હેલ્ધી રહેવા રોજિંદા ખોરાકમાંથી ખાંડ, મીઠું અને ફેટ ઘટાડો

પ્રોસેસ્ડ ફૂડ, ચીઝ, બટર, ફાસ્ટ ફૂડ, પ્રિઝર્વ્ડ ફૂડમાં ઘણું બધું મીઠું હોય છે

– ભૂમિકા ત્રિવેદી

હેલ્થ વિશેના સાદા અને સરળ નિયમો તો બધા જ જાણે જ છે, પરંતુ મુખ્ય સવાલ એ છે કે તેને અનુસરે છે કેટલા. આપણને બધાને ખ્યાલ છે જ કે સવારે વહેલા ઊઠીને કસરત કરવી એ સ્વસ્થ રહેવાનો પહેલો નિયમ છે, પરંતુ શું આપણે તે અનુસરીએ છીએ ખરા. દિલ તો કહેતા હે તુમ્હારી બાત માન લું, પર દિમાગ કહેતા હે… ની જેમ જ આપણું મગજ તો કહે છે, સવારે ઊઠીને કસરત કરો, પરંતુ મન કહે છે, થોડું વધારે સૂઈ લઈએ તો…મગજ કહે છે, મીઠાઈ નુકસાન કરશે, પરંતુ મન કહે છે, ચાલને થોડી ચાખી જ લઈએ. કદાચ આપણે બધા જ જાણીએ છીએ કે ખોરાકમાં વધુ પડતંુ તેલ, મીઠું અને ખાંડ નુકસાન કરે છે, પરંતુ તે ખાતા આપણે આપણા મનને રોકી શકતા નથી. ક્યારેક આપણું મગજ એમ પણ કહે છે કે આ બધું ખાઈને જાડા થઈ જઈશું તો.. ત્યારે મન કહે છે, જવા દે ને યાર, ક્યાં ફિલ્મસ્ટાર બનવું છે.

જાડા થવું એ શરૃઆત છે. આગળ જતાં ડાયાબિટીસ, કિડની પ્રોબ્લેમ્સ, આંખના પ્રોબ્લેમ્સ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઓફ ઇન્ડિયાએ થોડા દિવસો પહેલાં એક શરૃઆત કરી છે. એફએસએસએઆઈએ ઇટ રાઇટ મૂવમેન્ટ શરૃ કરી છે, તેમાં ફૂડ ઇન્ડસ્ટ્રીને આવરી લેવાઈ છે. આ માટે જાણીતા ફિલ્મસ્ટાર રાજકુમાર રાવની પસંદગી કરાઈ છે. આ વીડિયો ઠેર-ઠેર લોકો સુધી પહોંચી રહ્યો છે. એફએસએસએઆઈનો ટાર્ગેટ છે કે આગામી ત્રણ વર્ષમાં આજે છે એના કરતાં ૩૦ ટકા જેટલી મીઠા, શુગર અને ફેટની ખપત ઘટે. એફએસએસએઆઈ આ માટે દરેકને અરજ કરી રહ્યંુ છે.

રાતોરાત આ બધું બદલવું અશક્ય છે. કોઈ એક વ્યક્તિ કોઈ સમસ્યાથી પિડાતી હોય તે જોયા બાદ પણ કોઈ વ્યક્તિ ૨૪ કલાકની અંદર બધું છોડી બેસે તે શક્ય નથી. બદલાવ ધીમે-ધીમે થાય છે. કેટલાક લોકો એમ માને છે કે હેલ્ધી લાઇફસ્ટાઇલ અઘરી છે, પરંતુ તે ખૂબ સરળ છે. બેઝિક વસ્તુઓ જો આપણે અપનાવીશું તો લાઇફમાં ઘણા મોટા ફેરફાર દેખાશે.

શું કરશો અને શું છોડશો?
*       પહેલાં તો એ જાણો કે ક્યાં તમે એકસ્ટ્રા શુગર કે એકસ્ટ્રા ફેટ લઈ રહ્યા છો? રોટલી દાળ ભાત કે શાકમાં મીઠું વધુ હોતું નથી. રોજિંદા આ ખોરાકમાં આપણે તેલ પણ માપસર નાંખતા હોઈએ છીએ, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ, ચીઝ, બટર, ફાસ્ટ ફૂડ, પ્રિઝર્વ્ડ ફૂડમાં ઘણું બધું મીઠું હોય છે. જો આ બધું બંધ કરીએ તો આપોઆપ મીઠાની માત્રા ઘટી જાય.

*       રોજ બે કપ ખાંડવાળી ચામાં વાંધો નથી, પરંતુ રોજ તમે મીઠાઈ ખાતા હો તો એ જોખમી છે. ઘણા લોકો એમ કહે અમે તો મહિનામાં એક જ વાર મીઠાઈ ખાઈએ, પરંતુ જો અઢીસો ગ્રામ મીઠાઈ ખાઈ જતા હોય તો તે ન ચલાવી લેવાય. બિસ્કિટ જેવી બેકરી પ્રોડક્ટ તમે ખાતા હો તો ચોક્કસ તમારે ખાંડની માત્રા ઘટાડવી જ જોઈએ.

*       રોટલીમાં કે ખીચડીમાં એક ચમચી ઘી નાખતા અચકાઓ નહીં, પરંતુ તેલમાં તળેલું હોટલનું ભોજન કે તેલમાં ડૂબેલા બહારના શાક ન ખાવ. ઘરનું સફેદ બટર ખાતા ન અચકાઓ, પરંતુ બહારનું પ્રોસેસ્ડ બટર ન આરોગો.

*       ઉપરથી કોઈ પણ વસ્તુમાં નાંખવામાં આવતા ખાંડ અને મીઠાને બંધ કરો. સલાડ, સૂપ કે ફળોમાં ઉપરથી મીઠું કે ચાટ મસાલો ન નાંખો. મીઠા વગરની વસ્તુઓનો એક ઓરિજિનલ સ્વાદ હોય છે. તેનો ટેસ્ટ માણો.
—————————–.

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment