કરાડી આંબાની સરિતાની ગોલ્ડન ગર્લ સુધીની સફર

થમ ગુજરાતી મહિલા એથ્લેટ સરિતાનો ખો-ખોથી એથ્લેટિક્સ સુધીની સફર
  • સિદ્ધિ – હરીશ ગુર્જર

ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામમાં માંડ ૬૦ કાચા-પાકા મકાનો છે. જંગલ અને પહાડો વચ્ચે વસેલા આ કરાડી આંબા ગામના ખેતમજૂર પરિવારની દીકરી સરિતા ગાયકવાડેે સખત પરિશ્રમના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. એશિયાડ ગેમ્સમાં ૪*૪૦૦ મીટરની રીલે દોડમાં સરિતાએ દેશને ગોલ્ડ મેડલ અપાવીને ગોલ્ડન ગર્લનું બિરુદ મેળવ્યું છે, પણ તેની આ મેડલ સુધીની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે.

માત્ર એક રૃમ અને રસોડાના કરાડી આંબા ગામમાં ખેતમજૂરી કરીને લક્ષ્મણભાઈ અને રામુબહેને સરિતા સહિત ૪ બાળકોને ઉછેર્યાં છે અને તેમને ભણાવ્યા પણ છે. સરિતા લક્ષ્મણભાઈના પરિવારનું છેલ્લું સંતાન છે અને તેણે બી.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પરિવારમાં સરિતાથી મોટી બે બહેનો અને એક ભાઈ છે.

એક વર્ષ પહેલાં જ લક્ષ્મણભાઈના ઘરે ટીવી આવ્યું છે. પેટે પાટા બાંધીને પોતાનાં સંતાનોને ભણાવનાર પિતા આજે જ્યારે સરિતાની સિદ્ધિઓ વિષે તેમને કોઈ પૂછે છે ત્યારે ચુપચાપ ભીની આંખોને લૂછી જવાબો આપવા માંડે છે. ખૂબ જ ગરીબીમાંથી પસાર થયેલા આ પરિવારે ‘અભિયાન’ની ટીમનું સ્વાગત દૂધ વગરની કોરી ચાથી કર્યું અને જેમાં સંઘર્ષની મીઠાશ ભેળવી હતી.

સરિતા વિષે તૂટલીફૂટલી ગુજરાતી અને ક્યારેક આદિવાસી શબ્દોમાં માંડીને વાત કરતાં લક્ષ્મણભાઈ જણાવે છે, ‘મારી મોટી દીકરી જીગ્ના દાહોદમાં શિક્ષિકા છે, તેનાથી નાની દક્ષા એમ.એ.બીએડ. થઈ છે અને દીકરો ધનેશ્વર બીએસસી થયો છે. સરિતાને નાનપણથી જ ભણવા કરતાં રમવામાં વધુ રસ હતો. પાંચમા ધોરણથી સરિતા ગામ છોડીને નજીકમાં જ આવેલા ચનખલ ગામમાં ભણવા ગઈ અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી. તેને રમત-ગમતમાં પહેલાંથી જ રસ હતો એટલે મેં ક્યારેય એને મારા ૩ બાળકોની જેમ ભણવા માટે દબાણ કર્યું નથી. નાની હોવાથી તેને તેની મરજીનું કરવાની છૂટ મેં આપી હતી.

‘ગોલ્ડન ગર્લનું બિરુદ મેળવનાર સરિતા નાનપણથી જ ગોલ્ડન હતી. તેના વાળ સોનેરી હોવાને કારણે ગામમાં સૌ કોઈ તેને આજે પણ ભૂરી તરીકે જ ઓળખે છે. ‘આશ્ચર્યની વાત તો એ હતી કે, અમે જ્યારે ગામલોકોને ભૂરીની રમત-ગમતની પ્રવૃત્તિ વિશે પૂછવાની શરૃઆત કરી તો સૌ કોઈ એક જ વાત કરતા હતા કે, ભૂરી ખો-ખોની જોરદાર ખેલાડી છે. ૭ મિનિટ એકલી જ દોડી લે છે. આ સાંભળીને શરૃઆતમાં શંકા ગઈ કે ભૂરી અને સરિતા એક જ છે કે, અલગ-અલગ છે.

‘પણ આખરે જાણવા મળ્યું કે, ૨૦૧૨ સુધી ૧-૨ નહીં, પણ સતત ૧૭ વખત ખો-ખોની નેશનલ ચેમ્પિયનશિપ રમી ચૂકેલી ભૂરી જ હવે ગણતરીની સેકન્ડમાં ૪૦૦ મીટર દોડતી એથ્લેટ્સ સરિતા ગાયકવાડ છે.’

‘એપ્રિલ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજિત થયેલા કોમનવેલ્થ ગેમમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા એથ્લેટ સરિતાનો ખો-ખોથી એથ્લેટિક્સ સુધીની સફર પણ ખૂબ જ રસપ્રદ છે. ધોરણ ૫થી ૮ સુધીની ચનખલની પ્રાથમિક શાળામાં ખો-ખોની ખેલાડી તરીકે સરિતાએ ઓળખ બનાવી અને ખેલ-મહાકુંભના માધ્યમથી તેણે ખો-ખોની સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો. સરિતાને ચીખલીની કૉલેજમાં ખો-ખોની ખેલાડી હોવાને કારણે જ પ્રવેશ મળ્યો હતો.

કૉલેજના ટ્રસ્ટી દર્શન દેસાઈ સરિતા વિષે વાત કરતાં જણાવે છે, ‘કૉલેજ અને શારદા ફાઉન્ડેશન દ્વારા સતત અંતરિયાળ ગામોમાંથી સારા રમતવીરોને શોધી તેમને આર્થિક મદદની પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે અંતર્ગત જ અમે સરિતાને ખો-ખોની બેસ્ટ ખેલાડી બનાવવા માટે પસંદગી કરી હતી અને તેના પરિવારની સ્થિતિને જોતાં ૩ વર્ષની બી.એ.ના અભ્યાસની ફી, રમતની ટ્રેનિંગ, શૂઝ અને કપડાંનો ખર્ચ પણ ઉઠાવાનો નિર્ણય લીધો, પરંતુ કૉલેજના સ્પોર્ટ્સ ટીચર ડૉ.જયમલ નાયકે સરિતાને ખો-ખોને બદલે દોડમાં કારકિર્દી બનાવવા આગ્રહ કર્યો અને તાલીમ શરૃ કરી. ૨૦૧૨માં ખેલ-મહાકુંભમાં રાજ્ય સ્તરે દોડની તમામ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવ્યાં બાદ, ગુજરાત સ્પોટ્ર્સ ઑથોરિટીનું ધ્યાન તેની તરફ ગયું અને ત્યાર બાદ સરિતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.’
——————

સરિતા ગાયકવાડસ્પોર્ટ્સહરિશ ગૂર્જર
Comments (0)
Add Comment