ ગેમમાં સફળ થવાના ઉસ્તાદોના પાંચ કુટિલ નુસખાઓ જોઈએ…
સલામત લેન્ડિંગ ઃ આ ગેમમાં સાથી ખેલાડીઓ સાથે ઊડતા સૌથી પહેલાં સલામત ઉતરાણ ક્યાં કરવું તેનો નિર્ણય કરવાનો હોય છે. ઉસ્તાદો જોર્ગોપુલ કે ક્વેરી જેવી જગ્યાએ ઊતરવાનું પસંદ કરે છે. જેથી આરામથી શ્રેષ્ઠ વસ્તુઓ શોધી શકાય.
લૂંટની ટિપ્સ ઃ ઉસ્તાદો વધારે વિચારતા નથી, પહેલાં જે ગન મળે તે ઉઠાવી લે છે. શરૃઆતમાં પિસ્તોલ અને શૉટ ગન્સ મળે, ત્રણ પ્રકારના બેગપેક મળે, સ્ટન ગ્રેનેડ, મિલિટરી વેસ્ટ અને હેલ્મેટ મળે. જાતના બચાવ માટે બેન્ડેજ, પેઇનકિલર્સ, એનર્જી ડ્રિન્ક્સ અને મેડિકિટ્સ બેગપેકમાં ભરી લે છે. ગોળી પસંદ કરતા ધ્યાન રાખે છે અને જેની જરૃર હોય તે ગોળીઓ જ લે છે.
યોગ્ય કોમ્બિનેશન ઃ PUBG ગેમમાં ફરજિયાત બે પ્રકારની ગન લેવાની હોય છે. ઉસ્તાદો એક સ્નાઇપર ગન અને એક શોર્ટ ડિસ્ટન્સ ગન લે છે. ગેમમાં ૨X, ૪X અને ૮X એમ ત્રણ પ્રકારના સ્કોપ્સ મળે છે. ૪X અને ૮X સ્કોપની મદદથી સો મીટર દૂર રહેલી વસ્તુને તાકે છે.
વાહનની પસંદગી ઃ ગેમમાં મોટરબાઈક, સ્પોટ્ર્સ કાર અને જીપ એમ ત્રણ પ્રકારનાં વાહન મળે છે. જીપ ઉસ્તાદોની ફેવરિટ છે. કેમ કે તેમાં તેમને વધુ સુરક્ષા મળે અને તે ચલાવવી પણ ઘણી આસાન છે. એક મેચ સામાન્ય રીતે ૩૦ મિનિટ સુધી ચાલે છે અને ઘણી વખત બહુ લાંબું અંતર કાપવામાં પણ જીપ શ્રેષ્ઠ સાથી બની રહે છે.
નકશો ઃ સ્ક્રીનની બાજુમાં રહેલા મેપમાં કોઈ સ્થળને માર્ક કરતા એક રેખા અંકાઈ જાય છે, જેને ફોલો કરીને એ સ્થળે પહોંચી શકાશે. સેફ ઝોનમાંથી બહાર નીકળી ગયા પછી પણ એ રેખાને સહારે સેફ ઝોનમાં પરત ફરી શકાશે. ઉસ્તાદોની નજર હંમેશાં મેપ પર રહે છે. તેઓ મેપને ઝૂમ કરીને જોતા રહે છે. કોઈ નજીકમાં હોય તો લાલ રંગના ફૂટપ્રિન્ટ દેખાતા તેને ફૂંકી મારે છે.
———————-.
‘મોમો ચેલેન્જ’ના આતંક સામે સરકાર સાવધાન
ખતરનાક ઓનલાઈન ગેમ ‘મોમો ચેલેન્જ’ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. ખતરનાક ગેમ ‘બ્લૂ વ્હેલ’ની જેમ આ ગેમ પણ છેલ્લે રમતવીરનો જીવ લઈ લે છે. આ ગેમમાં પોતાની જાતને ગંભીર નુકસાન પહોંચાડવા ઉપરાંત અન્ય ખતરનાક ટાસ્ક આપવામાં આવે છે. રમતના અંતે આત્મહત્યા કરવાની ચેલેન્જ આપવામાં આવે છે. આર્જેન્ટિનામાં આ મોમો ચેલેન્જના કારણે ૧ર વર્ષની છોકરીનું મોત થયું છે. તેણે પોતાના ટાસ્કનો વીડિયો ઉતારીને આત્મહત્યા કરી લીધી હતી. ર૦ ઑગસ્ટે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં મનીષ સરકી (૧૮ વર્ષ) અને અદિતિ ગોયલ (ર૬ વર્ષ)એ પણ મોમો ચેલેન્જના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ ગેમમાં એક ડરામણી, મોટી આંખોવાળી ખતરનાક મહિલાનો ફોટો ફોનના સ્ક્રીન પર આવે છે. આ ફોટો જાપાની આર્ટિસ્ટ મિદોરી હયાશીના કલેક્શનમાંથી ચોરવામાં આવ્યો છે, જેનો આ ગેમ સાથે કોઈ સંબંધ નથી.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ખતરનાક ઓનલાઈન ગેમ ‘મોમો ચેલેન્જ’ સામે વાલીઓ માટે સંતાનોની સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓ પર નજર રાખવાની અને બાળકો આ પ્રકારની જીવલેણ અને ખતરનાક ગેમના ચક્કરમાં ન પડે તેની સંભાળ લેવાની ખાસ એડ્વાઈઝરી બહાર પાડી છે.
એડવાઇઝરી પ્રમાણે, ‘મોમો ચેલેન્જ’ વિશે બાળકો પૂછે નહીં ત્યાં સુધી તેમને માહિતી ન આપવી. બાળકની આ ગેમમાં સંડોવણીને કેવી રીતે જાણવી અને આ ગેમથી બાળકને કઈ રીતે બચાવવું તેના દિશા-નિર્દેશ પણ એડવાઇઝરીમાં આપ્યા છે. દોસ્તો અને પરિવારથી દૂર રહેવું, સતત ઉદાસ રહેવું, શરીર પર ઊંડા ઘાનાં નિશાન મળવાં વગેરેથી કહી શકાય કે બાળક પર ‘મોમો ચેલેન્જ’ હાવી થઈ ગઈ છે. જેમ કે જો બાળકના મોબાઇલ ફોનમાં કોન્ટેક્ટ નંબર અને ઈ-મેઈલ કોન્ટેક્ટમાં બહુ ઝડપથી વધારો થતો જોવા મળે તો પણ વાલીઓએ સાવધાન થઈ જવું જોઈએ.
મોમો ચેલેન્જ અંગે સીબીએસઈ બોર્ડ દ્વારા પણ શાળાઓને પરિપત્ર મોકલાયો છે અને તમામ સ્કૂલોને એક માર્ગદર્શિકા પણ મોકલી આપવામાં આવી છે.
———————-.