ગુજરાતઃ અટલજીના સંસ્મરણો

અટલજીએ આપી ભુજને અટલ હૉસ્પિટલ

અટલજીએ આપી ભુજને અટલ હૉસ્પિટલ
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજી હવે આપણી વચ્ચે  સદેહે નથી રહ્યા, પણ તેમનાં કાર્યોની યાદ હંમેશાં આપણી વચ્ચે રહેશે. અટલજી સમગ્ર ભારતના ખૂણે ખૂણે જઈ ચૂક્યા હતા. તેઓ કચ્છમાં સૌ પ્રથમ કચ્છ સત્યાગ્રહ વખતે આવ્યા હતા અને દિવસો સુધી અહીં રોકાયા હતા. એ પછી ૨૦૦૧માં કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ગણતરીના દિવસોમાં કચ્છની મુલાકાતે કચ્છના લોકોને ધરપત આપવા દોડી આવ્યા હતા. કચ્છ આવીને તેમણે પહેલું કામ ભૂકંપગ્રસ્ત કચ્છમાંથી હિજરત રોકવાના હેતુથી કચ્છમાં આવનારા ઉદ્યોગો માટે પાંચ વર્ષ માટે ‘ટેક્સ હોલિ-ડે’ની જાહેરાત કરી હતી.

તેથી કચ્છમાં અનેક ઉદ્યોગોના પગરણ થયા અને હજારો લોકોને તેથી રોજી મળી. વાજપેયીની આ જાહેરાતના પગલે જ કચ્છ આજે ઉદ્યોગોથી ધમધમે છે. ભૂકંપમાં કચ્છની સૌથી મોટી સહકારી હૉસ્પિટલ જી.કે. જનરલ હૉસ્પિટલ પડીને પાધર થઈ ગઈ હતી. ભૂકંપમાં ઘવાયેલાઓને સારવાર આપવા માટે જ્યુબિલી ગ્રાઉન્ડમાં ખુલ્લામાં તાત્કાલિક ઓપન હૉસ્પિટલ શરૃ કરવી પડી હતી અને ગણતરીના દિવસોમાં એ સ્થળે પ્રિફેબ્રિકેટેડ હૉસ્પિટલ ઊભી કરાઈ હતી. અટલજીએ ભુજ આવીને જી.કે. જનરલ હૉસ્પિટલની જગ્યાએ ૧૦૦ કરોડ રૃપિયાના ખર્ચે અદ્યતન હૉસ્પિટલ વડાપ્રધાનના ફંડમાંથી બનાવવાની જાહેરાત કરી હતી. આ હૉસ્પિટલ બંધાઈને સાધનો સહિત સજ્જ થઈ ત્યારે એનો ખર્ચ લગભગ પોણા બસો કરોડ જેટલો થઈ ગયો હતો. તેમાં ૪૫ કરોડના આધુનિક ઉપકરણોનો સમાવેશ થતો હતો. જોકે એ જુદી વાત છે કે ગુજરાત સરકાર આ હૉસ્પિટલનો યોગ્ય ઉપયોગ ન કરી શકી અને અદાણી જૂથને ચલાવવા આપી દીધી છે. અટલજીની ઇચ્છા આ હોસ્પિટલનું સંચાલન એઈમ્સને સોંપવાની હતી.
———————————————-.

અટલજી પ્રવાસ કરતા તે કાર આજેય સાચવી રાખી છે
રાજકોટમાં ભાજપના એક કાર્યકરે અનોખી રીતે અટલજીની યાદગીરીને સાચવી રાખી છે. બે દાયકા પહેલાં રાજકોટ ભાજપના મહામંત્રી રહી ચૂકેલા મુકેશભાઈ ડાંગર અટલજી જ્યારે રાજકોટ આવતા હતા ત્યારે તેમને જાતે પોતાની એમ્બેસેડર કાર ચલાવી સોૈરાષ્ટ્રના પ્રવાસ લઈ જતા હતા. મુકેશભાઈ કહે છે, ‘અટલજી મારી સાથે જ્યાં જવાનું હોય તેની પૂરી જાણકારી કારમાં જ મેળવી લેતા હતા. રસ્તામાં સાદું જમવાનું પસંદ કરતા હતા. ચારેક વખત તેઓ મારી કારમાં પ્રવાસ કરી ચૂક્યા છે, એ મોટી યાદગીરી હોવાથી હું મારી આ જૂની કાર વેચતો નથી. હાલ મારી વાડીએ અટલજીની સ્મૃતિ તરીકે સાચવીને રાખી છે.’
——————–

અટલ બિહારી વાજપેયીકવર સ્ટોરી - દેવેન્દ્ર જાનીશ્રદ્ધાંજલિ
Comments (0)
Add Comment