દેશ દર્પણઃ સિયાચીનમાં ૩૫ કિ.મી.ના બ્રિજનું નિર્માણ

ભગવદ્ગીતાનો ઓડિયો આલ્બમ
  • દેશ દર્પણ

ભગવદ્ગીતાનો ઓડિયો આલ્બમ
મધ્યપ્રદેશના રહેવાસી એક વૈજ્ઞાનિકે યુવાનોને શ્રીમદ્ ભગવદ્ગીતાનું મહત્ત્વ સમજાય તે હેતુસર આ મહાન ગ્રંથનો ઓડિયો આલ્બમ તૈયાર કર્યાે છે. આ ઓડિયો આલ્બમમાં શ્રીમદ્ ભગવદ્ગીતાના  જીવનમાં ખૂબ ઉપયોગી એવા ૧૦૮ શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્લોકો મુખ્યત્વે પ્રેરણા, આત્મ-નિયંત્રણ, વ્યવહાર, નેતૃત્વ, ચરિત્ર નિર્માણ, આધ્યાત્મિક્તા અને કર્તવ્ય પર આધારિત છે. ભોપાલમાં આવેલી એક ફાર્મા કંપનીમાં સિનિયર જનરલ મેનેજરના પદે કાર્યરત અને વૈજ્ઞાનિક એવા ૫૫ વર્ષીય ડૉ.ડી.મુરલી કૃષ્ણાએ ત્રણ વર્ષની મહેનતના અંતે આ ઓડિયો આલ્બમ તૈયાર કર્યાે છે. તેમણે જણાવ્યું કે દુઃખ અને વિષાદ દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય તે હેતુસર આ ઓડિયો આલ્બમ તૈયાર કરાયો છે. આમાં ભગવદ્ગીતાના પસંદ કરાયેલા ૧૦૮ શ્લોકો જીવનમાં દરેક તબક્કે સાચા માર્ગ પર જવા માટે લોકોને પ્રભાવિત કરશે. આ શ્લોકના મર્મ સમજીને મૅનેજમૅન્ટનો સિદ્ધાંત અને આધ્યાત્મિક્તાના ખ્યાલથી રૃબરૃ પરિચય થઈ શકશે. આ આલ્બમ ખાસ યુવાનોને વ્યવહારુ  બનવાની પ્રેરણા આપશે. સાથોસાથ આજની યુવા પેઢીમાં નેતૃત્વ ક્ષમતાની ભાવના વિકસાવવાની દૃષ્ટિએ પણ તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ડૉ. કૃષ્ણાએ તમામ શ્લોકનું ગાન પોતે કર્યું છે, જે શાસ્ત્રીય સંગીત પર આધારિત છે. આ ઓડિયો આલ્બમ લગભગ એક કલાક અને ૩૯ મિનિટનો છે.
———————–.

સિયાચીનમાં ૩૫ કિ.મી.ના બ્રિજનું નિર્માણ
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સિયાચીનમાં દુનિયાની સર્વાેચ્ચ યુદ્ધભૂમિ પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વના ૩૫ કિ.મી. લાંબા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પ્રોજેક્ટ હિમાન્ક હેઠળ આ બ્રિજ બાંધવામાં આવ્યો છે. લેહના નુબ્રા ખીણ પ્રદેશમાં ખૂબ જ મર્યાદિત સમયમાં આ કામ પાર  પાડવાનું હતું. આ બ્રિજનું કામકાજ પૂર્ણ થતાં સમુદ્ર સપાટીથી ૧૮,૮૭૫ ફૂટની ઊંચાઈ પર આવેલી સિયાચીન ગ્લેશિયરના બેઝ કેમ્પથી વાહનોની અવરજવર હવે શક્ય બનશે. સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેનાનો બેઝ કેમ્પ ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો છે. આ બ્રિજ વ્યૂહાત્મક રીતે શા માટે મહત્ત્વનો છે તે જાણવું જરૃરી છે. આ બ્રિજ વિશિષ્ટ રીતે ખલસાર-સાસોમા રોડ પર આવેલો છે. આ રોડને નુબ્રા ખીણ અને સિયાચીન ગ્લેશિયરને જોડતી નિર્ણાયક કડી સમાન ગણવામાં આવે છે. ઉનાળામાં ચામેશાં લુંગપા નદી પર પાણીનો પ્રવાહ વધી જતો હોય છે. જેના કારણે સેનાની અવરજવર, રાશન- સાધનસામગ્રીના પરિવહન માટે બનાવાયેલો કામચલાઉ પુલ બિનઉપયોગી સાબિત થતો હતો. ખલસાર-સાસોમા રોડ પર આ બ્રિજ થકી ઊભી થનારી કનેક્ટિવિટી સેના માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વની હતી. આ રોડ પર આવા કુલ સાત બ્રિજ બાંધવામાં આવનારા છે. હાલમાં આ એક બ્રિજ તૈયાર થઈ ગયો છે. જેના કારણે સેનાના કર્મચારીઓને ટ્રાફિક પરિવહનમાં મોટી રાહત મળી છે.
———————–.

શાકભાજીના વેસ્ટમાંથી બનતો બાયોગેસ
ચેન્નઈમાં શાકભાજીના માર્કેટમાંથી એકઠા કરવામાં આવતા કચરામાંથી બાયોગેસ પેદા કરીને અહીંની એક કૉલેજની કૅન્ટીનમાં રસોઈ બનાવવામાં આવી રહી છે. સ્થાનિક તામ્બારમ મ્યુનિસિપલ કોર્પાેરેશને આ પ્રકારે નવા ૨૦ શેડનું નિર્માણ કરી વેજિટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવાનું પણ આયોજન કર્યું છે. આ માટે ૬.૬૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ચેન્નઈના પશ્ચિમ મામ્બાલામમાં શાકભાજીના વેસ્ટમાંથી બાયોગેસ મેળવવા ઊભો કરવામાં આવેલો પ્લાન્ટ એક અનુકરણીય પગલું છે. અહીંથી પેદા થતા બાયોગેસમાંથી ટીનગરમાં આવેલી શ્રી શંકરલાલ સુંદરબાઈ શાસુન જૈન મહિલા કૉલેજની કૅન્ટીનમાં રસોઈ બનાવવામાં આવે છે. શાકભાજીના ૫૦ કિલો વેસ્ટમાંથી બે કિલો બાયોગેસ મળે છે. બાયોગેસ પ્લાન્ટમાંથી ગૌણ પૈદાશ તરીકે ખાતર પણ પ્રાપ્ત થાય છે. તામ્બારામ મ્યુનિસિપલ કોર્પાેરેશનના કમિશનર કે.ક્રિશ્નામૂર્તિના જણાવ્યા પ્રમાણે નવા ઊભા કરવામાં આવનારા ૨૦ શેડ માઇક્રો કમ્પોસ્ટિંગ સેન્ટર્સ તરીકે કામ કરશે. અહીં કિચન, ગાર્ડન તેમજ ભોજન સામગ્રીનો વેસ્ટ એકઠો કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવશે. અહીંના રહીશોને આ ઓર્ગેનિક ખાતર વિનામૂલ્યે આપવામાં આવશે. આપણા દેશમાં રોજેરોજ શાકભાજીના વેસ્ટનો વિપુલ જથ્થો નીકળતો હોય છે ત્યારે આવા બાયોગેસ પ્લાન્ટ ઊભા કરવામાં આવે તો રાંધણગેસની અછતની સમસ્યા નિવારી શકાય તેમ છે.
———————–.

પ્રોફેસરની નોકરી છોડી ખેતી અપનાવી
આજની શિક્ષિત યુવા પેઢી રોજગાર માટે ખાનગી કંપનીઓ કે પછી સરકારી વિભાગોમાં નોકરી મેળવવા દોટ લગાવી રહી છે ત્યારે છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે પરંપરાઓ તોડી નવી મિસાલ કાયમ કરી છે. બીઇ અને એમટેક કર્યા બાદ રાયપુરની કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરી, પણ મન ન લાગ્યું એટલે રાજીનામું આપી દીધું. આજે વલ્લરીએ નવતર ખેતી કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરી કહે છે, અન્નદાતા બનવામાં જે સુખ અને શાંતિ છે તે બીજા કોઈ વ્યવસાય કે નોકરીમાં નથી. વલ્લરીનું માનવું છે કે, કોઈ પણ નોકરી ખેતીથી શ્રેષ્ઠ ન હોઈ શકે. વલ્લરી પોતે ટ્રેક્ટર ચલાવી ખેતરે જાય છે. હાલમાં તેના ખેતરમાં મરચાં, કારેલાં, દૂધી, ટામેટાં જેવી શાકભાજીનો પાક લહેરાઈ રહ્યો છે. વલ્લરીના ખેતરમાં પાકતી શાકભાજીની માગ ઓરિસ્સા, ભોપાલ, ઇંદોર, નાગપુર, રાયપુરથી લઈને છેક દિલ્હી સુધી પહોંચી છે. વલ્લરીના દાદા સરકારી સેવામાં હતા, આથી પરિવારમાં ત્રણ પેઢીથી કોઈએ જાતે ખેતી કરી ન હતી. બધું જ કામ માણસોના ભરોસે ચાલતું હતું, પરંતુ આજે વલ્લરીની ખેતી જોઈને લોકો તેને અભિનંદન આપી રહ્યાં છે. આજે વલ્લરી સિર્રી ગામની ૨૬ એકર અને તુસદા ગામની ૧૨ એકર જમીનમાં શાકભાજીની ખેતી કરી રહી છે. વરસે દહાડે બધો ખર્ચાે કાઢતાં તે વીસેક લાખની કમાણી કરી લે છે. એટલું જ નહીં તે પોતાના ખેતરમાં ૫૦ લોકોને રોજગાર પણ આપી રહી છે.
———————————————-.

બિહારમાં ગ્રામજનોએ વસાવ્યું મેંગો વિલેજ
બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લાના બનકટવા ગામના લોકોએ ૩૭ વર્ષ પહેલાં ભપસા નદીનું વહેણ બદલવા શ્રમદાન દ્વારા બંધનું નિર્માણ કર્યું હતું. તેમણે કરેલાં સંઘર્ષનાં મીઠાં ફળ હવે આજે લોકોને મળી રહ્યાં છે. આજે આ ગામ ‘મેંગો વિલેજ’ તરીકે ઓળખાય છે. અહીંના ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક દોઢથી બે લાખ રૃપિયા સુધી પહોંચી ગઈ છે, પરંતુ પહેલાં આવી સ્થિતિ ન હતી. દર વર્ષે ચોમાસામાં અહીંથી વહેતી પહાડી નદી ભપસા ગામ પર કહેર વરસાવતી હતી. આથી ગ્રામજનોએ ૧૯૮૧માં ડેમ અને ચેનલ બનાવી નદીનું વહેણ ફેરવી દીધું હતું. ગામથી ૧૦૦ મીટર દૂર વહેતી ભપસા નદી હવે દોઢ કિમીના અંતરે વહેવા લાગી હતી. આ નદીના વહેણમાં સમાયેલી સેંકડો એકર જમીનમાં રેતી જ રેતી હતી. આવી જમીનમાં અન્ય પાકોની ખેતી થઈ શકે તેમ ન હતી. વર્ષાે સુધી જમીન પડતર રહી. આ પછી ગ્રામજનોએ આ જમીનમાં વૃક્ષો રોપવાનું નક્કી કર્યું. આ માટે બહારથી માટી લાવવામાં આવી અને બે-બે ફૂટના ખાડાઓ ખોદી તેમાં આ માટી નાખી આંબાના છોડવા રોપવામાં આવ્યા. ઉનાળામાં પાણીની સમસ્યા થઈ ત્યારે ભપસા નદી સિંચાઈ માટે કામ આવી. પાંચ-છ વર્ષમાં આંબાના ઝાડ પર કેરીઓ બેસવા લાગી તો અન્ય ગ્રામજનો પણ બાગાયતી ખેતી તરફ વળવા લાગ્યા. થોડાં જ વર્ષાેમાં ૧૦૦ એકર જમીનમાં કેરીના ઝાડ લહેરાવા લાગ્યા. આ સિલસિલો આજે પણ જારી રહ્યો છે. આ ગામની કેરીઓ ખરીદવા ઉત્તર પ્રદેશ, કોલકાતા અને નેપાળથી પણ વેપારીઓ આવવા લાગ્યા છે. રાજ્યના બાગાયત વિભાગે ગામને ‘મેંગો વિલેજ’ જાહેર કરી દીધું છે.
———————–.

નાળું સાફ કરવા કલેક્ટર મેદાનમાં ઊતર્યા
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કલેક્ટર હમણાં ચર્ચામાં છે. જિલ્લાધીશ મંગેશ ઘિલ્ડિયાલને શહેરના સૌથી દૂષિત નાળાની સફાઈ કરતા જોઈ લોકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. જોકે, સાફસફાઈ માટે સરકારી કર્મચારીઓ પણ કામે લાગ્યા હતા, પરંતુ ખુદ કલેક્ટર ગંદકી દૂર કરવા મેદાનમાં ઊતર્યા હતા તે બાબત લોકો માટે આશ્ચર્યજનક હતી. કલેક્ટરને સફાઈ કરતાં જોઈને સ્થાનિક યુવાઓ પણ તેમની મદદમાં આવ્યા હતા. ગંદકી ફેલાવતા લોકોને ઓળખી કાઢવા કલેક્ટરે નદી અને નાળાઓના કિનારે સીસીટીવી કેમેરા લગાવવાનો પણ તંત્રને આદેશ કર્યાે હતો. રુદ્રપ્રયાગ પાસેથી વહેતા આ નાળામાં કચરાના ઢગ ખડકાતા કલેક્ટર ખુદ સરકારી કર્મચારીઓના કાફલા સાથે પહોંચ્યા હતા અને સફાઈ અભિયાન ચલાવ્યું હતું. કલેક્ટરને સફાઈ કરતા જોઈ અન્ય સરકારી અધિકારીઓ પણ આ કામમાં જોતરાઈ ગયા હતા. અહીંના સ્થાનિક રહીશો પણ તેમની મદદમાં પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરના આ કાર્યને બિરદાવ્યું પણ હતું. દેશના મોટા ભાગનાં શહેરોમાં નદી-નાળાંમાં ફેલાવાઈ રહેલી ગંદકી હવે આમ વાત બની ચૂકી છે. આ નદીઓના પાણી નળ વાટે ઘર-ઘર સુધી પહોંચતાં હોય છે અને તેનાથી બીમારીઓ ફેલાતી હોય છે. આવા દૂષિત પાણીમાં જંતુનાશકો ભળેલા હોય છે. જેના કારણે આપણી નર્વસ સિસ્ટમને હાનિ પહોંચતી હોય છે. આવા સમયે રુદ્રપ્રયાગના કલેક્ટરે કરેલી કામગીરી આવકારદાયક છે.
———————–.

દેશ દર્પણસત્યજીત પટેલ
Comments (0)
Add Comment