બહેનાને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ…

હજુ ગામડાંઓમાં ક્યાંક ગોટાઓની મજા તો છે

હેતલ રાવ

રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે દર વર્ષે બજારમાં હટકે રાખડીઓ જોવા મળે છે, પણ આ વર્ષે રાખડીઓનો અનેરો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળ્યો છે. બિગ-બી, પ્યારી બહેના, તો વળી ભાઈના નામનો પ્રથમ વર્ડ કે પછી ભાઈ-બહેનનાં નામ જેવા અનેક ટ્રેન્ડ માર્કેટમાં અને ઓનલાઇન મળી રહે છે. યુવાનો આ નવતર ટ્રેન્ડને આવકારી રહ્યા છે.

રાખડીના રૃપે માર્કેટમાં મોટા અને રંગબેરંગી ગોટા મળતા હતા. ઘણી રાખડીઓ તો એટલી મોટી હોય કે ભાઈનો હાથ પણ નાનો લાગતો હતો, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. આજકાલ ભાઈ-બહેન રક્ષાબંધનના પિક્સ સોશિયલ મીડિયા પર મુકીને યો..યો લખતા થયા છે. તો સાથે રાખડીઓનો ટ્રેન્ડ પણ બદલાયો છે. હવે પહેલાંના જેવી મોટી ગોળમટોળ રાખડીઓની જગ્યાએ ભાઈનું નામ લખેલી કે પછી ભાઈના નામનો પ્રથમ અક્ષર લખેલી રાખડીઓનો ટ્રેન્ડ વધુ ચાલે છે. એટલું જ નહીં, પણ પ્યારા ભઈયા, ભાઈ, બ્રો, સિસ્ટ, જેવા અનેક નામ લખેલી રાખડીઓનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે.

હા, હજુ ગામડાંઓમાં ક્યાંક ગોટાઓની મજા તો ક્યાંક શ્રીફળ, સ્વસ્તિક કે પછી રુદ્રાક્ષની રાખડીઓ જોવા મળે છે, પણ શહેરમાં તો ભાઈ બહેનો યો..યો રાખડીઓથી લઈને જરા હટકે રાખડીઓ લેવી અને બાંધવી પસંદ કરે છે. એટલું જ નહીં, હવે તો ભાઈ-બહેન સાથે જ રાખડીની શૉપિંગ કરવા જાય છે. પહેલાં તો બહેન કેવી રાખડી લાવશે તેવું ભાઈઓ વિચારતા હતા, પણ હવે એવું નથી રહ્યું. સાસરેથી આવનારી બહેનો ઓનલાઇન રાખડી બતાવી ભાઈને પસંદ આવે તેવી જ રાખડી લેવાનું પસંદ કરે છે.

ગુંજન શાહ કહે છે, ‘મારો ભાઈ સ્ટડી માટે યુએસએ ગયો છે. માટે મેં તેને ઓનલાઇન  રાખડી પસંદ કરાવી અને તેના નામની જ ચાંદીમાં રાખડી બનાવીને મોકલી દીધી છે. હવે રાખડીઓનો નવો ટ્રેન્ડ શરૃ થયો છે જે અમને ગમે પણ છે.’ જ્યારે જન્મેજય બ્રહ્મભટ્ટ કહે છે, ‘હું ગોવામાં અભ્યાસ કરું છું અને મારી સિસ્ટર દિલ્હીમાં અભ્યાસ કરે છે. સાચું કહું તો આ દિવસે હું મારી બહેનને ખૂબ જ મિસ કરું છું. પ્રયત્ન કરું છું કે તેના હાથે રાખડી બંધાઉં, પણ જો એ શક્ય ન બને તો તે મને સારામાં સારી રાખડી મોકલે છે. આ વર્ષે તે મારા નામના પ્રથમ અક્ષરની રાખડી મોકલવાની છે.’

‘ઈસે સમજો ના રેશમ કા તાર ભૈયા, મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા.’ ગમે તેવો નવો ટ્રેન્ડ આવે, પણ બહેન પોતાના ભાઈને જે રાખડી બાંધે છે તેમાં પ્રેમ અને આશીર્વાદ હોય છે. જ્યારે ભાઈની પણ એ જ ભાવના હોય છે કે બહેનની હંમેશાં રક્ષા કરે, તેની મદદ માટે સતત તૈયાર રહે. માટે જ તો રક્ષાબંધન પર લખાયેલા એક-એક શબ્દો ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરે છે.
————–

ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment