હોમ સ્ટે પૉલિસી – ઘરથી દૂર ઘર જેવી મજા

દર વર્ષે ગુજરાત આવતા પ્રવાસીઓમાં ધીરે-ધીરે ભરતી આવી રહી છે.

ટૂરિઝમ – નરેશ મકવાણા

ગુજરાત પ્રવાસીઓને કાયમ આકર્ષતું રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓની જરૃરિયાતોને ધ્યાને લઈને તંત્ર દ્વારા પણ સમયાંતરે ફેરફારો થતાં રહે છે. આવો જ એક નવો પ્રયત્ન એટલે ‘હોમ સ્ટે પૉલિસી.’ જે અંતર્ગત રાજ્યનાં મહત્ત્વનાં સ્થળોની મુલાકાતે આવતાં પ્રવાસીઓને મળી રહેશે ઘરથી દૂર એક પોતાનું ઘર…

ગુજરાત પહેલેથી જ ફરવાના શોખીનો માટે ગમતો વિસ્તાર રહ્યું છે. દર વર્ષે ગુજરાત આવતા પ્રવાસીઓમાં ધીરે-ધીરે ભરતી આવી રહી છે. ઋતુ કોઈ પણ હોય ગુજરાતમાં તેને અનુરૃપ કોઈ ‘ને કોઈ પ્રવાસન સ્થળ મળી જ આવે છે. સમસ્યા એ છે કે કેટલાંક સ્થળોએ ઘણીવાર પ્રવાસીઓને યોગ્ય ઉતારો મળતો ન હોવાની ફરિયાદો ઊઠતી હોય છે. મોટી હોટલોનાં તગડાં ભાડાં અને સામે વાજબી હોટલોનો અભાવ ગુજરાત આવતા પ્રવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. બીજો પ્રશ્ન એ છે કે જાણીતાં પ્રવાસન સ્થળોએ પણ મોટા ભાગે બહારના લોકો આવીને ધંધા-રોજગાર સ્થાપી દેતા હોય છે. જેના કારણે રોજગારીની સ્થાનિકોની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો હોતો નથી. પ્રવાસન સ્થળ તરીકેના પોતાના જ વતનનો તેમને ભાગ્યે જ લાભ મળે છે. આ બેવડી સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ‘હોમ સ્ટે પૉલિસી’ જાહેર કરી છે. જેમાં આ બંને સમસ્યાઓનું સમાધાન થાય તેવા પ્રયત્નો કરાયા છે.

ભારતીય અને વિદેશી પ્રવાસીઓને ગુજરાતની ઓળખ સમાન ક્યાંય ન મળે તેવી મહેમાનગતિનો અનુભવ કરાવવાના પ્રયાસો આ પૉલિસીમાં હાથ ધરવામાં આવ્યા છે. હોમ સ્ટે પૉલિસીનો ઉદ્દેશ છે કે રાજ્યની દૈનિક જીવનશૈલી તથા સંસ્કૃતિથી આગંતુક પરિચિત તેની સાથે સ્થાનિકોને રોજગારી પણ મળે. આ માટે ગુજરાત ટૂરિઝમ દ્વારા હોમ સ્ટે પૉલિસીનું બે કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, ગોલ્ડ અને સિલ્વર. પ્રવાસન વિભાગની વેબસાઈટ પર હોમ સ્ટે પૉલિસીને લગતી તમામ વિગતો ઉપલબ્ધ છે. જેને અનુરૃપ કોઈ પણ વ્યક્તિ નક્કી કરેલા પ્રવાસન સ્થળોની આસપાસ પોતાનું ઘર હોમ સ્ટે પૉલિસીમાં રજિસ્ટર્ડ કરાવી શકે છે. શરત એટલી કે પ્રવાસન વિભાગે નક્કી કરેલી માર્ગદર્શિકામાં તે ઘર ફિટ બેસતું હોવું જોઈએ. હાલ ગુજરાતનાં દરેક મોટાં શહેરો તથા દરેક જોવાલાયક સ્થળો પર આ પ્રકારનાં ૧૨૦થી વધુ હોમ સ્ટે સુવિધા ઉપલબ્ધ છે. આ શહેરોમાં અમદાવાદ, ગીર, સોમનાથ, જૂનાગઢ, ભુજ, ગાંધીનગર, વડોદરા, સુરત વગેરેનો સમાવેશ થાય છે. તમે ચાહો તો ગુજરાત ટૂરિઝમની વેબસાઈટ પર જઈને પણ તેની માહિતી મેળવી શકો છો. સાથે જ પ્રવાસનું આયોજન કરતા હો તો આ હોમ સ્ટેમાંથી પસંદગી કરીને રાત્રિરોકાણ કરી શકો છો.

ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર જેનુ દેવન હોમ સ્ટે પૉલિસી વિશે વાત કરતાં કહે છે, ‘અમારો પ્રયત્ન ગુજરાત આવતા પ્રવાસીઓને આગવી સુવિધાઓ મળી રહે તેવો છે. જેના ભાગરૃપે હોમ સ્ટે પૉલિસી જાહેર કરવામાં આવેલી છે. આ પૉલિસી અંતર્ગત પ્રવાસીઓને ઘરથી દૂર એક ઘર મળી રહેશે. તો સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે. તેમને રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરવાની ફરજ નહીં પડે.’

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત ઐતિહાસિક વારસો અને સંસાધનોથી સમૃદ્ધ છે. આપણી પાસે પ્રવાસન ક્ષેત્રનો મોટો ગૌરવપૂર્ણ વારસો છે. જેમાં કિલ્લાઓ, મહેલો, સ્મારકો, વાવ, ઝરણાં અને ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ઉપરાંત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસો સામેલ છે. રાજ્યની ત્રણ સાઈટ્સની યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં નોંધ લીધી છે. પાવાગઢ-ચાંપાનેરનો પુરાતત્ત્વીય વિસ્તાર, પાટણની રાણકી વાત જેને હાલમાં જ રિઝર્વ બેન્કે ચલણી નોટ પર પણ સ્થાન આપ્યું છે અને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ. આ સિવાય એવા કેટલાય વિસ્તારો છે જ્યાં સતત પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. આવા સ્થળોએ બહારથી આવતાં પૈસાદાર લોકો ત્યાં હોટલ બિઝનેસ અને ખાણીપીણીની હાટડીઓ ખોલીને તગડી કમાણી કરી લેતા હોય છે જ્યારે સ્થાનિકોના હાથમાં કશું આવતું નથી. આવી સ્થિતિમાં સ્ટે હોમ પૉલિસીથી ખરેખર સ્થાનિકોને ફાયદો થાય છે કે મળતિયાઓને તેના પર નજર રહેશે.
————————

નરેશ મકવાણા
Comments (0)
Add Comment