કચ્છના મુસ્લિમ યુવાન જૈન ધર્મના વિદ્વાન

મુસ્લિમ યુવાને જૈન ધર્મનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે.

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

આજે દેશમાં કોમી વૈમનસ્ય વધી રહ્યું છે ત્યારે કચ્છનો એક મુસ્લિમ યુવાન જૈન ધર્મને સારી રીતે સમજીને તેના વિશે વ્યાખ્યાન આપે છે. તેણે પોતાના જીવનમાં પણ જૈન ધર્મના સારને ઉતાર્યો છે. જૈન ઉપરાંત તે સ્વામિનારાયણ ધર્મ, શ્રીકૃષ્ણ વિશે પણ વક્તવ્યો આપે છે. આ યુવાન માને છે કે, ઇસ્લામ સહિતના અન્ય તમામ ધર્મના અભ્યાસથી તે અંદરથી સમૃદ્ધ થાય છે.

આજે દેશમાં કોમી વૈમનસ્ય વધી રહ્યું છે. કોઈ એક ધર્મની વ્યક્તિ ભૂલેચૂકે પણ જો બીજા ધર્મના વખાણ કરે કે તેની વાત કરે તો તેને માઠા પરિણામ ભોગવવા પડે છે, પરંતુ કચ્છમાં પહેલે જ ધાર્મિક સૌહાર્દ રહેલું છે. અહીં સામાન્ય રીતે ક્યારેય કોમી તંગદિલી સર્જાતી નથી. આવા વાતાવરણમાં જૈન પાડોશીઓ વચ્ચે ઉછરેલો એક યુવાન આજે પર્વરાજ પર્યુષણ વખતે જૈન ધર્મ અને તેની બારીકીઓ વિશે વ્યાખ્યાન આપે તે વાત લોકોમાં આશ્ચર્ય કે આક્રોશ ફેલાવવાના બદલે આનંદની લાગણી પેદા કરે છે. કચ્છના રાપરની સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડૉ. રમજાન હસણિયા એવા યુવાન છે જે જન્મે તો મુસ્લિમ છે પરંતુ કર્મે સર્વ ધર્મને સમાન ભાવે ચાહવાવાળા છે. તેઓ મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, રત્નાગીરી, સુરત વગેરે અનેક જગ્યાએ વક્તવ્યો આપે છે. તેઓએ જૈન ધર્મના ગૂઢ તત્ત્વોને સહેલા બનાવી સમજાવી શકે તેવી વિદ્વતા પ્રાપ્ત કરી છે.

મુન્દ્રા તાલુકાના જૈન બહુમતીવાળા મોટી ખાખર ગામના વતની આ યુવાનનો જન્મ મહેનતકશ માતા હવાબાઈ અને પિતા હર્ષણભાઈના ઘરે થયો હતો. માતા-પિતા જૈન કુટુંબોના ઘરે અને વાડીઓમાં કામ કરવા જતાં ત્યારે નાનો રમજાન જૈન ભાઈબંધ સાથે તેમના ઘરે રમતો રહેતો. તેમના ઘરે આવનારા મહારાજ સાહેબો અને મહાસતીજીઓને તેમની સાથે જ વહોરાવતો. આમ નાનપણથી જ તેનામાં સહજતાથી જ જૈન સંસ્કારો રોપાયા. જૈન દોસ્તો સાથે ઉપાશ્રય, પ્રવચનો અને બાલસંસ્કાર શિબિરોમાં જવા લાગ્યા હતા. આ સમય દરમિયાન જ તેમના ગામમાં જ  પૂ.ભુવનચંદ્રજી મ.સા.ની નિશ્રામાં બાલસંસ્કાર શિબિર યોજાઈ અને તેના અનુસંધાનમાં  યોજાયેલી ‘સ્વયં સ્વસ્થ બનો’ અભિયાનના પ્રણેતા ડૉ. ગીતાબહેન જૈનની યોગ શિબિરમાં તેઓ જોડાયા. આમ તેમનો ગુરુજી ભુવનચંદ્રજી મ.સા. સાથેનો સંપર્ક ગાઢ બન્યો. બીજી શિબિરમાં તો તેઓ સ્વયંસંવક તરીકે જોડાયા અને જૈન સમાજમાં જ અઠવાડિયું રોકાવાનું થયું. મક્કમ મનના માતાએ તેમને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ‘આ એકના એક દીકરાને દીક્ષા દઈ દેશે, મૂંડી નાખશે.’ જેવી ભીતિ પણ અમુક લોકોએ માતાને બતાવી, પરંતુ તેમણે તો ‘મારો દીકરો કોઈ ખરાબ કામ તો કરતો નથી ને, કંઈ શીખશે તો સારું જ શીખશે.’ તેવો જવાબ દઈને બધાના મોં બંધ કરી દીધા હતા. યુવાન વયે તેમનાં લગ્ન પટેલ પરિવાર વચ્ચે ઉછરેલી મુસ્લિમ કન્યા નિયામત સાથે થયા. માતાની જેમ જ પત્નીનો પણ તેમને પૂરો સાથ સહકાર મળે છે.

કવિ, લેખક, વિવેચક, સંશોધક એવા સાહિત્યકાર ગુરુ પોતે જૈન ધર્મના તમામ નિયમો ચુસ્ત રીતે પાળતા હોવા છતાં સાંપ્રદાયિકતાના વાડાથી દૂર હતા. રમજાન આગળ ભણે તે માટે પણ તેમણે અંગત રસ લીધો હતો. તેમના કુંભાર સમાજમાંથી તેઓ પહેલા પીએચ.ડી. થયા છે. ગુરુજીએ જૈન સંપ્રદાયનાં મૂળ તથ્યો અને ઊંડું જ્ઞાન તેમને આપ્યું, પરંતુ સંપ્રદાય સાથે બાંધી ન રાખ્યા. કૉલેજ દરમિયાન તેમના પ્રોફેસર ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ તેમને હિન્દુ ધર્મ અને તેની ગહનતાથી પરિચય કરાવ્યો, તેમને વાંચવા, લખવા અને વક્તા તરીકે બોલવા પ્રેરણા આપી.

૩૪ વર્ષીય ડૉ. રમજાન કહે છે, ‘હું મહારાજ સાહેબ પાસેથી ધર્મ જીવતા શીખ્યો, મન, કાયા, વચનથી ધર્મ પાળતા શીખ્યો. જીવનની દરેક પરિસ્થિતિમાં સમતા રાખતા શીખ્યો. રાગદ્વેષથી ઉપર ઊઠવા પ્રયત્ન કરતા શીખ્યો. મને મારા પોતાના ધર્મથી તેમણે ક્યારેય મને દૂર કર્યો ન હતો. આજે પણ હું નમાજ પઢું છું. મુસ્લિમ તરીકે જ હું જીવું છું. મૌલાનાઓ પણ મને મારા આધ્યાત્મના અભ્યાસમાં મદદરૃપ થાય છે.

જૈન તથા અન્ય ધર્મના સારા તત્ત્વો ગ્રહણ કરતાં હું ગુરુજી પાસે શીખ્યો હતો. વક્તા બનવાનું મારું સપનું ન હતું, પરંતુ તે સહજ રીતે હું બન્યો છું. મારું પહેલું વ્યાખ્યાન મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે આપ્યું હતું. તે માટે મેં આખું વર્ષ તૈયારી કરી હતી. આજે દર વર્ષે પર્યુષણ દરમિયાન મારા વ્યાખ્યાનો થાય છે.’ મુસ્લિમ યુવાન આજે જૈન ધર્મના વિદ્વાન ગણાય, જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપે તે જ વાત કચ્છની કોમી એકતાના સુંદર ઉદાહરણ સમી નથી શું..?
—————

પાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment