હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
નળ કહે છે કે હે દમયંતી, વાણીનો વિસ્તાર અને અર્થલાઘવ બંને વિષતુલ્ય હોય છે. લગ્નજીવનમાં સારરૃપ સંયમિત અને પ્રમાણસરની વાણી જ અમૃતમયી – વાગ્મિતા છે
નળ અને દમયંતીનું કથાનક લોકપ્રિય છે. આમ તો એ મહાભારતની એક ઉપકથા છે. દમયંતી એક એવી સુંદર રાજકુમારી છે જેની નમણાશ વિશે પ્રેમાનંદ કહે છે કે દમયંતી કે નમયંતી? આમ તો એકના એક વર અને એની એ જ વધૂ સાથેના બે વખતના વિવાહની એ અદ્ભુત કથા છે. એક દંપતી જિંદગીમાં કેટલી બધી વાર મનથી વિખૂટા પડે છે અને ફરી જોડાય છે એના તરફ વેદ વ્યાસે ટકોર કરેલી છે. છતાં એ બંને વચ્ચેનો ગાઢ પ્રેમ અને અવિચ્છિન્ન સંબંધ એક જ સરખો રહે છે. દામ્પત્ય ખરેખર તો સંઘર્ષ વિનાનો જીવનનો ભાગ છે. એમાં મતભેદ કે સંઘર્ષ માટે જગ્યા જ નથી. દામ્પત્ય સિવાયના જિંદગીના સર્વ કાર્યકલાપમાં સંઘર્ષ હોઈ શકે છે. નળ અને દમયંતીના કથાનકમાં દામ્પત્યની સંઘર્ષોને પાર કરતી રજૂઆત છે.
ગુજરાતની એક સિવિલ કોર્ટમાં છૂટાછેડાના એક કેસની સુનાવણી હતી. બંને પક્ષકાર પતિ-પત્નીનાં સગાંઓ તંગ હતાં. ન્યાયાધીશે સ્ત્રીને પૂછ્યું કે તમને હવે આ છૂટાછેડા મંજૂર છે? સ્ત્રી ચોધાર આંસુએ રડી પડી, કારણ કે પરિણીત સ્ત્રીએ કદી આ ક્ષણની કલ્પના પણ કરી હોતી નથી. ગૃહકલેશ એ બંનેને અહીં સુધી લઈ આવશે એવી ધારણા સમાજને હોય છે, પરંતુ પણ દંપતીને હોતી નથી.
નળ દમયંતી કથા પર આધારિત નૈષધચરિત્રમાં કવિ હર્ષ નળના મુખમાં એક સંવાદ મૂકે છે – નળ કહે છે કે, હે દમયંતી વાણીનો વિસ્તાર અને અર્થલાઘવ બંને વિષતુલ્ય હોય છે. સારરૃપ સંયમિત અને પ્રમાણસરની વાણી જ અમૃતમયી – વાગ્મિતા છે. જરૃરી નથી કે દરેક દંપતીને આ બોધ સ્વતઃસિદ્ધ હોય, પરંતુ પરસ્પર અલ્પવાર્તા કરનારાં દંપતીઓ અવિવાદિત અને પ્રસન્ન દામ્પત્ય માણતાં હોય છે. બેમાંથી એક ઓછું બોલનાર હોય તોય દેવોની અર્ધકૃપા તો પ્રાપ્ત સમજવી. અદાલતમાં પરણિતાનાં અશ્રુથી સન્નાટો છવાઈ ગયો. ન્યાયાધીશ સામાજિક સંપ્રજ્ઞતા ધરાવતા હતા એટલે એ દંપતીનો સંસાર ફરી આગળ ચાલ્યો ને તેઓ બહુ સુખી થયા છે. આજે અમદાવાદનું એ એક જાણીતું દંપતી છે. તેઓ ખૂબ જ સારી પ્રવૃત્તિઓમાં જોડાયેલાં છે ને તેમનાં સંતાનો પણ ઉદ્યોગ માલિકો છે.
ઘરના દીવાનખંડ કે શયનખંડમાં ન સમજાતું સત્ય ક્યારેક અદાલતના આંગણે આત્મસાત્ થાય છે. એનું કારણ માણસજાતની વૃત્તિઓ છે કે નિરર્થક માલિકીભાવ છે. આ તો મેળો છે કે વડલાનો છાંયો છે. કાળની કેડીએ બે ઘડી સંગાથે હીંચકે ઝૂલ્યા ને ભવ પાર કર્યો એ તો પરમ આનંદનો અવસર છે, એમાં થાય તો નવરંગની રંગોળી પૂરાય, ક્લેશ કે ઘોંઘાટ તો કરાય જ નહીં. જેમને ચૂપ રહેતા જ નથી આવડતું તેઓના ભાગે બહુ સાંભળવાનું આવે છે. હીરો, કાચ કે મોતી તૂટી જાય તો એમાં તિરાડ રહી જાય છે, પરંતુ દંપતીમાં એવું નથી; તેઓ તો ફરી ફરી એકરૃપ એકરંગ થઈ જાય છે, કારણ કે એ હૃદયની ઊર્મિઓનો પ્રદેશ છે.
નળ અને દમયંતી એક રાજહંસના દૂતકર્મથી પરસ્પરને ઓળખતા થયા છે. જે સ્વયંવરમાં દેવો સ્વયં પણ દમયંતીને વરવા માટે નળ રાજાનું રૃપ લઈ બિરાજતા હોય એની વચ્ચે પણ દમયંતીનું હૃદય પ્રથમવાર જ દર્શનીય થયેલા નળને ઓળખી લે છે. દમયંતી નળને વરે છે એનાથી, દેવોને અધિક કૌતુક એ વાતનું છે કે સર્વ સમરૃપો વચ્ચે દમયંતી મનુષ્યની મર્યાદાઓ છતાં નળને ઓળખી લે છે. અહીં દેવો હોડમાં ઊતરવામાં ગોથું ખાઈ ગયા છે.
દેવોએ માની લીધું કે પસંદગી તો દમયંતીની આંખો કરશે, પરંતુ દમયંતીએ હૃદય પાસે જ નિર્ણય લેવરાવ્યો ને આંખોના અભિપ્રાયને ધ્યાનમાં જ ન લીધો. ખુલ્લી આંખે આકર્ષણ મુક્ત રહી માત્ર હૃદયને સાંભળે તે દમયંતી છે. નળના ભાવિના સર્વ દુર્ભાગ્યને ઓળંગી જાય એવું સદ્ભાગ્ય દમયંતી છે. લાખો દંપતીઓનો એ અનુભવ હોય જ છે કે જીવનસાથી સર્વ સંયોગોમાં અવિચલ સાથ આપે છે. નળ દમયંતીની કથાની લોકપ્રિયતાનું કારણ એમાં રહેલા અવિચલ દામ્પત્યનું પ્રેરણા તત્ત્વ છે. જેની સાથે દેવો પણ સ્પર્ધામાં ઊતર્યા અને હાર્યા તે નળ સાથે વનવન ભટકતી વેળાએ એક ક્ષણ પણ દમયંતીને સ્વવિવાહ પર અફસોસ થયો નથી. નળનું ચરિત્ર ઉજ્જ્વળ છે, પણ એનો અર્થ એવો તો થતો જ નથી કે એ સુખદુઃખના વિષામૃત યોગથી મુક્ત છે, રાજા રામને પણ સુખદુઃખ મિશ્રિત જીવન મળ્યું અને માત્ર સુખ તો આરસની મૂર્તિઓ સિવાય કોને મળ્યું છે?
