રિટાયર થવાનો લહાવો

કાલથી મારા કામમાં મદદ કરાવવા લાગજો
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

‘હા…શ! કાલથી મારા સંપૂર્ણ આરામના દિવસો ચાલુ થવાના. કેટલાંય વરસોથી હું આ દિવસોની રાહ જોતો હતો. તું કાયમ ફરિયાદ કરતી હતી ને, કે તમને તો મારા માટે ફુરસદ જ નથી, ટાઇમ જ નથી વગેરે વગેરે, તો લે હવે કાલથી બંદા ચોવીસ કલાક તારી સેવામાં, તારી સાથે ને સાથે અને તું કહે તો તારી આગળ ને પાછળ ફર્યા કરીશ. જેમ લગન પહેલાં ફરતો ને તેમ. આપણે તું કહે ત્યાં ફરવા પણ જઈશું.’

‘હવે…? હવે તમને ફુરસદ મળી? ને ટાઇમ મળ્યો? માફ કરજો, હવે એનો કોઈ મતલબ નથી. તમને તો ખબર જ છે કે મારા બંને ઘૂંટણ ખલાસ થઈ ગયા છે ને ઘરની બહાર જવાનું તો મેં બંધ જ કર્યું છે.’

‘હા ડાર્લિંગ. મને તો ખબર જ હોય ને?’

‘હેં…? ડાર્લિંગ? રિટાયર થવાના તેમાં ડાર્લિંગ? કે ખુશીના એટેકમાં મગજ લવરીએ ચડ્યું? આટલાં વરસમાં તો કોઈ દા’ડો…? ઠીક છે, જોઉં કેટલા દિવસ આ ડાર્લિંગવાળું ચાલે છે તે. સારું, તો પછી કાલથી મારા કામમાં મદદ કરાવવા લાગજો તો જ મારી સાથે રહેવાશે કે બેસાશે. કોણ જાણે હું ક્યારે નવરી પડીશ(તમારી જેમ)?’ ‘અરે, જો મેં બધું વિચારી જ રાખ્યું છે. મારાં બધાં કામ તો હું જાતે જ કરી લઈશ એટલે ઘરમાં તારા આંટા એટલા ઓછા ને બહારના પરચૂરણ કામ પણ હું મારા માથે જ લઈ લઉં છું. આપણા રામલા સાથે પણ કાલથી તારે બિલકુલ માથું નથી દુખવવાનું. એને તો હું સંભાળી લઈશ.’

‘અરેરે! રખે એવું કરતા. રામલા સામે તો તમારે આંખ ઊંચી કરીને જોવાનું પણ નથી. રામલાની જવાબદારી તો મારી જ છે. એની પાસે કઈ રીતે કામ લેવું અને એને ક્યારે રજા આપવી કે ક્યારે એને પગાર આપવો અને એનો કેટલો પગાર કાપવો એ બધું તમારું કામ નથી. તમે પહેલાં બતાવ્યા તે જ કામ કરી લેશો તો ય બહુ છે. આભાર તમારો.’

‘કેમ? એમાં શી મોટી ધાડ મારવાની છે? એ જે કામ કરે તે બરાબર કરે છે કે નહીં, તે જ જોવાનું છે ને? નવરો બેઠો આમેય હું શું કરવાનો? એને જોયા કરીશ એટલે એને પણ થશે કે, ‘સાહેબ, મારા કામ પર ધ્યાન આપે છે અને હવે જો હું કામમાં ગબડાવીશ તો બિલકુલ નહીં ચાલે.’

‘હવે એટલે? આજ સુધી મેં એના કામ પર ધ્યાન નહોતું આપ્યું એમ? અરે, મેં ધ્યાન રાખ્યું ને તો જ ઘર આટલું ચકાચક છે. ‘ને તમારા કપડાંય મારી મહેરબાનીથી આમ સાદા પાવડરેય ચમકે છે. રામલા પર તો હું જ ધ્યાન રાખીશ. યાદ છે ને પેલી ફિલ્મ? એમાં પેલા પરેશભાઈ કેવા માથું ખાઈ જતા હતા પેલી કામવાળીનું? મારે તો આ રામલાને ટકાવી રાખવો છે સમજ્યા ને?. તમે તમારે રસોડામાં દસ વાર આવીને ચા-પાણીના આંટા મારી લેજો તોય બહુ.’

‘હું દસ વાર ચા પીઉં છું, એમ કહેવું છે તારું? જરા ગણાવ તો.’ ‘એ તો હવે નવરા પડ્યા તે ચા પીવા સિવાય શું કરશો બીજું? બેઠા બેઠા ઓર્ડર છોડવા કરતાં આવીને ચા બનાવીને પી લેજો જોઈએ એટલી વાર.’

‘બસ, આની જ મને બીક હતી. એટલે હવેથી મારી ચા પણ મારે જ બનાવવાની? હું તારા આંટા ઓછા કરું તો તારે ખાલી ચા જ મૂકવાની રહે ને? એમ તો મારા મનમાં હતું જ કે તું આવી જ બધી દલીલો કરશે એટલે મેં તો મારા નિવૃત્ત જીવનનો આખો પ્લાન જ તૈયાર કરી મૂક્યો છે. તને તો જરાય તકલીફ નહીં પડવા દઉં, તને બનતી મદદ કરીશ. રોજ સવાર સાંજ બગીચામાં ચાલવા ને કસરત કરવા જઈશ, લાઇબ્રેરીમાં જઈશ, મિત્રોને મળતો રહીશ, સમાજસેવા કરીશ અને ઘરમાં હોઈશ ત્યારે તું સોંપે તે કામ કરીશ. ખુશ ને? બીજા પતિઓની મને ખબર છે. એમની જેમ કંઈ પત્નીના માથા પર નહીં બેસું આખો વખત.’

‘ઓહોહો! તમારું પ્લાનિંગ તો બહુ જબરું. ગમ્યું મને, પણ પેલી રામલાવાળી વાત તો ભૂલી જ જજો હં. મને મારા કામમાં કોઈ માથું મારે તે બિલકુલ પસંદ નથી.’

‘તો પછી, મારી ચા તો તું જ મૂકશે ને?’

‘તમે ચા પર ને ચા પર જ અટક્યા છો ક્યારના? ચામાંથી બહાર નીકળો હવે ને બીજાં કામ પણ વિચારો કે જે હવેથી મારે માથે ન નાંખવા પડે.’

‘જેમ કે?’

‘પહેલાંની જેમ જ તમારા ઑફિસ ટાઇમ દરમિયાન, જેવી મને રાહત આપતા તેવી જ રાહત હવે પણ આપજો બસ, બીજું કંઈ નથી માગતી.’

‘હેં?’
————–

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment