હેલ્થઃ ચૂરમાના લાડુ અને મોદક ખાવ, પણ માપમાં…

લાડુ કે મોદક જરાય અનહેલ્ધી નથી

– ભૂમિકા ત્રિવેદી

ભારતીય  મીઠાઈઓ,  ખાસ કરીને ઘરે  બનાવાતી મીઠાઈઓ અને તેમાંય લાડુ કે મોદક જરાય અનહેલ્ધી નથી. ચોકલેટ અને આઇસક્રીમ કરતાં તેમાંથી સો ટકા ઓછી કેલરી મળે છે.

દુનિયા બદલાઈ રહી છે તેની સાથે તહેવારોની પસંદગી પણ બદલાઈ રહી છે. આપણે આપણી મરજી મુજબનું ફૂડ ભગવાનને પ્રસાદીમાં પણ ધરાવવા લાગ્યા છીએ. ગણેશજીનું નામ આવે અને સાથે લાડુ કે મોદક તો હોય જ, પરંતુ હવે આપણે તેમાં પણ વૈવિધ્ય લાવ્યા છીએ. ગણેશોત્સવ વખતે ગણપતિ ઘરે આવે ત્યારે આપણે તેમને

કપ કેક કે બ્રાઉનીઝ ધરાવવા લાગ્યા છીએ. ભારતીય મીઠાઈઓના બદલે ચોકલેટો વહેંચાવા લાગી છે. ભારતીય તહેવારો અને ભારતીય ખોરાક પાછળ અદ્ભુત સાયન્સ હતું. અહીંની આબોહવા મુજબ આપણા ખોરાકની વિશેષતા છે. ગ્લોબલાઇઝેશનના ચક્કરમાં આપણે આ બધંુ ભૂલી રહ્યા છીએ.

ગણેશજીને લાડુ ભાવે એટલે આપણે ગણેશચતુર્થીમાં તે બનાવીએ છીએ. આજે લાડુ અને મોદકના ઘણા રૃપ આવી ગયા છે. ખાસ કરીને બાળકોમાં ચોકલેટ લાડુ કે મોદક પ્રિય છે. પરંપરાઓ સ્વાદ પર હોતી નથી. કેટલાક લોકો એવા છે જેને ચૂરમાના લાડુ અત્યંત પ્રિય છે, પરંતુ વજન વધી જવાના ડરથી તેઓ ખાતા અચકાય છે. ક્યારેક એમ વિચાર આવે છે કે શુગર વધી જશે, ભારે પડશે કે પચશે નહીં. આમ કેટલાક લોકો લાડુ ગિલ્ટી સાથે ખાય છે. ખાસ કરીને લાડુ ઘઉંના કકરા લોટ, ગોળ, ઘી, જાયફળ અને ઇલાઇચીના બનતા હોય છે. કોઈ પોતાની ઇચ્છા મુજબ તેમાં તલ કે ડ્રાયફ્રૂટ્સ નાંખે છે. ઘઉંનો કકરો લોટ, ગોળ અને ઘી આ ત્રણેય વસ્તુ એકદમ પૌષ્ટિક છે.

ઘઉંનો કકરો લોટ હોય એટલે તેમાં કોમ્પ્લેક્સ કાર્બ્સ હોય છે. તેમાં ભરપૂર ફાઇબર હોય છે. તેની સાથે ગળ્યામાં ગોળ હોય છે. તેમાં ઘણા પોષકતત્ત્વો હોય છે. જ્યારે ઘી સાથે ગોળ પેટમાં જાય છે ત્યારે તેની શુગર તરત જ રિલીઝ થતી નથી અને ધીમે ધીમે થાય છે. વળી ઇલાયચી અને જાયફળ વ્યક્તિનું પાચન સુધારે છે. આ સિઝનમાં પાચનશક્તિ મંદ હોય છે. આ બધી વસ્તુઓ પાચનશક્તિ તેજ બનાવે છે. વ્યક્તિને અંદરથી સ્ટ્રોંગ રાખવા માટે આ બધું ઉપયોગી છે.

મરાઠી લોકો જે મોદક બનાવે છે તે સ્ટીમ કરીને  બનાવવામાં આવે છે. આ મોદકનો મુખ્ય ભાગ ચોખાના લોટથી બને છે. જે બહારનો ભાગ હોય છે અને અંદર પૂરણ તરીકે ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, ગોળ કે ખાંડ અને માવો કે શિંગદાણામાંથી કોઈ પણ વસ્તુનું મિશ્રણ હોય છે. મોદકમાં વપરાતી બધી જ સામગ્રી હેલ્ધી હોય છે. વળી તેને તળવાના હોતા નથી. તેના પૂરણમાં બધાં જ વિટામિન્સ, ગુડ ફેટ્સ, પ્રોટીન અને શક્તિ રહેલાં છે. તેને ખાતી વખતે ગરમ મોદક પર ઘી નાંખીને ખવાય છે. જેથી તે સુપાચ્ય બને છે.

દેશી મીઠાઈને લોકો ખૂબ જ હેવી માને છે, પરંતુ હકીકત એ છે કે તેમાં કેલરી વધુ છે અને તે પચવામાં ભારે લાગે છે. કેક, પેસ્ટ્રી, બ્રાઉનીઝ કે ચોકલેટ કરતાં તેમાં સો ટકા ઓછી કેલરી હોય છે. નિષ્ણાતો હંમેશાં કહેતા આવ્યા છે કે ઘી ગુડ ફેટ છે. તે યોગ્ય માત્રામાં લેવામાં આવે તો શરીરનેે નુકસાન કરતું નથી. તહેવારોમાં આપણા દેશમાં ઘરે-ઘરે મીઠાઈ અને નાસ્તા બનાવવાનો જે રિવાજ હતો તે બિલકુલ અનહેલ્ધી નથી. અતિરેક ન કરો,

કોઈ પણ વસ્તુ માપમાં ખાવામાં વાંધો હોતો જ નથી. ચૂરમાના લાડુ કે મોદક ખવાય સો ટકા, પરંતુ તેનો અર્થ એ નથી કે તેના પર તૂટી પડવું. દિવસનો એક લાડુ ઘણો છે. ૫-૬ લાડુ ઝાપટશો તો તે સો ટકા અનહેલ્ધી ગણાશે. ચૂરમાના લાડુ કે મોદક ત્યારે જ હેલ્ધી બને જ્યારે તેને ઘરે બનાવો. બહારની બનાવેલી મીઠાઈઓ, કૃત્રિમ કલર ભેળવેલા મોદક કે ખાંડથી ભરપૂર બહારના લાડુ ખાવાનો કોઈ અર્થ નથી.
————————-

ફેમિલી ઝોનભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment