ટૉપ એફએમઃ નાનાં શહેરોને નજરાણું

હવે 'ટૉપ એફએમ' સાથે સમભાવ ગ્રૂપ સંપૂર્ણ મીડિયા હાઉસ બની ગયું છે.

મનોરંજન – હિંમત કાતરિયા

‘ટૉપ એફએમ’ના પ્રારંભ સાથે જ ‘સમભાવ’ ગ્રૂપ મીડિયાનાં તમામ માધ્યમોનો સંપુટ બન્યું છે. ‘સમભાવ’ના ગુજરાતના નંબર-૧ સામયિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમભાવ મેટ્રો’ પાસે વાચકો છે, ‘Vtv’ અને ‘WISE’ ટીવી પાસે દર્શકો છે. શ્રોતાઓની કમી હતી તે હવે ‘ટૉપ એફએમ’ પુરી કરી રહ્યું છે. ‘સમભાવ ગ્રુપ’ કુલ ૧૩ એફએમ સ્ટેશન શરૃ કરવા જઈ રહ્યું છે. ગુજરાતનાં આઠ મહાનગરોથી નાનાં કદનાં ટિયર-૨ આઠ શહેરો જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગોધરા, વેરાવળ, પોરબંદર, ભરૃચ અને મહેસાણા તેમજ જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેરો લેહ, કારગિલ, કઠુઆ, પુંચ અને ભદેરવાહમાં હવે શહેરનું પોતાનું એફએમ ટૉપ એફએમ ગુંજશે.

તેમાંથી ગત ૪ ઑગસ્ટે અમદાવાદની વાયએમસીએ ક્લબમાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના રાજ્ય અને દેશના અગ્રણીઓની હાજરીમાં પ્રાથમિક તબક્કાના ગુજરાતનાં ૩ ‘ટૉપ એફએમ’ સ્ટેશન ૧૦૫.૨ ભરૃચ, ૯૩.૫ પોરબંદર અને ૯૩.૫ વેરાવળનો ઉદ્દઘાટન વિધિ યોજાઈ ગયો. આ તબક્કે ‘સમભાવ ગ્રૂપ’ના સીએમડી કિરણ વડોદરિયાએ નાનાં શહેરોમાં રેડિયોની મહત્તા બતાવતા કહ્યું કે, ‘મહાનગરોમાંં તો રેડિયો, એફએમની લોકપ્રિયતા સાબિત થઈ ગઈ છે. હવે સમય નાનાં શહેરોનો આવશે. અમે જે ગુજરાતના આઠ ટિયર-૨ સિટીમાં ટૉપ એફએમ શરૃ કરવા જઈ રહ્યા છીએ તે હિસાબે ટૉપ એફએમ ગુજરાતની ૨૦ ટકા વસ્તીને પોતાના નેટવર્કમાં આવરી લેશે. અત્યાર સુધી ‘સમભાવ’ ન્યૂઝ મીડિયા હતું, હવે તે મીડિયા એન્ડ ઍન્ટર્ટેઇનમૅન્ટ ઑર્ગેનાઇઝેશન બન્યું છે. અમે જમ્મુ-કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં ટૉપ એફએમનાં પાંચ સ્ટેશનો શરૃ કરવાનું સાહસ કરવા જઈ રહ્યા છીએ. તેમાં અમારી પ્રાથમિકતા, ત્યાંના ઓડિયન્સને હિન્દી ભાષા સાથે જોડવાની છે.’

આ તબક્કે કિરણભાઈએ તેમના પિતા અને ‘સમભાવ’ના સ્થાપક લેખક, પત્રકાર ભૂપતભાઈ વડોદરિયાને યાદ કર્યા અને તેમના વચનને ગૌરવપૂર્વક દોહરાવતા કહ્યું હતું કે, ‘ભૂપતભાઈનો હંમેશાં એવો આગ્રહ રહેતો કે આપણે ગમે તેવી સ્થિતિમાં પણ વિશ્વસનીયતા જાળવી રાખવી. અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે ત્યારે અમે અમારા સ્થાપકની એ સલાહનો પૂરેપૂરો અમલ થાય તેવી કોશિશ કરી રહ્યા છીએ.’

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પણ પ્રાસંગિક પ્રવચનનો પ્રારંભ ભૂપતભાઈને યાદ કરીને કર્યો હતો. મુખ્યમંત્રીએ રેડિયો સિલોન અને સેલેબ્રિટી ઉદ્ઘોષક અમીન સાયાનીને યાદ કરીને રેડિયોની મહત્તા જણાવતા કહ્યંુ કે, ‘સવાસો વર્ષ જૂનો રેડિયોનો ઇતિહાસ છે અને આજે દુનિયાના ૫૫ ટકા લોકો રેડિયો સાથે જોડાયેલા છે. મનોરંજનનાં અનેક નવાં સ્વરૃપોના આગમન વચ્ચે પણ રેડિયોએ પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે, બલ્કે એફએમ રેડિયો વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યા છે.’ મુખ્યમંત્રીએ એફએમના રેડિયો જોકીના નવા નવા નુસખા અને તેમાં તેમને મળી રહેલી સફળતાને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ ટૉપ એફએમની ટૅગલાઇન ‘જબ સૂનો, ટૉપ સૂનો’ની પુનરુક્તિ કરી ટૉપ એફએમ શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન બાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે હળવી શૈલીમાં મુલાકાત ટૉપ એફએમના આર.જે. સીડે કરી હતી. બાદમાં ગુજરાતનાં આઠેય શહેરના આર.જે.ને સ્ટેજ પર તેમની પોતાની સ્ટાઇલમાં, તેમના વિસ્તારની લઢણ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ મેઘધનુષે ગુજરાતી અને હિન્દી ગીતોની પ્રસ્તુતિ સાથે સંગીતની રંગછટા ઉમેરી હતી.
—–.

ગુજરાતમાં રેડિયો યુગ.ટોપ એફએમરેડિયો સ્ટેશનસમભાવ મીડિયાનું સાહસ
Comments (0)
Add Comment