કૃષ્ણનું ખાંડવ દહન જગતની શાતા માટે હતું

પાંડવોએ નવા ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સ્થાપના કરી કે તુરંત ખાંડવ વન નથી બાળ્યું.
  • પર્વ પ્રસંગ – હિંમત કાતરિયા

સામાન્ય લોકો તો ઠીક, ભગવદ્ગીતાને માથે મુકીને નાચતા કોઈ કોઈ વિદ્વાનો પણ કૃષ્ણના ખાંડવ વન દાહના કૃત્યને લઈને કુરુક્ષેત્રે અર્જુનને થઈ હતી તેવી મૂંઝવણ અનુભવે છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણચંદ્ર ભગવાનને એવી તે કેવી નોબત આવી કે તેમણે માથે ઊભા રહીને પ્રાણીઓથી સમૃદ્ધ અને સ્વયં ઇન્દ્રથી રક્ષિત એવું આખું વન સળગાવ્યું? કોઈ પ્રાણી બચી ન જાય તે માટે ચોકીપહેરો કર્યો?

પાંડવોએ વસાવેલી નવી નગરીના સીમાડે ખાંડવ વન નામનું વિશાળ જંગલ હતું તેને એક દિવસ બાળી નાખવામાં આવ્યું. બૌદ્ધિક વક્તાઓ આ ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરે છે. કોઈ કોઈ કહે છે કે રાજ્યના સીમાડે વન અશુભ મનાય છે તેથી ખાંડવ વન બાળ્યું. ચોર-લૂંટારાઓ ગુના આચરીને વનમાં સંતાઈ જાય અને તેમને પકડવામાં મુશ્કેલી પડતા કાયદો અને વ્યવસ્થા જોખમાય છે. એટલે વ્યાપક એવી રાજ્યના લોકોની સુખાકારી માટે કેટલાંક પ્રાણીઓના ભોગે પણ વનને બાળવું જરૃરી હતું.

આ દલીલ ખોટી છે. કેમકે પાંડવોએ નવા ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સ્થાપના કરી કે તુરંત ખાંડવ વન નથી બાળ્યું. યુધિષ્ઠિરના શાસનમાં પ્રજા સમૃદ્ધ થઈ, ઇન્દ્રપ્રસ્થની કીર્તિ  દૂરસુદૂર ફેલાઈ એ પછી ખાંડવ દાહનો પ્રસંગ બને છે. વળી જો સીમાડો સુરક્ષિત કરવા માટે જ ખાંડવ વન બાળવું જરૃરી હતું તો વનને સળગાવતાં પહેલાં તેમાં રહેલાં પ્રાણીઓને બહાર કાઢ્યાં હોત, એમને સુરક્ષિત બહાર નીકળવાનો અવસર આપ્યો હોત. કૃષ્ણ ભગવાને એ વનને બાળ્યું. એટલું જ નહીં, સખા અર્જુન સાથે આખો દિવસ ઘોડો દોડાવીને કૃષ્ણએ ખાંડવ વનના દાહમાંથી બચવા મથતાં પ્રાણીઓ પર બાણો વરસાવીને પુનઃપુનઃ વનમાં સ્વાહા કર્યા. મહાભારતમાં ખાંડવ દાહ પર્વમાં અર્જુન અને કૃષ્ણના આ પરાક્રમનો બીભત્સ રસ પાનાંઓ ભરીને પીરસ્યો છે.

મહાભારત પ્રમાણે, ખાંડવ દાહની ઘટના રાજર્ષિ શ્વેતકીના યજ્ઞ સાથે જોડાયેલી છે અને વ્યાપક જનહિતમાં, જેનો જઠરાગ્નિ મંદ પડ્યો હતો તેવા અગ્નિને પ્રદીપ્ત કરવા ભોગ રૃપે બની છે. એક દિવસ શ્રીકૃષ્ણ અને અર્જુન એક મનોહર સ્થાનમાં બેઠા આનંદપૂર્વક પૂર્વે કરેલા પરાક્રમની વાતો કરતા હતા ત્યારે અગ્નિ ખુદ મનુષ્ય વેશ ધારણ કરીને બંને પાસે પોતાની જઠરાગ્નિ મંદ પડી છે તેથી ઇન્દ્ર દ્વારા રક્ષિત ખાંડવ વનનો ભોગ આપવાની ભિક્ષા માગે છે. અગ્નિને ભોજનની ભીખ માગવાની કેમ જરૃર પડી? તેનો જવાબ પૂર્વે શ્વેતકી નામના રાજર્ષિના પરાક્રમમાં છુપાયેલો છે.

શ્વેતકીની યજ્ઞો કરાવવા સિવાય કશામાં બુદ્ધિ નહોતી ચાલતી. તેમના યજ્ઞો નિરંતર ચાલતા. ઋત્વિજોની યજ્ઞના ધુમાડાથી આંખો ખરાબ થઈ ગઈ તો શ્વેતકીએ તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા અને પછી સતત બાર વર્ષ સુધી યજ્ઞમાં ઘીની ધારા અને હવિઓથી અગ્નિને તૃપ્ત કર્યો. અહીં અગ્નિની મુશ્કેલી એ થઈ કે સતત ઘી અને હવિઓથી પરમતૃપ્ત તેમણે બીજા કોઈનું હવિષ્ય લેવાની ફરી ઇચ્છા રાખી નહીં તેથી તે લાલાશ છોડીને પીળા રંગનો કાંતિહીન થઈ ગયો અને પ્રકાશતો બંધ થયો. અગ્નિએ બ્રહ્મા પાસે જઈને ફરિયાદ કરી કે મારી અરુચિને કાઢો અને મને મારી પહેલાંની પ્રકૃતિ મળે એમ કરો.

બ્રહ્મા ઉપાય ચીંધે છે કે ખાંડવ વનમાં બધાં પ્રકારનાં પ્રાણીઓ રહે છે તેની ચરબીથી તૃપ્ત થઈને તું તારી મૂળ પ્રકૃતિને પામશે, તું તે વનને બાળવા જા. ઇન્દ્રનો મિત્ર તક્ષક નાગ આ વનમાં રહેતો હતો અને આ વન ઇન્દ્ર દ્વારા રક્ષિત હતું એટલે સાત વખત અગ્નિએ ખાંડવ વનને સળગાવવાનો પ્રયત્ન કર્યો અને સાતે વાર અગ્નિ હોલવાઈ ગયો. નિરાશ અગ્નિ ફરી બ્રહ્મા પાસે ગયો. બ્રહ્માએ ઉપાય બતાવ્યો કે થોડા સમય પછી અર્જુન અને શ્રીકૃષ્ણ અવતરે પછી જજે. એ બંને ઇન્દ્રના દેખતા ખાંડવ વન બાળી શકે એમ છે.

અર્જુને અગ્નિને ફરિયાદ કરી કે મારા વેગને બરાબર ઝીલી શકે તેવું મારી પાસે ધનુષ્ય નથી અને હું ઘણી ત્વરાથી બાણો છોડું છું એટલે મારી પાસે અખૂટ બાણો હોવા જોઈએ. તેમજ મારે જોઈએ તેટલાં બાણોનો ભાર સહન કરવા આ રથ પણ અસમર્થ છે. પુરુષાર્થથી જે કરવાનું હશે તે અમે બંને કરીશું, પણ તમારે અમને સમર્થ સાધનો આપવા પડશે. અગ્નિએ વરુણને સમર્યા અને વરુણે અર્જુનને બે અખૂટ ભાથા, ગાંડિવ ધનુષ્ય અને દિવ્ય ઘોડાવાળો કપિધ્વજ રથ આપ્યો અને વાસુદેવને સુદર્શન ચક્ર આપ્યું.

આયુધો મળી ગયાં પછી શ્રીકૃષ્ણ અને અર્જુન અગ્નિને કહે છે કે હવે તું ખાંડવ વનને ફરતેથી દાહ આપ, જોઈએ કોણ હોલવે છે અને કોણ એમાંથી બચે છે. પ્રાણીઓ તો ઠીક, ઊડી જતાં પક્ષીઓને પણ અર્જુને બાણો મારીને બળતાં અગ્નિમાં હોમી દીધાં. કોપિત ઇન્દ્રે અતિ તેજ વર્ષા વરસાવી તો તેને પણ અર્જુને બાણોની વર્ષા કરી આકાશમાં જ રોકી રાખ્યો. એક તરફ શ્રીકૃષ્ણ અને અર્જુન તેમજ ઇન્દ્ર સાથેની દેવોની સેના વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું.

‘મહાભારત’ એ ભારે બીભત્સરસવાળા વર્ણનમાં કહે છે કે ખાંડવ દાહમાં ખાંડવવાસી દાનવો, રાક્ષસો, નાગો, દીપડાઓ, રીંછો, મદઝરતા હાથીઓ, વાઘો, કેશવાળીવાળા સિંહો, મૃગો, પાડાઓ, શરભો, પંખીઓ તેમજ બીજા વનવાસીઓ નાશ પામ્યાં. શ્રીકૃષ્ણના ચક્રથી કપાઈ ગયેલા અને ચરબી તથા લોહીથી ખરડાયેલા તે સર્વે સંધ્યાકાળનાં વાદળાં જેવા દેખાતાં હતાં. ત્યાં યદુનંદન શ્રીકૃષ્ણચંદ્ર કાલરૃપ ધારણ કરીને પ્રાણીઓને મારતા ફરતા હતા. હારીને ઇન્દ્ર સેના સાથે પાછો ફર્યો. અર્જુને પોતાના શરસમૂહોથી ખાંડવનિવાસી જીવોને ફૂંકી માર્યા. અર્જુનનાં બાણોથી એક પણ પ્રાણી બહાર નીકળી ન શક્યું.