અનેક વિદ્યાઓનો જાણકાર અને ચક્રવર્તી રાજા નળ પણ સંજોગોને આધીન છે, સંજોગોનો સ્વામી નથી – આ સત્યનો દમયંતીએ સ્વીકાર કરી લીધો તે જ એમની પારસ્પરિક સ્થિરતાની આધારશિલા બને છે. આ કથાની સૌથી મહત્ત્વની કમાલ એ છે કે અહીં ખલનાયક તરીકે પ્રવર્તમાન સમય કલિ-યુગને એક પાત્ર તરીકે રજૂ કરાયો છે. વેદ વ્યાસે દરેક દંપતી વચ્ચે એક યુગ પરિબળના પ્રભાવની કલ્પના કરી છે ને એ નકારાત્મક પરિબળ સામે ઘોર સંઘર્ષ પાર કરીનેય એક યુગલના ગાઢ પ્રણયને અખંડિત અને વિજય પામતો દર્શાવ્યો છે. જોકે ગાઢ પ્રેમ વિના દામ્પત્ય ન ટકે એ કહેવા માટે વેદ વ્યાસે નળ અને દમયંતી વચ્ચે વિયોગ અને ગેરસમજનો ધોધ વહેતો કરેલો છે; જેને પણ આ યુગલ અવિચલ પ્રેમપંથે પાર કરે છે. લગ્ન એક વ્યવસ્થા છે એમ માનનારાં દંપતીઓના દામ્પત્ય તૂટી પડે છે ને જિંદગીમાં દામ્પત્ય જ સ્થિર છે ને બાકી બધી અવ્યવસ્થા જ છે એ સ્વીકારીને પગલાં ભરનારાં યુગલો સારસ બેલડી સમો આયુષ્યકાળ પસાર કરે છે. જરાક જેટલી વાતમાં અહંકાર ધૂણે, એ લોકોએ તો પડ્યા રહેવું જોઈએ એકલા દૂર ગુફાના કોઈ ખૂણે.
પ્રેમની પૂર્ણાભિવ્યક્તિ માટે હજારો રંગછટા ધરાવતો આ મનુષ્યાવતાર કેવો અજાયબ છે એનો કદીક વિચાર આવે તોય અહંકાર શૂન્ય થઈ જાય. અહંકાર માટે શૂન્ય જેવો ઘરમુકામ બીજો કોઈ નથી. એને ઝીરો ડિગ્રીએ જ મૂકી રાખવાનો છે, કારણ કે એને એકમાંથી સો થતાં વાર જ લાગતી નથી. અહંકાર, અહંકારીની જે હાલત કરે છે એ તો જોવા જેવી હોય છે ને એનો કવચિત ઓછેવત્તે અંશે આપણને સહુને અનુભવ પણ હોય છે. પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર… એમ નરસૈંયાએ પ્રભુને નજરે જોયા પછીય કંઈ અમથું કહ્યું હશે? તુચ્છતા શોધીને તત્ત્વનો ઘા કરી ફંગોળી-ફેંકી દેનારો આવો પ્રેમઅભિષિક્ત સાહસિક કવિ બીજો ન મળે. પ્રેમ જો વિશુદ્ધ પ્રેમ હોય તો એ સાંસારિક કે દૈવી પણ એક જ સમાન ઊંચાઈએ આપણને લઈ જાય છે. ન ઘરના કે ન મંદિરના એવી અવદશા કરનાર એક અહમ્ જ હોય છે. એક જ હૃદયમાં પ્રેમ અને અહંકાર – બેમાંથી એકની જ હયાતી શક્ય છે, કારણ કે દામ્પત્યમાં તો એ બંને વિરોધી છે. પ્રેમ માત્ર અનુરોધ કરે છે, અહંકાર માત્ર વિરોધ કરે છે. જે પ્રેમમાં વિવેકનું રસાયણ સંમિલિત ન હોય ત્યાં અહંકાર એનું સામ્રાજ્ય ધીરે-ધીરે વિસ્તારે છે.
રિમાર્ક –
નામ ન જાનું ન જાનું મોરે સંઈયા, સૂધબૂધ ગઈ તોરે કારન સાઁવરિયા;
જગ માનત મોહે પાગલ બૈરનિયા, ધબક રિયો મોરે હિરદય રે સજનવા
(ભોજપુરી ભક્તિગીત)
———————–