ઢાઢીલીલા – કૃષ્ણભક્તિની આ પરંપરાને સાચવવાનો પડકાર

વ્રજભૂમિની ઢાઢીલીલાની હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરાનો વારસો આજે પણ પુષ્ટિ માર્ગીય સમાજમાં જળવાઈ રહ્યો છે
  • પર્વ પ્રસંગ – દેવેન્દ્ર જાની

વ્રજભૂમિની ઢાઢીલીલાની હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરાનો વારસો આજે પણ પુષ્ટિ માર્ગીય સમાજમાં જળવાઈ રહ્યો છે. જોકે આ પરંપરાને ભવિષ્યમાં સાચવવાનો મોટો પડકાર છે. આજની પેઢીને કૃષ્ણભક્તિના આ કીર્તન કે સ્વરૃપની ખબર નથી. વ્રજભાષામાં રજૂ થતાં કૃષ્ણના આ કીર્તનની આ પ્રથા શું છે? તેની કથાવસ્તુ, પાત્રો અને પડકાર વિશે જન્માષ્ટમીના પાવન અવસર પર આવો જાણીએ.

ઢાઢી તે પઢી, નંદ રિઝાયો,
જસુમતી સુતકી કીર્તિ ગાઈ, સબહીન કે મન ભાયો.
નંદ સુબાગોૈ અપનેૈ ગરૈકી, ઢાઢી કો પહેરાયોૈ,
દીની ધેનુ, ઘોૈરી ઓૈર ઘૂમરી, અરૃ ભંડાર ખુલાયોૈ. 

અષ્ટસખાના નામે વિખ્યાત બનેલા કવિઓએ રચેલા પદોમાં સુરદાસના ઢાઢીલીલાના પદો વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જાણીતા છે. આવા એક પદમાં ઢાઢી નૃત્ય, નંદબાબાનો આનંદ અને કૃષ્ણની ભક્તિને સુરદાસજીએ ભાવથી વર્ણવી છે. આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે જ્યારે વ્રજમાં નંદરાયજીને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે ગોકુળ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારાથી ગુંજી ઊઠ્યું હતું. ચારે દિશાઓમાં અબીલ-ગુલાલ અને માખણ મિસરીની છોળો ઊડતી હતી. નાના – મોટા તમામ લોકો કૃષ્ણજન્મોત્સવના આનંદમાં ડૂબ્યા હતા. નંદરાયજીએ આ ઉત્સવમાં સામેલ થવા તમામ વર્ગના લોકોને આમંત્રણ આપ્યું હતું. દેવી-દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી કાનુડાને વધાવતા હતા.

હરખના આ અવસરમાં ભાટ, ચારણ, યાચકો પણ તેના પરંપરાગત વેશભૂષામાં નંદબાબાના આંગણે પહોંચ્યા હતા અને તેમની પરંપરા અનુસાર કૃષ્ણની લીલાના ગુણગાન ગાયા હતા. નંદરાયજીની ખુશીનો કોઈ પાર ન હતો. તેમણે લાલાની વધામણી માટે આવેલાઓને ખૂબ દાન – દક્ષિણાઓ આપી પ્રસન્ન કર્યા હતા. એવંુ કહેવાય છે કે ખજાનો ખુલ્લો મુકી દેવાયો હતો. નંદરાયજીને આંગણે એ સમયે ખાસ પ્રકારની વેશભૂષામાં ઢાઢી અને ઢાઢણ પણ આવ્યાં હતાં. તેમણે કીર્તન થકી એવું યશગાન કરી નંદજી અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. ચારણ, ભાટ અને બારોટની જેમ ઢાઢી – ઢાઢણ એક જાતિ છે તેઓ ખાસ શૃંગાર સજીને કૃષ્ણલીલા રજૂ કરે છે જેમાં સૌ પ્રથમ નંદરાયજી, ઠાકોરજી અને વલ્લભકુળની વંશાવળીને રજૂ કરવામાં આવે છે. મૂળ વધામણીનું આ સ્વરૃપ છે. હજારો વર્ષ જૂની ઢાઢીલીલા આજે પણ જીવતી છે. કૃષ્ણભક્તિનું આ એક એવું સ્વરૃપ છે કે તેને ભાવથી માણનારાઓ ભાવવિભોર બની કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઢાઢીલીલાનું વિશેષ મહત્ત્વ છે. હવેલીઓમાં પ્રસંગોપાત જ્યારે મનોરથ હોય ત્યારે ઢાઢીલીલાના કાર્યક્રમો રાખવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને પાટીદાર સમાજ વૈષ્ણવપંથમાં વધારે માને છે. સૌરાષ્ટ્ર-સુરતમાં ઢાઢીલીલાની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. હવેલીઓ ઉપરાંત વૈષ્ણવપંથી પરિવારોમાં માળા પહેરામણી, સંતાનોના જન્મદિવસ કે લગ્ન પ્રસંગે આવા ઢાઢી લીલાનું આયોજન કરી કૃષ્ણના ગુણગાન કરવામાં આવે છે.

ઢાઢીલીલામાં પુરુષ જ બંને પાત્રો ભજવે છે
ઢાઢીલીલાની ખાસિયત એ છે કે પુરુષો  જ સ્ત્રી અને પુરુષની વેશભૂષા ધારણ કરી નૃત્ય-કીર્તનના માધ્યમથી કૃષ્ણની બાળલીલાને ભાવથી વ્યક્ત કરે છે. ઢાઢીજી એ પુરુષ અને ઢાઢણજી એ સ્ત્રી પાત્ર છે. ઢાઢીજીનું પાત્ર ભજવનાર પુરુષ લાંબો રાજસ્થાની અંગરખો અને માથે મારવાડી પાઘ પહેરે છે, જ્યારે ઢાઢણજીનું પાત્ર ભજવનાર પુરુષ કલાકાર રાજસ્થાની મહિલા જેવી વેશભૂષા ધારણ કરી શૃંગાર કરે છે. પગે ઘૂંઘરું બાંધે છે. આ વેશભૂષા તેની ઓળખ છે. હવેલીઓ કે ગામડાંઓમાં થતાં ઢાઢી લીલાના કાર્યક્રમોમાં ઢાઢીજી અને ઢાઢણજી સ્ટેજ પર આવીને કલાકો સુધી સાજિંદાઓ સાથે તેની આગવી શૈલીથી કૃષ્ણભક્તિના ગુણગાન ગાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઢાઢીજી કે ઢાઢણજીનાં પાત્રો ભજવનારા કીર્તનકારો એ ધંધાદારી નથી હોતાં. તેઓ ભાવથી આ પાત્રો ભજવે છે. જોકે યજમાન કે હવેલીઓના આચાર્યો દ્વારા તેમને મહેમાનની જેમ સાચવીને પ્રસન્ન કરવાની એક પરંપરા છે. ઢાઢીલીલાનાં કીર્તનો ઋતુ પ્રમાણે રજૂ કરવામાં આવે છે. આ જ રીતે અમુક સમયે અમુક પ્રકારના રાગોથી ગવાતાં હોય છે. જેમ કે સાંજના ભીમપલાસ, માલવ જ્યારે મોડી રાતે દરબારી, માલકોસ અને પરોઢિયે  પ્રભાતિયાં ગવાતાં હોય છે.

છેલ્લાં ૧પ વર્ષથી ઢાઢણજીનું પાત્ર ભજવી કાર્યક્રમો આપનારા રાજકોટના કીર્તનકાર કમલેશભાઈ ચોવટિયા (બાંગાવાળા) કહે છે, ‘અમે આ પાત્ર થકી ભગવાન કૃષ્ણ પ્રત્યેનો અમારો ભાવ રજૂ કરીએ છીએ. હું મારા નિજાનંદ માટે સ્ત્રી ઢાઢીજીનું પાત્ર ભજવું છું. આ કળાને જીવતી રાખવી એ કપરું કામ છે. ઢાઢીલીલામાં પ્રભુ વહેલી સવારે જાગે ત્યારથી પોઢે ત્યાં સુધીનાં પદો ગવાય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્રજભાષામાં આ પદો ગવાય છે એટલે કીર્તનકાર કે જે ઢાઢીજી કે ઢાઢણજીનું પાત્ર ભજવે છે તેને સંસ્કૃત અને વ્રજભાષાનું જ્ઞાન હોવું એ જરૃરી છે. જૂની પેઢીના લોકો ઢાઢીજી અને ઢાઢણીજીના પાત્રને માન-સન્માનથી જુએ છે, પણ આજની પેઢી આ પાત્રોની મહત્તાને સમજી શકતી નથી.

ઢાઢીજીનું પાત્ર વર્ષોથી ભજવતા ભાવેશભાઈ સિદપરા કહે છે, ‘ઢાઢીલીલા જોવામાં આજની પેઢીને રસ નથી એટલે ખાસ તો યુવાનો રસ લેતા થાય તે માટે વૈષ્ણવ સમાજ અને સંગઠનોએ પ્રયાસો કરવા જોઈએ. વર્તમાન સમયમાં હવેલીઓમાં મનોરથ હોય ત્યારે ઢાઢીલીલાના કાર્યક્રમો થતાં હોય છે. એક સમયે સૌરાષ્ટ્રના ગામે ગામ કાર્યક્રમો થતાં એ ઓછા થઈ ગયા છે. વ્રજભાષામાં કૃષ્ણભક્તિનું આ અનોખું ગાન કરવાની અનુભૂતિ જ કંઈ ઓર છે.’

સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ધોરાજી, પોરબંદર, જામનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ઢાઢીલીલાનું આયોજન આજે પણ કરવામાં આવતા આ પરંપરા જળવાઈ રહી છે. વૈષ્ણવ સંપ્રદાય ખાસ કરીને પટેલ સમાજના લોકો સૌરાષ્ટ્રથી સુરત-વરાછા અને બાપુનગર જેવા વિસ્તારોમાં વસવાટ કરે છે ત્યાં હજુ આ પરંપરા સચવાઈ છે. હવેલીઓમાં જ્યારે મનોરથ હોય ત્યારે ઢાઢીલીલા થાય છે, આચાર્યોની આજની પેઢીએ પણ ઢાઢીલીલા યોજી આ પરંપરાને જીવતી રાખી છે. વ્રજની આ પરંપરા સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં જોવા મળતી નથી.

રાજકોટની રોયલપાર્કની જાણીતી હવેલીના આચાર્ય અભિષેકકુમારજી કહે છે, ‘વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિ માર્ગીય પરંપરામાં ઢાઢીલીલાનું વિશેષ મહત્ત્વ છે. આ વારસાને સાચવવો એ અમારી પણ ચિંતા છે. ઢાઢીલીલા વ્રજભાષામાં રજૂ થતી હોવાથી આજની પેઢીને તેને સમજવામાં મુશ્કેલી પડે છે. આ એક લોકકલા છે. આજે ભવાઈ જેવી લોકકલાની પરંપરાને જાળવવી અઘરી બની છે તેમ ઢાઢીલીલાની પરંપરાને પણ જાળવવી એ પડકાર રૃપ છે. કીર્તનકારો પણ ઓછા થઈ ગયા છે. નવી પેઢીને આવાં પાત્રો ભજવવામાં રુચિ નથી હોતી. હવેલીઓમાં અમે સમયાંતરે ઢાઢીલીલા રાખીએ છીએ અને નવી પેઢીને તેની જાણકારી આપવાનો પ્રયાસ કરીએ છીએ.’

આચાર્ય અક્ષયકુમારજી પણ એ વાતમાં સૂર પૂરાવીને કહે છે, ‘પશ્ચિમી સંસ્કૃતિની અસરો આપણી પ્રાચીન પરંપરાઓ પર પડી રહી છે. ઢાઢીલીલા એ વૈષ્ણવોમાં ખૂબ પ્રિય છે. નૃત્ય અને કીર્તન થકી કૃષ્ણના ભાવથી ગુણગાન ગવાય છે. સંગીત, નૃત્ય અને સૂરનો સંગમ જોવા મળે છે. હજારો વર્ષ જૂની વ્રજની આ સંસ્કૃતિ આજે પણ સૌરાષ્ટ્રમાં હયાત છે એ આનંદની વાત છે. હવે તેને જાળવવી એ કપરું કામ છે. મંચ પર ભજવાતી ઢાઢીલીલા કલાકો સુધી માણવાનો  સમય જ આજની પેઢી પાસે નથી. જોકે કેટલાક સેવાભાવી કાર્યકરો સમાજને મળી જતા હોય છે એટલે આશા છે ભવિષ્યમાં હજુ હજારો વર્ષ સુધી આ પરંપરા જળવાતી રહે.’

હવેલીઓમાં જન્માષ્ટમીની જેમ જ રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાદરવા સુદ આઠમ અનુરાધા નક્ષત્રમાં ઉત્તર પ્રદેશના બરસાનામાં રાધિકાજીનો જન્મ થયો હતો. કહેવાય છે રાધિકાજીના અનુપમ સૌંદર્યને નિહાળવા માટે દેવી-દેવતાઓ પણ પધાર્યા હતા. પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં રાધિકાજીના જન્મોત્સવ ધામધૂમથી ઊજવાય છે. એ મનોરથમાં ઢાઢીલીલા રાખવામાં આવતી હોય છે.

ઢાઢીલીલાના કીર્તન – રાસ નવી પેેઢી શીખે તે માટે અમદાવાદ અને સુરતમાં ખાસ તાલીમ આપવાનો પ્રયાસ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ કરી રહ્યા છે. ઢાઢીલીલાનાં કીર્તનો ઋતુ પ્રમાણે રજૂ કરવામાં આવે છે. જેમ કે વસંત ઋતુમાં વસંતના રાગ, હોળી પર હોળીખેલના અને ચોમાસામાં વર્ષા અને માખણલીલાનાં કીર્તનો રજૂ કરાય છે. આ જ રીતે અમુક સમયે અમુક પ્રકારના રાગો ગવાતા હોય છે. સાંજના ભીમપલાસ, માલવ જ્યારે મોડી રાતે દરબારી, માલકોસ અને પરોઢિયે પ્રભાતિયાં ગવાતાં હોય છે.
———-.

સૌરાષ્ટ્રમાં આ પરંપરા કેવી રીતે શરૃ થઈ?
વ્રજભૂમિ પછી ઢાઢીલીલાને જીવતી રાખવામાં સોૈરાષ્ટ્રનો મુખ્ય ફાળો છે. જૂની પેઢીના વૈષ્ણવ સંપ્રદાયના લોકોનું કહેવું છે કે વર્ષો પહેલાં સોૈરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજનો એક સંઘ વૃંદાવન – મથુરાની યાત્રાએ ગયો હતો. ત્યાં ઢાઢીલીલા ભજવાતી જોઈ અને તે ખૂબ ગમી હતી. આ સંઘના સભ્યોએ સૌરાષ્ટ્ર પરત આવીને ઢાઢી લીલાની શરૃઆત કરી હતી. પદો વ્રજભાષામાં હોવા છતાં એ સમયના કીર્તનકારો બહુ ભણેલા ન હતા છતાં સંસ્કૃત ભાષામાં ગવાયેલાં પદો કંઠસ્થ કરીને ઢાઢીલીલાની પરંપરાનો આરંભ કર્યો હતો. સોૈરાષ્ટ્રમાં વર્ષો સુધી ઢાઢીલીલાને જીવંત રાખવા જેમણે જીવન સમર્પિત કરી નાખ્યું છે તેવા જામનગર જિલ્લાના લલોઈ ગામના સ્વ.મોહનભાઈ હિરપરાને કોઈ ભૂલી શકે તેમ નથી.
———————-

દેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment