- વિશ્વવૃત્ત
કઝાખિસ્તાનના રણમાં જહાજ ક્યાંથી આવ્યાં?
કઝાખિસ્તાનના રણની વચ્ચોવચ જહાજોની સેટેલાઈટે લીધેલી કેટલીક તસવીરો બાદ વૈજ્ઞાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ ચાર મહાકાય શિપ કઝાખિસ્તાનના અફાટ રણની વચ્ચોવચ અચાનક જોવા મળતાં રહસ્ય વધુ ઘેરાયું છે. કઝાખિસ્તાનના ઉજ્જડ રણપ્રદેશની વચ્ચે ચાર જહાજોના કાફલાની લેવાયેલી આ તસવીરો વિશે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ‘ક્વિકબર્ડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ’ નામના ઉપગ્રહે કજાખિસ્તાનના આકાશમાં ૨૮૦ માઈલ ઉપરથી આ જહાજોના કાફલાની તસવીરો લીધી ત્યાર બાદથી આની ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે. કેનેડાના એક શોધકર્તાએ જણાવ્યું કે, ‘આ તસવીરો પરથી કશાય તારણ પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. કઝાખિસ્તાનમાં ચારે બાજુ અફાટ અને ઉજ્જડ રણની વચ્ચોવચ કાટ ખાઈ રહેલાં આવાં મહાકાય જહાજો આવી શકે તે માનવું જ મુશ્કેલ છે.’ રણથી સૌથી નજીક અરલ સમુદ્ર આવેલો છે અને જ્યાં આ પ્રકારનાં જહાજ જોવાં મળતાં હોય છે, પરંતુ રણથી આ સમુદ્ર માઈલો દૂર દક્ષિણ-પશ્ચિમે આવેલો છે. નોંધનીય છે કે કઝાખિસ્તાનનો આ રણ પ્રદેશ એક સમયે વિશાળ સમુદ્રના પાણીથી ઘેરાયેલો હતો, પરંતુ વર્ષાેની પ્રક્રિયા બાદ ધીમે-ધીમે સમુદ્ર અદ્રશ્ય થઈ ગયો અને આ પ્રદેશ ઉજ્જડ રણમાં ફેરવાઈ ગયો હતો. લશ્કરના વિશ્લેષક શોન ઓ’કોનોરે જણાવ્યું કે, ‘આ પ્રકારનાં ગંજાવર જહાજોનું નિર્માણ ગહન સમુદ્રોની સફરના હેતુ માટે કરવામાં આવતું હતું. અલબત્ત, ઉપગ્રહ દ્વારા લેવાયેલી જહાજોની આ તસવીરોનો કોયડો ઉકેલવાનું કામ હજુ જારી છે.’
—————————-
સાન ડિયાગોમાં રહસ્યમયી પ્રકાશ દેખાયો
અમેરિકામાં સાન ડિયાગોના આકાશમાં રાત્રિના સમયે રહસ્યમયી પ્રકાશ દેખાતાં સોશિયલ મીડિયામાં આની ચર્ચાઓ શરૃ થઈ ગઈ હતી. આકાશમાં જેવી આ ઘટના જોવા મળી કે તરત લોકો તેની તસવીરો લઈ સોશિયલ મીડિયામાં શેઅર કરવા લાગ્યા હતા. આ આકાશી નજારો નિહાળનાર ઉમા અગારવાએ જણાવ્યું કે, ‘આકાશમાં પ્રકાશપુંજ ખૂબ જ તેજ જણાતો હતો. આખોય નજારો કાંઈક અંશે વિચિત્ર લાગતો હતો. થોડા સમય બાદ આ રહસ્યમયી પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો હતો. આ આકાશી નજારો મેક્સિકોની સરહદે આવેલા સાન યાસીર્ડાે અને લા મેસા નામના શહેરોમાં પણ દેખાયો હોવાના અહેવાલ મળ્યા હતા. રાત્રિના સમયે જોવા મળેલો આ તેજ પ્રકાશપુંજ ડ્રોન, પરગ્રહવાસીઓનું યાન કે પછી મિલિટરી દ્વારા થયેલી કવાયત હોવાની વાતો વહેતી થઈ હતી. અલબત્ત, તે રહસ્યમયી ઘટના કોઈ પરગ્રહવાસીનું યાન ન હતું, પરંતુ આ આખી ઘટના એક મિલિટરી કવાયતનો ભાગ હતી તેવું બહાર આવ્યું હતું. આ પ્રકારનો તેજ પ્રકાશપુંજ મોટા ભાગે અમેરિકન હવાઈદળની વીએમજીઆર-૩૨૫ નામની કવાયત દરમિયાન જોવા મળતો હોય છે. અહીં નજીકમાં જ મિરામાર ખાતે મરિન કોર્પ્સ ઍર સ્ટેશન આવેલું છે અને અહીં મરિન ઍરક્રાફ્ટ વિંગ દ્વારા આ પ્રકારની કવાયતો થતી હોય છે. મરિન હવાઈદળની આવી જ એક કવાયત દરમિયાન સાન ડિયાગોના આકાશમાં તેજ પ્રકાશના લિસોટા જોવા મળ્યા હતા. જેને લોકો પરગ્રહવાસીનું યાન માની બેઠા હતા.
—————————-
વિશાળ ગરોળીએ ઉત્પાત મચાવ્યો
અમેરિકામાં દક્ષિણ ફ્લોરિડામાં એક વિશાળ ગરોળીએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. ડેવિ શહેરમાં રહેતો ચાર સભ્યોનો એક પરિવાર ત્યારે ભયભીત થઈ ઊઠ્યો જ્યારે તેમણે પોતાના ગાર્ડનમાં એક મહાકાય ગરોળીને ફરતી જોઈ હતી. ૩૩ વર્ષીય મકાનમાલિક ઝાક લિબરમેને જણાવ્યું કે, ‘એ વિશાળકાય જીવ છ ફૂટથી પણ વધારે લાંબો અને ભારેખમ હતો. તે ખરેખર એક મોન્સ્ટર હતો. મારી પત્ની મારિયા મકાનમાં કાચના દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે આ વિશાળ ગરોળીને બગીચામાં ફરતી જોઈ હતી. આ દ્રશ્ય જોયા પછી તેણે ચીસાચીસ કરી મૂકી હતી.’ પાછળથી જાણવા મળ્યું હતું કે આ રાક્ષસી ગરોળી પાણીમાં જોવા મળતી ‘એશિયન વોટર મોનિટર’ હતી. આ પ્રજાતિની ગરોળીઓ ખૂબ જ ઝડપથી દોડતી હોય છે, આથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવું સલાહભર્યું ન હતું. આ પછી ફ્લોરિડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચેલા રેસ્ક્યુ ટીમના સભ્ય માઇક કિમ્મેલે જણાવ્યું કે, ‘આ પ્રકારની વિશાળકાય ગરોળીઓ મોટા ભાગે દક્ષિણ-પૂર્વીય એશિયાના દેશોમાં જોવા મળતી હોય છે. આ ગરોળીઓ ખૂબ જ ઝડપી હોય છે. તેમના દાંત રેઝર બ્લેડ જેવા તીક્ષ્ણ હોય છે. આ ગરોળીઓ મોટા ભાગે વાસી માંસ ખાતી હોવાથી તેની લાળમાં ખતરનાક પરજીવીઓ હોય છે. આ ગરોળીનું એક બચકું પણ જીવલેણ હોય છે.’ જોકે, રેસ્ક્યુ ટીમે ગરોળીને પકડીને સલામત સ્થળે છોડી મૂકતાં લિબરમેન પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
—————————-