માંસ, લોહી અને ચરબીના પ્રચંડ સમૂહથી તૃપ્ત થયેલો તે અગ્નિ ઊંચે આકાશમાં જઈ ધુમાડા વિનાનો થયો અને અગ્નિ આનંદિત થયો તથા પરમ સંતોષ પામ્યો. શ્રીકૃષ્ણ અને અર્જુન સાથે અગ્નિએ પંદર દિવસ સુધી તે ખાંડવ વન બાળ્યું. ખાંડવ દાહમાં અગ્નિએ માત્ર છને બાળ્યા નહીં, અશ્વસેન, મયદાનવ અને ચાર શાર્ડંગ પક્ષીઓ. હે અહિંસાના ઉપાસકો, એને રુંઢમાળ(ખોપરીની માળા) ગમે છે. એ ભોગ માગે છે. આત્યંતિક કિસ્સામાં એ મહાભોગ માગે છે. દાવાનળના મૂળમાં તો પવનના કારણે વાંસ ઘસાતા અગ્નિનો તિખારો ઝરે છે અને એમાંથી આખું વન બળે છે. ઈશ્વરના માત્ર અહિંસક સ્વરૃપને જ કરુણામૂર્તિ, પરમકૃપાળુ, દયાનિધિ ગણવામાં આવતું હોય તો ભગવાન આવા તિખારામાંથી આખા જંગલને ભરડો લે તેવી આગ પ્રગટવા દે ખરો? આ સ્થિતિમાં દાવાનળને ભગવાનનું નિર્દય કૃત્ય ગણવું કે તેની પરમ કૃપા?

હા, પરમ કૃપા. કેમ કે અગ્નિ દેહ ચલાવે છે, સંસાર ચલાવે છે. આપણા દરેકના શરીરમાં દાવાનળ, વડવાનળ સળગે છે. એમાં અનેક સૂક્ષ્મ જીવો રોજબરોજ હોમાય છે અને એ જ ક્રિયા આપણા જીવનનું નિમિત્ત બને છે. આપણે ખોરાક રૃપી બલિથી રોજ એ જઠરાગ્નિને સંકોરવાનુંં કર્મ કરીએ છીએ. જેમ મંદ જઠરાગ્નિ વૃદ્ધાવસ્થા કે મોટી બીમારીનું કારણ બને છે તેમ પરમતત્ત્વ પાસે આ જગતનું અગ્નિતત્ત્વ પ્રજ્વલ્લિત રાખવા, તેજોમય રાખવા, તેને પીળો પડી જતો અટકાવવા મહાબલિના વિકલ્પો વિચારવા પડે છે. મહાભારત સ્પષ્ટ કહે છે કે ખાંડવ દાહ જગત કલ્યાણ માટે નર અને નારાયણના અવતાર એવા અર્જુન અને કૃષ્ણે હાથ ધર્યો હતો. એ રીતે વિચારતા શ્રીકૃષ્ણનું ખાંડવ દાહનું ભીષણ કૃત્ય પણ પૂર્ણપુરુષોત્તમની જગત પરની કૃપા રૃપ છે.

ગત ૨૭ જુલાઈએ જ દુનિયાના સૌથી સમૃદ્ધ દેશ અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ લાગી હતી. એ આગમાં કુલ ૮,૯૫,૩૮૬ એકર એટલે કે ૩,૬૨૩ કિલોમીટરનું જંગલ બળીને ખાખ થઈ ગયું હતું. એ ભીષણ આગમાં ૧૩૯ મકાનો અને ૧૧૯ અન્ય બાંધકામો સ્વાહા થઈ ગયાં હતાં. કેલિફોર્નિયાની એ આગમાં ૮ નાગરિકો અને ૫ ફાયર ફાયટરો મોતને ભેટ્યાં હતાં. મહાસત્તા અમેરિકાનાં મહાયંત્રો પણ એ મહાબલિને અટકાવી શક્યા નહોતા. જૂનથી ડિસેમ્બર દરમિયાન દુનિયાભરનાં જંગલોમાં આગની મહિને અડધો ડઝન ઘટનાઓ બને છે. એ મહાબલિ નહીં તો બીજું શું છે?
——————

કવર સ્ટોરી - હિંમત કાતરિયા
Comments (0)
Add Comment